ઉત્તર પ્રદેશના મહાતીર્થ પ્રયાગરાજ ખાતે પવિત્ર મહાકુંભની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 144 વર્ષે આવેલા આ મહાયોગમાં અંદાજે 45 કરોડ લોકો ભાગ લઈને ધન્ય થશે. રાજ્ય સરકાર પણ અતિપવિત્ર અને મહાઆયોજનને સફળ બનાવવા તનતોડ મહેનત કરી રહી છે. ત્યારે મહાકુંભમાં આવનારા શ્રદ્ધાળુઓને શુદ્ધ હવા અને વાતાવરણ મળી રહે તે ધ્યાનમાં રાખીને સરકારે અહીં ઘટાટોપ જંગલ વિકસિત કર્યાં છે. પ્રયાગરાજમાં સરકાર દ્વારા જાપાની મિયાવાકી પદ્ધતિથી દોઢ લાખથી વધુ વૃક્ષો વાવીને જંગલ ઊભાં કરવામાં આવ્યાં છે.
મહાકુંભ 2025ની પૂર્વ તૈયારીના ભાગરૂપે યોગી સરકારે પ્રયાગરાજમાં વિભિન્ન સ્થળો પર કૃત્રિમ જંગલ ઉભા કર્યાં છે. આ જંગલમાં દોઢ લાખથી વધુ વૃક્ષો રોપવામાં આવ્યાં છે. લગભગ છેલ્લાં 2 વર્ષની અથાગ મહેનતના પરિણામ સ્વરૂપ આજે કુંભ નગરીમાં આવનારા કરોડો શ્રદ્ધાળુઓ આ વૃક્ષો થકી શુદ્ધ હવા અને નિર્મળ વાતાવરણનો લાભ લઈ શકશે. આ સહુલિયત ઉભી કરવા માટે પ્રયાગરાજ નગર નિગમ છેલ્લાં 2 વર્ષથી કાર્યરત હતું. નિગમે જાપાનની મિયાવાકી ટેકનીકનો ઉપયોગ કરીને નગરીમાં સ્થાપિત કરેલા ઓક્સિજન બેન્ક આજે લીલાછમ જંગલમાં પરિવર્તિત થયાં છે.
55,800 વર્ગ મીટરના વિશાળ ભૂભાગ પર ઉભું કરાયું જંગલ
નોંધનીય છે કે વર્તમાનમાં આ કૃત્રિમ જંગલો નયનરમ્ય હરિયાળી સાથે-સાથે વાયુ ગુણવત્તા સુધારવા માટે પણ યોગદાન આપી રહ્યાં છે. આ મામલે પ્રયાગરાજના નગરનિગમ આયુક્ત ચંદ્ર મોહન ગર્ગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, “જાપાનની મિયાવાકી તકનીકથી કુંભ નગરીમાં અનેક સ્થળો પર ગાઢ જંગલ તૈયાર કરવામાં આવ્યાં છે. આ માટે શહેરના 10થી વધુ સ્થળો પર નિગમ દ્વારા કામ કરવામાં આવ્યું છે. અંદાજે 55,800 વર્ગ મીટરના વિશાળ ભૂભાગને આવરીને તેના પર વિવિધ વૃક્ષો રોપવામાં આવ્યાં છે. બે વર્ષ પહેલાં જે નાના છોડ વાવવામાં આવ્યા હતા, આજે તે શુદ્ધ હવા આપતાં વૃક્ષ બની ગયાં છે.”
ગર્ગના જણાવ્યા અનુસાર અહીં સહુથી મોટું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા અહીં 63થી વધુ પ્રજાતિનાં 1,12000થી વધુ વૃક્ષો નૈની ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં વાવવામાં આવ્યાં છે, જ્યારે શહેરની ડમ્પિંગ સાઈટની સફાઈ કરીને ત્યાં 27 પ્રકારનાં કુલ 27000 વૃક્ષો વાવવામાં આવ્યાં છે. નિગમ અધિકારીના જણાવ્યા અનુસાર આ યોજનાથી ઔદ્યોગિક કચરાથી છુટકારો તો મળી જ રહ્યો છે, પરંતુ સાથે-સાથે ધૂળ, ગંદકી અને દુર્ગંધ હટવાની સાથે શુદ્ધ હવા પણ મળી રહી છે, ઉપરાંત જમીનનું ધોવાણ અટકી રહ્યું છે અને પ્રદૂષણ ઘટી રહ્યું છે. સરકારની આ પરિયોજનાથી પ્રયાગરાજની વાયુ ગુણવત્તામાં નોંધપાત્ર ફર્ક આવ્યો છે. આ માટે સરકાર દ્વારા અપનાવવામાં આવેલી મિયાવાકી પદ્ધતિ પાયાનો પથ્થર સાબિત થઈ છે.
વાતાવરણમાં લાવી શકાય છે મોટો ફેરફાર
આ મામલે ઇલાહાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીના વનસ્પતિ વિજ્ઞાનના ભૂતપૂર્વ પ્રોફેસર ડો. એનબી સિંઘના જણાવ્યા અનુસાર મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરીને ઝડપથી વૃક્ષોનો ઉછેર કરી શકાય છે. આ પ્રક્રિયાથી ગરમી દરમિયાન દિવસ તેમજ રાતના તાપમાનમાં અંતર ઓછું કરવામાં પણ મદદ મળે છે. આ પ્રકારનાં કૃત્રિમ જંગલો જૈવ વૈવિધ્યતાને પણ ઉપયોગી નીવડે છે. તેનાથી માટીની ગુણવત્તા સુધરે છે અને જમીન પર તેમજ વૃક્ષો પર વસતાં પશુ-પક્ષીઓને જરૂરી આવાસ અને વાતાવરણ પૂરાં પાડે છે. આ પ્રકારે ઊભાં કરવામાં આવેલાં જંગલો વાતાવરણના તાપમાનને 4થી 7 ડીગ્રી સેલ્સિયસ સુધી ઘટાડો કરે છે અને પર્યાવરણમાં નોંધપાત્ર સુધારો આવે છે.
પ્રયાગરાજમાં નિગમ દ્વારા ઊભાં કરવામાં આવેલ કૃત્રિમ જંગલોમાં અનેક પ્રકારના વૃક્ષો અને છોડ વાવવામાં આવ્યા છે. તેમાં વૃક્ષોની અવનવી પ્રજાતિઓનો સમાવેશ થાય છે. ફળ આપતા વૃક્ષોથી માંડીને ઔષધીય ગુણો ધરાવતા વૃક્ષો સહિત સુંદર ફૂલ આપતા છોડવાઓનો તેમાં સમાવેશ થાય છે. મોટાં વૃક્ષોની વાત કરીએ તો અહીં આંબા, મહુડા, લીમડા, પીપળા, આંબલી, વડ, અર્જુન, સાગ, આંબળા, જાંબુ જેવા ઘટાટોપ ઘેરાવો ધરાવતાં વૃક્ષો છે. આ ઉપરાંત ગુગલ, કદંબ, ગુલમ્હોર, જંગલી જલેબી, બોગનવિલીયા, બ્રાહ્મી જેવા ઔષધીય અને સજાવટી વૃક્ષો પણ જોવા મળશે. તદુપરાંત વાંસ, સીસમ, કનેર, ટેકોમા, ક્ન્ચારી, મોગની, લીંબુ, સહજ આવળ, સરગવા જેવાં વૃક્ષોનો પણ સમાવેશ થાય છે.
મિયાવાકી પદ્ધતિના ફાયદા
આમાંથી લગભગ 99 ટકા વૃક્ષો અને છોડવા જાપાની પદ્ધતિથી ઉગાડવામાં આવ્યાં છે અને માત્ર 2 વર્ષમાં જ તેમનો સંપૂર્ણ ઉછેર કરવામાં આવ્યો છે. મિયાવાકી પદ્ધતિથી ઊભાં કરવામાં આવતાં જંગલોના અનેક ફાયદા છે. તે વાયુ ગુણવત્તામાં સુધાર લાવે છે. ટૂંકા સમયમાં જ ગાઢ બનતા વૃક્ષો ધૂળ અને પ્રદૂષણ ફેલાવતા તત્વોને ઓછા કરવામાં મદદરૂપ થાય છે. આ પદ્ધતિથી જળવાયું પરિવર્તનથી વધી રહેલા તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો લાવી શકાય છે. આ પ્રકારના જંગલો ઉભા કરવાથી જમીનની ગુણવત્તામાં પણ નોંધપાત્ર સુધારો આવે છે અને જમીનનું કપાણ ઘટાડીને તેની ફળદ્રુપતામાં વધારો કરે છે.
આ પ્રકારથી ઉભા કરવામાં આવેલા જંગલોથી જીવજંતુ તેમજ પ્રાણીઓનું પણ જતન થાય છે. વૃક્ષો વધવાથી વિવિધ પક્ષીઓ અને નાના સ્તનધરી જીવોને પણ ફાયદો થાય છે. પક્ષીઓને રહેઠાણ પૂરાં પડવાથી તેમનું રક્ષણ થાય છે. આ પ્રકારે ઉભા કરવામાં આવતાં જંગલો જીવચક્રમાં પણ મહત્વનો ભાગ ભજવે છે. માત્ર જાનવરો જ નહીં, મનુષ્યો માટે પણ તે એટલાં જ લાભદાયી નીવડે છે.
મિયાવાકી પદ્ધતિ આખરે શું હોય છે?
મિયાવાકી પદ્ધતિ એ વૃક્ષોના ઝડપી ઉછેર માટેનો શ્રેષ્ઠ ઉપાય છે. તેને વર્ષ 1970માં જાપાની વનસ્પતિશાસ્ત્રી અકીરા મિયાવાકી દ્વારા વિકસિત કરવામાં આવી હતી. તેમના દ્વારા શોધવામાં આવી હોવાથી તેને ‘મિયાવાકી’ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. આ પદ્ધતિ ઓછા સમયમાં એક મોટા વિસ્તારમાં વિશાળ જંગલ ઉભું કરવાની એક ક્રાંતિકારી વિધિ છે. આ પદ્ધતિમાં ‘પોટ પ્લાન્ટેશન’ને તેની અગ્રીમ હદ સુધી લઈ જવામાં આવે છે. આ વિધિમાં વૃક્ષ કે છોડને એક નિયત અંતરમાં નજીક-નજીક રોપવામાં આવે છે. આ અંતરની માપણી અને તેની માવજત જ મિયાવાકી પદ્ધતિમાં મહત્ત્વનાં હોય છે અને આ પદ્ધતિથી વૃક્ષ કે છોડનો ઉછેર 10 ગણો ઝડપી બને છે.
આ પદ્ધતિમાં નિયત અંતરે રોપવામાં આવેલાં વૃક્ષો કે છોડને દેશી પ્રજાતિ સાથે મિશ્રિત કરવામાં આવે છે. આ પદ્ધતિથી પ્રાકૃતિક વનોની આબેહૂબ પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને જે-તે વૃક્ષનો ઉછેર ઝડપી બને છે. આ પદ્ધતિથી ઊગેલાં વૃક્ષ કે છોડ પારંપરિક જંગલોની તુલનામાં વધુ કાર્બન શોષે છે અને વાતાવરણમાં રહેલા પ્રદૂષણને ઘટાડે છે. તે જળવાયુ પરિવર્તન જેવા મોટા અને જટિલ પ્રશ્ન માટે પણ ખૂબ જ ઉપયોગી પદ્ધતિ છે અને પારંપરિક પદ્ધતિઓથી ઉપર ઉઠીને વધુ ઝડપથી સાનુકૂળ પરિણામો આપે છે.
આ પદ્ધતિથી શહેરી વિસ્તારોમાં પ્રદૂષિત, બિનફળદ્રુપ કે પડતર જમીન પર વૃક્ષો ઉગાડીને તેની સ્થિતિમાં પરિવર્તન લાવી શકાય છે. આ પ્રકારની પદ્ધતિથી જમીનોની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થાય છે. તેનાથી પ્રદૂષણ પર તો નિયંત્રણ આવી જ રહ્યું છે, પરંતુ વર્તમાન સમયમાં ભારતમાં કેટલાક ખેડૂતો આ પદ્ધતિનો ઉપયોગ કરીને ઓછા સમયમાં વધુ સારું વળતર મેળવી રહ્યા છે. ખેતીમાં મિયાવાકી પદ્ધતિ ખૂબ જ સફળ નીવડી રહી છે. આ પદ્ધતિ મારફતે બાગાયતી ખેતી કરતા ખેડૂતોની ઉપજમાં નોંધપાત્ર વધારો થયો છે.
ખેતી ક્ષેત્રમાં મિયાવાકી પદ્ધતિ કેટલું ઉપયોગી?
વર્તમાનના આધુનિક યુગમાં ખેડૂતો દ્વારા મિયાવાકી પદ્ધતિ અપનાવીને આવકમાં નોંધપાત્ર વધારો મેળવવામાં આવી રહ્યો છે. આ મામલે મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલા માથક ગામના યુવા ખેડૂત જયદેવસિંહ ટાંકે ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, તેઓ મિયાવાકી પદ્ધતિ મારફતે ખેતી કરવા તરફ આગળ વધી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, “આ પદ્ધતિ બાગાયતી ખેતી માટે ખૂબ જ ઉપયોગી નીવડી શકે તેમ છે. અમે દાડમ અને લીંબુની વાવણી માટે આ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો અને અમને ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. અમારી જમીન લાલ અને થોડી રેતાળ છે, આથી વધુ પાક નથી લઈ શકાતા પરંતુ હું અહીં નવતર પ્રયોગ કરીને ડ્રેગન ફ્રુટ અને અન્ય કેટલાક ઈમ્પોર્ટેડ ફળની વાવણી કરવા પ્રયાસ કરી રહ્યો છું. જો તેમાં સફળતા મળશે તો અમારા વિસ્તારમાં આમ કરનાર હું પ્રથમ ખેડૂત બનીશ.”
નોંધનીય છે કે 38 વર્ષીય યુવા ખેડૂત જયદેવસિંહ ટાંક આમ તો મિકેનિકલ એન્જીનીયર છે પરંતુ તેઓ ફિલ્ડ બદલીને છેલ્લાં 12 વર્ષથી ખેતીકામ સાથે સંકળાયેલા છે. ત્રણ વર્ષથી તેઓ મિયાવાકી પદ્ધતિથી બાગાયતી ખેતી કરવા પ્રયાસ કરી રહ્યા છે. તેમના જણાવ્યા અનુસાર તેમની જમીનનો કેટલોક ભાગ ખારોપટ છે અને તેઓ આ જગ્યાને મિયાવાકી પદ્ધતિથી ફરી ઉપજાઉ બને તેવા પ્રયાસ કરી રહ્યા છે. આ માટે તેઓ સોશિયલ મીડિયા તેમજ કૃષિ જાણકારોની મદદ મેળવી રહ્યા છે. બીજી તરફ પ્રયાગરાજ મહાકુંભમાં તંત્ર દ્વારા જે રીતે જંગલ ઊભાં કરવામાં આવ્યાં, તે જોઈ તેઓ પણ તે દિશામાં આગળ કામ કરવા પ્રેરિત છે.
નોંધવું જોઈએ કે પ્રયાગરાજમાં મહાકુંભનું ભવ્ય અને વિશાળ આયોજન કરવામાં આવી રહ્યું છે. કુલ 40 કરોડ લોકો એક મહિના દરમિયાન કુંભમાં ભાગ લેશે તેવું અનુમાન છે. પરંતુ રાજ્ય સરકારનું કહેવું છે કે તેમણે આયોજન સો કરોડ લોકો માટે કર્યું છે. આખું એક નગર વિકસાવવામાં આવ્યું હોય તેવો માહોલ છે અને હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ બધાની વચ્ચે પણ આ રીતે જંગલ વિકસાવવું એ દર્શાવે છે કે હિંદુઓ માત્ર પોતાના ઉત્સવો ઉજવવા પૂરતા સીમિત રહેતા નથી, પરંતુ સાથેસાથે પર્યાવરણને કઈ રીતે મદદરૂપ થઈ શકાય તેની પણ સતત ચિંતા કરતા રહે છે. ઉત્સવોની ઉજવણી પણ થાય છે અને સાથેસાથે પર્યાવરણનું જતન પણ થાય છે. આ જંગલો તેનું તાજું ઉદાહરણ છે.