Saturday, July 12, 2025
More
    હોમપેજદુનિયાવૈશ્વિક શાસનમાં સુધાર, આર્થિક સહકાર અને પશ્ચિમના પ્રભુત્વને પડકાર... જે BRICS સમિટમાં...

    વૈશ્વિક શાસનમાં સુધાર, આર્થિક સહકાર અને પશ્ચિમના પ્રભુત્વને પડકાર… જે BRICS સમિટમાં ભાગ લેવા માટે બ્રાઝિલ પહોંચ્યા પીએમ મોદી, જાણો તે શું છે અને ભારત માટે કેમ છે મહત્વપૂર્ણ

    BRICS ભારત માટે એક રણનીતિક મંચ છે, જે તેને વૈશ્વિક આર્થિક અને રાજકીય વ્યવસ્થામાં પોતાની સ્થિતિ મજબૂત કરવાની તક આપે છે. 2025નું શિખર સંમેલન ભારતને ટેક્નોલોજી, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને ગ્લોબલ સાઉથના નેતૃત્વમાં પોતાની ભૂમિકા વધારવાની તક આપશે.

    - Advertisement -

    પાંચ દેશોની યાત્રાના ભાગરૂપે પીએમ મોદી (PM Modi) રવિવારે (6 જુલાઈ) બ્રાઝિલની (Brazil) પહોંચ્યા. અહીં તેઓ રિયો ડી જેનેરિયોમાં યોજાનાર 2025ના બ્રિક્સ (BRICS) શિખર સંમેલનમાં ભાગ લેશે. આ વર્ષે સમૂહનું નેતૃત્વ બ્રાઝિલ કરી રહ્યું છે અને તેથી જ બ્રાઝિલના રિયો ડી જેનેરિયોમાં તેનું શિખર સંમેલન યોજવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીની પાંચ દેશોની યાત્રાનો આ ચોથો તબક્કો છે, તેઓ આર્જેન્ટિનાથી સીધા બ્રાઝિલ પહોંચ્યા. સમિટ પૂર્ણ કર્યાં બાદ તેઓ નામીબિયા જવા માટે રવાના થશે. 

    બ્રિક્સની વાત કરીએ તો આ વખતે રશિયા અને ચીનના રાષ્ટ્રપ્રમુખો વગર જ સમિટનું આયોજન થવા જઈ રહ્યું છે. જોકે, સમિટમાં કોઈ પરિવર્તન થયું હોવાનું સામે આવ્યું નથી. આ વખતે સમિટમાં કુલ 9 દેશોના નેતાઓ હાજર રહેશે. સમિટના મુખ્ય એજન્ડામાં વૈશ્વિક શાસનમાં સુધાર લાવવાના પ્રયાસનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે સિવાય પીએમ મોદીની પ્રથમ પ્રાથમિકતા એ છે કે, BRICS દેશો આતંકવાદને સ્પષ્ટ શબ્દોમાં સંબોધિત કરે અને તેની ટીકા કરે.

    શું છે BRICS?

    BRICS એ એક આંતરરાષ્ટ્રીય સંગઠન છે જેમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે. આ સમૂહનું નામ આ પાંચ દેશોના નામના પ્રથમ અક્ષરોમાંથી બન્યું છે. 2024-25માં BRICSનું વિસ્તરણ થયું હતું અને હવે તેમાં ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન, સાઉદી અરેબિયા, યુનાઇટેડ આરબ અમીરાત અને ઇન્ડોનેશિયાનો પણ સમાવેશ થયો છે, જેનાથી હવે આ સમૂહમાં 11 સભ્ય દેશો છે.

    - Advertisement -

    BRICSનો મુખ્ય ઉદ્દેશ વૈશ્વિક આર્થિક, રાજકીય અને સામાજિક સહકારને વધારવો, ખાસ કરીને ગ્લોબલ સાઉથના (વિકાસશીલ દેશો) હિતોને આગળ ધપાવવા અને વૈશ્વિક શાસન સંસ્થાઓમાં (જેમ કે UN, IMF, World Bank) સુધારાની હિમાયત કરવી છે. આ સમૂહ વૈશ્વિક આર્થિક વ્યવસ્થામાં પશ્ચિમી દેશોના પ્રભુત્વને સંતુલિત કરવા અને બહુધ્રુવીય વિશ્વ વ્યવસ્થાને પ્રોત્સાહન આપવા માટે કાર્ય કરે છે.

    BRICS એક ઔપચારિક ગઠબંધન નથી, પરંતુ તે એક અનૌપચારિક સંગઠન છે, જે વાર્ષિક શિખર સંમેલનો, બેઠકો અને વિવિધ કાર્યકારી જૂથો દ્વારા કાર્ય કરે છે. તેનું કોઈ સત્તાવાર મુખ્યાલય કે સચિવાલય નથી અને દર વર્ષે નેતૃત્વ (ચેરમેનશિપ) સભ્ય દેશો વચ્ચે ફરે છે, જે એજન્ડા અને પ્રાથમિકતાઓ નક્કી કરે છે. આ વર્ષનું નેતૃત્વ બ્રાઝિલને સોંપવામાં આવ્યું છે. 

    BRICSનો ઇતિહાસ

    બ્રિક્સનો ખ્યાલ સૌપ્રથમ વર્ષ 2001માં બ્રિટિશ અર્થશાસ્ત્રી જિમ ઓ’નીલ દ્વારા આપવામાં આવ્યો હતો હતો. તેમના દ્રષ્ટિકોણથી તેમને ચાર ઉભરતી અર્થવ્યવસ્થાઓ નજરે પડતી હતી. વર્ષ 2006માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દરમિયાન બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીનના વિદેશમંત્રીઓની એક બેઠક મળી હતી. આ બેઠકમાં એક સમૂહ બનાવવાનું નક્કી થયું અને આ સમૂહને ‘BRIC’ નામ આપવામાં આવ્યું. બ્રિક દેશોની સૌપ્રથમ બેઠક વર્ષ 2009માં રશિયાના યેકાટેરિંગબર્ગ ખાતે મળી હતી, જેમાં તમામ દેશોના રાષ્ટ્રધયક્ષો ઉપસ્થિત રહ્યા હતા.

    2008ની આર્થિક કટોકટી બાદ તત્કાલીન સભ્ય દેશોએ G-20, IMF અને વર્લ્ડ બેન્કના સંદર્ભમાં સમન્વિત કામ કરવાનું શરૂ કર્યું હતું. તે સિવાય સમૂહે આંતરરાષ્ટ્રીય આર્થિક અને નાણાકીય શાસનમાં સુધાર લાવવા માટેના પ્રયાસો પણ આદરી દીધા હતા. ત્યારબાદ વર્ષ 2010માં બ્રાઝિલના બ્રાઝીલિયામાં બીજી બેઠક મળી હતી. તે દરમિયાન આ સમૂહમાં દક્ષિણ આફ્રિકા પણ જોડાયું અને જે BRIC હતું એ બન્યું ‘BRICS’. ત્યારથી આ સમૂહને આ જ નામથી ઓળખવામાં આવે છે.

    આજે BRICS એ દુનિયાની સૌથી ઝડપી અર્થવ્યવસ્થા ધરાવતો સમૂહ છે. બ્રિક્સ સમૂહના પ્રારંભિક પાંચેય સભ્ય દેશો હાલમાં દુનિયાની સૌથી ઉભરતી અર્થવ્યવસ્થાઓમાંના એક છે. જેમની સમગ્ર વિશ્વની GDPમાં 31.5%ની ભાગીદારી છે. આ પાંચેય દેશો દુનિયાની 41% વસ્તી ધરાવે છે. આ ઉપરાંત વૈશ્વિક કારોબારીમાં પણ 16% હિસ્સો ધરાવે છે.

    ત્યારબાદ 2014માં BRICSએ ન્યૂ ડેવલપમેન્ટ બેંકની (NDB) સ્થાપના કરી હતી, જે વિશ્વ બેંક અને IMFના વિકલ્પ તરીકે ઉભરી આવી છે. NDBનું મુખ્યાલય શાંઘાઈ, ચીનમાં છે અને તેના પ્રથમ પ્રમુખ ભારતના કે.વી. કામથ હતા. તે સિવાય 2023ના જોહાનિસબર્ગ સંમેલનમાં બીજા વિસ્તરણની જાહેરાત થઈ હતી, જેમાં ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન, સાઉદી અરેબિયા, UAE અને ઇન્ડોનેશિયાનો સમાવેશ થયો હતો. આ વિસ્તરણથી BRICS+નો ખ્યાલ ઉભો થયો, જે હવે વૈશ્વિક જનસંખ્યાના 46% અને GDPના 37.3%નું પ્રતિનિધિત્વ કરે છે.

    BRICSએ આર્થિક સહકાર, ટ્રેડ, ટેક્નોલોજી, ઊર્જા અને વૈશ્વિક શાસનમાં સુધારા જેવા વિવિધ ક્ષેત્રોમાં 60થી વધુ સંસ્થાઓ અને થિંક ટેન્કની સ્થાપના કરી છે, જેમાં BRICS PAY, ન્યૂ ડેવલપમેન્ટ બેંક અને BRICS કન્ટિન્જન્ટ રિઝર્વ એરેન્જમેન્ટનો (CRA) સમાવેશ થાય છે.

    ભાગીદાર દેશ

    જોહાનિસબર્ગ ઘોષણાપત્ર દ્વારા સંમત થયેલા આદેશ અનુસાર, સભ્ય દેશોએ 2024માં કઝાન સમિટ દરમિયાન BRICS ભાગીદાર દેશ શ્રેણીની રચનાને મંજૂરી આપી હતી. BRICS ભાગીદાર દેશો છે – બેલારુસ, બોલિવિયા, ક્યુબા, કઝાકિસ્તાન, મલેશિયા, નાઇજીરીયા, થાઇલેન્ડ, યુગાન્ડા અને ઉઝબેકિસ્તાન. બ્રિક્સના અધ્યક્ષ તરીકે બ્રાઝિલ સરકારે વિયેતનામને જૂથના ભાગીદાર દેશ તરીકે ઔપચારિક પ્રવેશની જાહેરાત કરી છે. વિયેતનામ બ્રિક્સનો દસમો ભાગીદાર દેશ બન્યો છે. આમ બ્રિક્સમાં 11 સભ્યો છે, જે નિર્ણય લેવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે અને ભાગીદાર દેશો પણ બેઠકોમાં ભાગ લઈ શકે છે. 2024 દરમિયાન 30થી વધુ દેશોએ બ્રિક્સમાં સભ્ય અથવા ભાગીદાર તરીકે ભાગ લેવા માટેનો રસ દાખવ્યો છે 

    BRICSની મુદ્રા 

    BRICS દેશો દ્વારા એક સામૂહિક ચલણ અથવા ડિજિટલ નાણાકીય સિસ્ટમની ચર્ચા ઘણા વર્ષોથી ચાલે છે, ખાસ કરીને યુએસ ડૉલરના વૈશ્વિક નાણાકીય પ્રભુત્વને ઘટાડવાના પ્રયાસોના ભાગરૂપે. BRICS દેશો, ખાસ કરીને રશિયા અને ચીન, યુએસ ડૉલર પર આધારિત SWIFT નાણાકીય સિસ્ટમ અને આંતરરાષ્ટ્રીય વેપારમાં ડૉલરના ઉપયોગને ઘટાડવા માગે છે. આ ખાસ કરીને રશિયા પરના પશ્ચિમી પ્રતિબંધો અને ચીનના વૈશ્વિક આર્થિક મહત્વાકાંક્ષાઓને કારણે છે. BRICS દેશો પોતપોતાના ચલણોમાં (જેમ કે ભારતીય રૂપિયો, ચીની યુઆન, રશિયન રૂબલ) વેપારને પ્રોત્સાહન આપવા માગે છે, જેથી ડૉલરનું આધિપત્ય ઘટે.

    આ ધ્યેય સાથે આગળ વધવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. જેમ કે, BRICS Payનું નિર્માણ, આ સિસ્ટમ એક ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ છે, જે સભ્ય દેશો વચ્ચે નાણાકીય વ્યવહારોને સરળ બનાવવા માટે વિકસાવવામાં આવી રહી છે. આ ઉપરાંત ડિજિટલ ચલણો (જેમ કે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી – CBDC) પર પણ ચર્ચા ચાલી રહી છે. કેટલાક BRICS દેશો, ખાસ કરીને રશિયા, એક સામૂહિક ચલણની (જેમ કે ‘BRICS યુનિટ’ અથવા ડિજિટલ ટોકન) રચનાની શક્યતા પર ચર્ચા કરે છે, જે બાસ્કેટ ઑફ કરન્સી (BRICS દેશોના ચલણોનું મિશ્રણ) અથવા ગોલ્ડ-બેક્ડ ચલણ હોઈ શકે. આ ચલણનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય વેપાર અને રિઝર્વ ચલણ તરીકે થઈ શકે છે.

    2025માં BRICSના એજન્ડા

    2025માં 17મું BRICS શિખર સંમેલન 6-7 જુલાઈ, 2025ના રોજ રિયો ડી જેનેરિયોમાં યોજાશે. બ્રાઝિલના પ્રમુખ લુઇઝ ઇનાસિયો લુલા ડા સિલ્વા આ સંમેલનનું નેતૃત્વ કરશે. આ વર્ષની થીમ છે- ‘Strengthening Global South Cooperation for More Inclusive and Sustainable Governance.’ BRICS સમિટ 2025ના મુખ્ય એજન્ડા નીચે મુજબ છે.

    વૈશ્વિક સ્વાસ્થ્ય સહયોગ – દવાઓ અને રસીકરણ સુધી સમાન પહોંચને પ્રોત્સાહન આપવું અને સંજીક રીતે નિર્ધારિત અને ઉપેક્ષિત બીમારીઓને ખતમ કરવા માટે પહેલ શરૂ કરવી.

    વૈશ્વિક શાસનમાં સુધારા – BRICS યુએન, IMF, વર્લ્ડ બેંક અને WTO જેવી સંસ્થાઓમાં વધુ પ્રતિનિધિત્વ અને ન્યાયી ભાગીદારીની હિમાયત કરે છે. આ ખાસ કરીને વિકાસશીલ દેશોના હિતોને આગળ ધપાવવા માટે છે.

    સહકાર અને ટ્રેડ – BRICS દેશો વચ્ચે ટ્રેડ લિબરલાઇઝેશન, આયાત ટેરિફ ઘટાડવા અને સ્થાનિક ચલણોમાં વેપારને પ્રોત્સાહન આપવું. BRICS PAY અને ડિજિટલ ચલણોનો ઉપયોગ વધારવાનો પ્રયાસ ચાલી રહ્યો છે, જે SWIFT જેવી પશ્ચિમી નાણાકીય વ્યવસ્થાઓ પર નિર્ભરતા ઘટાડશે. ખાસ કરીને અમેરિકી ડોલર પરની નિર્ભરતાને ખતમ કરવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે. 

    AI ટેક્નોલોજી અને ઇનોવેશન – આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને ટેક્નોલોજી શેરિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ભારત આ ક્ષેત્રે મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે, ખાસ કરીને BRICS યુથ એન્ટરપ્રેન્યોરશિપ મીટિંગ (માર્ચ 2025) દ્વારા.

    સસ્ટેનેબલ ડેવલપમેન્ટ – ક્લાઇમેટ ચેન્જ, ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિન્યૂએબલ એનર્જી અને ફૂડ સિક્યોરિટી જેવા મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવશે. ન્યૂ ડેવલપમેન્ટ બેંક ગ્રીન ફાઇનાન્સિંગમાં 30% ફાળો આપવાનો ધ્યેય પણ રાખવામાં આવ્યો છે. 

    ગ્લોબલ સાઉથનું પ્રતિનિધિત્વ – BRICS ગ્લોબલ સાઉથના દેશોના હિતોને વૈશ્વિક મંચો પર આગળ ધપાવવા અને G7 જેવી પશ્ચિમી સંસ્થાઓના પ્રભુત્વને પડકારવા માટે પ્રયત્નશીલ છે.

    સુરક્ષા અને સ્થિરતા – આતંકવાદનો વિરોધ, સાયબર સુરક્ષા અને પ્રાદેશિક સ્થિરતા પર ચર્ચા થશે. જોકે, પીએમ મોદીના કારણે તમામ દેશોએ આતંકવાદ વિરુદ્ધ સ્પષ્ટ સંબોધન પણ કરવું પડી શકે છે. 

    ભારત માટે BRICSનું મહત્વ

    ભારત માટે BRICS એક મહત્વપૂર્ણ મંચ છે, જે આર્થિક, રાજકીય અને વૈશ્વિક શાસનના ક્ષેત્રે નોંધપાત્ર તકો પૂરી પાડે છે. ભારતની ભૂમિકા અને તેનું મહત્વ નીચેના મુદ્દાઓમાં સમજી શકાય છે. 

    આર્થિક સહકાર અને ટ્રેડ – BRICS ભારત માટે અન્ય ઉભરતી અર્થવ્યવસ્થાઓ સાથે વેપાર અને રોકાણની તકો વધારવાનું મંચ પૂરું પાડે છે. 2022માં ભારતે BRICS દેશો સાથે 100 બિલિયન અમેરિકી ડોલરથી વધુનો વેપાર કર્યો અને આ આંકડો વધવાની શક્યતા છે. ન્યૂ ડેવલપમેન્ટ બેંક ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે નાણાકીય સહાય પૂરી પાડે છે, જે પશ્ચિમી સંસ્થાઓની સરખામણીમાં ઓછી શરતો સાથે ધિરાણ આપે છે. તે સિવાય ભારત ડિજિટલ ચલણો અને BRICS PAY જેવી પહેલો દ્વારા વૈશ્વિક નાણાકીય વ્યવસ્થામાં પોતાનું સ્થાન મજબૂત કરી શકે છે.

    વૈશ્વિક શાસનમાં ભૂમિકા – ભારત BRICSનો ઉપયોગ યુએન સિક્યોરિટી કાઉન્સિલ, IMF અને વર્લ્ડ બેંકમાં સુધારાની હિમાયત માટે કરે છે, જેથી વિકાસશીલ દેશોને વધુ પ્રતિનિધિત્વ મળે. આ ઉપરાંત ભારતે G20 (2023) અને BRICS શિખર સંમેલનોનું (2012, 2016, 2021) સફળ આયોજન કર્યું, જેણે તેની વૈશ્વિક નેતૃત્વની ક્ષમતા દર્શાવી છે. 

    ગ્લોબલ સાઉથનું નેતૃત્વ – ભારત પોતાને ગ્લોબલ સાઉથના નેતા તરીકે સ્થાપિત કરવા માટે BRICSનો ઉપયોગ કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારંવાર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, આતંકવાદનો વિરોધ અને ટેક્નોલોજીમાં નવીનતાની હિમાયત કરી છે. વધુમાં ભારતે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ, વન અર્થ વન હેલ્થ અને ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન જેવી પહેલોને BRICS મંચ પર આગળ ધપાવી છે.

    જિયોપોલિટિકલ સંતુલન – ભારત BRICSનો ઉપયોગ ચીન અને રશિયા સાથેના દ્વિપક્ષીય સંબંધોને સંતુલિત કરવા માટે કરે છે. ઉદાહરણ તરીકે, 2024ના કઝાન સંમેલનમાં ભારત અને ચીન વચ્ચે ગલવાન ખીણમાં તણાવ બાદ પ્રથમ હેન્ડશેક થયું, જે સંબંધોને સામાન્ય બનાવવાનું પગલું હતું. આ ઉપરાંત ભારત ચીનના વધતા પ્રભાવને સંતુલિત કરવા માટે BRICSમાં બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા સાથે IBSA (India, Brazil, South Africa) જેવા ઉપ-જૂથોને મજબૂત કરે છે.

    ટેક્નોલોજી અને યુવા સહભાગિતા – ભારત 2025માં BRICS યુથ એન્ટરપ્રેન્યોરશિપ મીટિંગ અને યુથ કાઉન્સિલ એન્ટરપ્રેન્યોરશિપ વર્કિંગ ગ્રૂપ મીટિંગનું આયોજન કરવાનો લક્ષ્ય રાખે છે, જે યુવા ઉદ્યોગસાહસિકોને નવીનતા અને આર્થિક વૃદ્ધિ માટે પ્રોત્સાહન આપશે. ઉપરાંત ભારતની ટેક્નોલોજી, ફિનટેક, હેલ્થટેક અને એગ્રોટેક જેવા ક્ષેત્રોમાં પ્રગતિ BRICS દેશો સાથે સહયોગ માટે નવી તકો ખોલે છે.

    BRICS ભારત માટે એક રણનીતિક મંચ છે, જે તેને વૈશ્વિક આર્થિક અને રાજકીય વ્યવસ્થામાં પોતાની સ્થિતિ મજબૂત કરવાની તક આપે છે. 2025નું શિખર સંમેલન ભારતને ટેક્નોલોજી, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને ગ્લોબલ સાઉથના નેતૃત્વમાં પોતાની ભૂમિકા વધારવાની તક આપશે. જોકે, ચીન સાથેના તણાવ અને BRICSની આંતરિક વિવિધતા ભારત માટે પડકારો ઊભા કરે છે. ભારતે BRICSનો ઉપયોગ પોતાના હિતોને આગળ ધપાવવા અને બહુધ્રુવીય વિશ્વ વ્યવસ્થા સ્થાપવા માટે સંતુલિત રીતે કરવાની જરૂર છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં