Saturday, October 12, 2024
More
    હોમપેજદેશNEET-UG પર ચાલી રહેલા વિવાદ વચ્ચે જાણો શું છે NTA?: શા માટે...

    NEET-UG પર ચાલી રહેલા વિવાદ વચ્ચે જાણો શું છે NTA?: શા માટે કરવામાં આવી હતી તેની સ્થાપના અને કઈ રીતે સંચાલિત કરે છે તમામ પરીક્ષાઓ

    NEET પરીક્ષા વિવાદ બાદ તાજેતરમાં રચવામાં આવેલી કમિટીની ભલામણો દ્વારા નેશનલ ટેસ્ટિંગ એજન્સીમાં (NTA) સુધારા કરવામાં આવશે. પરીક્ષા પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા, અગાઉની એજન્સીઓની સામે આવેલી ખામીઓને દૂર કરવા અને શૈક્ષણિક નિષ્ણાંતો તથા સંસ્થાઓ દ્વારા આપવામાં આવેલા દાયકાઓના સૂચનોને સમાવિષ્ટ કરવાની પ્રક્રિયામાં મુખ્ય પગલાં તરીકે આ કમિટી તૈયાર કરવામાં આવી છે.

    - Advertisement -

    NEET-UG પરીક્ષાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને NTAના સુધારાની જરૂરિયાત પર ભાર આપ્યો છે. શનિવારે (22 જૂન) કેન્દ્ર સરકારે પરીક્ષાઓનું પારદર્શી, સુચારું અને નિષ્પક્ષ સંચાલન સુનિશ્ચિત કરવા માટે નિષ્ણાંતોની એક ઉચ્ચસ્તરીય સમિતિ બનાવી છે. નિષ્ણાંતોની બનેલી આ કમિટી NTA, તેની સંરચના, કાર્યપ્રણાલી, પરીક્ષા પ્રક્રિયા, પારદર્શિતા અને ડેટા સુરક્ષા પ્રોટોકોલને વધુ સારી રીતે સંચાલિત કરવા માટે વિવિધ ભલામણો કરશે. જેના આધારે સરકાર NTA અને તેના માળખામાં પરિવર્તન કરશે.

    આ કમિટીનું નેતૃત્વ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના (ISRO) ભૂતપૂર્વ અધ્યક્ષ અને IIT કાનપુરના બોર્ડ ઓફ ગવર્નન્સના અધ્યક્ષ ડૉ. કે રાધાકૃષ્ણન કરશે. તે સાથે કમિટીમાં 6 સભ્યોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં AIIMS દિલ્હીના પૂર્વ ડાયરેક્ટર ડો.રણદીપ ગુલેરિયા, હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર બી.જે. રાવ, IIT મદ્રાસ સિવિલ એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર એમેરેટસ પ્રો. રામામૂર્તિ, પીપલ સ્ટ્રોંગ અને બોર્ડ મેમ્બર – કર્મયોગીના સહ-સ્થાપક પંકજ બંસલ ભારત પણ સામેલ છે. કમિટીમાં IIT દિલ્હીના ડીન સ્ટુડન્ટ અફેર્સ આદિત્ય મિત્તલ પણ સામેલ છે. શિક્ષણ મંત્રાલયના સંયુક્ત સચિવ ગોવિંદ જયસ્વાલને પણ સભ્ય સચિવ તરીકે સામેલ કરવામાં આવ્યા છે.

    NEET પરીક્ષા વિવાદ બાદ શિક્ષણ મંત્રાલયના એક નિવેદન અનુસાર, ઉચ્ચસ્તરીય કમિટી સમગ્ર પરીક્ષા પ્રક્રિયાનું વિશ્લેષણ કરશે અને સિસ્ટમની કાર્યક્ષમતા વધારવા માટેના ઉપાયોની ભલામણ કરશે. આ પેનલ નેશનલ ટેસ્ટિંગ એજન્સીની (NTA) સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOPs) ની વ્યાપક સમીક્ષા કરશે અને તેને મજબૂત કરવા માટેના પગલાંનો પ્રસ્તાવ મૂકશે. વધુમાં, સભ્યો દરેક તબક્કે અનુપાલન સુનિશ્ચિત કરવા માટે મોનિટરિંગ મિકેનિઝમની પણ ભલામણ કરશે.

    - Advertisement -

    NTAની સ્થાપના

    જ્યારે સરકારે NTAમાં સુધારો કરવા માટે એક પેનલની ઘોષણા કરી છે, ત્યારે એ નોંધવું પણ અગત્યનું છે કે સાત વર્ષ પહેલાં પરીક્ષા પ્રક્રિયામાં સુધારો કરવા અને રાજ્ય-સ્તરની પરીક્ષા સંસ્થાઓ અને અન્ય બહુવિધ એજન્સીઓમાં રહેલી ખામીઓને દૂર કરવા માટે આ એજન્સીની સ્થાપના કરવામાં આવી હતી. કાયદા દ્વારા આવી એજન્સીની સ્થાપના માટે ઘણા દાયકાઓથી અવાજ ઉઠાવવામાં આવી રહ્યો હતો. સંજોગવશાત એજન્સીની સ્થાપના 1992ના એક્શન પ્રોગ્રામ સાથે જોડાયેલી છે, જેમાં રાષ્ટ્રીય સ્તર પર સામાન્ય પ્રવેશ પરીક્ષાઓની વકાલત કરવામાં આવી હતી.

    2010માં ઇન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IITs)ના નિર્દેશકોની સમિતિએ સ્વાયત્તતા અને પારદર્શિતા સુનિશ્ચિત કરવા કાયદા દ્વારા એજન્સીની સ્થાપના કરવાની ભલામણ કરી હતી. અમેરિકાની શૈક્ષણિક પરીક્ષણ સેવા (ETS)ની તર્જ પર એજન્સીને વિકસિત કરવા માટેના કાર્યને 2013માં આગળ વધારવામાં આવ્યું. ત્યારે માનવ સંસાધન વિકાસ મંત્રાલયે (હવે શિક્ષણ મંત્રાલય) યોજનાઓ ઘડવા માટે એક ટાસ્ક ફોર્સની રચના પણ કરી હતી. NTAની સ્થાપના માટેની સત્તાવાર ઘોષણા 2017માં કરવામાં આવી હતી, ત્યારબાદ તેને કેબિનેટની પણ મંજૂરી મળી ગઈ હતી.

    રાજ્ય-સ્તરની પરીક્ષા-આયોજક સંસ્થાઓમાં ખામીઓ અંગેની ચિંતાઓ અને તેવા વિદ્યાર્થીઓ કે, જેમણે સ્વતંત્ર રીતે બહુવિધ પ્રવેશ પરીક્ષાઓ પાસ કરવી પડતી હતી, તેમના માટે પ્રક્રિયાને સરળ બનાવવાની જરૂરિયાતને કારણે NTAની માંગ ઊભી થઈ હતી. માનવ સંસાધન વિકાસ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે, “NTAની સ્થાપનાનો હેતુ તે સુનિશ્ચિત કરવામાં આવ્યો છે કે, ઉચ્ચ શિક્ષણની વિવિધ શાખાઓમાં પ્રવેશ માટે એક સમાન પ્રવેશ પરીક્ષાની રચના કરીને વિદ્યાર્થીઓને તણાવ તરફ દોરી જતી પ્રવેશ પરીક્ષાઓની બહુવિધતાનો વ્યાપકપણે ઉકેલ લાવવામાં આવે.”

    નેશનલ ટેસ્ટિંગ એજન્સી

    2017માં કેન્દ્ર સરકારે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયની અંદર ઉચ્ચ શિક્ષણ વિભાગ હેઠળ સ્વાયત્ત સંસ્થા તરીકે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ની સ્થાપના કરી હતી. તે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ અને ફેલોશિપ માટેની પરીક્ષાઓનું આયોજન કરે છે. હાલમાં, તે JEE Main, NEET-UG, NET, CMAT અને GPAT સહિત એન્જિનિયરિંગ, મેડિકલ, મેનેજમેન્ટ અને ફાર્મસી જેવા ક્ષેત્રોમાં પ્રવેશ અને ભરતી માટે વિવિધ રાષ્ટ્રીય-સ્તરની પરીક્ષા યોજવા માટે જવાબદાર છે. એકંદરે, તે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટેની 15 અત્યંત સ્પર્ધાત્મક પ્રવેશ પરીક્ષાઓનું આયોજન કરે છે.

    પોતાના પ્રથમ વર્ષ માટે ₹25 કરોડના પ્રારંભિક બજેટ સાથે, 5મી સપ્ટેમ્બર 2018ના રોજ એજન્સી કાર્યરત થઈ હતી અને તેની કામગીરીના પ્રથમ વર્ષમાં માત્ર UGC-NET પરીક્ષાનું આયોજન કર્યું હતું. 2019થી ધીરે-ધીરે અન્ય પરીક્ષાઓની જવાબદારી પણ એજન્સીએ પોતાના શિરે લીધી હતી. હાલમાં તે 2,546થી વધુ કેન્દ્રોની દેખરેખ રાખે છે. NTA આધિકારિક રીતે સોસાયટી (રજીસ્ટર) અધિનિયમ, 1860 હેઠળ એક સોસાયટી તરીકે નોંધાયેલ છે. શરૂઆતમાં એજન્સી ‘સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન’ (CBSE) દ્વારા સંચાલિત પરીક્ષાઓ તેમજ ‘ઑલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન’ (AICTE) દ્વારા નિયુક્ત CMAT અને GPAT પરીક્ષાઓનું સંચાલન કરતી હતી.

    હાલમાં એજન્સીનું નેતૃત્વ UPSCના પૂર્વ અધ્યક્ષ પ્રદીપ કુમાર જોશી કરી રહ્યા છે. તેની ગવર્નિંગ બોડીમાં 14 નિષ્ણાંતોની ટીમનો પણ સમાવેશ થાય છે. જેમાં અન્ય શૈક્ષણિક અને તબીબી નિષ્ણાતો અને અમલદારો સાથે ત્રણ IIT, બે NIT અને બે IIM જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓના નિર્દેશકોનો સમાવેશ થાય છે. આદેશ અનુસાર, NTA પરીક્ષાની તૈયારીથી લઈને વિતરણ સુધીની દરેક વસ્તુને “વૈજ્ઞાનિક રીતે” હેન્ડલ કરે છે અને સમગ્ર પ્રક્રિયા દરમિયાન વિષયના નિષ્ણાંતો અને મનોચિકિત્સકો સાથે પરામર્શ કરે છે.

    છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલા મુખ્ય વિવાદો

    2021માં JEE મેઇન પરીક્ષા સાથે ચેડા કરવામાં આવ્યા હતા. રશિયન નાગરિક મિખાઇલ શાર્ગેને પરીક્ષાનું સોફ્ટવેર હેક કરી લીધું હતું. જેનાથી 800થી વધુ ઉમેદવારોને ફાયદો થયો હતો. NDTV અનુસાર, આ છેડછાડથી વિદ્યાર્થીઓને શિક્ષકો અથવા કોચને તેમના કમ્પ્યુટર્સ પર નિયંત્રણ મેળવવા અને તેમના વતી પરીક્ષા આપવા માટે સક્ષમ કરીને છેતરપિંડી કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

    વધુમાં, વિદ્યાર્થીઓની સંખ્યાના ખોટા રિપોર્ટિંગના પણ કેટલાક કિસ્સાઓ સામે આવ્યા હતા. જોકે, આ કોઈ મોટો વિવાદ નથી, જેનાથી NTAની કાર્યપ્રણાલી પર સવાલ ઉઠી શકે. તેમ છતાં આવી ભૂલોને દૂર કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે વ્યક્તિગત રીતે વિદ્યાર્થીઓને નોંધપાત્ર રીતે અસર કરે છે.

    છેલ્લા કેટલાક વર્ષોમાં NTA દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓમાં ગ્રેસ માર્કસની ફાળવણીમાં પારદર્શિતાનો અભાવ, પરીક્ષા કેન્દ્રો પર ટેકનિકલ ખામીઓના મુદ્દાઓ અને હેકિંગ/ફિક્સિંગના કિસ્સાઓ સહિતના આરોપો લાગતાં રહ્યા છે. જોકે, આમાંના ઘણા મુદ્દાઓ, જેમ કે ટેકનિકલ ક્ષતિઓ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ગેરરીતિ અને ભ્રષ્ટ પ્રવૃત્તિઓ ઘણીવાર કેટલાક સ્થાનિક કેન્દ્રોના અધિકારીઓની સંડોવણીને કારણે ઊભા થાય છે.

    એજન્સી કઈ રીતે કરે છે પરીક્ષા કેન્દ્રોની પસંદગી?

    NTA પરીક્ષા કેન્દ્રો પસંદ કરવા માટે પ્રક્રિયાને સખત રીતે અનુસરવાનો દાવો કરે છે. શરૂઆતમાં, તે યાદીમાંથી સંભવિત કેન્દ્રોની ઓળખ કરે છે, જેમાં અગાઉ CBSE અને NTA દ્વારા ઉપયોગમાં લેવાતી સરકારી શાળાઓનો સમાવેશ થાય છે. પરીક્ષા કેન્દ્રો તરીકે આ શાળાઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવે છે અને AICTE દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થાઓ અને કોલેજોને પણ ધ્યાનમાં લેવામાં આવી શકે છે. એકવાર આખરી યાદી તૈયાર થયા બાદ NTA શાળાઓ પાસેથી પરવાનગી માંગે છે અને નવા કેન્દ્રો પર બેકગ્રાઉન્ડ ચેકિંગ હાથ ધરે છે.

    પરીક્ષા કેન્દ્રો અને તેમના સંચાલનનું મૂલ્યાંકન કરવા માટે એક ત્રીજા પક્ષની સંસ્થા સાથે કરવામાં આવે છે. તેમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને બેઠક ક્ષમતાનું આકલન કરવું અને ખાસ કરીને કોચિંગ સંસ્થાઓ સાથે હિતોના સંઘર્ષની ગેરહાજરીની ખાતરી કરવાનો સમાવેશ થાય છે. કેન્દ્રો દિવ્યાંગો માટે સુલભ અને મૈત્રીપૂર્ણ પણ હોવા જોઈએ. ખરાબ રેકોર્ડ ધરાવતા કોઈપણ કેન્દ્રને NTA દ્વારા બ્લેકલિસ્ટ કરવામાં આવે છે. મુખ્ય પ્રવેશ અને બહાર નીકળવાના સ્થળો પરના કર્મચારીઓ સહિત સુરક્ષા પગલાંનું નિરીક્ષણ કરવા માટે વર્ચ્યુઅલ ટૂર પણ કરવામાં આવે છે.

    NEET પરીક્ષા વિવાદ બાદ તાજેતરમાં રચવામાં આવેલી કમિટીની ભલામણો દ્વારા નેશનલ ટેસ્ટિંગ એજન્સીમાં (NTA) સુધારા કરવામાં આવશે. પરીક્ષા પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા, અગાઉની એજન્સીઓની સામે આવેલી ખામીઓને દૂર કરવા અને શૈક્ષણિક નિષ્ણાંતો તથા સંસ્થાઓ દ્વારા આપવામાં આવેલા દાયકાઓના સૂચનોને સમાવિષ્ટ કરવાની પ્રક્રિયામાં મુખ્ય પગલાં તરીકે આ કમિટી તૈયાર કરવામાં આવી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં