હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિવૈદિક સૂર્ય ઉપાસનાથી આધુનિક પરંપરા સુધી: શું છે મોઢેરા સૂર્ય મંદિરમાં ઉજવાતો...

વૈદિક સૂર્ય ઉપાસનાથી આધુનિક પરંપરા સુધી: શું છે મોઢેરા સૂર્ય મંદિરમાં ઉજવાતો ‘ઉત્તરાર્ધ મહોત્સવ’, પ્રાચીન ધર્મગ્રંથોમાં દર્શાવાયું છે મહત્વ

આ મહોત્સવ દર્શાવે છે કે ભારતીય સભ્યતામાં સમય માત્ર 'કેલેન્ડર' નથી, પરંતુ સંસ્કૃતિનો અભિન્ન ભાગ છે અને સૂર્ય મંદિર માત્ર અતીતની ઇમારત નથી, પરંતુ આજે પણ જીવંત પરંપરાનું કેન્દ્ર છે.

- Advertisement -

ગુજરાતનાં ઐતિહાસિક મોઢેરા સૂર્ય મંદિરમાં 17 અને 18 જાન્યુઆરી 2026ના રોજ બે દિવસીય ‘ઉત્તરાર્ધ મહોત્સવ’નું આયોજન થઈ રહ્યું છે. શાસ્ત્રીય નૃત્યોની ગુરુ-શિષ્ય પરંપરા અને સૂર્ય આરાધનાને સમર્પિત આ આયોજનમાં ઓડિસી, ભરતનાટ્યમ, કથ્થક, મણિપુરી, કુચીપુડી, કથકલી અને સત્રિયા જેવાં શાસ્ત્રીય નૃત્યોની પ્રસ્તુતિ પણ થઈ છે.

પરંતુ આ મહોત્સવનું મહત્વ માત્ર નૃત્ય કે સાંસ્કૃતિક સંધ્યા સુધી મર્યાદિત નથી. મોઢેરાનું સૂર્ય મંદિર ભારતની તે સનાતન પરંપરાનું પ્રતીક છે, જ્યાં ધર્મ, વિજ્ઞાન, ખગોળશાસ્ત્ર, કાળ-ગણના અને કળા એકબીજાથી અલગ નથી, પરંતુ એક જ જીવનદૃષ્ટિના અલગ-અલગ આયામ છે. ઉત્તરાર્ધ મહોત્સવ જેવા આયોજનો મોઢેરામાં યોજાય તો તે માત્ર પર્યટન કાર્યક્રમ રહેતો નથી. તે વૈદિક યુગથી ચાલી આવતી સૂર્ય ઉપાસના અને ઋતુચક્ર આધારિત ભારતીય સંસ્કૃતિનું આધુનિક સ્વરૂપ બની જાય છે.

શું છે ઉત્તરાર્ધ મહોત્સવ?

મોઢેરામાં થયેલું આ આયોજન ભારતની તે સનાતન પરંપરાની યાદ અપાવે છે જેમાં સૂર્યને જીવન, સમય અને ઋતુચક્રના અધિષ્ઠાતા દેવ તરીકે માનવામાં આવ્યા છે. આ મહોત્સવમાં અનેક શાસ્ત્રીય નૃત્યોની પ્રસ્તુતિઓ થશે. પરંતુ સવાલ એ છે કે ‘ઉત્તરાર્ધ’નો અર્થ શું થાય અને મોઢેરા સૂર્ય મંદિર સાથે તેનો શું સંબંધ છે? 

- Advertisement -

ઉત્તરાર્ધ મહોત્સવ ત્યારે યોજાય છે જ્યારે ઉત્તરાયણ પછી સૂર્યની ઉત્તર દિશા તરફની ઊર્ધ્વગતિના મધ્ય-અર્ધમાં શીત ઋતુ અંત તરફ વધે છે અને દિવસો લાંબા થવા લાગે છે. સરળ ભાષામાં સમજીએ તો ઉત્તરાર્ધ શબ્દ સંસ્કૃતમાંથી આવે છે. ઉત્તર એટલે ઉત્તર દિશા અને ‘અર્ધ’ એટલે અડધું કે મધ્યમ ભાગ. આ નામ મહોત્સવના સમયગાળા સાથે જોડાયેલું છે. તે ઉત્તરાયણ પછીના સમયમાં યોજાય છે, જ્યારે સૂર્ય ધનુ રાશિથી મકર રાશિમાં પ્રવેશ કરીને ઉત્તર તરફની ગતિ કરે છે અને તેના આરોહણના મધ્ય અથવા અડધા પડાવ (અર્ધ) પર આવે છે. 

આ સમયે શિયાળો અંત તરફ જાય છે, દિવસો ધીમે-ધીમે લાંબા થાય છે અને પ્રકૃતિમાં નવું જીવન ફૂટે છે, જે સૂર્યની જીવનદાયી શક્તિ અને પૃથ્વીના સૂર્યની આસપાસના ભ્રમણ ચક્રનું પ્રતીક છે. ભારતીય પરંપરામાં આ વાત નવી નથી કે સમયને સૂર્યની ગતિથી સમજવામાં આવે છે. આપણી સભ્યતામાં દિવસ-રાત, ઋતુ, માસ, સંવત્સર બધાનો આધાર સૂર્યની યાત્રા રહ્યો છે. આ જ કારણ છે કે ભારતમાં પર્વ-પરંપરા પણ મોટેભાગે સૂર્ય આધારિત છે, મકરસંક્રાંતિથી લઈને ઋતુ-પરિવર્તન સુધી.

અહીં સમજવાની વાત એ છે કે ‘ઉત્તરાર્ધ મહોત્સવ’નું નામ કોઈ ગ્રંથમાં એક નિશ્ચિત ધાર્મિક પર્વ તરીકે નથી આવતું, પરંતુ તેનો મૂળ ભાવ સંપૂર્ણપણે સનાતન કાળચક્ર સાથે જોડાયેલો છે, જેમાં સૂર્યને ‘સમયના અધિષ્ઠાતા’ માનવામાં આવ્યા છે. મોઢેરામાં યોજાતો આ આખો કાર્યક્રમ પણ સૂર્ય ઉપાસનાને સમર્પિત છે. 

‘અયન’ શું છે? ઉત્તરાયણ-દક્ષિણાયણની વ્યાખ્યા

ભારતીય પંચાંગ અને ધર્મ પરંપરામાં સૂર્યની ગતિના બે મોટાં ચક્ર માનવામાં આવ્યાં છે, એક ઉત્તરાયણ અને બીજું દક્ષિણાયણ.  તેને સરળ શબ્દોમાં એવી રીતે સમજી શકાય કે વર્ષના એક ભાગમાં સૂર્યનું ‘ઉત્તર દિશા તરફ’ ગમન થાય છે અને બીજા ભાગમાં ‘દક્ષિણ દિશા તરફ’ ગમન થાય છે. આ જ કારણ છે કે ઉત્તરાયણનો ઉલ્લેખ ભારતીય સમાજમાં ‘પરિવર્તનના શુભ સંકેત’ તરીકે પણ મળે છે.

મહાભારતના ભીષમપર્વમાં દેહ ત્યાગવા માટે ભીષ્મ પિતામહનું ઉત્તરાયણની પ્રતીક્ષા કરવું આ સાંસ્કૃતિક વિશ્વાસનું મોટું ઉદાહરણ છે કે ઉત્તરાયણનો સમય આધ્યાત્મિક દૃષ્ટિએ વિશેષ માનવામાં આવ્યો છે. આ ઘટના ભારતીય પરંપરામાં સમયના આધ્યાત્મિક અર્થને દર્શાવે છે. 

વૈદિક યુગથી થતી આવી છે સૂર્ય ઉપાસના

સૂર્ય-ઉપાસના ભારતમાં માત્ર લોકપ્રિય આસ્થા જ નથી, પરંતુ વૈદિક જીવનદૃષ્ટિનો મૂળ સ્તંભ રહી છે. ઋગ્વેદની પરંપરામાં (ઋગ્વેદ- 1.50.4) સૂર્યને પ્રકાશ આપનાર, જીવનને ગતિમાન રાખનાર અને માર્ગદર્શન કરનાર પ્રત્યક્ષ દેવત્વ તરીકે માનવામાં આવ્યા છે. વૈદિક ભાષામાં આ માત્ર ભૌતિક પ્રકાશ જ નથી, પરંતુ ઋતુ (Cosmic order) અને સત્યનું પ્રતીક પણ છે.

આ જ કારણ છે કે ભારતમાં સૂર્યનું સ્મરણ માત્ર પૂજા સુધી સીમિત નથી રહ્યું, પરંતુ એક પ્રકારની અનુશાસિત જીવનશૈલીનો ભાગ રહ્યું છે, જેમાં દિનચર્યા, યજ્ઞ, ઋતુ-ધર્મ અને કર્મનો તાલમેલ સામેલ છે. આ જ વૈદિક ધારાનો વિસ્તાર આગળ ચાલીને ઉપનિષદોમાં પણ જોવા મળે છે, જ્યાં સૂર્યને તેજ, પ્રાણ અને ચેતનાના પ્રતીક સ્વરૂપે જોવામાં આવ્યા છે. સૂર્ય ઉપાસનાની આ અવિરત નિરંતરતા એ સિદ્ધ કરે છે કે ભારતમાં ધર્મનો અર્થ માત્ર પંથ નથી, પરંતુ જીવન સાથેનો સમન્વય પણ છે.

પૌરાણિક પરંપરામાં પણ સૂર્યને ‘આદિત્ય’ કહેવામાં આવ્યા છે અને તેમને નવગ્રહોમાં મુખ્ય ગણવામાં આવ્યા છે. સૂર્યને માત્ર ઉષ્ણતા કે ઉર્જા તરીકે જ નહીં પરંતુ ધર્મના સાક્ષી, પ્રત્યક્ષ દેવ અને તેજના સ્ત્રોત તરીકે માનવામાં આવ્યા છે. આ કારણે સૂર્ય ઉપાસનાની પરંપરા ભારતના વિવિધ ભાગોમાં અલગ-અલગ સ્વરૂપે વિકસિત થઈ, ક્યાંક અર્ઘ્ય આપવાની, ક્યાંક ઉપાસનાની, ક્યાંક વ્રત-પરંપરાની તો ક્યાંક સૂર્ય મંદિરોની સ્થાપત્ય પરંપરાની.

મોઢેરામાં યોજાતો ‘ઉત્તરાર્ધ મહોત્સવ’ પણ આ જ સૂર્ય ઉપાસનાની પરંપરા સાથે જોડાઈને સામે આવે છે. ઉત્તરાયણ પછી જ્યારે સૂર્યની ‘ઉત્તર દિશા તરફ ઊર્ધ્વગતિ’ દરમિયાન શિયાળાનો અંત નજીક આવે છે અને દિવસો લાંબા થવા લાગે છે તે ‘અર્ધ’ અવસર પર મોઢેરા સૂર્ય મંદિરમાં આ મહોત્સવની પરંપરા રહી છે. એટલે કે આ નામ કોઈ ‘નવી કલ્પના’માંથી નથી નીપજ્યો, પરંતુ સૂર્યની ગતિ અને ઋતુ-પરિવર્તનના સાંસ્કૃતિક અર્થમાંથી પ્રેરિત છે.

મોઢેરા સૂર્ય મંદિર: ધર્મ અને વિજ્ઞાનનો સમન્વય

મોઢેરાનું સૂર્ય મંદિર ભારતની તે પરંપરાનું જીવંત ઉદાહરણ છે જ્યાં મંદિર માત્ર પૂજાસ્થળ નથી, પરંતુ ખગોળ જ્ઞાન અને સ્થાપત્ય કૌશલ્યનું કેન્દ્ર પણ હતું. સૂર્ય મંદિરોમાં દિશા, પ્રકાશ, સમય અને ઋતુનું ધ્યાન રાખવામાં આવતું હતું. આ વાત ભારતની પ્રાચીન સભ્યતા વિશે એક મહત્વનું સત્ય કહે છે કે સનાતન પરંપરામાં ‘આસ્થા’ અને ‘વિજ્ઞાન’ વચ્ચે કોઈ યુદ્ધ નહોતું. આસ્થાને વિજ્ઞાનની વિરોધી નહીં, પરંતુ સાથી માનવામાં આવી હતી. અને આ જ કારણ છે કે મોઢેરા જેવા મંદિરો આજે પણ માત્ર પથ્થરની રચના નથી, પરંતુ એક સભ્યતાગત સંદેશ છે. 

જોકે, મોઢેરાનો ઉલ્લેખ વૈદિક યુગ અને મહાભારત-રામાયણમાં પણ અન્ય નામો સાથે જોવા મળે છે. પરંતુ અહીં સૂર્ય મંદિરનું નિર્માણ 11મી સદીમાં થયું હતું. સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમ પોતાને સૂર્યવંશી માનતા હતા. તેમની આ વંશપરંપરાગત ઓળખ માત્ર રાજકીય શાસન પૂરતી સીમિત નહોતી, પરંતુ મંદિર સ્થાપત્ય અને ધાર્મિક અભિવ્યક્તિમાં પણ સ્પષ્ટ રીતે દેખાઈ આવતી હતી. તેમના શાસનકાળ દરમિયાન આ મંદિરનું નિર્માણ થયું હોવાનું માનવામાં આવે છે, જેમાં સૂર્ય ઉપાસના અને વૈદિક પરંપરાનો ઊંડો પ્રભાવ દેખાય છે. મંદિરની દિવાલો પર બાર આદિત્યોના પેનલ્સ કોતરાયેલા છે, જે વૈદિક દૃષ્ટિએ સૂર્યના વિવિધ સ્વરૂપોનું પ્રતિનિધિત્વ કરે છે અને પ્રાચીન ધાર્મિક વિચારધારાને જીવંત રાખે છે.

આ મંદિરની સ્થાપત્યકળાનું સૌથી આશ્ચર્યજનક પાસું તેની ખગોળીય ગોઠવણી છે. વસંત વિષુવના દિવસે (Equinox- જ્યારે દિવસ અને રાત સમાન હોય છે) સૂર્યના પ્રથમ કિરણો સીધા મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશે છે અને ભગવાન સૂર્યના મુકુટ પર પડે છે, જેનાથી આખું મંદિર પ્રકાશથી દેદીપ્યમાન થઈ ઉઠે છે. આ ઈજનેરી તે સમયના વૈદિક ખગોળશાસ્ત્ર અને વૈજ્ઞાનિક સમજણનું ઉત્તમ ઉદાહરણ છે. મંદિરની દિશા, રચના અને સૂર્યની ગતિ વચ્ચેનો આ સુમેળ દર્શાવે છે કે પ્રાચીન ભારતે ધર્મ, વિજ્ઞાન અને સ્થાપત્યને કેવી રીતે એકસૂત્રમાં ગોઠવ્યાં હતાં.

આજે જ્યારે મોઢેરામાં ‘ઉત્તરાર્ધ મહોત્સવ’ જેવા આયોજનો થઈ રહ્યા છે, ત્યારે તે ભારતની સૂર્ય ઉપાસના અને ઋતુચક્ર આધારિત જીવનદૃષ્ટિને આધુનિક સંદર્ભમાં જોડે છે. આ મહોત્સવ દર્શાવે છે કે ભારતીય સભ્યતામાં સમય માત્ર ‘કેલેન્ડર’ નથી, પરંતુ સંસ્કૃતિનો અભિન્ન ભાગ છે અને સૂર્ય મંદિર માત્ર અતીતની ઇમારત નથી, પરંતુ આજે પણ જીવંત પરંપરાનું કેન્દ્ર છે. મોઢેરા સૂર્ય મંદિરમાં યોજાતો ‘ઉત્તરાર્ધ મહોત્સવ’ આ જ નિરંતરતાનો ઉત્સવ છે, જ્યાં સૂર્ય ઉપાસનાની પરંપરા, ભારતીય કાળ-ગણના અને શાસ્ત્રીય કળા એકસાથે પ્રગટ થાય છે. 

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં