Friday, June 20, 2025
More
    હોમપેજસ્પેશ્યલશું હવે ડ્રોનથી જ થશે યુદ્ધ, નકામા બની જશે મોટા-મોટા લડાકુ વિમાન:...

    શું હવે ડ્રોનથી જ થશે યુદ્ધ, નકામા બની જશે મોટા-મોટા લડાકુ વિમાન: રશિયા-યુક્રેનથી લઈને ઑપરેશન સિંદૂર સુધી, જાણો કઈ રીતે બદલાઈ રણભૂમિની તસવીર

    ડ્રોન યુદ્ધનો યુગ આવી ગયો છે. જે દેશો તે મુજબ પોતાની કાર્યશૈલી બદલશે, તે નેતૃત્વ કરશે. જે દેશો તેને સ્વીકારશે નહીં તેઓ પોતાના વિનાશને આમંત્રણ આપશે.

    - Advertisement -

    ફિલ્મ ટોપ ગનમાં એડ હેરિસનું મેવેરિક પાત્ર ટોમ ક્રૂઝને કહે છે કે, “આ વિમાનો જેનું તમે પરીક્ષણ કરી રહ્યા છો, કેપ્ટન. એક દિવસ તેને પાયલોટની જરૂર જ નહીં પડે. પાયલોટને સૂવાની, ખાવાની, શૌચાલય જવાની જરૂર પડે છે. પાયલોટ ક્યારેક આદેશોનો અનાદર પણ કરે છે. તમે બસ તે લોકો માટે માત્ર કેટલોક સમય ખરીદ્યો છે.” આ જીમ કેશ અને જેક એપ્સ જુનિયર દ્વારા લખાયેલી માત્ર એક પંક્તિ નહોતી, તે એક ભવિષ્યવાણી હતી.

    બોર્ડર ફિલ્મમાં જેકી શ્રોફ દ્વારા ભજવાયેલ વિંગ કમાન્ડર એન્ડી બાજવા, સની દેઓલ દ્વારા ભજવાયેલ મેજર કુલદીપ સિંઘ ચાંદપુરીને કહે છે કે, વાયુસેના જ દુશ્મનને તેમના પોતાના વિસ્તારમાં મારી શકે છે. એક સમય હતો જ્યારે આ હકીકત હતી. કારગિલ યુદ્ધમાં વાયુસેનાએ પાકિસ્તાની ચોકીઓ અને બંકરોને નષ્ટ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

    યુદ્ધની વાર્તાઓ અને ફિલ્મોની પટકથાઓ વાસ્તવિક જીવનના અનુભવો પર આધારિત હોય છે, પરંતુ ટેકનોલોજી ઝડપથી બદલાઈ ગઈ છે. હવે સસ્તા ડ્રોન યુદ્ધના મેદાનમાં ખૂબ જ અસરકારક હથિયાર બની ગયા છે.

    - Advertisement -

    દુનિયાભરમાં યુદ્ધની રીત બદલાઈ રહી છે. કોકપીટ ડોગફાઇટ્સમાં નહીં, પરંતુ કન્ટેનર, ટ્રક, ગુફાઓ અને બંકરોથી થતા હુમલાઓમાં છે. ડ્રોન, રખડતા શસ્ત્રો, FPV, એવા મશીનો જે સૂતા નથી, ખાતા નથી કે પ્રશ્નો પૂછતા નથી. તે માત્ર આજ્ઞા પાળે છે અને હવે યુદ્ધની વાર્તાઓ પણ લખે છે.

    ડ્રોન યુદ્ધનો યુગ આવી ગયો છે. હવે મોટો પ્રશ્ન એ છે કે શું હવે ફાઇટર વિમાનો મ્યુઝિયમની શોભા વધારશે? યુક્રેન-રશિયા યુદ્ધમાં એક નવું ચિત્ર ઉભરી આવ્યું છે. યુક્રેનના ડ્રોને રશિયામાં વિનાશ વેર્યો છે. હાઇટેક રાફેલ, એફ-35, મિગ એન્જિન કે સુખોઇની ગર્જના ભૂલી જાઓ. રશિયા-યુક્રેન યુદ્ધે ઇતિહાસમાં યુદ્ધની એક નવી વાર્તા લખી છે. તેમાં સસ્તા ડ્રોન અને સસ્તા FPV ક્વાડકોપ્ટરોએ ન માત્ર ઑપરેશનને અંજામ આપ્યો, પણ તેને પરિભાષિત પણ કર્યું.

    અચાનક વિશ્વભરના દેશોએ એવા ડ્રોન ખરીદવાનું શરૂ કરી દીધું છે જે સસ્તા, સચોટ અને જોખમમુક્ત રીતે ફાઇટર જેટ અને મોંઘી મિસાઇલોનું કામ કરી શકે છે.

    એવું નથી કે ડ્રોન ક્યારેય યુદ્ધનો ભાગ રહ્યા નથી. યુનાઇટેડ સ્ટેટ્સ અને અન્ય પશ્ચિમી દેશો સીરિયા સહિત મધ્ય-પૂર્વના દેશો પર હુમલો કરવા માટે તેનો ઉપયોગ કરતાં રહ્યા છે. જોકે, તેઓ જે ડ્રોનનો ઉપયોગ કરે છે તે મોંઘા છે અને મેળવવા મુશ્કેલ છે. હાલમાં ઉપયોગમાં લેવાતા ડ્રોન ફાઇટર જેટ કરતાં ઘણા સસ્તા છે.

    ડ્રોન હવે સહાયક હથિયાર નથી, યુદ્ધ વિજેતા છે

    યુદ્ધના શરૂઆતના દિવસોથી તૂર્કીના બાયરકટર TB2એ યુક્રેનને રશિયન સશસ્ત્ર વાહનોનો નાશ કરવામાં મદદ કરી. બદલો લેવા માટે રશિયાએ યુક્રેનિયન શહેરોને નિશાન બનાવવા ઈરાની શાહેદ-136 ડ્રોન લૉન્ચ કર્યાં હતા. ત્યારબાદ ગ્રેનેડથી સજ્જ કોમર્શિયલ રેસિંગ ડ્રોનનો ઉપયોગ શરૂ થયો હતો. આ માત્ર ત્યારે જ વિસ્ફોટ કરે છે, જ્યારે ટાર્ગેટની પુષ્ટિ થાય. યુદ્ધ શરૂ થયું ત્યારથી રશિયા અને યુક્રેન બંનેએ સેંકડો વિડીયોઝ શેર કર્યા છે, જેમાં દર્શાવવામાં આવ્યું છે કે, સસ્તા ડ્રોન કેવી રીતે દુશ્મનને સફળતાપૂર્વક ઠાર કરે છે. 

    તાજેતરમાં જ યુક્રેને ‘ઑપરેશન સ્પાઇડરવેબ’માં બતાવ્યું કે ડ્રોન યુદ્ધ થોડા દિવસોમાં કેટલું વિકસિત થયું છે. યુક્રેને લગભગ દોઢ વર્ષ પહેલાં રશિયાની અંદર સ્થિત એરબેઝ પર હુમલો કરવાની તૈયારી શરૂ કરી દીધી હતી. લાકડાના કન્ટેનર અને મોબાઇલ કેબિનમાં છુપાવીને ડ્રોન રશિયામાં ઘૂસાડવામાં આવ્યા હતા. હુમલા દરમિયાન આ કન્ટેનરોની છત રિમોટથી ખોલવામાં આવી હતી. ડ્રોને રશિયન વિમાનો પર સટીક હુમલા કર્યાં હતા. હવે સરહદ પાર હુમલો કરવા માટે કોઈ જેટની જરૂર નથી. ફક્ત આયોજન, ધીરજ અને લેપટોપની જરૂર છે. આ કોઈ સાયન્સ ફિક્શન નથી. આ ડ્રોન યુદ્ધની એક નવી રીત છે.

    ભારતના ‘ઑપરેશન સિંદૂરે’ આપ્યો સંદેશ

    તાજેતરમાં જ પહલગામ આતંકવાદી હુમલા પછી ભારતે પાકિસ્તાન વિરુદ્ધ ઑપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. પહલગામમાં 26 નિર્દોષ હિંદુઓએ જીવ ગુમાવ્યા હતા. ભારતે પાકિસ્તાન અને PoKમાં આતંકવાદી ઠેકાણાંઓ પર હુમલો કર્યો હતો. આ પછી પાકિસ્તાને તેના સાથી દેશો પાસેથી મેળવેલા ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. ભારતીય નાગરિકો અને લશ્કરી છાવણીઓ પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ, ભારતીય વાયુ રક્ષા પ્રણાલીએ તેને અટકાવી દીધો હતો.

    ત્યારબાદ સમય હતો ભારતની જવાબી કાર્યવાહીનો. ભારતીય સશસ્ત્રદળોએ ભારતમાં બનાવેલા FPV ડ્રોન, હેરોન UAV અને ટેક્ટિકલ લોઇટરિંગ મુનિશન પર ખૂબ ભરોસો કર્યો હતો. ભારત દ્વારા બનાવેલા લોઇટરિંગ મુનિશન JM-1એ પણ ઑપરેશનમાં પોતાની ક્ષમતા સાબિત કરી છે. હાઇ રિઝોલ્યુશન ડ્રોન સર્વેલન્સ સિસ્ટમનો ઉપયોગ કરીને લક્ષ્યોનું મેપિંગ કરવામાં આવ્યું. ગુપ્તચર ઇનપુટ્સ સાથે ક્રોસ વેરિફાઇડ કરવામાં આવ્યું અને પછી ચોકસાઇથી હુમલા કરવામાં આવ્યા.

    આ સાથે જ ભારતીય મિસાઇલોએ પાકિસ્તાની એરબેઝનો પણ નાશ કર્યો હતો. આ દરમિયાન ભારતીય નકલી ડ્રોને પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, ખાસ કરીને ભારતીય લડાકુ વિમાનો જેવા દેખાતા આ ડ્રોને પાકિસ્તાની હવાઈ સંરક્ષણ પ્રણાલીને મૂંઝવણમાં મૂકી દીધી હતી. 

    અઝરબૈજાન-આર્મેનિયા યુદ્ધમાં ડ્રોનનો ઉપયોગ

    યુક્રેન-રશિયા યુદ્ધ પહેલાં 202ના  નાગોર્નો-કારબાખ યુદ્ધમાં પ્રથમ વખત માનવરહિત ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તૂર્કીના બાયરક્ટર TB2 ડ્રોનથી સજ્જ અઝરબૈજાને આર્મેનિયન સેનાને પરાજિત કરી હતી. અહેવાલ મુજબ અઝરબૈજાને હવાઈ સંરક્ષણ પ્રણાલીઓની માહિતી મેળવવા માટે ‘બેટ ડ્રોન’નો ઉપયોગ કર્યો હતો અને પછી તેમને નષ્ટ કરવા માટે આધુનિક ડ્રોનનો ઉપયોગ કર્યો હતો.

    ફક્ત 44 દિવસમાં આર્મેનિયાએ સેંકડો ટેન્ક, આર્ટિલરી અને મોબાઇલ એર ડિફેન્સ યુનિટ ગુમાવ્યા. તેમાંથી ઘણા ડ્રોન દ્વારા રેકોર્ડ કરાયેલા ફુલ એચડી ફૂટેજમાં નાશ પામ્યા.

    હરતા-ફરતા હથિયાર

    MQ 9 રીપર જેવા ડ્રોન લક્ષ્ય પર હુમલો કર્યા પછી ઘરે પાછા ફરે છે. જોકે, હરતા-ફરતા શસ્ત્રો, અથવા LM, રાહ જોવા માટે રચાયેલ છે. તે એક સાધુની ધીરજ અને ફિદાયીન જેવા સ્વભાવ સાથે ઉડતા સ્નાઈપર્સ જેવા છે. એકવાર લૉન્ચ થયા પછી તેઓ ક્યારેક યુદ્ધભૂમિની ઉપર કલાકો સુધી ચક્કર લગાવે છે, હરકતોને સ્કેન કરે છે. સૈનિકો, ટેન્કો અથવા રડારનું જૂથ સિગ્નલ પર લોક થાય ત્યાં સુધીમાં તેઓ ચેતવણી વિના ટાર્ગેટનો નાશ કરી શકે છે. તેનાથી બચવું ખૂબ મુશ્કેલ છે. 

    ભારતના નાગસ્ત્ર-1ની કિંમત ફક્ત 5,500 ડોલર અથવા આશરે ₹4.69 લાખ છે. જ્યારે એક રાફેલની કિંમત આશરે 242 મિલિયન ડોલર છે. એટલે કે એક રાફેલની તુલનામાં ભારત તે જ કિંમતે તેના શસ્ત્રાગારમાં 44,000 નાગસ્ત્ર-1 ડ્રોન ઉમેરી શકે છે.

    ઇઝરાયેલ જેવા દેશોએ હારોપ જેવી સિસ્ટમો સાથે ટેકનોલોજીનો પાયો નાખ્યો હતો, પરંતુ હવે ઇરાનના શાહેદ 131 અને 136 પણ સ્પર્ધા આપી રહ્યા છે. યુદ્ધો હવે હવાઈ લડાઇમાં રોકાયેલા ફાઇટર જેટથી લડવામાં આવતા નથી. તે ઉપરથી દેખરેખ રાખતા ડ્રોનથી લડવામાં આવે છે અને લડાતાં રહેશે.

    મુખ્ય યુદ્ધ ડ્રોન પર એક નજર

    ભવિષ્યમાં નવી વાયુસેનાને અબજો ડોલરના જેટ, વિશાળ રનવે અને પાયલોટની જરૂર નહીં હોય, જેને યુદ્ધ માટે તાલીમ આપવામાં વર્ષો લાગી જાય છે. તે માંગ મુજબ શિપિંગ કન્ટેનર અને લૉન્ચમાં ફિટ થાય છે.

    બાયરકટર TB2 એ તૂર્કીમાં બનેલું ડ્રોન છે જે સસ્તું, કેમેરાથી સજ્જ અને ઘાતક છે. તેનો ઉપયોગ સીરિયા, લિબિયા, યુક્રેન અને અઝરબૈજાનમાં થયો છે.

    બાયરક્ટર

    શાહેદ 136 અને 131 એ ઈરાની બનાવટના કામિકાઝ ડ્રોન છે, જે યમનથી રશિયા સુધીના દેશોમાં વેચાય છે. તે અવિશ્વસનીય છે પરંતુ જૂથોમાં ઉપયોગમાં લેવાતી વખતે ખતરનાક છે.

    શાહેદ

    MQ 9 રીપર એ યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા ઉત્પાદિત ડ્રોન છે. તે લાંબા અંતર સુધી ચાલતા અને સેટેલાઈટ સાથે જોડાયેલ હંટર-કિલર ડ્રોન છે. તે મોંઘા છે પરંતુ રેન્જ અને ચોકસાઈમાં અજોડ છે.

    MQ9

    વિંગ લૂંગ II અને CH સીરિઝ ચીની બનાવટના ડ્રોન છે, જેને બેઇજિંગનો રીપર્સને જવાબ માનવામાં આવે છે. તે આફ્રિકા અને મધ્ય પૂર્વમાં મોટાપાયે વેચાય છે.

    વિંગ

    ઇઝરાયેલ દ્વારા નિર્મિત IAI હેરોપ અને હેરોન ડ્રોન પણ અજોડ છે. હમાસ-ઇઝરાયેલ યુદ્ધમાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમની ઉડવાની ક્ષમતા નોંધપાત્ર છે.

    હારોપ

    ભારત ઘાતક અને CATS વોરિયર જેવા વિશ્વ કક્ષાના ડ્રોન પણ વિકસાવી રહ્યું છે. ભારતના નાગસ્ત્ર-1નો ઉપયોગ તાજેતરના ભારત-પાકિસ્તાન સંઘર્ષ દરમિયાન કરવામાં આવ્યો હતો.

    સૌથી સારી વાત એ છે કે, આમાંના મોટાભાગના ડ્રોન સસ્તા છે. તેમાંના કેટલાકની કિંમત મિસાઇલ કરતા પણ ઓછી છે. યુદ્ધભૂમિ હવે સૌથી મોટા લોકો અને દેશોની નથી, પરંતુ સૌથી હોશિયાર લોકો અને દેશોની છે.

    શું લડાકુ વિમાન લુપ્ત થઈ જશે? 

    ફાઇટર જેટનો સમય પૂરો થઈ ગયો છે એવું જાહેર કરવું થોડું વધારે પડતું ગણાશે. છેવટે જો થોડા હજાર ડોલરનું ડ્રોન છુપાયેલા ટ્રકમાંથી કરોડો ડોલરના વિમાનનો નાશ કરી શકે છે તો રનવે કેમ બનાવવો? જોકે, ફાઇટર જેટનો ત્યાગ કરવાનો હજુ સમય નથી આવ્યો.

    જ્યારે ઊંડા ઘૂંસપેંઠના હુમલા, હવાઈ શ્રેષ્ઠતા અને ઇલેક્ટ્રોનિક યુદ્ધની વાત આવે છે ત્યારે ફાઇટર એરક્રાફ્ટ હજુ પણ પ્રભુત્વ ધરાવે છે. તેઓ દુશ્મનનું મનોબળ તોડી નાખવા સક્ષમ છે. ફાઇટર જેટ ઝડપી મિશન કરે છે અને એવા પેલોડ વહન કરે છે જે ડ્રોન હજુ પણ સંભાળી શકતા નથી. સુખોઈ 30, રાફેલ અથવા તો ભારતના આગામી AMCAની જરૂરિયાત અને વિશ્વસનીયતા જળવાઈ રહેશે.

    ભવિષ્ય ફાઇટર પ્લેનની સાથે-સાથે ડ્રોન યુગનું હશે, એટલે કે ફાઇટર પ્લેન પરનો બોજ ઓછો થશે.

    ડ્રોન સિદ્ધાંત અથવા ડાયનાસોર સિદ્ધાંત

    દુનિયાભરની સેનાઓ માટે ખરો પ્રશ્ન એ નથી કે ડ્રોન કામ કરે છે કે નહીં. પ્રશ્ન એ છે કે શું તેઓ ડ્રોનનો ઉપયોગ કરવા માટે ઝડપથી અનુકૂળ થઈ ગયા છે કે કેમ.

    હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે, શું ભારતે વધુ રાફેલ વિમાનોમાં 1.5 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવું જોઈએ કે પછી અડધી રકમ સ્વદેશી ડ્રોન અને AI-આધારિત યુદ્ધ પ્રણાલીઓના નિર્માણમાં ખર્ચવી જોઈએ. શું ભારત પૂરતા પ્રમાણમાં ડ્રોન ઑપરેટરો, કોડર્સ અને ઇલેક્ટ્રોનિક યુદ્ધ વ્યૂહરચનાકારોને તાલીમ આપી રહ્યું છે, કે ફક્ત વધુ ફાઇટર પાયલોટ્સને? વીસમી સદીમાં જે પણ આકાશને નિયંત્રિત કરતું હતું તે યુદ્ધને પણ નિયંત્રિત કરતું હતું.

    એકવીસમી સદીમાં ડેટા પણ મહત્વપૂર્ણ છે. સાયબર સુરક્ષા, ઇલેક્ટ્રોનિક યુદ્ધ ક્ષમતાઓ, ડ્રોન સંરક્ષણ ગ્રીડ અને સ્વાયત્ત હત્યા પ્રાધિકરણ હવે લશ્કરી જરૂરિયાતો બની ગઈ છે, લકઝરી નહીં. 

    હવે ગર્જનાનો નહીં, મૌન આક્રમણનો છે સમય

    એક સમય હતો જ્યારે યુદ્ધની જીતનો અવાજ આકાશમાં ગર્જના કરતા જેટ એન્જિનના રૂપમાં ગુંજી ઉઠતો હતો. દુશ્મનોના હ્રદયને આ અવાજ કંપાવી દેતો હતો. પણ હવે યુદ્ધભૂમિ ગર્જના નથી કરતી. તે માત્ર મૌન હરકત કરે છે. યુદ્ધભૂમિ પર સૈનિકો દ્વારા સાંભળવામાં આવતા પ્રોપેલર્સના મચ્છર જેવા અવાજ તેમને બેસીને તેમના ભાગ્યની રાહ જોવા માટે મજબૂર કરે છે. રશિયા યુક્રેન યુદ્ધમાં આ જ જોવા મળ્યું છે.

    ફાઇટર વિમાનો ખતમ થયા નથી અને તેઓ લાંબા સમય સુધી ખતમ થવાના પણ નથી. જોકે, તેની સર્વોપરિતાને ડ્રોને પડકાર ફેંક્યો છે. તેઓ હવે હવામાં એવા મશીનો સાથે કામ કરે છે જે શ્વાસ લેતા નથી, ઝબકતા નથી અને અચકાતા નથી. ડ્રોન ધ્વનિ અવરોધ તોડતા નથી. તેઓ પરંપરાગત યુદ્ધના નિયમો તોડે છે.

    ડ્રોન યુદ્ધનો યુગ આવી ગયો છે. જે દેશો તે મુજબ પોતાની કાર્યશૈલી બદલશે, તે નેતૃત્વ કરશે. જે દેશો તેને સ્વીકારશે નહીં તેઓ પોતાના વિનાશને આમંત્રણ આપશે અને તેઓ સંપૂર્ણ હાઇ ડેફિનેશનમાં રિપ્લે જોશે, જે તે જ ડ્રોન દ્વારા ફિલ્માવવામાં આવ્યા હતા, જેણે યુદ્ધના મેદાનમાં તેમના સાથીઓને મારી નાખ્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં