દુશ્મનની ધરતી, પહાડી વિસ્તાર, ચારે તરફ જોખમ અને સમય સામેની દોડ. ઈરાનની અંદર ફસાયેલા એક અમેરિકી એરમેનને બહાર કાઢવા માટે જે ઑપરેશન ચલાવવામાં આવ્યું, તે આધુનિક સૈન્ય અભિયાનોની જટિલતા અને જોખમ બંનેને એકસાથે દર્શાવે છે. માહિતી અનુસાર આ મિશન માત્ર એક બચાવ અભિયાન નહોતું, પરંતુ ઇન્ટેલિજન્સ, વ્યૂહરચના અને સાહસનો સંગમ હતો.
આખી ઘટના શુક્રવારથી (3 એપ્રિલ) શરૂ થાય છે. દક્ષિણ ઈરાનના ઉપર ઉડતા અમેરિકી F-15E સ્ટ્રાઈક ઈગલ લડાકૂ વિમાનને દુશ્મનની કાર્યવાહીમાં દુર્ઘટનાગ્રસ્ત કરી નાખવામાં આવ્યું. આ વિમાનમાં બે વ્યક્તિ સવાર હતા- એક પાયલટ અને એક વેપન સિસ્ટમ્સ ઑફિસર. બંનેએ સમયસર ઇજેક્ટ કરી લીધું, પરંતુ પાયલટને તે જ દિવસે બચાવી લેવામાં આવ્યો, જ્યારે બીજો ક્રૂ મેમ્બર ગુમ થઈ ગયો.
આ ઘટના અસાધારણ હતી, કારણ કે 20 વર્ષથી વધુ સમયમાં પહેલી વખત કોઈ અમેરિકી ફાઈટર જેટને દુશ્મને તોડી પાડ્યું હતું. એમાં પણ પોતાનો એક ઑફિસર પણ દુશ્મનની ધરતી પર રહી ગયો હતો.
લાપતા એરમેન ઈરાનના પહાડી વિસ્તારમાં પડ્યો, જ્યાં તેની પાસે પોતાની સુરક્ષા માટે માત્ર એક હેન્ડગન હતી. અમેરિકી અધિકારીઓ અનુસાર તેને આવી પરિસ્થિતિઓ માટે તાલીમ આપવામાં આવી હતી, જેમાં બીકન સિગ્નલ ચાલુ કરવા, ઊંચાઈ પર પહોંચવું, પોતાને છુપાવવા અને સંપર્ક જાળવી રાખવો વગેરેનો સમાવેશ થાય છે.
રિપોર્ટ્સ અનુસાર તેણે પોતાને એક પહાડી ખીણમાં છુપાવી લીધો અને પોતાના બીકનનો મર્યાદિત ઉપયોગ કર્યો, જેથી સિગ્નલ દુશ્મનના હાથમાં ન પડે. તે ત્યાં જ છુપાઈને પોતાના બચાવ દળની રાહ જોતો રહ્યો.
આ દરમિયાન ઈરાને સ્પષ્ટ કરી દીધું કે તે તેને જીવતો પકડવા માંગે છે અને તેના માટે આશરે 50,000 પાઉન્ડનું (66,100 ડોલર) ઇનામ પણ જાહેર કરી દીધું. સોશિયલ મીડિયા પર કેટલાક વિડીયો પણ સામે આવ્યા, જેમાં હથિયારબંધ લોકો તેને શોધતા દેખાયા, જોકે આંતરરાષ્ટ્રીય મીડિયાએ તેની પુષ્ટિ કરી નથી.
CIAની ભૂમિકા અને ‘ભ્રમ’ની વ્યૂહરચના
આ આખા ઑપરેશનમાં CIAની ભૂમિકા અત્યંત મહત્વની હતી. ટ્રમ્પ પ્રશાસનના એક વરિષ્ઠ અધિકારી અનુસાર એજન્સીએ એરમેનની સચોટ સ્થિતિનું લોકેશન શોધી કાઢ્યું અને પેન્ટાગોનને માહિતી આપી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેની સ્થિતિ પર 24 કલાક નજર રાખવામાં આવી હતી.
રિપોર્ટ્સ અનુસાર CIAએ એક ડિકોય ઑપરેશન પણ ચલાવ્યું. ઈરાનની અંદર એવી ખબર ફેલાવવામાં આવી કે અમેરિકી સેનાએ ગુમ થયેલા એરમેનને પહેલેથી જ શોધી કાઢ્યો છે, જેથી શોધ કરી રહેલા લોકોનું ધ્યાન ભટકાવી શકાય.
જ્યારે એરમેનની સ્થિતિ પાક્કી થઈ ગઈ ત્યારે અમેરિકી સેનાએ મોટાપાયે ઑપરેશન શરૂ કર્યું. ટ્રમ્પ અનુસાર ‘વિશ્વનાં સૌથી ઘાતક હથિયારોથી સજ્જ ડઝનો વિમાન’ આ મિશનમાં લગાવવામાં આવ્યાં.
રિપોર્ટ્સ જણાવે છે કે જેવી જ સ્પેશિયલ ફોર્સ તે જગ્યા તરફ આગળ વધી, ઈરાની સૈનિકોને દૂર રાખવા માટે બૉમ્બિંગ અને ભારે ફાયરિંગ કરવામાં આવ્યું. આ એવું ઑપરેશન હતું જેમાં હવા અને જમીન-બંને મોરચે કાર્યવાહી ચાલી રહી હતી.
અમેરિકી મીડિયાએ એ પણ જણાવ્યું કે બચાવ દળને બહાર કાઢવા માટે વપરાતાં બે ટ્રાન્સપોર્ટ વિમાન એક રિમોટ બેઝથી ઉડાન ભરી શક્યાં નહોતાં. આવી સ્થિતિમાં તેમને દુશ્મનના હાથમાંથી બચાવવા માટે નષ્ટ કરી દેવામાં આવ્યાં. ત્યારબાદ સ્પેશિયલ ફોર્સે ત્રણ અન્ય વિમાનોના માધ્યમથી ટીમને બહાર કાઢી.
ઈરાનનો દાવો: ઑપરેશન નિષ્ફળ, અમેરિકી વિમાનો નષ્ટ
જ્યાં અમેરિકા આ મિશનને સફળ બતાવી રહ્યું છે, ત્યાં ઈરાને તેને નિષ્ફળ ગણાવ્યું. ઈરાની સેનાનો દાવો છે કે આ ઑપરેશન દરમિયાન અમેરિકાના બે C-130 ટ્રાન્સપોર્ટ વિમાન અને બે બ્લેક હોક હેલિકોપ્ટર નષ્ટ કરી દેવામાં આવ્યાં.
ઈરાનના સૈન્ય પ્રવક્તા ઇબ્રાહિમ ઝોલ્ફઘારીએ કહ્યું કે દક્ષિણી ઇસ્ફહાનના એક પરિત્યક્ત એરપોર્ટ પર ચલાવવામાં આવેલું ‘ભાગવાનું મિશન સંપૂર્ણપણે નિષ્ફળ’ રહ્યું. ઈરાની સરકારી મીડિયાએ એ પણ દાવો કર્યો કે IRGCએ ઇસ્ફહાનના ઉપર એક અમેરિકી ડ્રોનને તોડી પાડ્યું.
સાબિતી શું કહે છે?
મીડિયા એજન્સીઓ દ્વારા તપાસવામાં આવેલા વિડીયો અને તસવીરોમાં મધ્ય ઈરાનના પહાડી વિસ્તારમાં એક સાળગાવાયેલું વિમાન દેખાય છે. આ સ્થળ ઇસ્ફહાન શહેરથી આશરે 50 કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં જણાવવામાં આવ્યું છે. તેમાંથી એટલું તો સ્પષ્ટ થાય છે કે વિસ્તારમાં ભારે સૈન્ય પ્રવૃત્તિ થઈ હતી, પરંતુ કયા પક્ષને કેટલું નુકસાન થયું તે અંગે હજુ સ્પષ્ટતા નથી.
અમેરિકી સમય મુજબ રવિવારે (5 એપ્રિલ) મધ્યરાત્રિ પહેલાં આ મિશન પૂર્ણ થયું. ગુમ થયેલા એરમેનને સુરક્ષિત રીતે બહાર કાઢીને સારવાર માટે કુવૈત લઈ જવામાં આવ્યો. અમેરિકી અધિકારીઓએ હજુ સુધી તેની ઓળખ અથવા સચોટ સ્થિતિ જાહેર કરી નથી.
પૂર્વ અમેરિકી નૌસેના એડમિરલ વિલિયમ ફોલને BBCને કહ્યું કે આ ઑપરેશનમાં સમય– ખાસ કરીને રાત્રિનો ફાયદો મળ્યો, કારણ કે અમેરિકી દળો રાત્રિમાં ઑપરેશન કરવાનાં આદી હોય છે. તેમણે કહ્યું કે દુશ્મન વિસ્તારમાં ઉડાન ભરતી વખતે દરેક પાયલટને તૈયાર રહેવું પડે છે કે આગલો ટાર્ગેટ તે પોતે જ હોય શકે છે.
અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના પૂર્વ વડા જનરલ ફ્રેન્ક મેકેન્ઝીએ સ્વીકાર્યું કે આ મિશનમાં કેટલાક વિમાનો ગુમાવવામાં આવ્યાં, પરંતુ તેમના અનુસાર આ નુકસાન સ્વીકાર્ય છે. તેમણે કહ્યું કે, “એક વિમાન બનાવવામાં એક વર્ષ લાગે છે, પરંતુ આવી સૈન્ય પરંપરા બનાવવામાં 200 વર્ષ લાગે છે, જ્યાં તમે કોઈને પાછળ છોડતા નથી.”


