દિલ્હીની વિધાનસભા ચૂંટણીમાં (Delhi Assembly Elections) આમ આદમી પાર્ટીની (AAP) કારમી હાર બાદ હવે મુશ્કેલીઓ પણ એટલી જ વધી રહી છે. AAPને હવે રાજકીય અને કાનૂની ફ્રન્ટ પર પણ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. હજુ તો દિલ્હીમાં MCD પર પણ ભાજપ ભગવો ન ફરકાવી દે તેની ચિંતા તો અલગ. આ સાથે જ AAPને પંજાબનું (Punjab) સિંહાસન પણ ડોલતું નજરે પડી રહ્યું છે. તે સિવાય પણ દિલ્હીની હાર બાદ આમ આદમી પાર્ટી પર લટકતી તલવાર જેવી સ્થિતિ ઊભી થઈ છે.
માહિતી એવી સામે આવી રહી છે કે, કોંગ્રેસ પંજાબમાં AAPની સરકાર પાડી દેવાનો પ્રયાસ કરી રહી છે. બીજી તરફ, દારૂ કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી કેજરીવાલ અને મનીષ સિસોદિયા સામે ઝડપથી કાર્યવાહી કરવા માટે CBIએ પગલાં પણ લીધાં છે. AAP એક સાથે અનેક મોરચે પડકારોનો સામનો કરી રહી છે અને આગળ પણ કરતી રહેશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિલ્હીમાં હાર બાદ પંજાબની કોંગ્રેસ યુનિટ સરકાર પાડી દેવા માટે કામે લાગી ગઈ છે. પંજાબ વિધાનસભામાં વિપક્ષના નેતા પ્રતાપ સિંઘ બાજવાએ રવિવારે (9 ફેબ્રુઆરી, 2025) દાવો કર્યો હતો કે, શાસક પાર્ટી AAPના 30 ધારાસભ્યો કોંગ્રેસના સંપર્કમાં છે અને ગમે ત્યારે તે પાર્ટી જોઇન કરી શકે છે. સાથે તેમણે એવો પણ દાવો કર્યો છે કે, આ સંપર્ક છેલ્લા એક વર્ષથી ચાલુ છે. તેમણે કહ્યું છે કે, આ બધા ધારાસભ્યો AAP છોડીને કોંગ્રેસને ટેકો આપવા તૈયાર છે.
‘દિલ્હીમાં AAPનો પરાજય પંજાબમાં કોંગ્રેસ માટે ‘આપદામાં અવસર’ જેવો’
પ્રતાપ સિંહ બાજવાએ દાવો કર્યો છે કે, કેજરીવાલ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને પદ પરથી હટાવીને પોતે મુખ્યમંત્રી બનવાનું પગલું ભરી શકે છે. બાજવાએ કહ્યું છે કે, આગામી દિવસોમાં પંજાબમાં એક બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે અને કેજરીવાલ આ બેઠક પરથી પોતાની કિસ્મત અજમાવી શકે છે. તેમણે કહ્યું, “AAPના ચીફ તેમના નજીકના સાથીઓની મોટી સેનાને સમાવીને, કેન્દ્રીય એજન્સીઓ દ્વારા તપાસ અને કાર્યવાહી ટાળી અને ભંડોળ એકત્ર કરીને પંજાબના મુખ્યમંત્રી બનવાનો પ્રયાસ કરશે.”
બાજવાએ એવો પણ દાવો પણ કર્યો છે કે, ભગવંત માન દિલ્હીમાં ભાજપ હાઇકમાન્ડ સાથેના પોતાના સંબંધો સુધારવામાં વ્યસ્ત છે. આ સાથે જ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ અમરિંદર સિંઘ ‘રાજા વરિંગ’એ કહ્યું છે કે, આગામી દિવસોમાં રાજ્યમાં ઘણા નેતાઓ AAP છોડી શકે છે. વધુમાં તેમણે જણાવ્યું કે, હવે પંજાબમાં કોંગ્રેસ નિષ્ફળ ‘પંજાબ મોડેલ’ અને નિષ્ફળ ‘દિલ્હી મોડેલ’ પર સરકાર પર હુમલો કરશે. તેમણે કહ્યું છે કે, દિલ્હીમાં AAPનો પરાજય પંજાબમાં કોંગ્રેસ માટે ‘આપદામાં અવસર’ જેવો છે.
AAPએ તમામ દાવાઓને આપ્યો છે રદિયો
વરિંગે કહ્યું કે, AAPએ પંજાબમાંથી પણ પોતાનો બિસ્તરો ભરીને જતાં રહેવું જોઈએ. બીજી તરફ AAPએ પાર્ટીમાં વિભાજનના તમામ દાવાઓને નકારી કાઢ્યા છે. પંજાબ AAP પ્રવક્તા નીલ ગર્ગે કહ્યું છે કે, “કેજરીવાલ અમારા રાષ્ટ્રીય સંયોજક છે અને ભગવંત માન પંજાબના મુખ્યમંત્રી છે. કોંગ્રેસનો ગ્રાફ પાતાળ તરફ જઈ રહ્યો છે. દિલ્હીમાં સતત ત્રીજી વખત તેમનું પ્રદર્શન શૂન્ય રહ્યું છે.”
નીલ ગર્ગે દાવો કર્યો છે કે, 2027ની ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન 2022 કરતાં પણ ખરાબ રહેશે. નોંધનીય છે કે, AAP પાસે હાલમાં 117 બેઠકોવાળી પંજાબ વિધાનસભામાં પ્રચંડ બહુમતી છે. તેની પાસે 93 ધારાસભ્યો છે, જ્યારે કોંગ્રેસ પાસે ફક્ત 16 ધારાસભ્યો છે. રાજ્યમાં શિરોમણી અકાલી દળના 3 ધારાસભ્યો છે, જ્યારે ભાજપના 2 ધારાસભ્યો છે. કોંગ્રેસ સતત કહી રહી છે કે, તેના મોટાભાગના મત AAPએ લઈ લીધા છે. દિલ્હી અને પંજાબમાં AAPના આંતરિક ઝઘડા બાદ તેઓ હવે વાપસી કરવાના મૂડમાં છે.
કેજરીવાલ અને સિસોદિયા પર તોળાયેલું કૌભાંડનું સંકટ
AAP માટે માત્ર પંજાબમાં જ નહીં, પણ દિલ્હીમાં પણ મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. તેના બંને મોટા નેતાઓ કેજરીવાલ અને સિસોદિયા ચૂંટણી હાર્યા બાદ જેલ જવાના ભયનો સામનો કરી રહ્યા છે. દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં જામીન પર રહેલા બંને આરોપીઓ સામે ટ્રાયલ શરૂ કરવા માટે તપાસ એજન્સી CBIએ કોર્ટમાં અરજી આપી છે .
CBIની એક સ્પેશ્યલ કોર્ટે સિસોદિયા અને કેજરીવાલના વકીલોને કેસ પેપર્સની ચકાસણી ઝડપથી પૂર્ણ કરવા કહ્યું છે, જેથી ટ્રાયલ શક્ય તેટલી વહેલી તકે શરૂ થઈ શકે. કોર્ટે 3 ફેબ્રુઆરી, 2025ના રોજ આ વાત કહી હતી. અગાઉ, CBIએ પણ એવું કહ્યું હતું કે, તે આ કેસમાં 23 આરોપીઓ સામે શક્ય તેટલી વહેલી તકે ટ્રાયલ શરૂ કરવા માંગે છે.
ઉલ્લેખનીય છે કે, કેજરીવાલ અને તેમના અન્ય લોકો પર દિલ્હીની એક્સાઇઝ પોલિસી બદલવાનો આરોપ છે અને તેના કારણે સરકારી તિજોરીને પણ ખૂબ મોટું નુકસાન થયું હોવાના આરોપ છે. આ નીતિ પરિવર્તનથી ખાનગી વિક્રેતાઓને ફાયદો થયો હતો અને તેમની પાસેથી મળેલા ₹100 કરોડના રિફંડને ગોવાની ચૂંટણીમાં ખર્ચવામાં આવ્યા હોવાનો આરોપ છે.