બાંગ્લાદેશમાં શેખ હસીના સરકાર પડી ભાંગ્યા બાદ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સંબંધો આમ પણ બહુ સારા કહી શકાય તેવા રહ્યા નથી અને તેવામાં હવે ભારત સરકારે બુધવારે (9 એપ્રિલ) એક અગત્યનો નિર્ણય લઈને બાંગ્લાદેશને આપવામાં આવેલી ટ્રાન્સશિપમેન્ટ ફેસિલિટી રદ કરી દીધી. આ સુવિધા હેઠળ બાંગ્લાદેશને પોતાનાં ઉત્પાદનો ભારતનાં બંદરો અને એરપોર્ટના માધ્યમથી અન્ય દેશોમાં નિકાસ કરવા માટે છૂટછાટ આપવામાં આવી હતી.
વર્ષ 2020માં આપવામાં આવેલી આ સુવિધા હેઠળ બાંગ્લાદેશી એક્સપોર્ટરોને રોડ કે રેલ માર્ગે તેમનાં કાર્ગો ભારતમાં મોકલવા માટે પરવાનગી આપવામાં આવતી હતી, જ્યાંથી તેઓ આગળ અન્ય દેશોમાં મોકલવામાં આવતાં હતાં. તાજેતરમાં સરકારના નાણામંત્રાલય હેઠળ આવતા સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ વિભાગ દ્વારા એક નોટિફિકેશન બહાર પાડીને જણાવવામાં આવ્યું કે, 29 જૂન 2020ના પરિપત્રને રદબાતલ ઠેરવવામાં આવે છે.
આનો અર્થ એ થયો કે હવે બાંગ્લાદેશ પોતાનાં ઉત્પાદનો ભારતનાં એરપોર્ટ કે બંદરોનો ઉપયોગ કરીને અન્ય દેશોમાં મોકલી શકશે નહીં.
શું હતી ટ્રાન્સશિપમેન્ટ ફેસિલિટી?
જૂન 2020માં નાણા મંત્રાલયે એક પરિપત્ર બહાર પાડીને બાંગ્લાદેશને ટ્રાન્સશિપમેન્ટ ફેસિલિટી આપવાની ઘોષણા કરી હતી. આ વ્યવસ્થા હેઠળ બાંગ્લાદેશ તેનાં કન્ટેનર ટ્રક ભારત-બાંગ્લાદેશ સરહદ પર સ્થિત પેટ્રાપોલ બંદર સુધી મોકલતું હતું. ત્યાંથી તે કોલકાતા બંદર પર કન્ટેનર આવતાં હતાં. અમુક કોલકાતા એરપોર્ટના એર કાર્ગો કોમ્પ્લેક્સમાં અને અમુક મહારાષ્ટ્રનાં ન્હાવાશેવા પોર્ટ પર જતાં હતાં.
બાંગ્લાદેશી એક્સપોર્ટરો તેમનાં ઉત્પાદનો પેટ્રાપોલ પોર્ટ અને અન્ય બે-ત્રણ બંદરોથી સીધાં ફ્રેઇટ ટ્રેન મારફતે મહારાષ્ટ્રના ન્હાવાશેવા પોર્ટ (જે જવાહરલાલ નેહરુ પોર્ટ પણ કહેવાય છે) પર મોકલવામાં આવતાં. અહીંથી પછી કાર્ગોને જે-તે દેશોમાં શિપ કરવામાં આવતાં.
આ સુવિધાનો સૌથી વધુ લાભ બાંગ્લાદેશી ટેક્સ્ટાઇક સેક્ટરને મળતો હતો, જે દેશમાં સૌથી મોટો ઉદ્યોગ છે. આમ તો બાંગ્લાદેશમાં ચિત્તાગોંગ અને મોંગલામાં મોટાં દરિયાઈ બંદરો આવેલાં છે, પણ મુંબઈનું ભૌગોલિક સ્થાન અને લોજિસ્ટિકલ આધુનિકતાને જોતાં ગલ્ફ દેશો અને યુરોપમાં એક્સપોર્ટ કરવું ભારતથી વધુ સરળ અને વ્યવહારિક થઈ પડે. બાંગ્લાદેશનાં બંદરોથી સીધી નિકાસ કરવાના સ્થાને ટ્રકો અને ત્યારબાદ રેલગાડીઓ દ્વારા ઉત્પાદનો મુંબઈ મોકલીને ત્યાંથી જહાજોમાં ચડાવવું વધુ સરળ થઈ પડે, કારણ કે પહેલા કિસ્સામાં બાંગ્લાદેશથી ભારત અને શ્રીલંકા ફરીને જવું પડે.
બીજું, બાંગ્લાદેશનાં એરપોર્ટ પાસે દેશની નિકાસને પહોંચી વળવા માટે એટલી કાર્ગો ફેસિલિટી પણ ઉપલબ્ધ નથી, જે સુવિધા કોલકાતા કે દિલ્હીનાં એરપોર્ટ સરળતાથી ઉપલબ્ધ કરાવી શકે છે. ભારત પાસે એક પ્લસ પોઈન્ટ એ પણ છે કે અહીંથી દુનિયાના લગભગ તમામ રૂટ પર સીધી ફ્લાઈટો દોડે છે.
વધુ ધ્યાનમાં લેવા જેવી બાબત એ પણ છે કે કાર્ગો શિપિંગનું મૂલ્ય બાંગ્લાદેશની સરખામણીએ ભારતમાં ઓછું છે, જેનાથી પણ બાંગ્લાદેશીઓને સરળતા થઈ પડે. બાંગ્લાદેશી મીડિયા અહેવાલો પ્રમાણે કોલકાતા એરપોર્ટથી તમારે ઉત્પાદનો શિપ કરવાં હોય તો 1 ડોકરથી લઈને અઢી ડોલર પ્રતિ કિલોનો ચાર્જ લાગે છે. બાંગ્લાદેશમાં આ ચાર્જ 3 ડોલરથી 6 ડોલર જેટલો છે.
ભારતની જેમ બાંગ્લાદેશમાં ફ્રેઇટ ચાર્જ પર કોઈ નિયંત્રણ નથી, એટલે ફ્રેઈટ ઑપરેટરો વધુ ચાર્જ વસૂલી લે એ પણ એક સંભાવના ત્યાં કાયમ રહે છે. આ બધાં કારણોના લીધે બાંગ્લાદેશી એસ્કપોર્ટરો ઢાકા એરપોર્ટથી સીધાં ઉત્પાદનો મોકલે તેના કરતાં તેઓ કોલકાતા કે દિલ્હી ટ્રક મારફતે મોકલીને ત્યાંથી નિકાસ કરાવે એ વધુ સરળ અને નફાકારક રહે છે.
ભારતે કેમ બંધ કરી દીધી સુવિધા?
ભારત સરકારનો આ નિર્ણય બાંગ્લાદેશી ચીફ એડવાઇઝર મોહમ્મદ યુનુસના ઉત્તર પૂર્વીય રાજ્યો પરના એક નિવેદન બાદ આવ્યો છે. ગત સપ્તાહે પોતાની ચાર દિવસીય ચીન યાત્રા દરમિયાન યુનુસે ચીની અર્થવ્યવસ્થાના વિકાસની વકાલત કરતી વખતે એમ કહી દીધું હતું કે ઉત્તરપૂર્વ ભારત ચારેબાજુથી ઘેરાયેલું છે અને એ વિસ્તારમાં ઢાકા જ સમુદ્રનું એકમાત્ર સંરક્ષક છે.
જોકે વિદેશ મંત્રાલયે નિર્ણય પાછળ કારણ એવું જણાવ્યું છે કે ભારતીય એરપોર્ટ અને બંદરો પર બાંગ્લાદેશી શિપમેન્ટના કારણે ભીડ બહુ થઈ જતી હતી અને તેના લીધે નિકાસમાં વિલંબનો સામનો કરવો પડતો હતો. ભારતીય ઉત્પાદનોને પણ તેના કારણે અસર પડતી હોવાનું જણાવવામાં આવ્યું. જોકે સાથે એ પણ સ્પષ્ટતા કરવામાં આવી કે આ સુવિધા પરત લેવાથી નેપાળ અને ભૂતાનમાં ભારતના માર્ગે જે નિકાસ થાય છે તેની ઉપર કોઈ અસર પડશે નહીં.
જોકે વિદેશ મંત્રાલયની વાતો પણ તથ્યાત્મક રીતે સાચી છે. બાંગ્લાદેશી ઉત્પાદનોના કારણે ભારતના એક્સપોર્ટ પર પણ અસર પડતી હતી અને ફેબ્રુઆરીમાં જ એપેરલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા સેન્ટ્રલ બોર્ડ ઑફ એક્સાઈઝ એન્ડ કસ્ટમ્સને આ જ કારણોસર ટ્રાન્સશિપમેન્ટ ફેસિલિટી રદ કરવાની ભલામણ કરવામાં આવી હતી.
બાંગ્લાદેશી અર્થવ્યવસ્થા પર શું અસર થશે
ભારતે ટ્રાન્સશિપમેન્ટ સુવિધા બંધ કરી દેવાથી બાંગ્લાદેશી વેપાર પર બમણી અસર થશે, તેનું કારણ એ છે કે ટ્રમ્પના વડપણ હેઠળની અમેરિકી સરકાર પહેલેથી જ દુનિયાભરના દેશો સાથે બાંગ્લાદેશ પર પણ 37% ટેરિફ લાગુ કરવાની ઘોષણા કરી ચૂકી છે. તેનાથી બાંગ્લાદેશની અર્થવ્યવસ્થાને ગતિમાન રાખવામાં મહત્વનો ભાગ ભજવતી રેડીમેડ ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીને મોટું નુકસાન જવાની સંભાવના છે. ભારતે સુવિધા બંધ કરી હોવાના કારણે એક્સપોર્ટ પર અસર પડશે અને વૈશ્વિક માર્કેટ સુધી પહોંચવામાં પણ બાંગ્લાદેશને તકલીફ પડશે.
ભારતના દિલ્હી એરપોર્ટથી ખાસ કરીને બાંગ્લાદેશનાં રેડીમેડ ગારમેન્ટ ઉત્પાદનોનું ઘણુખરું એક્સપોર્ટ થતું હતું, જે સદંતર બંધ થઈ જશે. હવે બાંગ્લાદેશી એક્સપોર્ટ પહેલાં કોમ્બો, માલદીવ્સ, દુબઈ કે પાકિસ્તાન મોકલવાં પડશે. જોકે કહેવાય છે કે બાંગ્લાદેશે ગત વર્ષથી જ વિકલ્પો વિચારવા માંડ્યા હતા અને અમુક નિકાસકર્તાઓ સી ટૂ એર ટ્રાન્સશિપમેન્ટ મોડલનો ઉપયોગ કરીને માલદીવ્સ પહોંચાડવા માંડ્યા છે.
બાંગ્લાદેશમાં વાર્ષિક 55 બિલિયન ડોલરનું એક્સપોર્ટ થાય છે અને તેમાંથી 85% માત્ર ટેક્સટાઇલ ઉદ્યોગનો ફાળો છે. પણ ઑગસ્ટથી દેશમાં જે પ્રકારે રાજકીય અસ્થિરતાની સ્થિતિ છે, તેના કારણે આ ઉદ્યોગ પર પણ ઘણીખરી અસર પડી છે અને અનેક ફેક્ટરીઓ બંધ પડી ગઈ છે અને હજારો કર્મચારીઓ બેરોજગાર બની ચૂક્યા છે. એકલા બેક્સિમ્કો ગ્રુપે જ 23 ટેક્સટાઇલ યુનિટ બંધ કરી દીધાં, જેના કારણે 40 હજાર કર્મચારીઓ બેરોજગાર બની ગયા હતા. ઉપરથી યુએસ ટેરિફ અને ભારતીય સુવિધા બંધ થવાથી વધુ મુશ્કેલી આવશે.
BIMSTEC સમિટ બાદ લેવાયો નિર્ણય
એ પણ નોંધવાનું રહે કે ભારત સરકારનો આ નિર્ણય થાઈલેન્ડમાં યોજાયેલી BIMSTEC સમિટ બાદ લેવામાં આવ્યો, જ્યાં પ્રાદેશિક કનેક્ટિવિટી એક મુખ્ય થીમ હતી. સમિટમાં ભારત-મ્યાનમાર-થાઈલેન્ડ હાઈ-વે સહિત અનેક પ્રોજેક્ટ્સ પર ચર્ચા થઈ હતી.
પીએમ મોદીએ આ સમિટમાં 21 મુદ્દાનો એક એક્શન પ્લાન રજૂ કર્યો હતો, જેમાં BIMSTEC દેશો વચ્ચે સહભાગિતા દ્વારા કઈ રીતે કામ થઈ શકે તે જણાવવામાં આવ્યું હતું. એક્શન પ્લાનમાં ભારતમાં કઈ રીતે સસ્ટેનેબલ મેરીટાઇમ ટ્રાન્સપોર્ટ સેન્ટર સ્થાપી શકાય તે પણ સામેલ હતું.