Sunday, November 3, 2024
More
    હોમપેજક્રાઈમવડોદરાની સુશિક્ષિત મહિલા કઈ રીતે બની સાયબર ફ્રોડના ડિજિટલ અરેસ્ટનો ભોગ: જાણો...

    વડોદરાની સુશિક્ષિત મહિલા કઈ રીતે બની સાયબર ફ્રોડના ડિજિટલ અરેસ્ટનો ભોગ: જાણો શું હોય છે મોડસ ઓપરેન્ડી, આવા સ્કેમથી બચવા શું કરી શકાય?

    વડોદરાની મહિલા શિક્ષક સાયબર ફ્રોડના ડિજિટલ અરેસ્ટનો ભોગ બની છે. ઠગ કંપનીએ મહિલાને વિડીયો કોલ પર પ્રતાડિત કરીને તેની પાસેથી રૂપિયા પડાવી લીધા છે.

    - Advertisement -

    છેલ્લા કેટલા સમયથી સોશિયલ મીડિયામાં એક વિડીયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો વડોદરાની (Vadodara) એક ખાનગી શાળાની શિક્ષિકાનો છે. વડોદરાની આ મહિલા શિક્ષક સાયબર ફ્રોડના ડિજિટલ અરેસ્ટનો (Cyber Fraud) ભોગ બની છે. ઠગ કંપનીએ મહિલાને વિડીયો કોલ પર પ્રતાડિત કરીને તેની પાસેથી રૂપિયા પડાવી લીધા છે. ઠગ ટોળકીએ મુંબઈ ક્રાઈમ બ્રાંચ, IPS અધિકારી અને CBIના નામે મહિલાને 4 કલાક સુધી ડિજિટલ અરેસ્ટ (Digital Arrest) રાખી હતી. આ મામલે સાયબર ક્રાઈમમાં (Cybercrime) ફરિયાદ નોંધવામાં આવતા તપાસ શરૂ કરવામાં આવી છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલી એક સોસાયટીમાં રહેતા અને શિક્ષક તરીકે કામ કરતા 39 વર્ષીય મહિલાએ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર ફરિયાદ નોંધાવી છે. તેમણે ફરિયાદ બાદ પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે, તેમને ગત 24 ઑગસ્ટ 2024ના રોજ એક કોલ આવ્યો હતો અને તેમાં તેમને કહેવામાં આવ્યું હતું કે, તેમના નામનું એક કુરિયર મુંબઈથી થાઈલેન્ડ ગયું છે, જેમાં ડ્રગ્સ, ગેરકાયદેસર પાસપોર્ટ અને અન્ય કેટલીક વાંધાજનક વસ્તુ છે. આ ફોનમાં પીડિતાને તાત્કાલિક મુંબઈ જઈને પોતાને સરેન્ડર કરી દેવાનું કહેવામાં આવ્યું હતું.

    આધારકાર્ડની માહિતી આપી અને મહિલા શિક્ષક ગભરાયા

    મહિલાએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં તેમને ભરોસો ન આવ્યો, પરંતુ સામે છેડેથી ઠગ ટોળકીએ તેમને તેમના આધારકાર્ડની માહિતી આપી. આ સાંભળી તેઓ ડરી ગયા અને તેમની વાતોમાં આવી ગયા. તેમણે કહ્યું કે, “હું ડરી ગઈ અને મુંબઈ આવવા સક્ષમ ન હોવાનું કહ્યું. એટલે તેમણે મારો ફોન સાયબર ક્રાઈમ મુંબઈમાં ડાયવર્ટ કરવાનું કહ્યું. તેમણે કોલ ટ્રાન્સફર કર્યો અને એક વ્યક્તિ સાથે મારી વાત કરાવી. તે અંગ્રેજીમાં બોલી રહ્યો હતો. તેણે મને સતત 4 કલાક સુધી સ્ક્રીન સામે બેસાડી રાખી હતી. મારાં બાળકો શાળાએ હતાં અને મારા પતિ પણ ગાંધીનગર ગયા હતા.”

    - Advertisement -

    પતિને ગોળી મારી દેવાની ધમકી આપી

    મહિલાએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, તેમના બાળકો જ્યારે શાળાએથી ઘરે આવી ગયા અને દરવાજો ખખડાવી રહ્યા હતા, તે સમયે પણ આરોપીઓએ તેમને કેમેરાથી દૂર થવાની નાં પાડી હતી. તેમણે કહ્યું કે, “મારા બાળકો ઘરે આવીને દરવાજો ખખડાવતાં હતાં. હું જોવા માટે ગઈ તો તે લોકોએ મને કહ્યું હતું કે તમે ડિસ્કનેક્ટ થતાં નહી. તેમ છતાં મેં 3 વખત વિડીયો કોલ ડિસ્કનેક્ટ કર્યો હતો. ત્રણ વાર ફોન કાપવા છતાં, ચોથી વાર તેમનો કોલ આવ્યો અને તેમણે મારી સાથે એટલો ખરાબ વ્યવહાર કર્યો કે, હું સમસમી ગઈ. તેમણે મને ધમકી પણ આપી કે, કોલ ડિસ્કનેક્ટ કરશો તો અત્યારે જ પોલીસ તમારે ત્યાં આવશે અને તમારા પતિને ગોળી મારી દેશે.” મહત્વનું છે કે આરોપીઓએ મહિલાને પોલીસ પાસે જવાની પણ નાં પાડી હતી.

    સાયબર ઠગ મહિલાને સતત પ્રતાડિત કરી રહ્યા હતા. તેઓ જાણે સાચા અધિકારીઓ હોય તેમ સતત ઇન્ટ્રોગેશન કરતા હતા અને તેમને ‘ઊભા થાઓ, બેસી જાઓ અને રડશો નહીં. અમે તમને હાઉસ અરેસ્ટ કરીએ છીએ. તમારે ઘરમાં જ રહેવાનું છે, તમારે કોઈને કોલ કરવાનો નથી અને કોઈનો ફોન રિસીવ પણ કરવાનો નથી.’ જેવા નિર્દેશ આપી રહ્યા હતા. પીડિતાને તેઓ સતત ટોર્ચર અને હેરેસમેન્ટ કરી રહ્યા હતા. પીડિતાએ જણાવ્યું હતું કે, તેમની તેમના મગજ પર એવી પકડ બની ગઈ હતી કે તેમને કશું જ નહોતું સમજાઈ રહ્યું. એ લોકો જેવું કહેતા હતા, તેમ તેઓ કરતા જઈ રહ્યા હતા. હદ તો ત્યારે થઈ જયારે આરોપીઓના કહેવા પર પીડિતાએ પોતાની જાતને રૂમમાં લોક કરી દીધી.

    વેરીફીકેશનના નામે 1 લાખ પડાવ્યા

    નોંધવું જોઈએ કે, મહિલાને ચાર-સાડા ચાર કલાક સુધી પ્રતાડિત કર્યા બાદ આરોપીઓએ તેમને કહ્યું હતું કે, તેઓ નિર્દોષ છે તે સાબિત કરવા માટે તેમનું બેન્ક એકાઉન્ટ વેરીફાઈ કરવું પડશે. આ માટે તેમણે રૂપિયા ટ્રાન્સફર કરવા કહ્યું હતું. જોકે, પીડિતાએ તેમને જણાવ્યું હતું કે, તેમની પાસે તેમની માતાએ આપેલા પૈસા સિવાય બીજું કશું જ નથી. આ દરમિયાન પીડિતાએ પોતાની મેડિકલ કન્ડિશનની માહિતી પણ આ ઠગ ટોળકીને આપી હતી, પરંતુ તે છતાં તેમને કશો જ ફેર નહોતો પડ્યો. આરોપીઓએ અલગ-અલગ UPIના માધ્યમથી મહિલા પાસેથી 1 લાખ રૂપિયા ખંખેરી લીધા હતા.

    નોંધવું જોઈએ કે, આરોપીઓએ મહિલાને જણાવ્યું હતું કે, તેમનું માત્ર વેરિફિકેશન થઈ રહ્યું છે અને તેમણે આપેલી રકમ તેમને ત્રણ કલાકમાં રિફંડ મળી જશે. સ્વાભાવિક છે કે, આ આખી ઘટના ષડ્યંત્રના ભાગરૂપે હતી, તેથી પૈસા પરત તો મળવાથી રહ્યા. અંતે પૈસા પાછા ન મળ્યા ત્યારે મહિલાને પોતે છેતરાયા હોવાનું સમજાયું હતું અને તરત જ તેમણે સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર ફોન કરીને ફરિયાદ નોંધાવી હતી. પીડિતા ને આશા છે કે તેમના પૈસા તેમને પરત મળી જશે અને આરોપીઓની ધરપકડ કરીને તેમને સજા પણ આપવામાં આવશે. હાલ આ મામલે તપાસ ચાલી રહી છે. દેશમાં આ પ્રકારની ઘટનાઓ સતત વધી રહી છે.

    આવા સમયે શું સાવધાની રાખવી? કેવી રીતે બચવું?

    અહીં આખી ઘટના જાણ્યા બાદ એક વિચાર અને પ્રશ્ન મગજમાં ચોક્કસ આવે કે, આ મહિલા શિક્ષિકાની જગ્યાએ આપણે હોઈએ તો? તેવા સમયમાં શું કરી શકાય? તો તેનો સીધો અને સરળ જવાબ તે છે, સૌથી પહેલાં તે સમજી લેવું જરૂરી છે કે કોઈ પણ સરકારી સુરક્ષા એજન્સી કે પોલીસ વિભાગના કોઈ આયામ ક્યારેય પણ કોઈ વ્યક્તિ વિરુદ્ધ આ રીતે ઓનલાઈન કાર્યવાહી નથી કરતાં. બીજું કે, જયારે તમારા વિરુદ્ધ કોઈ પણ કેસ કે ગુનો દાખલ થાય ત્યારે તેના લીગલ પેપર્સ સાથે તમને રૂબરૂ નજીકના પોલીસ સ્ટેશનમાં હાજર થવા કહેવાંઆ આવશે અથવા તો જે-તે પોલીસ કે સરકારી વિભાગના કર્મચારીઓ રૂબરૂ બોલાવી જાણ કરશે.

    રહી વાત તમારા ઓળખપત્રોની સાચી માહિતી અંગેન તો આજના આધુનિક જમાનામાં આ પ્રકારે કોઈની માહિતી કાઢી લેવી તે ચણા-મમરા ફાકવા જેટલું સરળ બની ગયું છે. પોલીસના સાયબર ક્રાઈમ વિભાગ તેમજ સરકાર દ્વારા અવારનવાર આ મામલે જાહેરાતો બહાર પાડીને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવે છે કે ઈન્ટરનેટની ભ્રામક અને અવિશ્વાસુ બાબતોથી દૂર રહેવું. જયારે પણ તમે ઈન્ટરનેટનો વપરાશ કરો છો, ત્યારે આ પ્રકારના સાયબર ઠગ તમારી જાણ બહાર તમારી અઢળક માહિતી મેળવી લેતા હોય છે. સમજી લો કે સાવચેત રહેવા છતાં જો તમે આવા કોઈ ગુનાનો ભોગ બનો છો, તો ગભરાયા વગર તમારા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો અથવા તો તેના હેલ્પલાઈન નંબર પર ફોન કરીને મદદ માંગો. તમે 1930 પર પણ ફોન કરીને ફરિયાદ નોંધાવી શકો છે. અથવા તો આ લિંક પર ક્લિક કરી સાયબર ક્રાઈમની ઓનલાઈન ફરિયાદ દાખલ કરી શકો છો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં