સોશિયલ મીડિયા પર કેટલાક સમાચાર અને સ્ક્રીનશોટ્સ વાયરલ થઈ રહ્યા છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે મધ્ય પ્રદેશની ભાજપ સરકાર હિંદુવિરોધી છે. વાયરલ સ્ક્રીનશોટ્સ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા OBC અનામતના સોગંદનામાંના ગણવાઈ રહ્યા છે, જેમાં હિંદુ સભ્યતાને નિશાન બનાવતા કેટલાક વિવાદિત નિવેદનો હોવાનું સામે આવ્યું છે.
1 ઑક્ટોબર, 2025ના રોજ આ સ્ક્રીનશોટ્સ વાયરલ થયાના ગણતરીના કલાકોમાં જ મધ્ય પ્રદેશની ભાજપ સરકારે ‘હિંદુવિરોધી’ આરોપોનું ખંડન કરી દીધું છે અને તેનું ફેક્ટચેક કરી નાખ્યું છે.
सोशल मीडिया पर ओबीसी आरक्षण से जुड़े कुछ भ्रामक कथन मध्यप्रदेश सरकार के हलफनामे से जोड़कर प्रस्तुत किए जा रहे हैं, जो असत्य हैं।
— Jansampark Fact Check (@JansamparkFC) September 30, 2025
वस्तुस्थिति इस प्रकार है…@JansamparkMP#FactCheck pic.twitter.com/G8uKCGhXwl
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વાયરલ થયેલા કેટલાક સ્ક્રીનશોટ્સમાં વિવાદિત માહિતી દર્શાવવામાં આવી છે. એકમાં દાવો કરવામાં આવ્યો છે કે રામાયણમાં ‘ઋષિ શંબૂક’ની હત્યા જાતિના દમનનું ઉદાહરણ છે. જોકે, સત્ય એ છે કે ભગવાન રામે શંબૂકને તેની જાતિના કારણે નહીં, પરંતુ દેવી પાર્વતી પ્રત્યે ખરાબ ઇરાદા હોવાથી માર્યો હતો અને તેથી જ તેને સજા આપવામાં આવી હતી.
બીજા એક દાવામાં કહેવામાં આવ્યું છે કે મનુસ્મૃતિએ શૂદ્રોની સરખામણી પ્રાણીઓ સાથે કરીને તેમને અપમાનિત કર્યા છે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે બ્રિટિશ સુધારાઓ અને પેરિયારના ‘આત્મસન્માન આંદોલન’ના કારણે જાતિ વ્યવસ્થામાં ભેદભાવ ઘટ્યો છે. દસ્તાવેજમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે ઉચ્ચ જાતિઓનું વર્ચસ્વ સુનિશ્ચિત કરવા માટે સદીઓથી હિંદુ સમાજને જાણીજોઈને વિભાજિત રાખવામાં આવ્યો હતો.
મનુસ્મૃતિને લઈને હિંદુઓ પર વારંવાર આરોપો લગાવવામાં આવે છે, પરંતુ જે લોકો તેની સૌથી વધુ ટીકા કરે છે, તેઓ ભૂલી જાય છે કે ડૉ. ભીમરાવ આંબેડકરે હિંદુ કોડ બિલ બનાવતી વખતે મનુસ્મૃતિનોનો હવાલો આપ્યો હતો અને તેની મદદ પણ લીધી હતી.
બીજો મોટો વિવાદ પેરિયારને લઈને છે. એવું કહેવાય છે કે જાતિવ્યવસ્થામાં ભેદભાવ ઘટાડવાનો શ્રેય ઈ.વી. રામાસ્વામી ઉર્ફે પેરિયારને જાય છે. પરંતુ સત્ય એ છે કે પેરિયાર ખુલ્લેઆમ હિંદુ-વિરોધી વિચારો ધરાવતા હતા. એટલું જ નહીં, તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નેહરુ પણ તેનાથી નારાજ હતા.
5 નવેમ્બર 1957ના રોજ નેહરુએ મદ્રાસના મુખ્યમંત્રી કુમારસ્વામી કામરાજને લખેલા પત્રમાં સ્પષ્ટ લખ્યું હતું કે, “ઈ.વી. રામાસ્વામી નાયકર દ્વારા સતત ચલાવવામાં આવતા એન્ટિ-બ્રાહ્મણ અભિયાનથી હું ખૂબ જ દુખી છું. મેં આ અંગે અગાઉ પણ તમને લખ્યું હતું અને મને કહેવામાં આવ્યું હતું કે આ મામલે વિચારણા ચાલી રહી છે.”
નેહરુએ પત્રમાં વધુ કડક શબ્દોનો ઉપયોગ કરતા લખ્યું હતું કે, “મને લાગે છે કે રામાસ્વામી નાયકર વારંવાર એક જ વાતોનું પુનરાવર્તન કરે છે અને લોકોને ઉશ્કેરે છે કે તેઓ તક મળતાં છરાના ઘા ઝીંકે અને હત્યા કરે. આવી વાતો ફક્ત કોઈ ગુનેગાર કે ગાંડી વ્યક્તિ જ કહી શકે છે.”
નેહરુએ મદ્રાસના મુખ્યમંત્રીને કહ્યું હતું કે, “હું તેમને બરાબર ઓળખતો નથી કે નક્કી કરી શકું કે તેઓ ખરેખર કોણ છે, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે આવી વાતો દેશ પર ખૂબ જ ખરાબ અસર કરે છે. અસામાજિક અને ગુનાહિત તત્ત્વો એવું માનવા લાગે છે કે તેઓ પણ આવી હરકતો કરી શકે છે.”
ભારતના પ્રથમ વડા પ્રધાન નેહરુનું માનવું હતું કે પેરિયાર જેવા બ્રાહ્મણવિરોધી ‘કાર્યકરો’ને પાગલખાનામાં રાખવા જોઈએ, જ્યાં તેમના ‘વિકૃત મગજ’ની સારવાર થઈ શકે.
આ મુદ્દે સોશિયલ મીડિયા પર ભારે રોષ ફેલાયો છે. ખાસ કરીને હિંદુ સંગઠનો અને તેમની સાથે જોડાયેલા લોકોએ ભાજપ પર આરોપ લગાવ્યો છે કે તેણે કોર્ટના એફિડેવિટમાં કથિત રીતે ‘વામપંથી પ્રોપગેન્ડા’ને સમર્થન આપીને પોતાના વૈચારિક મૂળ સાથે ગદ્દારી કરી છે. કલાકો સુધી ‘એન્ટી-હિંદુ’ હેશટેગ સરકાર વિરુદ્ધ ટ્રેન્ડ થતા રહ્યા, જેને વિપક્ષી દળોએ વધુ હવા આપી છે.
એફિડેવિટ નહીં, કોંગ્રેસકાળનો આયોગનો રિપોર્ટ
આ સમગ્ર ઘટનાને લઈને મધ્ય પ્રદેશની ભાજપ સરકારે સ્પષ્ટતા કરી છે કે આ ટિપ્પણીઓ તેમના સોગંદનામાંનો ભાગ નથી. સરકારે જણાવ્યું છે કે આ વિવાદાસ્પદ સામગ્રી રામજી મહાજનની અધ્યક્ષતાના મધ્ય પ્રદેશ પછાત વર્ગ આયોગના અંતિમ રિપોર્ટમાંથી લેવામાં આવી છે, જેનું ગઠન 17 નવેમ્બર 1980ના રોજ કૉંગ્રેસના શાસનકાળ દરમિયાન થયું હતું. આ આયોગે 22 ડિસેમ્બર 1983ના રોજ પોતાનો અંતિમ રિપોર્ટ સોંપ્યો હતો.
મહાજન રિપોર્ટ અને અન્ય આયોગોના રિપોર્ટ લાંબા સમયથી સરકારી રેકોર્ડનો ભાગ રહ્યા છે. ઓબીસી આરક્ષણનો મામલો દાયકાઓથી ન્યાયિક તપાસના દાયરામાં હોવાથી આ દસ્તાવેજો અગાઉ હાઇકોર્ટમાં રજૂ થઈ ચૂક્યા હતા અને તેથી જ તે સુપ્રીમ કોર્ટમાં દાખલ કેસ ફાઈલનો ભાગ બન્યા છે.
સરકારે ભારપૂર્વક જણાવ્યું છે કે આવા રિપોર્ટને ન્યાયિક ફાઈલમાં સામેલ કરવાનો અર્થ એ નથી કે વર્તમાન સરકાર તેના નિષ્કર્ષોનું સમર્થન કરે છે. આ એક પ્રક્રિયાગત જરૂરિયાત છે, કારણ કે આરક્ષણ સંબંધિત કેસોની સુનાવણી દરમિયાન તમામ સંબંધિત જૂના રિપોર્ટ નિયમિતપણે કોર્ટમાં રજૂ કરવામાં આવે છે.
સરકારે આગળ જણાવ્યું છે કે મહાજન રિપોર્ટની સાથે-સાથે સરકારે પછાત વર્ગ આયોગના 1994થી 2011 સુધીના વાર્ષિક રિપોર્ટ્સ અને રાજ્ય પછાત વર્ગ કલ્યાણ આયોગના 2022ના રિપોર્ટ પણ કોર્ટમાં રજૂ કર્યા છે. આ સ્પષ્ટતા એટલા માટે દેવામાં આવી છે કે, તેનાથી સ્પષ્ટ થઈ જાય છે જે દસ્તાવેજો વાયરલ થઈ રહ્યા છે, તે ભાજપ સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા સોગંદનામાંનો ભાગ નાથી, પરંતુ કોંગ્રેસ શાસનનો એક રિપોર્ટ છે, જે ન્યાયિક રેકોર્ડનો એક ભાગ ગણાય છે.
અનામતના આંકડાઓની સરખામણી
ભાજપ સરકારે એ વાત પર પણ ધ્યાન દોર્યું કે મહાજન આયોગે ઓબીસી માટે 35% આરક્ષણની ભલામણ કરી હતી, જ્યારે વર્તમાન સરકાર 27% આરક્ષણની માગ પર અડગ છે. સરકારે જણાવ્યું કે આ બાબત પુરાવો આપે છે કે ભાજપ મહાજન રિપોર્ટને અંતિમ સત્ય માનતી નથી. રાજ્યએ પોતાના નીતિગત નિર્ણયો બંધારણીય માપદંડો અને સામાજિક વાસ્તવિકતાઓના આધારે લીધા છે.
બીજા શબ્દોમાં કહેવામાં આવે તો મહાજન આયોગની ભલામણોને ક્યારેય સંપૂર્ણપણે સ્વીકારવામાં આવી નાથી. ભાજપની દલીલ છે કે જો તે 1983ના આ રિપોર્ટથી સહમત હોત તો 35% ઓબીસી કોટા લાગુ કરત. પણ તેની જગ્યાએ ભાજપે ઓછી સંખ્યા પર સમજૂતી કરી છે.
રાજ્ય સરકારે ગણાવ્યું દુર્ભાવનાપૂર્ણ અભિયાન
સરકારે વાયરલ સ્ક્રીનશોટ્સને ‘ખોટા, કાલ્પનિક, ભ્રામક અને દુર્ભાવનાપૂર્ણ’ ગણાવ્યા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે શૈક્ષણિક કે આયોગના રિપોર્ટના ચોક્કસ ભાગોને અલગથી રજૂ કરવા એ રાજ્ય વિરુદ્ધ ‘દુષ્પ્રચાર અભિયાન’નો ભાગ છે.
સરકારે ભારપૂર્વક જણાવ્યું છે કે તે ‘સબકા સાથ, સબકા વિકાસ’ અને સામાજિક સદ્ભાવના માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને તે ક્યારેય એવા કોઈ નેરેટિવને સમર્થન નહીં આપે જે હિંદુ પરંપરાઓ કે ગ્રંથોને બદનામ કરે છે. સરકારે ચેતવણી આપી છે કે આ ભ્રામક સ્ક્રીનશોટ કેવી રીતે પ્રસારિત થયા તે વિશેની યોગ્ય તપાસ કરવામાં આવશે અને જવાબદાર લોકો વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવશે.
સોશિયલ મીડિયા પર આક્રોશ
આ વિવાદથી રાજકીય ક્ષેત્રે નોંધપાત્ર નુકસાન થયું છે. ભાજપના આલોચકોએ પાર્ટી પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે અને એવું પણ કહ્યું છે કે આવા રિપોર્ટને સિસ્ટમમાં રહેવા દેવા એ ગંભીર ભૂલ છે.
BJP has filed an affidavit in the Supreme Court supporting 73% reservations in Madhya Pradesh.
— Dr. Rajeshwari Iyer (@RajeshwariRW) September 30, 2025
The govt. has also claimed that the Varna system deprived 80% of Shudras of their rights and exploited them for centuries.
BJP is actively creating division and hatred against the… pic.twitter.com/NM7SMDHEnM
કેટલાકે એમ પણ કહ્યું છે કે આ દસ્તાવેજોનું સરકારી રેકોર્ડમાં હોવું એ દર્શાવે છે કે કોંગ્રેસ શાસનકાળનો પ્રોપગેન્ડા સરકારી તંત્રમાં ઊંડે સુધી ઘૂસી ગયો છે.
Unbelievable! The BJP Govt has actually submitted an affidavit in the Supreme Court to increase caste-based reservations in Madhya Pradesh and in the process, they’ve dragged Hinduism through the lows.
— Nyaksha (@AstuteNyaksha) September 30, 2025
From the Bhagavad Gita to the Vedas to the Smritis, everything has been… pic.twitter.com/pv3YfiM3U9
એક X યુઝરે લખ્યું કે, “ભાજપ સામાન્ય વર્ગ વિરુદ્ધ વિભાજન અને નફરત ફેલાવી રહ્યો છે.” બીજા યુઝરે કહ્યું છે કે, “આ માત્ર વિશ્વાસઘાત નથી, ભાજપ તે લોકો પર થૂંકી રહ્યો છે જેઓ સારા-નરસા સમયમાં તેની સાથે ઊભા રહ્યા. અને વિડંબના? કહેવાતી ‘હિંદુત્વ પાર્ટી’ હવે વૉટબેંક માટે પેરિયારવાદીઓ અને અંગ્રેજોની જેમ ગંદું કામ કરી રહી છે.”
લાંબા સમય સુધી ચાલનારા સવાલો
જોકે, મધ્ય પ્રદેશની ભાજપ સરકારે ભ્રામક સામગ્રી પર સ્પષ્ટતા કરી દીધી છે, પરંતુ એ હજુ પણ ચિંતાનો વિષય છે કે સરકાર બદલાયા પછી પણ વામપંથી પ્રોપગેન્ડા પ્રેરિત દસ્તાવેજો સિસ્ટમ અને રેકોર્ડનો ભાગ કેવી રીતે રહી ગયા?
આ મામલે સુપ્રીમ કોર્ટમાં આગામી સુનાવણી 8 ઑક્ટોબર 2025ના રોજ નક્કી થઈ છે. હવે જોવું રહ્યું કે આ વિવાદ કોર્ટની ચર્ચાનો ભાગ બને છે કે નહીં.
હાલ તો મધ્ય પ્રદેશ સરકારે ભારપૂર્વક જણાવ્યું છે કે તેમના સોગંદનામાંમાં કોઈ પણ પ્રકારનું હિંદુવિરોધી નિવેદન નથી અને જે લોકો ભ્રામક સામગ્રી ફેલાવી રહ્યા છે, તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
સરકારે કહ્યું છે કે, “રાજ્ય સરકાર ‘સબકા સાથ, સબકા વિકાસ’ અને સામાજિક સદ્ભાવ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. ફરીથી સ્પષ્ટ કરવામાં આવે છે કે વાયરલ થયેલ સામગ્રી ન તો સરકારના સોગંદનામાંનો ભાગ છે, ન તો કોઈ અધિકૃત કે સત્તાવાર નીતિ કે નિર્ણય સાથે જોડાયેલી છે.”


