Tuesday, June 24, 2025
More
    હોમપેજદેશસોશિયલ મીડિયા પર છવાયું #FundKaveriEngine, જે દર્શાવે છે ભારતના એરો-એન્જિન ટેકનોલોજીમાં આત્મનિર્ભરતા...

    સોશિયલ મીડિયા પર છવાયું #FundKaveriEngine, જે દર્શાવે છે ભારતના એરો-એન્જિન ટેકનોલોજીમાં આત્મનિર્ભરતા તરફના પગલાં: અહીં જાણો કાવેરી એન્જિન પ્રોજેક્ટની પૂરી માહિતી

    26 મેના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ફંડ કાવેરી એન્જિન (#FundKaveriEngine) નામક હેશટેગ ટ્રેન્ડીંગમાં (Trending) હતો. આ ટેગનો ઉપયોગ કરીને દેશના નાગરિકો, સંરક્ષણ નિષ્ણાતો અને સંરક્ષણ ઉત્સાહીઓએ આ ઓછા ભંડોળવાળા સ્વદેશી જેટ એન્જિન પ્રોજેક્ટને સમર્થન આપ્યું હતું.

    - Advertisement -

    ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા હાંસલ કરવાના પ્રયાસો ઝડપથી આગળ વધી રહ્યા છે અને આ દિશામાં એક મહત્ત્વનું પગલું છે કાવેરી એન્જિન પ્રોજેક્ટ. 26 મેના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ફંડ કાવેરી એન્જિન (#FundKaveriEngine) નામક હેશટેગ ટ્રેન્ડીંગમાં (Trending) હતો. આ ટેગનો ઉપયોગ કરીને દેશના નાગરિકો, સંરક્ષણ નિષ્ણાતો અને સંરક્ષણ ઉત્સાહીઓએ આ ઓછા ભંડોળવાળા સ્વદેશી જેટ એન્જિન પ્રોજેક્ટને સમર્થન આપ્યું હતું. આ ટ્રેન્ડના માધ્યમથી સરકારને આ પ્રોજેક્ટના વિકાસને વેગ આપવાની વિનંતી કરવામાં આવી હતી. દાયકાઓથી ચાલી રહેલ આ પ્રોજેક્ટ પર લશ્કરી ઉડ્ડયન ટેકનોલોજીમાં ભારતની આત્મનિર્ભરતા માટેની ઘણી આકાંક્ષાઓ રહેલી છે.

    કાવેરી એન્જિન પ્રોજેક્ટને ફંડ આપવા અને તેના ઝડપી વિકાસ માટે સોશિયલ મીડિયા યુઝર્સે PM મોદી સહિતના નેતાઓને ટેગ કરીને પોસ્ટ કરી હતી. આ જ ક્રમમાં એક યુઝરે એક પોસ્ટર શેર કર્યું હતું. આ પોસ્ટરમાં સ્વદેશી વસ્તુઓ બનાવવાની હાકલ કરવામાં આવી હતી અને લખવામાં આવ્યું હતું કે, ‘વિદેશી ભગાઓ, સ્વદેશી બનાઓ’. આ પોસ્ટર સાથે ફંડ કાવેરી એન્જિન હેશટેગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

    આ સિવાય અન્ય એક યુઝરે તેના ફોલોઅર્સને આ હેશટેગનો ઉપયોગ કરીને PM મોદીને ટેગ કરીને પોસ્ટ કરવા વિનંતી કરી હતી.

    - Advertisement -

    NDTVના પત્રકાર અને સંરક્ષણ નિષ્ણાત શિવ અરુર પણ આ ઝુંબેશમાં જોડાયા હતા.

    શિલ્પા સાહુ નામક યુઝરે પોસ્ટ કરતા લખ્યું હતું કે, “#FundKaveriEngine – આત્મનિર્ભરતા માટે એક આહવાન. કાવેરી એન્જિન પ્રોજેક્ટ ભારતનું સ્વદેશી ફાઇટર જેટ એન્જિન બનાવવાનું સ્વપ્ન હતું, પરંતુ તે વર્ષોથી અટકી પડ્યું છે. આજે પણ, આપણે ફાઇટર જેટ એન્જિન માટે અમેરિકા અને ફ્રાન્સ જેવા દેશો પર આધાર રાખીએ છીએ, જે આપણી સુરક્ષા, ટેકનોલોજી અને સ્વતંત્રતા માટે જોખમ છે.”

    તેમણે લખ્યું કે, “જનતા માંગ કરી રહી છે: કાવેરી એન્જિન માટે ફન્ડિંગ ફરી શરૂ કરો જેથી ભારત પોતાના વિશ્વ-સ્તરીય જેટ એન્જિન બનાવી શકે. આ માત્ર એક ટ્રેન્ડ નથી, પણ રાષ્ટ્રીય જરૂરિયાત છે.”

    અભય નામક યુઝરે પોસ્ટ કરતા લખ્યું હતું કે, “નિર્મલા સીતારમણજી, કેરેમલ પોપકોર્ન પર 18% ને બદલે 20% ટેક્સ લો પણ કાવેરી એન્જિન માટે ફંડ આપો.”

    શું છે કાવેરી એન્જિન પ્રોજેક્ટ

    કાવેરી એન્જિનની કલ્પના 1980ના દાયકાના અંતમાં કરવામાં આવી હતી. તે બેંગલુરુ સ્થિત DRDOની પ્રયોગશાળા, ગેસ ટર્બાઇન રિસર્ચ એસ્ટાબ્લિશમેન્ટ (GTRE) દ્વારા સંચાલિત ટર્બોફેન જેટ એન્જિન પ્રોજેક્ટ છે. શરૂઆતમાં, તે સ્વદેશી રીતે નિર્મિત લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) તેજસને પાવર આપવા માટે વિકસાવવામાં આવ્યું હતું. જોકે, હવે તેનો હેતુ GE એરોસ્પેસ જેવા વિદેશી સપ્લાયર્સ પર ભારતની નિર્ભરતા ઘટાડવાનો છે.

    કાવેરી એન્જિન પ્રોજેક્ટની શરૂઆત 1986માં થઈ હતી, તેનો વિકાસ GTRE દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો. જોકે, આ પ્રોજેક્ટને અનેક પડકારોનો સામનો કરવો પડ્યો, જેમાં ટેકનોલોજીકલ અવરોધો, ભંડોળની અછત અને વિદેશી ટેકનોલોજી પર નિર્ભરતા જેવી સમસ્યાઓનો સમાવેશ થાય છે. 1990ના દાયકામાં, ભારત પરના આર્થિક પ્રતિબંધો અને ટેકનોલોજી ટ્રાન્સફર પરના નિયંત્રણોને કારણે પ્રોજેક્ટની પ્રગતિ ધીમી પડી.

    2000ના દાયકામાં, એન્જિનનું પરીક્ષણ શરૂ થયું, પરંતુ તે અપેક્ષિત થ્રસ્ટ અને વિશ્વસનીયતાના ધોરણો પૂર્ણ કરી શક્યું નહીં. પરિણામે, HAL તેજસ માટે અમેરિકન જનરલ ઇલેક્ટ્રિક F404 એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો. આ ઘટનાએ ભારતની સ્વદેશી એન્જિન વિકાસની ક્ષમતા પર પ્રશ્નો ઉભા કર્યા હતા, પરંતુ DRDO અને GTREએ પ્રોજેક્ટને આગળ વધારવાનું ચાલુ રાખ્યું.

    તેજસ Mk-1એ GEના F-404 એન્જિનનો ઉપયોગ કર્યો હોવા છતાં, કાવેરી પ્રોગ્રામ અધવચ્ચે છોડવામાં આવ્યો નહીં. તેના બદલે, તે ભારતના આગામી પાંચમી જનરેશનના ફાઇટર એરક્રાફ્ટ, એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (AMCA) માટે, માનવરહિત કોમ્બેટ એરિયલ વ્હિકલ (UCAVs) અને નૌકાદળના જહાજોને પાવર આપવા સહિતના નવા ઉદ્દેશ્યો સાથે વિકસિત કરવામાં આવ્યો.

    કાવેરી એન્જિન પ્રોજેક્ટમાં વિલંબનાં કારણો

    ટેકનોલોજીની જટિલતા

    કાવેરી એન્જિનના વિકાસમાં એરોથર્મલ ડાયનામિક્સ, મટિરિયલ્સ સાયન્સ, અદ્યતન ધાતુશાસ્ત્ર (મેટલર્જી) અને કંટ્રોલ સિસ્ટમ્સ જેવા ઉચ્ચ-સ્તરના શાસ્ત્રોનો સમાવેશ થાય છે. ભારતને આ ક્ષેત્રોમાં શરૂઆતથી જ કુશળતા વિકસાવવાની જરૂર હતી, જે એક જટિલ અને સમય માંગી લેતી પ્રક્રિયા હતી. આ પ્રોજેક્ટ માટે પશ્ચિમી દેશોએ સતત નિર્ણાયક ટેકનોલોજીઓ અને સામગ્રીઓ, ખાસ કરીને સિંગલ-ક્રિસ્ટલ બ્લેડ ટેકનોલોજી અને હાઇ-પર્ફોર્મન્સ સુપરએલોયની ઍક્સેસ નકારી છે. જેના કારણે સ્વદેશી સંશોધન અને વિકાસમાં ધીમી ગતિ રહી.

    કુશળ માનવબળ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અછત

    ભારતમાં કુશળ માનવબળ અને વિશિષ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અછતે પ્રોજેક્ટની પ્રગતિને અવરોધી છે. ખાસ કરીને, હાઇ-એલ્ટિટ્યૂડ ટેસ્ટિંગ સુવિધાઓનો અભાવ હતો, જેના કારણે વિકાસકર્તાઓએ રશિયાના CIAM (Central Institute of Aviation Motors) જેવી વિદેશી સંસ્થાઓ પર નિર્ભર રહેવું પડ્યું. આનાથી લોજિસ્ટિકલ અડચણો અને વિલંબ થયો.

    પ્રોજેક્ટની શરૂઆતમાં, કાવેરી એન્જિનને તેજસ લડાયક વિમાનમાં સીધું જ ઉપયોગમાં લેવાની યોજના બનાવવામાં આવી હતી, જે અકાળે હતું. એન્જિનનું પહેલા મધ્યવર્તી પ્લેટફોર્મ પર વેલિડેશન કરવાની જરૂર હતી. પ્રારંભિક રૂપરેખામાં, એન્જિન માત્ર 70–75 kN થ્રસ્ટ ઉત્પન્ન કરી શકતું હતું, જ્યારે ફ્રન્ટલાઇન લડાયક વિમાનો માટે 90–100 kN થ્રસ્ટની જરૂર હતી. આના કારણે એન્જિનને તેજસ પ્રોગ્રામથી અલગ કરવામાં આવ્યું અને તેનો ઉપયોગ AMCA (એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ) અને UCAVs (અનમેન્ડ કોમ્બેટ એરિયલ વ્હીકલ્સ) માટે રીડાયરેક્ટ કરવામાં આવ્યો.

    DRDOએ ફ્રેન્ચ કંપની સ્નેકમા (Safran) સાથે 2013માં વાટાઘાટો કરી હતી, પરંતુ તે નિષ્ફળ રહી. સ્નેકમાએ કાવેરી એન્જિનના કોરને તેમના હાલના ઇકો કોરથી બદલવાનો આંશિક ઉકેલ ઑફર કર્યો, પરંતુ નવીનતમ એન્જિન ટેકનોલોજીનું સંપૂર્ણ ટ્રાન્સફર કરવાનો ઇનકાર કર્યો. ભારતે આને અસ્વીકાર્ય ગણ્યું અને અદ્યતન, અસલી ટેકનોલોજી હસ્તગત કરવાની મક્કમ નીતિ અપનાવી.

    કાવેરી એન્જિન પ્રોજેક્ટનું મહત્વ

    આત્મનિર્ભરતા: સ્વદેશી એન્જિનનો વિકાસ ભારતને અમેરિકન GE F404/F414 અથવા રશિયન AL-31F જેવા વિદેશી એન્જિનો પરની નિર્ભરતામાંથી મુક્ત કરશે.

    ખર્ચ બચત: વિદેશી એન્જિનોની ખરીદી અને જાળવણી ખર્ચાળ છે. સ્વદેશી એન્જિનથી લાંબા ગાળે ખર્ચ ઘટશે.

    રાષ્ટ્રીય સુરક્ષા: સ્વદેશી એન્જિન ભારતને ભૌગોલિક-રાજનીતિક પ્રતિબંધો અને પુરવઠા શૃંખલાની અનિશ્ચિતતાઓથી બચાવશે.

    ટેકનોલોજીકલ નવીનતા: આ પ્રોજેક્ટ ભારતની એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીમાં સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપે છે, જે ભવિષ્યના પ્રોજેક્ટ્સ માટે મજબૂત આધાર પૂરો પાડશે.

    નિકાસની સંભાવના: સફળ એન્જિન વિકાસ ભારતને વૈશ્વિક બજારમાં એન્જિન નિકાસકાર તરીકે સ્થાપિત કરી શકે.

    નવી આશા અને વિકાસ

    હાલમાં, કાવેરી એન્જિન પ્રોજેક્ટમાં નવી આશા જોવા મળી રહી છે. નવા ઘટકો જેવા કે બ્લિસ્ક (બ્લેડ-ડિસ્ક એકીકરણ), અદ્યતન કોટિંગ અને બ્રહ્મોસ એરોસ્પેસ સાથે સંયુક્ત રીતે વિકસાવવામાં આવેલું સ્વદેશી આફ્ટરબર્નર એન્જિનની કામગીરીમાં સુધારો કરી રહ્યા છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે તાજેતરમાં પુષ્ટિ કરી છે કે ભારત GE, રોલ્સ-રોયસ અને સ્નેકમા જેવી વૈશ્વિક કંપનીઓ સાથે ભાગીદારી માટે વાતચીત કરી રહ્યું છે, જેથી કાવેરીની ટેકનોલોજીકલ ખામીઓ દૂર કરી શકાય અને તેનું ટેકનોલોજીકલ નિયંત્રણ ભારતના હાથમાં રહે.

    ભારત હાલમાં પાંચમી જનરેશનના લડાયક વિમાનોના વિકાસ માટે ઝડપથી કામ કરી રહ્યું છે. આ સંદર્ભમાં, કાવેરી એન્જિનની સફળતા ફક્ત રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક નથી, પરંતુ એક વ્યૂહાત્મક જરૂરિયાત છે. નેટીઝન્સ હવે આ પ્રોજેક્ટને પૂરતું ભંડોળ મળે અને તેને ભૂલવામાં ન આવે તેવી માંગ કરી રહ્યા છે.

    ભારત હાલમાં પહલગામ આતંકી હુમલાના પ્રતિભાવ સ્વરૂપ ઑપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન સામે સૈન્ય કાર્યવાહીમાં વ્યસ્ત છે. આવા સમયે, ભારતીયો ઇચ્છે છે કે સ્વદેશી ટેકનોલોજીને પ્રાથમિકતા આપવામાં આવે, જેથી ભવિષ્યમાં દેશ વિદેશી સપ્લાયર્સ પર નિર્ભર ન રહે.

    કાવેરી એન્જિન પ્રોજેક્ટનો વિલંબ જટિલ ટેકનોલોજી, વિદેશી પ્રતિબંધો, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અછત, અવાસ્તવિક અપેક્ષાઓ અને આંતરરાષ્ટ્રીય સહયોગની નિષ્ફળતા જેવા પરિબળોનું પરિણામ છે. જોકે, તાજેતરના વિકાસ, નવા ઘટકો અને વૈશ્વિક ભાગીદારીઓની વાતચીતથી આ પ્રોજેક્ટમાં નવી આશા જાગી છે. ભારતના નાગરિકોનો સમર્થન અને વર્તમાન ભૌગોલિક-રાજનીતિક પરિસ્થિતિ આ પ્રોજેક્ટને ઝડપથી આગળ વધારવાની જરૂરિયાતને રેખાંકિત કરે છે. કાવેરી એન્જિનની સફળતા ભારતની આત્મનિર્ભરતા અને રાષ્ટ્રીય સુરક્ષા માટે નિર્ણાયક છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં