Tuesday, March 31, 2026
More
    હોમપેજદુનિયાઇસ્લામી આતંકથી પીડિત ખ્રિસ્તીઓને બચાવવા નીકળ્યા ટ્રમ્પ, નાઇજીરિયામાં સૈન્ય કાર્યવાહીની ધમકી: વિગતે...

    ઇસ્લામી આતંકથી પીડિત ખ્રિસ્તીઓને બચાવવા નીકળ્યા ટ્રમ્પ, નાઇજીરિયામાં સૈન્ય કાર્યવાહીની ધમકી: વિગતે સમજો આફ્રિકન દેશમાં શું ચાલી રહ્યું છે

    અહીં વિગતે સમજીએ કે નાઇજીરિયામાં હાલ ખરેખર ચાલી શું રહ્યું છે અને કેમ ઇસ્લામી આતંકવાદીઓ લોકોને મારી રહ્યા છે, જેમાં ખ્રિસ્તીઓ બહુમતીમાં છે.

    - Advertisement -

    આફ્રિકન દેશ નાઈજીરિયા ફરી એક વખત ગ્લોબલ મીડિયાની હેડલાઈનમાં છે. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકાદ-બે પોસ્ટમાં સ્વાસ્થ્ય સહાય તાત્કાલિક રોકીને મિલિટરી એક્શનની ચીમકી ઉચ્ચાર્યા બાદ ચર્ચા વધુ ચાલી રહી છે. ટ્રમ્પે નાઈજિરિયાને ધમકી આપીને કહ્યું છે કે તેઓ ‘ખ્રિસ્તીઓનો નરસંહાર’ રોકે અન્યથા અમેરિકા સૈન્ય હસ્તક્ષેપ કરશે. બીજી તરફ નાઇજીરિયાનું કહેવું છે કે તેમને અમેરિકાની મદદ લેવામાં કોઈ વાંધો નથી, પણ એ વાતનું ધ્યાન રાખવામાં આવે કે દેશની ક્ષેત્રીય અખંડિતતા જળવાય રહે.

    ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા માધ્યમ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ કરીને લખ્યું, “જો નાઇજીરિયાની સરકારે ખ્રિસ્તીઓનો નરસંહાર અટકાવવા કંઈ ન કર્યું તો અમેરિકા તાત્કાલિક તમામ પ્રકારની મદદ બંધ કરવા સુધીનાં પગલાં લેશે અને જો જરૂર પડી તો જે ઇસ્લામી આતંકવાદીઓ આતંક મચાવી રહ્યા છે તેમને સંપૂર્ણપણે નષ્ટ કરવા માટે સૈન્ય કાર્યવાહી પણ કરશે. હું ડિપાર્ટમેન્ટ ઑફ વૉરને સંભવ કાર્યવાહી કરવા માટે આદેશ આપી રહ્યો છું. જો અમે હુમલો કર્યો તો એ ત્વરિત અને ભીષણ હશે. નાઇજીરિયાની સરકારને ચેતવણી છે કે તેઓ જલ્દીથી કાર્યવાહી કરે.”

    ટ્રમ્પના આ નિવેદન બાદ નાઇજીરિયાએ કહ્યું છે કે સશસ્ત્ર સમૂહો સામે લડવા માટે જો અમેરિકા કોઈ પ્રકારની મદદ કરતું હોય તો લેવામાં તેમને કોઈ વાંધો નથી પરંતુ નાઈજીરિયાની ક્ષેત્રીય અખંડિતતાનું ધ્યાન રાખવામાં આવે એ જરૂરી છે. જોકે પછીથી ટ્રમ્પના ‘માસ કીલિંગ્સ ઑફ ક્રિશ્ચિયન્સ’ના દાવા નાઇજીરિયાની સરકારે નકારી દીધા અને કહ્યું કે બોકો હરામ અને અલ-કાયદા સંબંધિત જૂથો ‘તમામ સમુદાયો’ને ટાર્ગેટ કરી રહ્યાં છે.

    - Advertisement -

    અહીં વિગતે સમજીએ કે નાઇજીરિયામાં હાલ ખરેખર ચાલી શું રહ્યું છે અને કેમ ઇસ્લામી આતંકવાદીઓ લોકોને મારી રહ્યા છે, જેમાં ખ્રિસ્તીઓ બહુમતીમાં છે.

    આફ્રિકાની પશ્ચિમ ભાગે આવેલો દેશ નાઇજીરિયા ખંડમાં સૌથી વધુ વસ્તી ધરાવે છે. અહીં મુખ્યત્વે બે સમુદાયની વસ્તી છે– ઇસ્લામ અને ખ્રિસ્તી. ઉત્તર ભાગમાં મોટેભાગે મુસ્લિમોની વસ્તી છે. જ્યારે દક્ષિણમાં ખ્રિસ્તી સમુદાયનું પ્રભુત્ત્વ છે. અહીં સક્રિય છે બોકો હરામ અને ઈસ્લામિક સ્ટેટ વેસ્ટ આફ્રિકા (ISWA) જેવાં ઇસ્લામી આતંકવાદી સંગઠનો, જેઓ નાઈજીરિયાની સરકાર સામે લડતાં રહે છે. જોકે તેમના ટાર્ગેટ પર માત્ર સરકાર હોતી નથી પરંતુ ખ્રિસ્તીઓ અને શિયા મુસ્લિમો જેવા અમુક સમુદાય પણ છે. ટૂંકમાં તેઓ સુન્ની મુસ્લિમો સિવાય બાકીના તમામને ટાર્ગેટ કરતા રહે છે. તેમનું વર્ચસ્વ મૂળ ઉત્તર-પૂર્વ નાઇજીરિયામાં વધુ છે, જ્યાં મુસ્લિમ વસ્તી પણ વધુ પ્રમાણમાં છે.

    શું છે બોકો હરામ?– કટ્ટરપંથી ઇસ્લામી આતંકવાદી સંગઠન

    બોકો હરામના ઇતિહાસ વિશે વાત કરવામાં આવે તો તેની સ્થાપના વર્ષ 2002માં થઈ હોવાનું કહેવાય છે. તેનો શાબ્દિક અર્થ થાય– ‘પશ્ચિમી શિક્ષણ’ કે ‘પશ્ચિમી મૂલ્યો’ ‘હરામ’ છે. જોકે તેનું પૂરું નામ ‘જમાત અલ સન્ના લી દાવા વ’લ જિહાદ’ છે, જેનો અર્થ થાય, ‘પયગંબરના આદેશો અને જેહાદ પ્રસરાવવા માટે સમર્પિત લોકોનું જૂથ.’

    બાકીનાં આતંકવાદી સંગઠનોની જેમ તેની પણ શરૂઆત નાઇજીરિયામાંથી પશ્ચિમી દેશોનો કથિત પ્રભાવ દૂર કરીને ઈસ્લામિક શાસન સ્થાપવા માટે થઈ હતી. તેના માટે બોકો હરામ સરકારને, સેનાને, બિનમુસ્લિમોને ટાર્ગેટ કરતું રહે છે.

    વર્ષ 2014માં આ આતંકવાદી સંગઠન વિશ્વની આંખમાં આવ્યું જ્યારે તેણે બોર્નો સ્ટેટમાંથી 276 વિદ્યાર્થિનીઓનું અપહરણ કરી લીધું હતું. ત્યારબાદ આ કિશોરીઓને પરત લાવવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે કેમ્પેઇન પણ ચાલ્યું હતું. પછીથી ઘણી વિદ્યાર્થિનીઓ મળી હતી, જોકે એક હકીકત એ પણ છે કે આજે 11 વર્ષ બાદ પણ 50થી વધુ હજુ લાપતા છે અને તેમનો કોઈ પત્તો-પુરાવો મળ્યો નથી.

    ત્યારબાદ પણ બોકો હરામનો આતંક સતત વધતો જ રહ્યો છે. એક ડેટા અનુસાર જાન્યુઆરી 2020થી સપ્ટેમ્બર 2025 સુધીમાં અહીં 11,862 નાના-મોટા હુમલાઓ થયા છે અને તેમાં 20 હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. જોકે આમાં અન્ય જૂથો અને સંગઠનોનો પણ હાથ છે, પણ બોકો હરામનો ‘ફાળો’ વધારે રહ્યો છે. આ આતંકી સંગઠને અનેક જાહેર સ્થળોએ બૉમ્બ ધડાકા કર્યા છે. શાળાઓને ટાર્ગેટ કરીને વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હત્યા પણ કરી છે.

    2015માં આ સંગઠને ISIS સાથે હાથ મિલાવી લીધા, જે સંગઠન બોકો હરામ જેવું જ આતંક ફેલાવવાનું કામ મધ્ય-પૂર્વમાં વર્ષોથી કરતું આવ્યું છે. ત્યારબાદ બન્યું ઇસ્લામિક સ્ટેટ વેસ્ટ આફ્રિકા પ્રોવિન્સ (ISWP). જોકે પછીથી ભાગલા પડી ગયા હતા. હાલ ISWAP જૂથ વધુ પડતું સરકાર અને સેનાને ટાર્ગેટ કરતું રહે છે. બોકો હરામે આવા કોઈ ભાગ પાડ્યા નથી. તેઓ બિનમુસ્લિમો કે પછી જે મુસ્લિમો બોકો હરામની કટ્ટરપંથી વિચારધારાને તાબે ન થાય તેમને મારતા રહે છે.

    સરકાર કેમ સફળ થતી નથી?

    બોકો હરામને નાથવા માટે નાઈજીરિયાની સરકાર સૈન્ય કાર્યવાહીઓ કરતી રહે છે, પણ આજ સુધી ધારેલી સફળતા મળી શકી નથી. ઘણાં ઓપરેશનો લૉન્ચ કરવામાં આવ્યાં, તેમજ પાડોશી દેશોની પણ મદદ લેવામાં આવી. નાગરિકોમાંથી પણ ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી, પરંતુ આતંક પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો નથી.

    તેનાં કારણો ઘણાં છે. સરકાર એટલી સશક્ત નથી અને ભ્રષ્ટાચારથી ખદબદતી હોવાના કારણે મજબૂત કાર્યવાહી કરી શકતી નથી. ગરીબી અને બેરોજગારી પણ વધારે છે, એટલે મોટાભાગના યુવાનો બ્રેનવૉશ થઈને સંગઠનોમાં જોડાઈ જાય છે. અમુક ક્ષેત્રોની ભૌગોલિક સ્થિતિ એવી છે, જ્યાં નાઈજીરિયાની સેના પહોંચી શકતી નથી. ઉપરાંત, સૌથી મોટું કારણ એ છે કે બોકો હરામ મજહબના નામે ચાલે છે. કટ્ટરપંથી મૌલવીઓની સંખ્યા ત્યાં પણ ઠીકઠાક પ્રમાણમાં છે, જેઓ હિંસાને ઉશ્કેરણી આપતા રહે છે.

    ખ્રિસ્તીઓને કેમ ટાર્ગેટ કરતા રહે છે બોકો હરામના આતંકીઓ?

    હાલ ‘ખ્રિસ્તી નરસંહાર’નો મુદ્દો ટ્રમ્પે ઉપાડ્યો છે. કારણ એ છે કે 2025માં આવા ઘણા હુમલાઓ થયા, જેમાં ખ્રિસ્તીઓને ટાર્ગેટ કરવામાં આવ્યા હોય. ઑક્ટોબરમાં પ્લેટો સ્ટેટના એક ખ્રિસ્તી બહુલ ગામમાં હુમલો થયો હતો, જેમાં પાંચ બાળકો સહિત 13 વ્યક્તિઓ માર્યા ગયા હતા. તે પહેલાં 2 ઑક્ટોબરના રોજ બોકો હરામે એક ગામ પર રાત્રે હુમલો કર્યો હતો, જેમાં અનેક ઘર સળગાવી દેવાયાં, ચર્ચને નુકસાન પહોંચાડવામાં આવ્યું અને અમુક લોકોને મારી નાખવામાં આવ્યા. મે, 2025માં ખ્રિસ્તી બહુમતી વિસ્તારમાં હુમલો થયો હતો, જેમાં 42 વ્યક્તિઓની હત્યા કરી નાખવામાં આવી હતી. એપ્રિલ 2025માં એક ગામમાં ચાળીસની હત્યા કરવામાં આવી હતી.  આ આ વર્ષના થોડા કિસ્સાઓની વાત થઈ. આવા નાના-મોટા હુમલાઓ સતત ચાલતા રહે છે.

    ખ્રિસ્તીઓને ટાર્ગેટ કરવા પાછળનું કારણ એ છે કે બોકો હરામ દેશમાંથી પશ્ચિમી પ્રભાવ દૂર કરવા માગે છે અને ખ્રિસ્તીઓને તેઓ ‘વેસ્ટર્નાઇઝ્ડ સિસ્ટમ’ના પ્રતીક તરીકે જુએ છે. આ મજહબી દ્વેષ એ હદ સુધી પહોંચ્યો છે કે સમુદાયને ટાર્ગેટ કરવામાં આવતો રહે છે. ઉપરાંત, ખ્રિસ્તીઓને ઉત્તર નાઇજીરિયામાં ‘આઉટસાઇડર’ તરીકે પણ જોવામાં આવે છે. કટ્ટરપંથી ઇસ્લામી સંગઠનો બિનમુસ્લિમોને ટાર્ગેટ કરે એ નવી વાત નથી. કાફિરોને મારવામાં આવતા રહ્યા છે. નાઇજીરિયામાં કાફિર ખ્રિસ્તીઓ છે.

    થોડા ઇતિહાસ તરફ જઈએ તો બ્રિટિશ શાસન દરમિયાન (1960 સુધી) ઉત્તર નાઇજીરિયામાં ઇસ્લામિક એમિરનું શાસન હતું અને ત્યાં મિશનરીઓના પ્રવેશ પર નિયંત્રણો લાદવામાં આવ્યાં હતાં. દેશ સ્વતંત્ર થયો ત્યારબાદ મિશનરીઓ ઉત્તર તરફ પણ આગળ વધી. ઉત્તરના ઘણા મુસ્લિમો અને ખાસ કરીને બોકો હરામનો ભાગ હોય એવા કટ્ટરપંથીઓ આ વધતા જતા ખ્રિસ્તીઓના પ્રભાવ સામે લડવાનું કહીને સમુદાયને ટાર્ગેટ કરતા રહે છે.

    બીજું એક કારણ એ પણ છે કે ખ્રિસ્તીઓને ટાર્ગેટ કરવાથી બોકો હરામને અલ કાયદા અને ISIS જેવાં ગ્લોબલ જેહાદી નેટવર્કનાં અન્ય સંગઠનો તરફથી ભંડોળ મળતું રહે છે. સાથે ‘કાફિરો વિરુદ્ધ ઇસ્લામની રક્ષા’ કરવાનો નરેટિવ ચલાવીને સંગઠન પોતાને ‘બહાદૂર’ સાબિત કરતું રહે છે. તેનાથી આંતરરાષ્ટ્રીય મીડિયામાં ધ્યાન કેન્દ્રિત થાય તેવું પણ આ કટ્ટરપંથી આતંકવાદી સંગઠન માને છે.

    સાથે બોકો હરામ ખ્રિસ્તીઓનું ધર્માંતરણ પણ મોટાપાયે કરતું રહે છે. જીવતા પકડાયા પછી ખ્રિસ્તીઓને ત્રણ વિકલ્પો આપવામાં આવે છે: મુસ્લિમ બનો, જજિયા આપો અથવા મૃત્યુ પામો. મોતના ડરે કેટલાય લોકો ઇસ્લામ અપનાવી લે છે.

    જોકે નાઇજીરિયાની સરકાર ક્યારેય ‘ખ્રિસ્તી નરસંહાર’ જેવા શબ્દો વાપરતી નથી કે કોઈ એક સમુદાયને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો હોય તેવું ખુલીને કહેતી નથી. સરકારનું સ્ટેન્ડ હમણાં સુધી એ જ રહ્યું છે કે કટ્ટરપંથી ઇસ્લામી સંગઠન તમામને ટાર્ગેટ કરતું રહે છે. સરકારનું કહેવું એવું પણ છે કે બોકો હરામ અને અન્ય કટ્ટરપંથી સંગઠનોના હુમલામાં મુસ્લિમો પણ માર્યા ગયા છે. જોકે એ એવા મુસ્લિમો હોય છે, જેઓ કટ્ટરપંથી વિચારધારાથી અળગા ચાલતા હોય અથવા તો પછી સરકાર સમર્થક હોય.

    અમેરિકાની શું ભૂમિકા, ટ્રમ્પ શું કરી શકે?

    અમેરિકા નાઇજીરિયાને તગડી માત્રામાં નાણાકીય સહાય પહોંચાડતું રહે છે. સપ્ટેમ્બરમાં અમેરિકાએ નાઇજીરિયામાં ભૂખમરા સામે લડવા માટે ત્યાંની સરકારને 32.5 મિલિયન ડોલર ફાળવ્યા હતા. ઑગસ્ટ 2024માં યુએસ મિશન ઇન નાઇજીરિયાએ જણાવ્યું હતું કે અમેરિકી સરકાર તરફથી સરકારને 27 મિલિયન ડોલરની સહાય પ્રાપ્ત થશે. આ સિવાય પણ નાઈજીરિયાને અમેરિકા તરફથી સહાય મળતી રહે છે. પરંતુ તાજેતરમાં ટ્રમ્પે નાઇજીરિયાને ‘અ કન્ટ્રી ઑફ પર્ટિક્યુલર કન્સર્ન’ લિસ્ટમાં સામેલ કર્યું છે, જેથી આ સહાય પર પણ અસર પડશે. જોકે ટ્રમ્પે તેમના પહેલા કાર્યકાળમાં પણ નાઈજીરિયાને આ લેબલ આપ્યું હતું, પણ જો બાયડન પ્રશાસને પછીથી હટાવીને સહાય ફરી શરૂ કરી દીધી હતી.

    અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટ અનુસાર, ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ એક્ટ હેઠળ રાષ્ટ્રપતિ દુનિયાના દરેક દેશમાં ધાર્મિક સ્વતંત્રતાની સ્થિતિની વાર્ષિક ધોરણે સમીક્ષા કરે છે અને જ્યાં અમેરિકાને લાગે કે ધાર્મિક સ્વતંત્રતા પર જોખમ છે કે અમુક બાબતોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તેવા દેશોને CPC– કન્ટ્રી ઑફ પર્ટિક્યુલર કન્સર્નની યાદીમાં સામેલ કરે છે. હાલ ચીન, મ્યાનમાર, ક્યુબા, ઈરાન, નોર્થ કોરિયા, પાકિસ્તાન, સાઉદી અરબ વગેરે દેશો આ યાદીમાં છે. આ યાદીમાં સામેલ થવા પર અમેરિકા અમુક સહાય અટકાવી શકે કે પુનઃસમીક્ષા કરી શકે.

    ટ્રમ્પે સૈન્ય કાર્યવાહીની ચેતવણી આપી છે, પરંતુ અમેરિકા આ રીતે સીધું ઘૂસીને કાર્યવાહી કરે તેની શક્યતાઓ બહુ ઓછી છે. કારણ કે નાઇજીરિયા એક સાર્વભૌમ દેશ છે, ત્યાં સીધું ઘૂસવાથી અમેરિકાએ આંતરરાષ્ટ્રીય મંચ પર જવાબો આપવા પડી શકે. આક્રિકન યુનિયન પણ વિરુદ્ધ થઈ શકે. ટ્રમ્પના શબ્દો પરથી તેવો તેમનો ઇરાદો હોય તેવું પણ જણાતું નથી. તેમનો ઇરાદો રાજકીય અને ભૂરાજકીય દબાણ લાવવાનો વધારે જણાય છે. સફળ થશે કે નહીં એ આવનારો સમય કહેશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં