વક્ફ સંશોધન બિલ (Waqf Amendment Bill) આખરે સંસદના બંને ગૃહમાંથી બહુમતી સાથે પસાર થઈ ગયું છે. હવે માત્ર રાહ છે રાષ્ટ્રપતિની મંજૂરીની. રાષ્ટ્રપતિના (President of India) એક હસ્તાક્ષર બાદ આ બિલને કાયદાનું સ્વરૂપ મળી જશે અને સરકાર દ્વારા તેને અમલમાં મૂકવામાં આવશે. ત્યારબાદ ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં કહ્યું તેમ, તે કાયદો દેશના બધા નાગરિકોને સ્વીકારવો જ પડશે. કારણ કે તે સંસદનો, ભારત સરકારનો કાયદો બનશે. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ બિલને કાયદાનું સ્વરૂપ તો મળી જશે, પરંતુ કાયદો અમલમાં આવ્યા બાદ દેશભરમાં તેની શું અસર થશે? વક્ફ બોર્ડની પ્રક્રિયામાં શું-શું બદલાવ આવશે? આ પ્રશ્નના ઉત્તરની ચર્ચા આજે આપણે આ વિશેષ લેખમાં કરવા જઈ રહ્યા છીએ.
સૌથી પહેલાં એ સમજી લઈએ કે, વક્ફ સંશોધન કાયદો અમલમાં આવ્યા બાદ દેશના તમામ નાગરિકોએ અને સંબંધિત સંસ્થાઓએ તેનું પાલન કરવું અનિવાર્ય બની જશે. એટલે કે, કોઈપણ ભોગે તે કાયદાને પાળવો પડશે. તેમાં કોઈપણ પ્રકારની આનાકાની ચાલી શકશે નહીં. ત્યારબાદ વક્ફ બોર્ડની બોડીમાં પણ મોટું પરિવર્તન આવશે. કારણ કે, વક્ફ બોર્ડની બોડીમાં મુસ્લિમ સમુદાય સિવાય અન્ય ધર્મોના બિન-મુસ્લિમ સભ્યો પણ બોડીના સભ્યો બનશે. આપણે મુદ્દાસર તમામ વિષયોને સમજવાનો પ્રયાસ કરીએ.
વક્ફની પ્રક્રિયામાં થશે બદલાવ
વક્ફ સંશોધન એક્ટ-2025ના અમલમાં આવ્યા બાદ વક્ફ પ્રક્રિયામાં ઘણો બદલાવ આવશે. પહેલાં વક્ફ કાયદા અનુસાર, ત્રણ રીતે વક્ફનું ગઠન થતું હતું. જેમાં ઘોષણા (જાહેરાત), બાય યુઝર (લાંબા સમયના ઉપયોગના આધારે) અને વસિયત કે દસ્તાવેજના આધારેનો સમાવેશ થતો હતો. આ જોગવાઈઓ અસ્પષ્ટતા અને દુરુપયોગની સંભાવનાને પણ વધારી શકે તેમ હતી. જેમ કે, જરૂરી ઔપચારિક દસ્તાવેજ વગર જ વક્ફ બોર્ડ કોઈપણ સંપત્તિઓને વક્ફ સંપત્તિ ઘોષિત કરી શકે તેમ હતું. સરળતાથી સમજીએ તો એક મુસ્લિમ વ્યક્તિએ સરકારી કે પડતર જમીન પર એક દરગાહ ઊભી કરી દીધી. તેની પાસે ન તો જમીનના જરૂરી દસ્તાવેજ છે કે ન તો કોઈ મંજૂરી. તેમ છતાં લાંબા સમયથી તેનો ઉપયોગ દરગાહ માટે થતો આવ્યો છે.
તો આ ઉપયોગના આધારે વક્ફ બોર્ડ તેને પોતાની સંપત્તિ ગણાવી દે છે. પરંતુ નવા વક્ફ સુધારા અમલમાં આવ્યા બાદ આ જોગવાઈને સંપૂર્ણપણે હટાવી દેવાઈ છે. એટલે ઉપયોગના આધારે વક્ફ બોર્ડ કોઈપણ જમીન પર દાવો ઠોકી શકશે નહીં. હવે વક્ફ બોર્ડ માત્ર ઔપચારિક જાહેરાત કે વસિયત-દસ્તાવેજ દ્વારા જ જે-તે સંપત્તિ પર દાવો કરી શકે. વધુમાં હવે કોઈપણ વ્યક્તિ પોતાની જમીન વક્ફને સોંપી શકશે નહીં. નવા સુધારા અનુસાર, કોઈપણ વ્યક્તિ 5 વર્ષ સુધી ઇસ્લામનું પાલન કરતો હોવો જોઈએ. જો તેણે 5 વર્ષ સુધી ઇસ્લામની પ્રેક્ટિસ કરી હોય તો જ તે પોતાની સંપત્તિ વક્ફ જાહેર કરી શકે છે.
આ સાથે જ નવા સુધારામાં એ પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે, પારિવારિક વક્ફમાં મહિલા ઉત્તરાધિકારીઓને તેમના અધિકારથી વંચિત કરી શકાશે નહીં. એટલે કે, 5 વર્ષ સુધી ઇસ્લામને માનતો કોઈ વ્યક્તિ જો પોતાની સંપત્તિ વક્ફને સોંપે છે તો તેમાં પરિવારની મહિલાના અધિકારોનું હનન થઈ શકશે નહીં. તેની સંમતિ પણ અનિવાર્ય બનશે. આવું થવાથી વક્ફનો દુરુપયોગ નહીં થાય અને પારદર્શિતા આવશે એ અલગ.
સરકારી સંપત્તિ પર વક્ફ બોર્ડ નહીં ઠોકી થશે દાવો
પહેલાંના કાયદામાં, એટલે કે વક્ફ અધિનિયમ-1995માં સરકારી સંપત્તિઓને વક્ફ તરીકે ઘોષિત કરવા અથવા તેના પર દાવાને લઈને કોઈ સ્પષ્ટ જોગવાઈ આપવામાં આવી નહોતી. આ કારણે વક્ફ બોર્ડ ઊઠીને ગમે તે સરકારી કે ખાનગી સંપત્તિઓને વક્ફ પ્રોપર્ટી ઘોષિત કરવાનો પ્રયાસ કરતું રહેતું હતું. જેમ કે, દિલ્હી અને કર્ણાટકમાં સરકારી જમીનો પર દાવો ઠોકી દીધો હતો. હવે નવા સુધારો અમલમાં આવ્યા બાદ તેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, કોઈપણ સરકારી સંપત્તિ વક્ફ તરીકે માન્ય ગણાશે નહીં.
તેમ છતાં જો વક્ફ બોર્ડ આવી સરકારી જમીનો પર દાવો ઠોકી બેસે તો જિલ્લા કલેકટર તેની તપાસ કરશે અને રાજ્ય સરકારને તેનો રિપોર્ટ બનાવીને સોંપશે. આ સુધારામાં આપેલી આ જોગવાઈ અયોગ્ય દાવાને રોકવા અને વિવાદોને ઓછા કરવામાં અસરકારક ભૂમિકા નિભાવશે અને વક્ફ બોર્ડ સરકારી સંપત્તિઓ પર દાવો કરતા પહેલાં વિચાર કરશે.
સંપત્તિઓના સરવેમાં પણ થશે બદલાવ
જૂના કાયદા અનુસાર, વક્ફ સંપત્તિના સર્વેક્ષણની જવાબદારી સરવે કમિશનરો અને વધારાના કમિશનરોની હતી. તેના કારણે પ્રક્રિયામાં વિલંબ, કુશળતાનો અભાવ અને સંકલનનો અભાવ જોવા મળતો હતો. જ્યારે હવે નવા સુધારા મુજબ વક્ફ સંપત્તિઓના સરવેની જવાબદારી સરકારી પ્રતિનિધિ તરીકે કલેકટરની રહેશે. તેઓ રાજ્યના મહેસૂલ કાયદા હેઠળ કામ કરશે. આ ફેરફારના કારણે સરવે ઝડપી અને વધુ વ્યવસ્થિત બનશે. કારણ કે, કલેક્ટર્સ પાસે પહેલાંથી જ જમીન રેકોર્ડ અને વહીવટી સંસાધનોની એક્સેસ હોય છે. તેને વધારાની કોઈ મહેનત કરવાની જરૂર નહીં પડે અને તાત્કાલિક સરવે થઈ શકશે.
સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલની (CWS) રચનામાં સામેલ હશે બિન-મુસ્લિમ સભ્યો પણ
જૂના કાયદા અનુસાર, સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલના બધા સભ્યો મુસ્લિમ હોવા જરૂરી હતા. તેમાં ઓછામાં ઓછી બે મુસ્લિમ મહિલાઓ પણ રહેતી હતી. આ આખું માળખું માત્ર મુસ્લિમ સમુદાય પૂરતું મર્યાદિત હતું. તેમાં વિવિધતા અને બાહ્ય દ્રષ્ટિકોણ પણ જોવા મળતો નહોતો. પરંતુ હવે નવા સુધારા અમલમાં આવ્યા બાદ આ રચના બદલવી પડશે. હવે તેમાં બે બિન-મુસ્લિમ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવશે. હવે સાંસદો, પૂર્વ ન્યાયાધીશો અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ માટે મુસ્લિમ હોવું જરૂરી નથી. આ સાથે જ તેમાં બે મુસ્લિમ મહિલાઓને રાખવાની જોગવાઈ પહેલાંની જેમ જ કાયમ રહેશે.
સ્ટેટ વક્ફ બોર્ડમાં (SWB) દલિત મુસ્લિમો અને મહિલાઓને પણ મળશે સ્થાન
જેવી રીતે સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલ છે, તેવી રીતે રાજ્યમાં વક્ફના સંચાલન માટે સ્ટેટ વક્ફ બોર્ડ હોય છે. જૂના કાયદા મુજબ રાજ્ય વક્ફ બોર્ડમાં બે ચૂંટાયેલા મુસ્લિમ સાંસદો, ધારાસભ્યો અથવા બાર કાઉન્સિલના સભ્યો સામેલ થતાં હતા. તે સિવાય બોર્ડમાં બે મુસ્લિમ મહિલાઓ પણ રહેતી હતી. પરંતુ તેમાં ઇસ્લામના અન્ય ફિરકાઓ જેમ કે, શિયા, સુન્ની બોહરા (વ્હોરા), આગાખાની અને પછાત વર્ગના મુસ્લિમોને કોઈ સ્થાન આપવામાં આવતું નહોતું. માત્ર સુન્ની મુસ્લિમોનો કબજો રહેતો હતો.
હવે રાજ્ય સરકાર બે બિન-મુસ્લિમો, શિયા, સુન્ની, બોહરા, આગાખાની અને અન્ય પછાત વર્ગના મુસ્લિમ સમુદાયોમાંથી એક-એક પ્રતિનિધિની નિમણૂક કરશે. આ સાથે જ તેમાં બે મુસ્લિમ મહિલાઓનો સમાવેશ પણ ફરજિયાત રહેશે. એટલે પહેલાં માત્ર સુન્ની સમુદાય જ વક્ફ બોર્ડના સભ્ય રહી શકતા હતા, પરંતુ હવે તેમાં બિન-મુસ્લિમની સાથે મુસ્લિમ સમુદાયના અન્ય ફિરકાઓ કે જેમની સાથે વર્ષોથી ભેદભાવ થઈ રહ્યો હતો, તેમનો પણ સમાવેશ કરવામાં આવશે.
વક્ફ ટ્રિબ્યુનલની રચના, ફેરફાર અને અપીલો
જૂના કાયદામાં વક્ફ ટ્રિબ્યુનલની રચના કરવામાં આવી હતી. જેમાં એક ન્યાયાધીશ, એક અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ અને મુસ્લિમ કાયદાના તજજ્ઞનો સમાવેશ થતો હતો. હવે થતું એવું હતું કે, કોઈ વ્યક્તિને જમીનનો વિવાદ છે અને વક્ફ બોર્ડે દાવો ઠોક્યો છે તો તેમણે આ ટ્રિબ્યુનલ પાસે જઈને ન્યાય માંગવો પડતો હતો અને એક રીતે તેમનો ન્યાય આખરી હતો. ફરિયાદી વ્યક્તિને હાઇકોર્ટ સુધી જવાનો કોઈ અવકાશ મળી શકતો નહોતો. પરંતુ હવે તે ચાલી શકશે નહીં.
નવા સુધારા મુજબ હવે ટ્રિબ્યુનલમાં મુસ્લિમ કાયદાના તજજ્ઞની જગ્યાએ જિલ્લા ન્યાયાલયના જજ (અધ્યક્ષ) અને એક સંયુક્ત સચિવ સ્તરના રાજ્ય સરકારના અધિકારીઓને સામેલ કરવામાં આવ્યા છે. તે સિવાય ફરિયાદીને સૌથી મોટો લાભ એ મળશે કે, ટ્રિબ્યુનલના નિર્ણય વિરુદ્ધ તેઓ 90 દિવસની અંદર હાઇકોર્ટમાં જઈને તેના નિર્ણયને પડકારી શકશે અને કેસ સીધો હાઇકોર્ટમાં જતો રહેશે.
તે સિવાય એ ફેરફાર કરવામાં આવ્યો છે કે, પહેલાં વક્ફ સંપત્તિઓની તપાસ કલેકટર કરતા હતા, પરંતુ હવે તે જવાબદારી કોઈ વરિષ્ઠ અધિકારીની રહેશે. તે અધિકારીને સરકાર નિયુક્ત કરશે. તે સિવાય વક્ફ સંપત્તિઓની યાદીને ગેઝેટમાં છાપ્યાના 90 દિવસની અંદર જ ઓનલાઈન પોર્ટલ પર અપડેટ કરવી પડશે. જેથી કરીને પારદર્શિતા બની રહેશે.
કેન્દ્ર સરકારની વધશે શક્તિઓ
જૂના કાયદામાં કેન્દ્ર સરકારની સત્તાઓ નહિવત હતી. રાજ્ય સરકારો ખાતાઓનું ઓડિટ કરી શકતી હતી, પરંતુ કેન્દ્ર સરકારનું કોઈ નિયંત્રણ રહેતું નહોતું. એટલે કે, કેન્દ્ર સરકાર કોઈ વક્ફ વિવાદ કે ઓડિટ જેવા મુદ્દાઓ પર હાથ પર હાથ રાખીને માત્ર જોઈ શકે તેવી સ્થિતિમાં હતી. તેનાથી વિપરીત હવે કેન્દ્ર સરકાર પાસે વ્યાપક સત્તા આવી જશે. હવે કેન્દ્ર પાસે વક્ફ નોંધણી, ખાતા અને ઓડિટ સંબંધિત નિયમો બનાવવાની પૂર્ણ સત્તા હશે. એટલે હવે વક્ફ બોર્ડ પર સરકારી નિયંત્રણ રહેશે, જેથી નવા વિવાદો ઊભા ન થાય.
5 વર્ષ સુધી ઇસ્લામનું પાલન કરનારા જ આપી શકશે વક્ફને દાન
નવા સુધારામાં સૌથી મહત્વપૂર્ણ બાબત આ છે. પહેલાં થતું એવું હતું કે, કોઈ વ્યક્તિ બળજબરી કે કોઈપણ રીતે ઇસ્લામ અનુસરવા લાગે અને દબાણથી કે અન્ય કોઈ રીતે વક્ફને પોતાની સંપત્તિ સોંપી દેતી હતી. પરંતુ હવે તેવું કરવું અશક્ય બની જશે. કારણ કે, ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યાના પ્રસ્તાવને બિલમાં સમાવવામાં આવ્યો છે. પ્રસ્તાવ મુજબ, કોઈપણ વ્યક્તિ ઓછામાં ઓછા 5 વર્ષથી ઇસ્લામનું પાલન કરતી હોય તો જ તે તેની મિલકત વક્ફને દાનમાં આપી શકશે. આ સાથે જ આપવામાં આવેલી સંપત્તિમાં કોઈ છેતરપિંડી નથી થઈ તેના પુરાવા પણ આપવા પડશે. એટલે હવે કોઈપણ વ્યક્તિ વક્ફને સંપત્તિ આપી શકશે નહીં.