Wednesday, March 4, 2026
More
    હોમપેજદેશ26 વર્ષ, બે ઑપરેશનો અને સૈન્ય મહાશક્તિ બનતું ભારત: કારગિલ વિજયથી ઑપરેશન...

    26 વર્ષ, બે ઑપરેશનો અને સૈન્ય મહાશક્તિ બનતું ભારત: કારગિલ વિજયથી ઑપરેશન સિંદૂર સુધીની યાત્રા, બે દાયકામાં કેટલું બદલાયું દેશનું રણકૌશલ

    ઑપરેશન સિંદૂરે ભારતને આતંકવાદ વિરુદ્ધ વૈશ્વિક નેતા તરીકે સ્થાપિત કર્યું છે. આ ઑપરેશનની ચોકસાઈ અને ઝડપે વૈશ્વિક મીડિયા અને નિષ્ણાતોનું ધ્યાન ખેંચ્યું છે અને ભારતની આતંકવાદને વૈશ્વિક પડકાર તરીકે રજૂ કરવાની નીતિને ટેકો મળ્યો છે.

    - Advertisement -

    26 જુલાઈ એટલે કે કારગિલ વિજય દિવસ (Kargil Vijay Diwas). આ દિવસ 1999ના કારગિલ યુદ્ધમાં ભારતની વિજયગાથાને યાદ કરે છે, જેનું કોડનેમ ઑપરેશન વિજય (Operation Vijay) હતું. આ યુદ્ધમાં ભારતીય સૈનિકોએ અત્યંત પડકારજનક પરિસ્થિતિઓમાં લડીને લદ્દાખના કારગિલ વિસ્તારમાં વ્યૂહાત્મક ઊંચાઈઓ પર કબજો મેળવ્યો હતો. આ દિવસ ઈતિહાસમાં ભારતીય સેનાના અદમ્ય સાહસ, શૌર્ય અને વીરતાની સાક્ષી પૂરે છે. 2025માં આ વિજયની 26મી વર્ષગાંઠ ખાસ મહત્વ ધરાવે છે, કારણ કે ભારતે તાજેતરમાં ઑપરેશન સિંદૂર (Operation Sindoor) દ્વારા આતંકવાદ વિરુદ્ધ ચોકસાઈભર્યું અને શક્તિશાળી પગલું ભર્યું છે. 1999માં સાધનસામગ્રીની અછતથી લઈને 2025માં આધુનિક સૈન્ય મહાશક્તિ બનવા સુધીની આ યાત્રા ભારતીય સેનાના પરિવર્તનની ગાથા છે.

    ઑપરેશન વિજય (1999)

    1999ના કારગિલ યુદ્ધની શરૂઆત ત્યારે થઈ જ્યારે પાકિસ્તાની સૈનિકો અને કાશ્મીરીઓના વેશમાં આવેલા આતંકવાદીઓએ લદ્દાખના કારગિલ જિલ્લામાં નિયંત્રણ રેખા (LoC) પાર કરીને ભારતીય ભૂમિ પર ઘૂસણખોરી કરી. આ ઘૂસણખોરી એ પાકિસ્તાનના ઑપરેશન બદરનો ભાગ હતી. ઑપરેશન બદરનો હેતુ શ્રીનગર-લેહ હાઇવેને કાપી નાખવાનો, કાશ્મીર અને લદ્દાખ વચ્ચેનો સંબંધ તોડવાનો અને કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉછાળવાનો હતો.

    ઘૂસણખોરોએ શિયાળામાં ખાલી કરાયેલી ભારતીય ચોકીઓ પર કબજો જમાવ્યો હતો, જેની જાણ સ્થાનિક ગુજ્જર ભરવાડ તાશી નામગ્યાલે મે 1999માં થઈ હતી. ભારતે આ ઘૂસણખોરીનો જવાબ ઑપરેશન વિજય દ્વારા આપ્યો, જેમાં 2,00,000થી વધુ સૈનિકોને મોકલવામાં આવ્યા, જેને ભારતીય વાયુસેનાના ઑપરેશન સફેદ સાગરનું સમર્થન હતું. આ યુદ્ધ 14,000 ફૂટથી વધુ ઊંચાઈએ, શૂન્યથી નીચેના તાપમાને અને પડકારજનક ભૂપ્રદેશમાં લડાયું હતું.

    - Advertisement -

    આ યુદ્ધમાં ભારતીય સૈનિકોએ ન માત્ર ગોળીઓનો જ સામનો કર્યો, પરંતુ કુદરતના પ્રકોપ, હાડ જમાડી નાખે એવા પવન અને ઠંડી, શૂન્યથી નીચે તાપમાન અને ઓક્સિજનના અભાવનો પણ સામનો કર્યો. યુદ્ધમાં ભારતીય સૈનિકોએ INSAS રાઈફલ્સ, ડ્રેગનોવ સ્નાઈપર રાઈફલ્સ અને બોફોર્સ FH-77B હોવિટ્ઝર જેવા જૂના શસ્ત્રોનો ઉપયોગ કર્યો, જે ઉચ્ચ-ઊંચાઈના યુદ્ધમાં નિર્ણાયક સાબિત થયા. ભારતીય વાયુસેનાએ મિગ-21, મિગ-27 અને મિરાજ 2000 વિમાનો દ્વારા સમર્થન આપ્યું, જોકે LoC પાર ન કરવાના આદેશને કારણે તેમની કામગીરી મર્યાદિત હતી.

    પડકારો વચ્ચે અદમ્ય સાહસ અને મેળવ્યો વિજય

    તોલોલિંગ, ટાઈગર હિલ, બટ્રા ટોપ અને અન્ય શિખરો પર લડાયેલી મુખ્ય લડાઈઓમાં ભારતીય સૈનિકોએ અસાધારણ શૌર્ય દર્શાવ્યું હતું. 26 જુલાઈ, 1999 સુધીમાં ભારતે તમામ કબજે કરેલી જગ્યાઓ પાછી મેળવી લીધી અને પાકિસ્તાનને પીછેહઠ કરવા મજબૂર કર્યું. ગંભીર ઉશ્કેરણી છતાં, આ સંયમથી આંતરરાષ્ટ્રીય કાયદાનું સમર્થન થયું અને સમગ્ર વિશ્વમાં ભારતનું સન્માન થયું. જોકે, આ વિજયની કિંમત ઘણી મોટી હતી. યુદ્ધમાં 545 ભારતીય સૈનિકો હુતાત્મા થયા અને 1,300થી વધુ ઘાયલ થયા. પાકિસ્તાને 1,000થી વધુ સૈનિકો ગુમાવ્યા હોવાનું અનુમાન છે, જોકે સત્તાવાર આંકડા અલગ-અલગ છે.

    કારગિલ યુદ્ધે ભારતની સૈન્ય તૈયારીમાં ઘણી ખામીઓ બહાર લાવી. RAW અને સેનાના ગુપ્તચર વિભાગ ઘૂસણખોરી અંગેની માહિતી મેળવી શક્યા નહીં, જેની જાણ એક સ્થાનિક ગુજ્જર ભરવાડ દ્વારા થઈ હતી. આ સમયે ભારતીય સેના જૂની ટેકનોલોજી પર આધારિત હતી અને અમેરિકાએ GPS સુવિધા નકારી દેતાં રીઅલ-ટાઈમ નેવિગેશનની અછત હતી. આ ઉપરાંત સેના, વાયુસેના અને નૌકાદળ વચ્ચે સંકલનનો અભાવ હતો અને પ્રોક્સી યુદ્ધો સામે લડવાની વ્યૂહરચના અપૂરતી હતી.

    ઑપરેશન વિજયે ભારતની સાર્વભૌમત્વની રક્ષા કરવાની દૃઢ ઇચ્છા દર્શાવી, જેનાથી અમેરિકા અને ઇઝરાયેલ જેવા દેશો સાથેના રાજદ્વારી સંબંધો મજબૂત થયા. પાકિસ્તાનની તેના કૃત્યો માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ટીકા થઈ અને તેની શરૂઆતમાં ઘૂસણખોરીથી હાથ ખંખેરવાની નીતિ તેના જ નેતાઓના નિવેદનોથી ખોટી સાબિત થઈ ગઈ.

    ઑપરેશન સિંદૂર (2025): ચોકસાઈ અને શક્તિનું પ્રદર્શન

    ઑપરેશન સિંદૂરની શરૂઆત પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં થઈ, જેમાં ભારતે પાકિસ્તાન-અધિકૃત કાશ્મીર (PoK) ઉપરાંત પાકિસ્તાનની અંદરના આતંકવાદી ઠેકાણાંને નિશાન બનાવ્યા હતા. કારગિલના લાંબા, વધુ ઊંચાઈના યુદ્ધથી વિપરીત ઑપરેશન સિંદૂર એક ઝડપી, ટેકનોલોજી-આધારિત કામગીરી હતી. ભારતીય સેનાએ 25 મિનિટમાં 9 આતંકવાદી ઠેકાણાં પર સર્જિકલ સ્ટ્રાઈક્સ કરી, જેમાં ચોકસાઈભર્યા હથિયારો અને અદ્યતન હવાઈ સંરક્ષણ પ્રણાલીનો ઉપયોગ થયો હતો.

    ભારતના આ ઑપરેશનના જવાબમાં પાકિસ્તાને ડ્રોન ઘૂસણખોરી અને ભારતીય સૈન્ય તેમજ નાગરિક ઠેકાણાં પર હુમલાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતે તેને નિષ્ફળ બનાવી દીધા. ચાર દિવસમાં પાકિસ્તાને યુદ્ધવિરામની વિનંતી કરી, જે આ ઑપરેશનની સફળતા સૂચવે છે. આ ઑપરેશનમાં ભારતની આધુનિક સૈન્ય ક્ષમતાઓ પ્રદર્શિત થઈ હતી. ભારતે મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ, હવાઈ સંરક્ષણ બંદૂકો અને અદ્યતન ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. દ્રાસ ઉપર ડ્રોનને શોર્ટ-રેન્જ આર્ટિલરી દ્વારા રોકવામાં આવ્યા હતા, જે ટેકનોલોજીકલ શ્રેષ્ઠતા દર્શાવે છે.

    આ ઑપરેશન સેના, નૌકાદળ અને વાયુસેના વચ્ચેનું સંકલન દર્શાવે છે, જે બહુ-પરિમાણીય યુદ્ધની દિશામાં ભારતના પરિવર્તનને દર્શાવે છે. કારગિલના સામસામેના યુદ્ધથી વિપરીત, ઑપરેશન સિંદૂર નોન-કોન્ટેક્ટ યુદ્ધ હતું, જેમાં લાંબા અંતરની મિસાઈલો અને ચોકસાઈભર્યા હુમલાઓ દ્વારા લક્ષ્યો નષ્ટ કરાયા હતા.

    ઑપરેશન સિંદૂરે ભારતની આતંકવાદ વિરોધી નીતિમાં પ્રો-એક્ટિવ અને પ્રિ-એમ્પ્ટિવ અભિગમને દર્શાવ્યો છે. જેમાં સેટેલાઈટ ઈમેજરીએ 13 પાકિસ્તાની એરબેસ, 4 ઈંધણ ડેપો, 2 શસ્ત્ર ભંડાર અને 1 રડાર સ્ટેશનનો નાશ થયો હોવાનું દર્શાવ્યું. આ ઑપરેશને ન માત્ર સૈન્ય સફળતા દર્શાવી, પરંતુ ભારતની આતંકવાદ વિરુદ્ધ આક્રમક નીતિ પણ દર્શાવી છે.

    પરિવર્તન: 1999થી 2025 સુધી

    ભારતીય સેનાની ઑપરેશન વિજયથી ઑપરેશન સિંદૂર સુધીની યાત્રા ટેકનોલોજી, વ્યૂહરચના અને વૈશ્વિક સ્થાનના પરિવર્તનને દર્શાવે છે.

    ટેકનોલોજીકલ પ્રગતિ

    કારગિલ યુદ્ધ દરમિયાન ભારતીય સેના INSAS રાઈફલ્સ, બોફોર્સ FH-77B હોવિટ્ઝર અને 120 mm મોર્ટાર જેવા જૂના શસ્ત્રો પર નિર્ભર હતી. રીઅલ-ટાઈમ નેવિગેશનની અછત અને અમેરિકાના GPS નકારને કારણે ઑપરેશનલ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. રડાર અને સર્વેલન્સ સિસ્ટમ મર્યાદિત હતી. બિજી તરફ ઑપરેશન સિંદૂરે ભારતની આધુનિક સૈન્ય ક્ષમતાઓ દર્શાવી છે. સેના હવે SIG716i અને AK-203 રાઈફલ્સ, ધનુષ હોવિટ્ઝર, M777 અલ્ટ્રા-લાઈટ હોવિટ્ઝર, K9 વજ્ર આર્ટિલરી, અદ્યતન ડ્રોન, લોઈટરિંગ મ્યુનિશન્સ, આકાશ SAM બેટરીઓ અને AI-આધારિત બેટલફિલ્ડ મેનેજમેન્ટ સિસ્ટમથી સજ્જ છે. IRNSS (નવીકરણ) અને સ્વદેશી રડાર સિસ્ટમ જેવી ટેકનોલોજીએ ચોકસાઈ અને સ્થિતિજન્ય જાગૃતિ (situational awareness) વધારી છે. આ ઉપરાંત હવાઈ સંરક્ષણ પ્રણાલી પણ હવે મજબૂત બની ગઈ છે.

    વ્યૂહાત્મક ફેરફારો  

    કારગિલ યુદ્ધ ચોથી પેઢીનું યુદ્ધ હતું, જેમાં પરંપરાગત યુદ્ધ પદ્ધતિઓ, જેમ કે આર્ટિલરી અને ઈન્ફન્ટ્રી-આધારિત લડાઈ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ યુદ્ધ રક્ષણાત્મક હતું, જેનો હેતુ ભારતીય ભૂમિને મુક્ત કરાવવાનો હતો. જ્યારે ઑપરેશન સિંદૂર 4.5 પેઢીનું યુદ્ધ દર્શાવે છે, જે ટેકનોલોજી, ચોકસાઈ અને નોન-કોન્ટેક્ટ યુદ્ધ પર આધારિત છે. આ ઑપરેશન પ્રિ-એમ્પ્ટિવ અને આક્રમક હતું.

    આ ઑપરેશન દરમિયાન ભારતે આતંકવાદ વિરુદ્ધ આક્રમક રણનીતિ અપનાવી અને એરફોર્સની મદદથી પાકિસ્તાનની અંદર ઘૂસીને આતંકી ઠેકાણાંનો નાશ કર્યો. આ સિવાય આ પહેલાં થયેલ સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક પણ ભારતની બદલાયેલી વ્યૂહરચના દર્શાવે છે. આ ઉપરાંત ભારતે પાકિસ્તાનને આતંકવાદી દેશ ઘોષિત કરવામાં પણ સફળતા મેળવી છે જે નવી વ્યૂહરચનાની સફળતા દર્શાવે છે.

    ગુપ્તચર અને સંકલન 

    1999માં ગુપ્તચર નિષ્ફળતાઓએ ઘૂસણખોરીને શોધવામાં વિલંબ કર્યો અને સેના, વાયુસેના અને નૌકાદળ વચ્ચે સંકલનનો અભાવ હતો. LoC પાર ન કરવાના આદેશે એરફોર્સની કામગીરીને મર્યાદિત કરી હતી, જેના કારણે એરફોર્સ છૂટથી કોઈ કાર્યવાહી કરી શકી નહોતી. જયારે 2025માં સુધારેલ ગુપ્તચર-શેરિંગ, સેટેલાઈટ ઈમેજરી અને ત્રણેય સેનાઓ વચ્ચેનું સીમલેસ સંકલન ઑપરેશન સિંદૂરની સફળતાનું મુખ્ય કારણ હતું. રીઅલ-ટાઈમ ઈન્ટેલિજન્સ અને AI-આધારિત ડેટા એનાલિસિસે ચોકસાઈભર્યા હુમલાઓ શક્ય બનાવ્યા હતા.

    કારગિલ વિજયે ભારતને એક સ્થિર અને જવાબદાર સૈન્ય શક્તિ તરીકે સ્થાપિત કર્યું, પરંતુ ટેકનોલોજીકલ નિર્ભરતા અને ગુપ્તચર નિષ્ફળતાઓ ઉજાગર થઈ હતી. જ્યારે ઑપરેશન સિંદૂરે ભારતને આતંકવાદ વિરુદ્ધ વૈશ્વિક નેતા તરીકે સ્થાપિત કર્યું છે. આ ઑપરેશનની ચોકસાઈ અને ઝડપે વૈશ્વિક મીડિયા અને નિષ્ણાતોનું ધ્યાન ખેંચ્યું છે અને ભારતની આતંકવાદને વૈશ્વિક પડકાર તરીકે રજૂ કરવાની નીતિને ટેકો મળ્યો છે.

    26મો કારગિલ વિજય દિવસ માત્ર 1999ની વિજયગાથાની યાદગીરી નથી, પરંતુ ભારતના આધુનિક સૈન્ય શક્તિમાં પરિવર્તનની ઉજવણી છે. ઑપરેશન સિંદૂરની સફળતાએ આ દિવસને નવું મહત્વ આપ્યું છે. ભારતે આ ઑપરેશન દ્વારા આતંકવાદને વૈશ્વિક પડકાર તરીકે રજૂ કરીને આંતરરાષ્ટ્રીય સહયોગની હાકલ કરી છે. સોશિયલ મીડિયા કેમ્પેન, શૈક્ષણિક કાર્યક્રમો, અને કેપ્ટન વિક્રમ બત્રા, કેપ્ટન વિજયંત થાપર જેવા નાયકોની વીરગાથાઓ યુવા પેઢીને પ્રેરણા આપે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં