Tuesday, September 17, 2024
More
    હોમપેજદુનિયાશું છે બાંગ્લાદેશનો સેન્ટ માર્ટિન ટાપુ, અમેરિકાની ત્યાં કેમ નજર?... જાણો એ...

    શું છે બાંગ્લાદેશનો સેન્ટ માર્ટિન ટાપુ, અમેરિકાની ત્યાં કેમ નજર?… જાણો એ દ્વીપ વિશે, જેને શેખ હસીનાએ ગણાવ્યો સત્તા છોડવા પાછળનું કારણ

    સેન્ટ માર્ટિન ટાપુ અમેરિકા એટલા માટે માંગી રહ્યું છે કે, તેનાથી ચીનની ગતિવિધિઓને વિશ્વમાં ફેલાતા અટકાવી શકાય. હિંદ મહાસાગર અને વિશ્વમાં ચીનની વધતી ગતિવિધિઓને નિયંત્રિત કરવા માટે અમેરિકા સેન્ટ માર્ટિન ટાપુ પર નેવલ બેઝ (વાયુસેનાનું બેઝ) સ્થાપિત કરવા માંગે છે. તે 1990થી આ માટે પ્રયાસ કરી રહ્યું છે.

    - Advertisement -

    હિંસક પ્રદર્શનોના કારણે સત્તા છોડ્યા બાદ અને સરકારના પતન બાદ બાંગ્લાદેશનાં પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાએ પ્રથમ પ્રતિક્રિયા આપતાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ ઊભી કરવા માટે અમેરિકાને જવાબદાર ઠેરવ્યું છે. સત્તા છોડ્યા બાદ પહેલી વખત તેમણે મીડિયા સાથેના સંવાદમાં આ વાત કહી. તેમણે આરોપ લગાવ્યો છે કે, અમેરિકાને સેન્ટ માર્ટિન ટાપુ પર દાવો ન છોડવાના કારણે તેમને સત્તામાંથી હટવું પડ્યું છે. તેમણે કહ્યું કે, જો તેમણે સેન્ટ માર્ટિન ટાપુ પરનું સાર્વભૌમત્વ છોડી દીધું હોત તો હજુ પણ તેઓ સત્તામાં જ રહ્યાં હોત. શેખ હસીનાએ કહ્યું કે, ઘણા સમયથી અમેરિકા સેન્ટ માર્ટિન ટાપુ પર સાર્વભૌમત્વ માટેના પ્રયાસો કરી રહ્યું છે.

    ઇકોનોમિક ટાઇમ્સે શેખ હસીનાનો સંપર્ક કર્યો હતો. તેમણે આપેલા નિવેદનમાં શેખ હસીનાએ કહ્યું કે, “મેં રાજીનામું એટલા માટે આપ્યું, કારણ કે હું વધુ લાશો પડતી જોવા માંગતી ન હતી. તેઓ વિદ્યાર્થીઓની લાશ પર રાજકારણ કરીને સત્તા પર આવવા માંગતા હતા, પણ મેં રાજીનામું આપીને એ થવા દીધું નહીં. જો મેં સેન્ટ માર્ટિન ટાપુ પરનો દાવો છોડી દીધો હોત અને અમેરિકાને બંગાળની ખાડીમાં પ્રવેશવા દીધું હોત તો હું હજુ પણ સત્તામાં જ હોત. હું મારા લોકોને વિનંતી કરું છું કે તેઓ કટ્ટરપંથીઓની વાતોમાં ન આવે.”

    શેખ હસીનાના આ નિવેદને એક નવી ચર્ચાને જન્મ આપ્યો છે. હવે સવાલ એ થઈ રહ્યા છે કે, આખરે અમેરિકા છેક બંગાળની ખાડીમાં આવેલા એક નાનકડા ટાપુ પાછળ કેમ પડ્યું છે? શા માટે અમેરિકા તેના પર પોતાનું પ્રભુત્વ સ્થાપવા માંગે છે? સેન્ટ માર્ટિન ટાપુ પર નિયંત્રણ મેળવીને અમેરિકાને શું લાભો થઈ શકે છે? જોકે, ઇતિહાસ સાક્ષી પૂરે છે કે, જેમાં પોતાનો લાભ ન દેખાય તેવા કાર્ય અમેરિકા ક્યારેય કરતું જ નથી.

    - Advertisement -

    ક્યાં સ્થિત છે સેન્ટ માર્ટિન ટાપુ?

    સેન્ટ માર્ટિન ટાપુ ભારત અને બાંગ્લાદેશની નજીક બંગાળની ખાડીમાં 8 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલો એક દ્વીપ છે. આ ટાપુને ‘નારિકેલ જિંજીરા’ (નારિયેળ દ્વીપ) અથવા દારૂચિની (દાલચીની દ્વીપ)ના નામે પણ ઓળખવામાં આવે છે. સેન્ટ માર્ટિન ટાપુ બાંગ્લાદેશના અધિકાર ક્ષેત્રમાં આવે છે. બાંગ્લાદેશની રાજધાની ઢાકાથી તે ટાપુ 537 કિલોમીટરના અંતરે સ્થિત છે. જોકે, અનેકવાર મ્યાનમાર સાથે આ મામલે વિવાદો પણ થયા છે. તે મ્યાનમારના સમુદ્રી કાંઠાથી માત્ર 8 KM દૂર છે. તેથી મ્યાનમાર પણ આ ટાપુ પર દાવો કરતું રહે છે.

    સેન્ટ માર્ટિન ટાપુના દક્ષિણ અને પશ્ચિમ ભાગો બંગાળની ખાડીથી ઘેરાયેલા છે, જ્યારે ઉત્તરી કિનારો બાંગ્લાદેશ તરફ છે. આ ટાપુ કોક્સ બજાર જિલ્લાના ઉપજિલ્લા ટેકનાફથી લગભગ 9 કિલોમીટર દૂર છે. સેન્ટ માર્ટિનની પૂર્વમાં મ્યાનમારનું રખાઈન રાજ્ય આવેલું છે. આ એ જ પ્રાંત છે જ્યાં મુસ્લિમોના કટ્ટરપંથી જૂથ અરાકાન આર્મીએ મ્યાનમારની સેના સામે શસ્ત્રો ઉપાડ્યાં હતાં. આ ટાપુને લઈને મ્યાનમાર અને બાંગ્લાદેશ વચ્ચે ખેંચતાણ પણ ચાલી રહી છે. મ્યાનમાર આર્મીના જહાજો અને વિમાનો ક્યારેક આ વિસ્તારમાં ઘૂસી આવે છે. જેના કારણે બાંગ્લાદેશ પણ ટાપુની સુરક્ષા માટે સૈન્ય કાર્યવાહી કરે છે. એટલું જ નહીં, મ્યાનમારના નાવિક અને માછીમારો પણ અવારનવાર આ ટાપુમાં ઘૂસી આવે છે. જેના કારણે બંને દેશો વચ્ચેના સંબંધોમાં પણ ખટાશ છે.

    સેન્ટ માર્ટિન ટાપુનું કુદરતી સૌંદર્ય પણ વળગીને આંખે આવે તેવું છે. શુદ્ધ અને સ્પષ્ટ પાણીની સાથે અનેક દરિયાઈ જીવોથી તેની સુંદરતા વધુ નીખરી આવે છે. તે એક લોકપ્રિય પ્રવાસન સ્થળ તરીકે પણ પ્રસિદ્ધ છે. ખાસ કરીને શિયાળાની ઋતુમાં અહીં અનેક પ્રવાસીઓ ફરવા માટે આવે છે. દ્વીપના આસપાસની આખી અર્થવ્યવસ્થા મુખ્ય રીતે મત્સ્ય ઉદ્યોગ, ચોખા અને નાળિયેરની ખેતી પર આધારિત છે. ટાપુની આસપાસ લગભગ 5,500થી વધુ લોકો રહે છે, તેઓ માછીમારી અને ખેતીથી જ પોતાનું ભરણપોષણ કરે છે.

    સેન્ટ માર્ટિન ટાપુનો ઇતિહાસ અને મ્યાનમાર સાથેનો વિવાદ

    સેન્ટ માર્ટિન ટાપુના ઇતિહાસની વાત કરવામાં આવે તો, લગભગ 5000 વર્ષ પહેલાં તે સ્થળ મેઇનલેન્ડ ટેકનાફનો એક ભાગ હતું. બાદમાં તે સમુદ્રમાં ડૂબી ગયું હતું. આધુનિક સેન્ટ માર્ટિન ટાપુનો દક્ષિણી વિસ્તાર લગભગ 450 વર્ષ પહેલાં ઊભરી આવ્યો હતો. ટાપુનો ઉત્તરી વિસ્તાર અને બાકીનો ટાપુ એક સદી બાદ સામે આવ્યો હતો. 18મી સદીમાં લગભગ 250 વર્ષ પહેલાં આરબ વેપારીઓએ આ ટાપુની શોધ કરી હતી અને વસાહતો સ્થાપી હતી. દક્ષિણ પૂર્વ એશિયા સાથે વેપાર દરમિયાન આરબના વેપારીઓ અહીં વિસામો લેતા હતા અને કેટલોક સમય અહીં ગાળતા હતા.

    આ આરબ વેપારીઓએ આ ટાપુનું નામ ‘જજીરા’ રાખ્યું હતું. સમય જતાં ત્યાંનાં સ્થાનિક લોકો તેને ‘નારિકેલ જિંજીરા’ કહેવા લાગ્યા હતા, જેનો અર્થ થાય છે- નાળિયેરનો ટાપુ. વર્ષ 1900માં એક બ્રિટિશ જમીન સર્વેક્ષણ ટીમે આ ટાપુને બ્રિટિશ-ભારતના ભાગ તરીકે સામેલ કર્યો હતો અને તેનું નામ એક ખ્રિસ્તી પાદરી સેન્ટ માર્ટિનના નામ પર રાખવામાં આવ્યું હતું. તે સમયે બાંગ્લાદેશમાં સ્થિત ચટગાંવના તત્કાલીન ડેપ્યુટી કમિશનર માર્ટિન હતા. બની શકે કે, તેમના નામ પરથી પણ આ ટાપુનું નામ રાખવામાં આવ્યું હોય.

    વર્ષ 1937માં મ્યાનમાર બ્રિટિશ ભારતથી અલગ થઈ ગયું હતું, ત્યારે પણ આ ટાપુ બ્રિટિશ ઇન્ડિયાનો જ એક ભાગ હતો. 1947માં ભારતના વિભાજન બાદ સેન્ટ માર્ટિન ટાપુ પાકિસ્તાનને મળ્યો હતો. આખરે 1971માં મુક્તિ સંગ્રામ બાદ સ્વતંત્ર બાંગ્લાદેશ અસ્તિત્વમાં આવ્યું તો તે ભાગ તેના ફાળે ગયો હતો. વર્ષ 1974માં બાંગ્લાદેશ અને મ્યાનમાર તે સમાધાન સુધી પહોંચ્યા કે, આ ટાપુ બાંગ્લાદેશનો છે. જોકે, તેમ છતાં મ્યાનમારે વારંવાર ટાપુ પર પોતાનો દાવો કર્યો હતો.

    જોકે, તેમ છતાં વિવાદ ચાલુ જ રહ્યો હતો. બાંગ્લાદેશે માર્ચ, 2012માં ‘ઇન્ટરનેશનલ ટ્રિબ્યુનલ ફૉર ધ લૉ ઓફ ધ સી’ (ITLOS)માં મ્યાનમાર વિરુદ્ધ સમુદ્રી સીમા વિવાદ જીતી લીધો હતો. તે સમયે સ્પષ્ટ થઈ ગયું કે, સેન્ટ માર્ટિન ટાપુ બાંગ્લાદેશનો છે. જોકે, દરિયાઈ સીમાંકનના નામે આડકતરી રીતે આ અંગે બંને દેશો વચ્ચે વિવાદ છે. વર્ષ 2018માં બાંગ્લાદેશ સરકારે મ્યાનમારના નકશાનો વિરોધ કર્યો હતો, તે નકશામાં માર્ટિન ટાપુને મ્યાનમારનો હિસ્સો ગણાવવામાં આવ્યો હતો. ત્યારબાદ મ્યાનમારે નકશામાં પરિવર્તન કરીને તેને પોતાની ભૂલ તરીકે સ્વીકારી હતી. આવા બધા કારણોસર આજે પણ બાંગ્લાદેશ અને મ્યાનમારના સંબંધોમાં તિરાડ જોવા મળે છે.

    શું છે તેનું રણનીતિક મહત્વ અને અમેરિકાને શું લાભ?

    સેન્ટ માર્ટિન ટાપુ અમેરિકા એટલા માટે માંગી રહ્યું છે કે, તેનાથી ચીનની ગતિવિધિઓને વિશ્વમાં ફેલાતા અટકાવી શકાય. શેખ હસીનાના આરોપોથી હિંદ મહાસાગર વિસ્તારમાં ચીનની રણનીતિ સામે આવી છે, જે પોતાના કથિત ‘બેલ્ટ એન્ડ રોડ ઈનીશીએટિવ’ (BRI)ના ભાગરૂપે સૈન્ય ઠેકાણાંની આખી હારમાળાનું નિર્માણ કરીને ભારતને રોકવા માટેના પ્રયાસ કરી રહ્યું છે. હિંદ મહાસાગર અને વિશ્વમાં ચીનની વધતી ગતિવિધિઓને નિયંત્રિત કરવા માટે અમેરિકા સેન્ટ માર્ટિન ટાપુ પર નેવલ બેઝ (વાયુસેનાનું બેઝ) સ્થાપિત કરવા માંગે છે. તે 1990થી આ માટે પ્રયાસ કરી રહ્યું છે. જોકે, અમેરિકાને હજુ સુધી તેમાં સફળતા મળી શકી નથી. અહીં USનું સૈન્ય મથક ચીનની સાથે-સાથે ભારત માટે પણ જોખમરૂપ સાબિત થઈ શકે તેમ છે. દક્ષિણ એશિયામાં આ ટાપુનો વ્યાપક પ્રભાવ છે. આ પ્રદેશમાં સત્તાના સંતુલનથી સ્થિતિને જોતાં કોઈપણ મોટી લશ્કરી સ્થાપના તણાવને વધારી શકે છે.

    આ વિસ્તારમાં અમેરિકાની ગતિવિધિઓ નહિવત હોવાના કારણે હિંદ મહાસાગર અને બંગાળની ખાડીમાં ભારતનો નોંધપાત્ર પ્રભાવ બની રહ્યો છે. જો અમેરિકાનું નૌકાદળ સેન્ટ માર્ટિન ટાપુ પર સ્થપાય તો USA ચીનને અંકુશમાં લેવાના બહાને ભારત પર પોતાનો પ્રભાવ થોપવાનો પ્રયાસ કરી શકે છે. તે સિવાય અહીં અમેરિકાની ગતિવિધિનાઓના કારણે ભારતની વ્યૂહાત્મક અને વ્યાપારી ગતિવિધિઓ પણ પ્રભાવિત થઈ શકે છે. ભલે તે ટૂંકા ગાળા માટે તેની અસરો ન દેખાતી હોય, પરંતુ લાંબા ગાળે તેનાં ગંભીર પરિણામો આવી શકે છે. આ જોતાં ભારત પણ અમેરિકાનાં અહીં સૈન્ય મથક સ્થાપવાના પક્ષમાં નથી.

    અમેરિકાનું સૌથી મોટું હરીફ હોવાને કારણે ચીન પણ નથી ઈચ્છતું કે બાંગ્લાદેશમાં સેન્ટ માર્ટિન દ્વીપ પર અમેરિકાનું સૈન્ય મથક બને. અમેરિકા એકસાથે ભારત, ચીન, પાકિસ્તાન, રશિયા વગેરે જેવા અન્ય દેશો અને આ વિસ્તારના દરિયાઈ વેપાર માર્ગ પર નિયંત્રણ સ્થાપિત કરવા માટે આ ટાપુ પર કબજો કરવા માંગે છે. જોકે, આ કામ પાર પાડવામાં અમેરિકા માટે સૌથી મોટો પડકાર હતો, શેખ હસીના. શેખ હસીનાએ તાજેતરમાં જ આરોપ લગાવ્યો હતો કે, પૂર્વ વડાંપ્રધાન ખાલિદા ઝિયાના નેતૃત્વવાળી બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP)એ ચૂંટણી જીતવામાં મદદના બદલે એક સૈન્ય મથક સ્થાપવા માટે માર્ટિન ટાપુ અમેરિકાને આપવાની યોજના બનાવી હતી. જોકે, જે રીતે અમેરિકા દર વખતે કરે છે, તેમ આ તમામ દાવાઓને ફગાવી દેવામાં આવ્યા હતા.

    અમેરિકી વિદેશ વિભાગે આ દાવાઓને ફગાવીને કહ્યું હતું કે, તે અમેરિકાની સંપ્રભુતાનું સન્માન કરે છે તથા સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી દ્વારા લોકતંત્રને પ્રોત્સાહન આપવાની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેમ છતાં એકંદરે અમેરિકાને સેન્ટ માર્ટિન ટાપુ પર સૈન્ય વસાહત સ્થાપવાનો વસવસો રહ્યો હતો. જ્યારે હવે શેખ હસીનાએ આરોપ લગાવ્યો છે કે, અમેરિકાને સેન્ટ માર્ટિન ટાપુ આપવાના ઇનકારના કારણે તેણે બાંગ્લાદેશમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ ઊભી કરી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં