Wednesday, April 1, 2026
More
    હોમપેજદેશરોજબરોજની ખરીદી સસ્તી, દર્દી-વિદ્યાર્થીઓને રાહત: મોદી સરકારના GST રિફૉર્મથી કઈ ચીજવસ્તુઓ પર...

    રોજબરોજની ખરીદી સસ્તી, દર્દી-વિદ્યાર્થીઓને રાહત: મોદી સરકારના GST રિફૉર્મથી કઈ ચીજવસ્તુઓ પર નહીં ચૂકવવો પડે ટેક્સ?

    56મી GST કાઉન્સિલ બેઠકમાં લેવાયેલા આ નિર્ણયો 22 સપ્ટેમ્બર 2025થી અમલમાં આવશે. એટલે કે આ તારીખ પછી ઉપર જણાવેલી તમામ ચીજો પર ગ્રાહકોને કોઈ GST ચૂકવવો નહીં પડે. આનો અર્થ એ છે કે દુકાનોમાં આ વસ્તુઓ સીધી સસ્તી મળી રહેશે.

    - Advertisement -

    ભારતમાં Goods and Services Tax (GST) લાગુ થયા બાદથી સામાન્ય જનતા માટે રાહત આપવાની સાથે સાથે ટેક્સના માળખાને સરળ બનાવવાની દિશામાં સતત પ્રયત્નો થઈ રહ્યા છે. આ જ ક્રમમાં 3 સપ્ટેમ્બર 2025ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 56મી GST કાઉન્સિલ બેઠકમાં પણ અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે. આ બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કરી હતી અને તેમાં અનેક રાજ્યોના નાણાંમંત્રીઓ હાજર રહ્યા હતા.

    આ બેઠકનો મુખ્ય ધ્યેય GST માળખાને વધુ સરળ, પારદર્શક અને ઉદ્યોગ તેમજ ગ્રાહકો માટે અનુકૂળ બનાવવાનો હતો. 2017માં GSTની શરૂઆત થઈ ત્યારથી આ કર વ્યવસ્થાએ ભારતીય અર્થતંત્રને એકીકૃત બજાર તરીકે સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઑગસ્ટ, 2025ના રોજ લાલ કિલ્લા પરથી દિવાળી સુધીમાં GST સુધારાઓ લાવવાની જાહેરાત કરી હતી. આ બેઠક તે દિશામાં પ્રથમ નોંધપાત્ર પગલું હતું. આ બેઠકમાં ચાર મુખ્ય ટેક્સ સ્લેબને (5%, 12%, 18%, અને 28%) બે સ્લેબમાં ઘટાડવાનો પ્રસ્તાવ સ્વીકારવામાં આવ્યો, જેનો હેતુ ગ્રાહકોને સસ્તી વસ્તુઓ અને ઉદ્યોગોને વધુ સ્પર્ધાત્મક બનાવવાનો છે.

    આ બેઠકમાં અનેક દરોમાં ફેરફાર કરાયા, પરંતુ સૌથી મોટો અને ઐતિહાસિક નિર્ણય એ રહ્યો કે બેઠકમાં સૌથી મોટી રાહત એ રહી કે કેટલીક અતિ આવશ્યક ચીજો પર GSTને સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યો છે. જે વસ્તુઓ પહેલાં 5% કે 12% GST હેઠળ આવતી હતી હવે તેને સંપૂર્ણપણે કરમુક્ત એટલે કે Nil કરવામાં આવી છે. આ પગલાંથી સીધો લાભ સામાન્ય જનતા, વિદ્યાર્થીઓ, મધ્યવર્ગીય પરિવારો અને આરોગ્ય સેવાઓ પર આધારિત દર્દીઓને થશે.

    - Advertisement -

    ડેરી અને ખાદ્ય પદાર્થો પર Nil GST

    સૌથી પહેલું અને મહત્વપૂર્ણ ક્ષેત્ર છે ડેરી ઉત્પાદનો અને રોજિંદી ખાદ્ય વસ્તુઓ. પહેલાં પેકેજ્ડ પનીર પર 12% GST વસૂલાતો હતો. એ જ રીતે પિઝા બ્રેડ, ખાખરા, ચપાતી, રોટલી અને પરાઠા પર પણ 5થી 12% સુધીનો કર લાગતો હતો. આ વસ્તુઓ રોજિંદા જીવનનો એક ભાગ છે અને મોટાભાગના પરિવારો નિયમિત તેનો ઉપયોગ કરે છે. હવે આ તમામ ચીજો પર Nil GST લાગુ કરવામાં આવ્યો છે. જે સામાન્ય લોકો માટે ઘણો ફાયદાકારક નિર્ણય છે, કારણ કે આ બધી ચીજ વસ્તુઓ રોજિંદા જીવનમાં વપરાતી વસ્તુઓ છે.

    દવાઓ અને આરોગ્ય ક્ષેત્રમાં મોટો ફેરફાર

    ભારતમાં આરોગ્ય ખર્ચ હંમેશાં સામાન્ય માણસ માટે મોટો ભાર રહ્યો છે. ખાસ કરીને દુર્લભ રોગો માટેની દવાઓ ખૂબ જ મોંઘી હોવાથી ઘણા દર્દીઓ યોગ્ય સારવાર મેળવી શકતા નહોતા. પહેલાં આવી દવાઓ પર 5% કે 12% GST વસૂલાતો હતો. ઉદાહરણ તરીકે Agalsidase Beta, Imiglucerase, Eptacog alfa, Onasemnogene abeparvovec જેવી દવાઓ પર 5% લાગતો હતો. હવે આ તમામ દવાઓ Nil GST હેઠળ લાવી દેવામાં આવી છે.

    આ ઉપરાંત એવી દવાઓ જેના પર 12% GST લાગતો હતો તેને પણ Nil GST હેઠળ લાવવામાં આવી છે. આવી દવાઓમાં દુર્લભ જિનેટિક કે મેટાબોલિક રોગો, સ્નાયુ અને નર્વ સંબંધિત રોગો, રક્ત સંબંધિત રોગો, અલગ-અલગ કેન્સર, પ્રતિકાર શક્તિ કે સ્વપ્રતિકારક રોગો અને કોલેસ્ટ્રોલ કે હૃદય સંબંધિત રોગોની દવાઓનો સમાવેશ થાય છે.

    કેટેગરી પ્રમાણે GST Nil કરાયેલી દવાઓ

    1 દુર્લભ જિનેટિક / મેટાબોલિક રોગો

    દવાઉપયોગ (રોગ)
    Agalsidase Betaફેબ્રી રોગ (Fabry Disease)
    Agalsidase Alfaફેબ્રી રોગ
    Imigluceraseગૌશેર રોગ (Gaucher Disease)
    Velaglucerase Alfaગૌશેર રોગ
    Miglustatગૌશેર રોગ (Type 1), નીમેન-પિક રોગ
    Alglucosidase Alfaપોમ્પે રોગ (Pompe Disease)
    Laronidaseહર્લર સિન્ડ્રોમ (MPS I)
    Idursulphataseહન્ટર સિન્ડ્રોમ (MPS II)
    Olipudase Alfaનીમેન-પિક રોગ (Type B)
    Velmanase Alfaઅલ્ફા-માનોસિડોસિસ (Alpha-Mannosidosis)
    Cystamine Bitartrateહન્ટિંગટન રોગ (Huntington’s) અને સિસ્ટિનોસિસ

    2 સ્નાયુ અને નર્વ સંબંધિત રોગો

    દવાઉપયોગ (રોગ)
    Onasemnogene abeparvovecસ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી (SMA)
    Risdiplamસ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી (SMA)

    3 રક્ત સંબંધિત રોગો (હિમોફિલિયા અને અન્ય)

    દવાઉપયોગ (રોગ)
    Eptacog alfa (Factor VIIa)હિમોફિલિયા અને ગંભીર બ્લીડિંગ ડિસઓર્ડર
    Rurioctocog Alfa Pegolહિમોફિલિયા A
    Emicizumabહિમોફિલિયા A
    CI-Inhibitor injectionહેરેડિટરી એન્જીઓએડિમા (HAE)

    4 કેન્સર (Oncology)

    દવાઉપયોગ (કેન્સર પ્રકાર)
    Asciminibક્રોનિક માયલોઇડ લ્યુકેમિયા (CML)
    Obinutuzumabલ્યુકેમિયા (CLL), લિંફોમા
    Polatuzumab vedotinડિફ્યુઝ લાર્જ બી-સેલ લિંફોમા
    Daratumumabમલ્ટિપલ માયેલોમા (રક્તનું કેન્સર)
    Daratumumab (Subcutaneous)મલ્ટિપલ માયેલોમા
    Teclistamabમુશ્કેલ મલ્ટિપલ માયેલોમા
    Amivantamabનોન-સ્મોલ સેલ ફેફસાંનું કેન્સર
    AlectinibALK-પોઝિટિવ ફેફસાંનું કેન્સર
    Entrectinibસોલિડ ટ્યુમર (NTRK/ROS1 મ્યુટેશન)
    Tepotinibફેફસાંનું કેન્સર (MET મ્યુટેશન)
    Atezolizumabફેફસાં, મૂત્રાશય અને સ્તન કેન્સર
    Avelumabમર્કેલ સેલ કાર્સિનોમા, મૂત્રાશય કેન્સર
    Pegylated Liposomal Irinotecanઅગ્નાશયનું કેન્સર (Pancreatic Cancer)

    5 પ્રતિકાર શક્તિ / સ્વપ્રતિકારક રોગો

    દવાઉપયોગ (રોગ)
    Mepolizumabગંભીર અસ્થમા, Eosinophilic ડિસઓર્ડર
    Spesolimabજનરલાઇઝ્ડ પુસ્ટ્યુલર સોરાયસિસ (ચામડીનો ગંભીર રોગ)
    Belumosudilક્રોનિક ગ્રાફ્ટ વર્સેસ હોસ્ટ ડિસીઝ (GVHD)

    6 કોલેસ્ટ્રોલ / હૃદય સંબંધિત રોગો

    દવાઉપયોગ (રોગ)
    Alirocumabઉંચું એલડીએલ કોલેસ્ટ્રોલ (LDL)
    Evolocumabઉંચું એલડીએલ કોલેસ્ટ્રોલ (PCSK9 અવરોધક)
    Inclisiranઉંચું એલડીએલ કોલેસ્ટ્રોલ (RNA થેરાપી)

    વીમા પોલીસી કરમુક્ત

    56મી બેઠકમાં વ્યક્તિગત આરોગ્ય અને જીવન વીમા પ્રીમિયમ પરનો GST 18% ઘટાડીને શૂન્ય કરવામાં આવ્યો છે. હાલમાં, જો કોઈ પોલિસીધારક વીમા પોલિસી ખરીદવા માટે 100 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવે છે તો તેણે વાસ્તવમાં 118 રૂપિયા (100 રૂપિયા + 18 રૂપિયા GST) ચૂકવવા પડે છે. જોકે, આ દરને શૂન્ય કરવા પર ઘણી ચર્ચા થઈ હતી, જેથી બધા માટે વીમાને વધુ સસ્તો બનાવી શકાય અને પોલિસીધારકો માટે GST પછીનું પ્રીમિયમ અસરકારક રીતે ઘટાડી શકાય.

    શૈક્ષણિક વસ્તુઓ પર GST Nil

    આ સાથે શૈક્ષણિક સામગ્રી પર પણ કર ઘટાડવામાં આવ્યો છે. પહેલાં અનેક શૈક્ષણિક સામગ્રી પર 12% GST લાગતો હતો. નોટબુક, એક્સરસાઈઝ બુક, ગ્રાફ બુક, હેન્ડમેઇડ પેપર જેવી વસ્તુઓ તેના મુખ્ય ઉદાહરણ છે. એ જ રીતે પેન્સિલ, ક્રેયોન, ચૉક અને પેન્સિલ શાર્પનર જેવી નાનકડી પરંતુ આવશ્યક સામગ્રી પર પણ કર વસૂલાત થતો હતો. હવે આ તમામ ચીજો પર Nil GST લાગુ કરવામાં આવ્યો છે.

    આ સુધારો વિદ્યાર્થીઓ માટે એક મોટો ઉપકાર છે. ભારત જેવા દેશમાં, જ્યાં કરોડો બાળકો ગરીબીના કારણે શિક્ષણ છોડી દેતા હતા, ત્યાં શૈક્ષણિક સામગ્રીનો ખર્ચ ઓછો થવાથી તેમને અભ્યાસ ચાલુ રાખવામાં મદદ મળશે. ગરીબ અને મધ્યવર્ગીય પરિવારો માટે બાળકોના અભ્યાસનો ખર્ચ હવે થોડો સરળ બનશે. આ રીતે જોવામાં આવે તો સરકારનું આ પગલું માત્ર આર્થિક જ નહીં પરંતુ સામાજિક સમાનતાની દિશામાં પણ એક મોટું પગલું છે.

    અમલની તારીખ અને તાત્કાલિક અસર

    56મી GST કાઉન્સિલ બેઠકમાં લેવાયેલા આ નિર્ણયો 22 સપ્ટેમ્બર 2025થી અમલમાં આવશે. એટલે કે આ તારીખ પછી ઉપર જણાવેલી તમામ ચીજો પર ગ્રાહકોને કોઈ GST ચૂકવવો નહીં પડે. આનો અર્થ એ છે કે દુકાનોમાં આ વસ્તુઓ સીધી સસ્તી મળી રહેશે. આ સુધારાઓનો સીધો લાભ સામાન્ય જનતા સુધી પહોંચશે. રોજિંદા વપરાશની ખાદ્ય વસ્તુઓ સસ્તી થવાથી પરિવારના ખર્ચમાં બચત થશે. દવાઓ સસ્તી થવાથી દર્દીઓને રાહત મળશે. શૈક્ષણિક સામગ્રી સસ્તી થવાથી બાળકોના અભ્યાસમાં સહાય મળશે. આ બધું મળીને દેશના લાખો પરિવારોને સીધો લાભ થશે.

    આ નિર્ણયોના પ્રભાવ જોતા સ્પષ્ટ થાય છે કે સરકારનું ધ્યાન ગરીબ અને મધ્યવર્ગ પર કેન્દ્રિત છે. ખોરાક, આરોગ્ય અને શિક્ષણ એ જીવનની ત્રણ સૌથી અગત્યની જરૂરિયાતો છે, જેના પર કર દૂર કરવાથી દેશના મોટાભાગના લોકોની જીવનશૈલીમાં સકારાત્મક ફેરફાર થશે. એકંદરે જોવામાં આવે તો 56મી GST કાઉન્સિલ બેઠકમાં લેવાયેલા આ નિર્ણયો ઐતિહાસિક છે. પહેલાં 5 કે 12% GST હેઠળ આવતી અને હવે Nil કરાયેલી ચીજોનો વ્યાપ ખૂબ મોટો છે. તેમાં ખોરાક, દવાઓ અને શિક્ષણ જેવી મૂળભૂત આવશ્યકતાઓ આવરી લેવાઈ છે. આ પગલાંથી સામાન્ય જનતાને સીધી રાહત મળશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં