Friday, January 31, 2025
More
    હોમપેજદુનિયાઇસ્લામી દેશ યમનના રાષ્ટ્રપતિ રશદ અલ-અલીમીએ ભારતીય નર્સ નિમિષા પ્રિયાની મોતની સજા...

    ઇસ્લામી દેશ યમનના રાષ્ટ્રપતિ રશદ અલ-અલીમીએ ભારતીય નર્સ નિમિષા પ્રિયાની મોતની સજા પર કર્યા હસ્તાક્ષર: ભારત સરકાર શક્ય તમામ મદદ માટે તૈયાર, જાણો શું છે કેસ

    ઇસ્લામી દેશ યમનમાં ભારતીય નાગરિક અને મૂળ કેરલાની રહેવાસી નર્સને મોતની સજા ફટકારી છે. તેમને આપવામાં આવેલી આ સજા પર રાષ્ટ્રપતિ રશદ અલ-અલીમીએ મહોર મારી દેતા નર્સનો પરિવાર કફોડી હાલતમાં મુકાયો છે.

    - Advertisement -

    ઇસ્લામી દેશ યમનમાં (Yemen) ભારતીય નાગરિક અને મૂળ કેરળની રહેવાસી નિમિષા પ્રિયા નામની નર્સને (Indian Nurse) મોતની સજા (Death sentence) ફટકારવામાં આવી છે. તેમને આપવામાં આવેલી આ સજા પર રાષ્ટ્રપતિ રશદ અલ-અલીમીએ મહોર મારી દેતા નર્સનો પરિવાર કફોડી હાલતમાં મુકાયો છે. 37 વર્ષની આ નર્સનું નામ નિમિષા પ્રિયા છે અને તે વર્ષ 2017થી હત્યાના કેસમાં યમનની જેલમાં બંધ છે. બીજી તરફ ભારત સરકારે નર્સને બનતી તમામ મદદ કરવા માટેનું આશ્વાસન આપ્યું છે.

    યમનમાં નિમિષા પ્રિયાને મોતની સજા હત્યાના કેસમાં ફટકારવામાં આવી છે. વર્ષ 2017માં તેમણે યમનના એક નાગરિકને દવાનો ડોઝ આપ્યો હતો, આ ડોઝ તેને ઓવર પડતા તેનું મૃત્યુ થઈ ગયું હતું. મૃતકનું નામ તલાલ અબ્દો મેહદી હતું અને તે નિમિષા સાથે જ કામ કરતો હતો. વર્ષ 2017માં જ નિમિષાની ધરપકડ કરી લેવામાં આવી હતી. ધરપકડ બાદ તેમના વિરુદ્ધ હત્યાના આરોપ લગાવવામાં આવ્યા હતા. હત્યાના આરોપો બાદથી તેઓ સતત યમનની કોર્ટમાં લડત આપી રહ્યા હતા.

    2020માં ફટકારી હતી ફાંસીની સજા, પરિવારના તમામ પ્રયાસો ગયા વ્યર્થ

    ઘટના બાદથી જ નિમિષાને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. ત્રણ વર્ષની લડત બાદ 2020માં તેમને મોતની સજા ફટકારવામાં આવી હતી. સજા મળ્યા બાદથી જ નિમિષાનો પરિવાર યમન સરકાર પાસે ન્યાયની માંગ કરી રહ્યો હતો. 2023માં તેમણે મુક્તિની અપીલ સાથે લડત આપી હતી, પરંતુ તેમની અરજી ફગાવી દેવામાં આવી હતી. આ દરમિયાન નિમિષાના પરિવારે તેમને બચાવવાના લગભગ તમામ પ્રયાસ કરી લીધા હતા.

    - Advertisement -

    નિમિષાની માતા પ્રેમા કુમારીએ આ મામલે કહ્યું છે કે, જો સરકારને મોતની સજા આપવી જ હોય તો તે સજા તેમને આપવામાં આવે. તેમના જણાવ્યા અનુસાર, તેમણે તેમની દીકરીને બચાવવા તમામ પ્રયાસ કરી જોયા. આ માટે તેમણે ‘બ્લડ મની’ મારફતે સમાધાન કરવા પણ પ્રયાસ કર્યો, જોકે, તેમનો એક પણ પ્રયાસ સફળ ન નીવડ્યો અને અંતે રાષ્ટ્રપતિ રશદ અલ-અલીમીએ નર્સની મોતની સજા પર મહોર મારી દીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે, આગામી એક મહિનામાં ગમે તે સમયે આ સજાનો અમલ કરવામાં આવી શકે છે. હાલ પીડિતની અને તેના પરિવારની હાલત કફોડી છે.

    ભારત સરકાર ખર્ચી ચૂકી છે હજારો ડોલર

    NDTVએ આપેલા રિપોર્ટ અનુસાર, નિમિષાની માતા પ્રેમા કુમારીએ મૃતકના પરિવાર સાથે બ્લડ મની મામલે લાંબી વાતચીત કરી રાખી હતી. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ભારતીય દુતાવાસ દ્વારા નિયુક્ત વકીલ અબ્દુલ્લા અમીર દ્વારા પૂર્વ-વાતચીત ફીસ માટે 20,000 ડોલર નક્કી કરવામાં આવ્યા હતા. જોકે, રકમ માંગ્યા બાદ મૃતકનો પરિવાર અચાનક વાત કરતો બંધ થઈ ગયો.

    આ દરમિયાન ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા વકીલને પહેલા જ 19,871 ડોલર ચૂકવી દેવામાં આવ્યા હતા, પરંતુ તેઓ 40,000 ડોલરની માંગ કરી હતી. આ રકમ વાતચીત શરૂ કરતા પહેલાં બે ટુકડામાં ચૂકવવાની હતી. આ દરમિયાન નિમિષા માટે ક્રાઉડ ફંડિંગ દ્વારા વકીલની ફી માટેની રકમ એકઠી કરી લેવામાં આવી હતી, પરંતુ તે છતાં કોઈ જ વાતચીત ન થઈ અને અંતે તેમની મોતની સજા પર મહોર લાગી ગઈ.

    ભારત સરકારે બનતી તમામ મદદનું આપ્યું આશ્વાસન

    સજા પાકી થઈ જતા નર્સના પરિવારે ભારત સરકાર પાસે મદદની ગુહાર લગાવી છે. તો ભારત સરકાર દ્વારા પણ બનતી મદદ કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે. સરકાર પક્ષે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, “ભારત સરકાર નિમિષા પ્રિયાને આપવામાં આવેલી સજાથી અવગત છે. અમને જ્ઞાત છે કે, તેમનો પરિવાર સજાના અન્ય વિકલ્પો માટે પ્રયાસ કરી રહ્યો છે. ભારત સરકાર આ મામલે બનતી તમામ મદદ કરવા તૈયાર છે.”

    મૃતક મેહદી કરતો હતો પ્રતાડિત, પાસપોર્ટ લઈને ગોંધી રાખી હતી નર્સને

    આ સમગ્ર ઘટનાક્રમમાં એક નજર 2017માં બનેલા આખા ઘટનાક્રમ પર પણ નાખવી જોઈએ. નિમિષા લગભગ દશ વર્ષ પહેલાં કેરળના પલક્કડથી તેમના પતિ અને દીકરી સાથે યમનમાં સ્થાયી થયા હતા. દરમિયાન તેમના પતિ અને બાળકી વર્ષ 2014માં ભારત પરત ફરી ગયા હતા. બરાબર તે સમયે જ યમનમાં ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું અને ન તો નિમિષા ભારત આવી શક્યા કે ન તેમનો પરિવાર ત્યાં પરત જઈ શક્યો. આ દરમિયાન નિમિષાએ ત્યાં પોતાનું ક્લિનિક શરૂ કરવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી હતી.

    યમન દેશના નિયમ અનુસાર યમની નાગરિક જ દેશમાં વ્યવસાયિક ફર્મ ઉભી કરી શકે. તેવામાં તેમણે સ્થાનિક નાગરિક અને કામમાં તેમના સાથી એવા તલાલ અબ્દો મેહદીની મદદ લીધી અને પોતાનું ક્લિનિક શરૂ કર્યું. થોડા સમય બાદ નિમિષાને જાણ થઈ કે મેહદીએ ફર્મ માટેની મૂડીમાં હેરફેર કરી છે. આ મગજમારી હજુ ચાલુ જ હતી કે તલાલ અબ્દો મેહદીએ પોતાનો અસલ રંગ દેખાડ્યો અને નિમિષાનો પાસપોર્ટ પોતાના કબજામાં લઈ લીધો.

    લગ્નના ફોટા સાથે છેડછાડ કરી પોતાની પત્ની ગણાવવા લાગ્યો

    પાસપોર્ટ મેળવીને તેણે નિમિષાના લગ્નના ફોટા મેળવી તેમાં છેડછાડ કરીને તે પોતે તેનો પતી હોવાનો દાવો કરવા લાગ્યો. તેણે નિમિષા પર સતત પ્રતાડના શરૂ કરી દીધી. આ બધાથી ત્રાસીને તેણે ભારત પરત આવવાનું વિચારી લીધું, પરંતુ તલાલ અબ્દો મેહદી તેનો પાસપોર્ટ નહોતો આપી રહ્યો. રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, નિમિષાએ કેરળ પોતાના ઘરે આવવા માટે પાસપોર્ટ મેળવવા માટે મેહદીને બેહોશીનું ઈન્જેકશન આપ્યું, જોકે ડોઝ ભારે પડતા તેનું મોત નીપજ્યું. વર્ષ 2017માં તેના વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો અને વર્ષ 2018માં તેને ગુનેગાર ઠેરવવામાં આવી. વર્ષ 2020માં ટ્રાયલ કોર્ટે તેને મોતની સજા ફટકારી.

    ત્યારબાદ નિમિષાએ સુપ્રીમ કોર્ટ સુધી લડત આપી. તેમણે સુપ્રીમ કોર્ટમાં ટ્રાયલ કોર્ટ વિરુદ્ધ આપીલ કરી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી અને 2023માં ફાંસીની સજાને યથાવત રાખી હતી. આ બધા બાદ તેમની પાસે અંતિમ રસ્તો બ્લડ મનીનો બચ્યો હતો. જોકે, તે વાટાઘાટો પણ નિષ્ફળ નીવડી અને ત્યાં સુધીમાં યમનમાં રાષ્ટ્રપતિ રશદ અલ-અલીમીએ નિમિષા પ્રિયાને આપવામાં આવેલી મોતની સજા પર હસ્તાક્ષર કરી દીધા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં