Thursday, April 2, 2026
More
    હોમપેજદેશભારતનો 61% વિસ્તાર ભૂકંપના જોખમ તળે, નવા મેપમાં હિમાલય ક્ષેત્ર ‘હાઈ રિસ્ક’...

    ભારતનો 61% વિસ્તાર ભૂકંપના જોખમ તળે, નવા મેપમાં હિમાલય ક્ષેત્ર ‘હાઈ રિસ્ક’ ઝોનમાં: વાંચો તેનો શું અર્થ છે અને ડરવાની કેમ જરૂર નથી

    આ નવો મેપ ખરેખર એક ચેતવણી છે, પણ એનો અર્થ એ નથી કે નાગરિકો ગભરાઈ જાય. ઉલ્ટું, તેનો હેતુ એ છે કે, આપણે અગાઉથી તૈયારી કરીએ, સમજદારીથી બાંધકામ કરીએ અને સુરક્ષિત રહેવા જાગૃત થઈએ.

    - Advertisement -

    તાજેતરમાં બ્યુરો ઑફ ઇંડિયન સ્ટાન્ડર્ડસે (BIS) દેશનો એક નવો સિસ્મિક ઝોનિંગ મેપ જાહેર કર્યો છે, જેને 2025ના અર્થક્વેક-ડિઝાઇન કોડનો (IS 1893 Part-1: 2025) એક ભાગ માનવામાં આવે છે. આ મેપના કારણે દેશમાં ભૂકંપ જોખમોનો પૂર્વાભાસ અને તૈયારીઓ હવે પહેલાંથી વધુ વૈજ્ઞાનિક અને વ્યાપક બનશે. જોકે, આ મેપમાં દર્શાવાયું છે કે ભારતનો લગભગ 61% વિસ્તાર ભૂકંપના જોખમ તળે છે અને હિમાલય વિસ્તારને ગંભીર શ્રેણીમાં રાખવામાં આવ્યો છે. નકશા અનુસાર, હિમાલયની સમગ્ર શૃંખલા કાશ્મીરથી અરુણાચલ સુધીની હવે સૌથી ઊંચા જોખમ ધરાવતા ઝોન VIમાં આવી ગઈ છે. 

    આ એટલું મોટું પરિવર્તન છે કે દેશનો 61% વિસ્તાર મધ્યમથી ઉચ્ચ જોખમ ધરાવતા ઝોન IIIથી VIમાં જતો રહ્યો છે, જ્યારે 75% વસ્તી એવા વિસ્તારોમાં રહે છે, જ્યાં ભૂકંપની અસર જીવલેણ સાબિત થઈ શકે છે. જૂના નકશામાં હિમાલયને ઝોન IV અને Vમાં વિભાજિત કરવામાં આવ્યો હતો, પરંતુ નવા રિસર્ચ અનુસાર, 200 વર્ષથી પ્લેટ લોક છે અને તેના કારણે તણાવ જમા થઈ ગયો છે અને આવનારો ભૂકંપ 8.0 કે તેથી વધુની તીવ્રતાનો આવી શકે છે. 

    સિસ્મિક ઝોનેશન મેપ શું છે? 

    સરળ શબ્દોમાં સમજીએ તો આ મેપ દેશને ભૂકંપનાં જોખમના આધારે મુખ્યત્વે ચાર ઝોનમાં વહેંચે છે – ઝોન II (ઓછું જોખમ), ઝોન III (મધ્યમ), ઝોન IV (ઊંચું) અને ઝોન V (ખૂબ ઊંચું) અને હવે નવો ઝોન VI (અત્યંત ઊંચું અથવા અલ્ટ્રા-હાઇ) પણ ઉમેરવામાં આવ્યો છે.  

    - Advertisement -

    આ મેપ પીક ગ્રાઉન્ડ એક્સિલરેશન (PGA) પર આધારિત છે, જે જમીનના હલનચલનની તીવ્રતાને ગ્રેવીટીના (g) ટકા તરીકે માપે છે. ઉદાહરણ તરીકે 50 વર્ષમાં માત્ર 2.5% સંભાવના હોય તેવા ભૂકંપમાં ઝોન IIમાં PGA 0.10g કરતાં ઓછો હોય છે, જ્યારે ઝોન VIમાં તે 0.45g કે તેથી વધુ હોય શકે છે.  

    ભારતનો નવો BIS મેપ

    પહેલો મેપ 2002નો હતો, જેને 2016માં થોડો અપડેટ કરવામાં આવ્યો હતો, પણ તે મુખ્યત્વે ઐતિહાસિક ડેટા પર આધારિત હતો.  

    હવે નવો મેપ પ્રોબેબિલિસ્ટિક સિસ્મિક હેઝાર્ડ એસેસમેન્ટ (PSHA) પદ્ધતિથી બનાવવામાં આવ્યો છે, જેમાં GPS ડેટા, સેટેલાઇટ ઇમેજરી, સક્રિય ફોલ્ટ્સ અને લાખો સિમ્યુલેશનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ જ પદ્ધતિ જાપાન અને ન્યૂઝીલેન્ડ જેવા દેશોમાં પણ અપનાવવામાં આવે છે, જે ભૂકંપનાં જોખમની વધુ સચોટ આગાહી કરે છે.

    જૂના મેપમાં શું ખામી હતી?

    ભારતનો જૂનો ઝોનિંગ મેપ (ખાસ કરીને 2002 અને 2016નો) મુખ્યત્વે ઐતિહાસિક ભૂકંપો અને તે વિસ્તારોમાં થયેલા નુકસાનના રેકોર્ડ પર આધારિત હતો. તેમાં ઘણા એવા વિસ્તારો હતા જ્યાં ભૂતકાળમાં રેકોર્ડ નહોતો, પણ ભવિષ્યમાં ભૂકંપની સંભાવના હતી. ઉપરાંત, નકશો બનાવતી વખતે વારંવાર જિલ્લા કે રાજ્યની સીમાઓને આધારે ઝોન નક્કી કરવામાં આવતા, એટલે કે ભૂસ્તરીય વાસ્તવિકતા (જેમ કે ફોલ્ટ લાઇન, જમીનની પ્રકૃતિ, પ્લેટ વગેરે) કરતાં વહીવટી સીમાઓને વધુ મહત્ત્વ આપવામાં આવતું.

    પરંતુ સમય જતાં ભૂવિજ્ઞાન, સિસ્મોલોજી અને GPS જેવા ડેટા સાધનોમાં સુધારો થયો. હવે ખબર પડી છે કે ઘણા એવા વિસ્તારો જેને ભૂકંપરહિત માનવામાં આવતા હતા, તે ભૂસ્તરીય રીતે અસ્થિર છે અને જો મોટાપાયે તણાવ (દબાણ) એકઠો થાય તો ભૂકંપનું જોખમ વધી શકે છે. એટલે જ હવે નવો મેપ બન્યો છે, જે ફક્ત જૂના રેકોર્ડ પર નહીં, પરંતુ ભૂવૈજ્ઞાનિક હકીકતના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. 

    નવા મેપમાં શું બદલાયું? 

    આ નવા ભૂકંપ ઝોનિંગ મેપમાં મોટા ફેરફારો થયા છે. ભારતના 61% વિસ્તારને હવે મધ્યમથી લઈને ઉચ્ચ જોખમવાળા ઝોનમાં મૂકવામાં આવ્યા છે. સમગ્ર હિમાલયી પટ્ટો (જમ્મુ-કાશ્મીરથી અરુણાચલ સુધી) પહેલી વાર નવા બનાવેલા ઝોન VIમાં (અત્યંત ઊંચું જોખમ) મૂકાયો છે. હવે ઝોન નક્કી કરવામાં જિલ્લા-રાજ્યની વહીવટી સીમાઓને બદલે ભૂવૈજ્ઞાનિક વાસ્તવિકતા, ફોલ્ટ લાઇન્સ, જમીનની પ્રકૃતિ, ભૂસ્ખલનનું જોખમ અને ભૂગર્ભીય તણાવને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે. જો કોઈ વસ્તી બે ઝોનની સીમા પર હોય તો તેને સુરક્ષિત રીતે નહીં, પરંતુ ઉચ્ચ જોખમવાળા ઝોનમાં જ રાખવામાં આવશે. સરળ શબ્દોમાં કહીએ તો હવે ભૂકંપનું જોખમ ‘પહેલાં ક્યારેય ધરતી હલી નહોતી’ પર નહીં, પરંતુ ‘ધરતીની અંદર શું ચાલી રહ્યું છે’ તેના આધારે નક્કી થશે. 

    હિમાલય પટ્ટો કેમ VIમાં ગયો? 

    સમગ્ર હિમાલયને હવે સૌથી વધુ જોખમવાળા ઝોનમાં મૂકી દેવામાં આવ્યો છે. તેનું કારણ એ છે કે હિમાલય એ વિસ્તાર છે, જ્યાં બે મોટી ટેક્ટોનિક પ્લેટ્સ, ઇન્ડિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટ વચ્ચે હજુ પણ ટક્કર ચાલુ છે. ઇન્ડિયન પ્લેટ દર વર્ષે આશરે 5 સેન્ટિમીટરની ઝડપે ઉત્તર તરફ ધકેલાઈ રહી છે, જેના કારણે હિમાલય સતત ઊંચો થઈ રહ્યો છે અને એ જ ટક્કર હજુ પણ ત્યાં ભૂગર્ભીય તણાવ (સ્ટ્રેસ) પેદા કરી રહી છે.

    ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણો જણાવે છે કે હિમાલયમાં અનેક સક્રિય ફોલ્ટ લાઇન્સ છે, જેમાં લાંબા સમયથી ‘સિસ્મિક ગેપ્સ’ બન્યા છે. એટલે કે, આ વિસ્તારો લાંબા સમયથી શાંત છે, પરંતુ વાસ્તવમાં ત્યાં ખૂબ મોટી ઊર્જા એકઠી થઈ ચૂકી છે. આ ફોલ્ટ્સ અચાનક તૂટી શકે છે અને મોટા ભૂકંપ પેદા કરી શકે છે.

    એટલે જોખમની દૃષ્ટિએ હવે સમગ્ર હિમાલયને એકસરખો ગણવામાં આવ્યો છે. પછી ભલે તે જમ્મુ-કાશ્મીર હોય કે અરુણાચલ, પશ્ચિમી હિમાલય હોય કે પૂર્વીય. જે પહેલાં ઝોન-IV અને ઝોન-Vમાં વહેંચાયેલો હતો, તે બધાને હવે ઝોન VIમાં નાખવામાં આવ્યા છે.

    નિર્માણકાર્યમાં આવશે બદલાવ

    નવો કોડ બધી નવી ઇમારતો માટે ઝોન-પ્રમાણે ખાસ ડિઝાઇન ફરજિયાત કરે છે. ઝોન VIમાં ડક્ટાઇલ સ્ટીલ, એનર્જી ડિસિપેશન ડિવાઇસ (જેમ કે ડેમ્પર્સ) લગાવવા પડશે. નોન-સ્ટ્રક્ચરલ ભાગોને (લાઇટ્સ, એસી) 1% ડ્રિફ્ટ પર એન્કર કરવા પડશે, જ્યારે જૂની ઇમારતો માટે રેટ્રોફિટિંગ કરાવવું પડશે, ફાઉન્ડેશન મજબૂત કરવું, બીમ-કોલમ જોઇન્ટ્સ લગાવવા પડશે. આ ઉપરાંત હાઇવે, ડેમ, મેટ્રો પર પણ સખ્તાઈ રાખવામાં આવી છે અને નરમ જમીન પર પાઇલ ફાઉન્ડેશન કરવું ફરજિયાત થશે.

    શું ચિંતાજનક બાબત છે આ?

    આ નવો મેપ ખરેખર એક ચેતવણી છે, પણ એનો અર્થ એ નથી કે નાગરિકો ગભરાઈ જાય. ઉલ્ટું, તેનો હેતુ એ છે કે, આપણે અગાઉથી તૈયારી કરીએ, સમજદારીથી બાંધકામ કરીએ અને સુરક્ષિત રહેવા જાગૃત થઈએ. હવે જ્યારે ખબર પડી છે કે હિમાલય તથા અન્ય વિસ્તારો વધુ જોખમમાં છે, તો નવાં મકાનો, પુલ, શાળાઓ, હોસ્પિટલ વગેરે બનતાં પહેલાં તેમની ડિઝાઇન આ જોખમને ધ્યાનમાં રાખીને થશે. એટલે જો બાંધકામ સાચી રીતે થયું તો ભૂકંપ આવે તોપણ જાનમાલનું નુકસાન ઘણું ઓછું થશે.

    બીજી વાત એ કે આ મેપ ‘ભૂતકાળની ભૂલો’ સુધારવાનો રસ્તો છે. જૂના મેપમાં જે વિસ્તારોને ‘ઓછા જોખમી’ ગણાવવામાં આવતા હતા, તે મોટેભાગે એટલા માટે કે ત્યાં અત્યાર સુધી મોટો ભૂકંપ આવ્યો નહોતો. પણ ભૂગર્ભીય સ્થિતિએ વર્ષોથી તણાવ એકઠો કરી રાખ્યો હતો. નવો નકશો આ ‘સંભવિત જોખમ’ને સામે લાવે છે, જેથી ભવિષ્યમાં કોઈ આફત ન આવે.

    ત્રીજી વાત એ કે જાગૃતિ, તૈયારી અને સમયસર પગલાંથી ઘણો ફરક પડે છે. ભૂકંપને રોકવો મુશ્કેલ છે, પણ તેનું નુકસાન ઘટાડવું, ઇમારતો મજબૂત બનાવવી, આપત્તિ પ્રતિસાદ તૈયાર રાખવો, આ બધું શક્ય છે.  નવો મેપ આ તૈયારીઓને મજબૂતી આપે છે. ભૌતિક જોખમ તો હંમેશાં રહેશે, પણ આપણી સમજ, બાંધકામ, વ્યવસ્થા અને જાગૃતિથી તેને ઘણું ઓછું કરી શકીએ. નવો મેપ ખરેખર આપણને એ જ તાકાત આપે છે. 

    નવો સિસ્મિક મેપ એ જણાવે કે ભારત, ખાસ કરીને હિમાલય, ભૂગર્ભીય રીતે અતિ સંવેદનશીલ છે અને 2025 સુધીમાં ભૂકંપનું જોખમ વધુ સ્પષ્ટ થયું છે. પણ આ ડર ફેલાવવા માટે નથી, બલ્કે સમજદારી, તૈયારી અને સુરક્ષા માટે છે. આ મેપ જોઈને ગભરાવું ન જોઈએ, પરંતુ તેને પોતાની જવાબદારી સમજીને સુરક્ષિત બાંધકામ, જાગૃતિ, વ્યવસ્થા અને સતર્કતા સાથે જીવવાની તૈયારી કરવી જોઈએ. કારણ કે ભૂકંપને રોકી શકાય નહીં, પણ તેની અસરને ચોક્કસથી ઘટાડી શકાય છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં