કેન્દ્રની મોદી સરકારે (Modi Government) 1 ફેબ્રુઆરી, 2025ના રોજ નવા નાણાકીય વર્ષ માટેના દેશના વાર્ષિક બજેટની (Budget) જાહેરાત કરી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે અનેક બાબતોની ઘોષણા કરી અને નવી યોજનાઓ વિશે વાત પણ કરી છે. ખેડૂત, મધ્યમવર્ગ અને ગરીબોને ધ્યાને રાખીને બજેટ 2025-26માં ઘણી બાબતોને આવરી લેવામાં આવી છે. ઇન્ફ્રાસ્ટ્રકચરથી લઈને મેડિકલ ક્ષેત્ર અને IITને ડેવલપ કરવા સુધીની યોજના બજેટમાં જોવા મળી રહી છે. PM મોદીએ પણ બજેટની પ્રશંસા કરી છે અને તેને નિર્ણાયક રીતે લાગુ કરવા માટેની વાત કરી છે.
બજેટ સત્રમાં બજેટ રજૂ થયાથી અનેક જાહેરાતો બહાર પડી છે, પરંતુ દેશના સામાન્ય લોકો માટે બજેટનું એક મુખ્ય આકર્ષણ હંમેશા તે જ રહ્યું છે કે, કઈ વસ્તુઓ મોંઘી થઈ છે અને કઈ વસ્તુઓ સસ્તી થઈ છે. કારણ કે, દેશનો મોટો વર્ગ મધ્યમવર્ગીય છે અને વસ્તુઓ મોંઘી કે સસ્તી થવાથી તેમના જીવનધોરણમાં પણ તેનો ઘણો પ્રભાવ પડતો હોય છે. આ વખતે પણ કસ્ટમ ડ્યુટીમાં ફેરફાર કરવામાં આવતા ઘણી વસ્તુઓ સસ્તી થઈ છે અને ઘણી મોંઘી પણ થઈ છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણ દરમિયાન ઉત્પાદન અથવા તો દૈનિક જરૂરિયાત માટે મહત્વપૂર્ણ વિવિધ ઉત્પાદનો અથવા તો વસ્તુઓ માટે બેઝિક કસ્ટમ ડ્યુટીમાં (BCD) ઘણા ફેરફારો કરવાની વાત કરી છે. ઘણા કિસ્સામાં તો ઘરેલુ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને તેને મજબૂત બનાવવા માટે પણ કિંમત વધારવામાં આવી છે. આપણે આ લેખમાં તે તમામ વસ્તુઓ વિશે વાત કરીશું જેના ભાવ વધ્યા છે અથવા તો ઘટયા છે.
કઈ વસ્તુઓ થઈ સસ્તી?
બજેટ 2025-26ની જાહેરાત સાથે નાણામંત્રી નિર્મલા સીતારમણે કસ્ટમ ડ્યુટીમાં પણ ધરખમ પરિવર્તન કર્યું છે. જેના કારણે કેટલીક વસ્તુઓની કિંમતમાં ઘટાડો થયો છે તો કેટલીકની કિંમતમાં વધારો પણ થયો છે. આપણે સૌપ્રથમ કઈ વસ્તુઓ સસ્તી થઈ તે વિશે ચર્ચા કરીશું.
- ગંભીર રોગો માટેની 36 જીવનરક્ષક દવાઓને કસ્ટમ ડ્યુટીમાંથી છૂટ આપવામાં આવી.
- આ ઉપરાંત 37 અન્ય દવાઓને પણ કસ્ટમ ડ્યુટીમાં છૂટ આપવાની જાહેરાત કરવામાં આવી છે.
- ફિશ પેસ્ટ્યુરી પર બેઝિક કસ્ટમ ડ્યુટી 30 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવશે.
- જળચર ખોરાકના ઉત્પાદન માટે ફિશ હાઈડ્રોલાઈઝેટ પરની બેઝિક કસ્ટમ ડ્યુટી 15 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવી છે.
- સરકારે સીસું, જસત અને અન્ય 12 ખનીજો પર બેઝિક કસ્ટમ્સ ડ્યુટીમાંથી સંપૂર્ણ મુક્તિનો પ્રસ્તાવ મૂક્યો છે.
- શિપ નિર્માણ માટેના કાચા માલને હવે વધુ 10 વર્ષો માટે બેઝિક કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવી છે.
- ગયા વર્ષના બજેટમાં મોબાઈલ ફોન, ચાર્જર, સોના, ચાંદી અને તાંબાની કિંમતોમાં પહેલાં જ કાપ મૂકી દેવાયો હતો, આ વખતે પણ ટીવી, LED, મોબાઈલ ફોન, બેટરી, ઇલેક્ટ્રિક વાહનોની કિંમતમાં ઘટાડો થયો છે.
- કેન્સર માટેની ત્રણ દવાઓને પણ બેઝિક કસ્ટમ ડ્યુટીમાંથી મુક્ત કરી દેવામાં આવી છે.
- ચામડાના બેલ્ટ, ચામડાના જૂતાં-ચપ્પલ, ચામડાના જેકેટ, દરિયાઈ અને કોબાલ્ટ ઉત્પાદનની કિંમતમાં ઘટાડો થયો છે.
- કેન્દ્રએ હસ્તકલા નિકાસને વધુ પ્રોત્સાહન આપવા માટેની યોજનાની પણ જાહેરાત કરી છે.
- વાયર્ડ હેડસેટ, માઇક્રોફોન, રિસીવર, USB કેબલ, ટેલિકોમ સાધનો, જ્વેલરી, તકનીકી કાપડ, ઇલેક્ટ્રોનિક રમકડાં, EV બેટરી વગેરેના ઉત્પાદન માટે વપરાતા કાચા માલને બેઝિક કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવશે.
- 1600 સીસીથી વધુની એન્જિન ક્ષમતા ધરાવતી મોટરસાયકલ પર હવે વર્તમાન 50 ટકાને બદલે 40 ટકાની કસ્ટમ ડ્યુટી લગાવવામાં આવશે.

આ ઉપરાંત નાણામંત્રીએ છ મહિનાની અંદર કસ્ટમ ડ્યુટી ફ્રેમવર્કની ગહન સમીક્ષાનો પ્રસ્તાવ પણ આપ્યો હતો. જેના કારણે સંભાવના છે કે, 2025-26ના બજેટમાં કસ્ટમ ડ્યુટીને લઈને અનેક મહત્વપૂર્ણ બદલાવો પણ કરવામાં આવી શકે છે.
કઈ વસ્તુઓ થઈ છે મોંઘી?
બજેટ રજૂ થયા બાદ અનેક વસ્તુઓની કિંમતમાં ફેરફાર જોવા મળ્યો છે. ખાસ કરીને ઇલેક્ટ્રિક વસ્તુઓ અને ચામડાની વસ્તુઓ સસ્તી થઈ છે. ઘણી વધી વસ્તુઓમાં કસ્ટમ ડ્યુટી ઘટાડી કે નાબૂદ કરી દેવામાં આવી હોવાથી તે સસ્તી થઈ છે. આ સાથે જ બીજી તરફ કેટલીક વસ્તુઓ મોંઘી પણ થઈ છે. કેટલોક માલસામાન, ખાસ કરીને ટેક અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રોમાં કિંમતમાં વધારો પણ જોવા મળી શકે છે. હવે આપણે કઈ વસ્તુઓ મોંઘી થઈ છે તે વિશેની વાત કરીશું.
ઇન્ટરેક્ટિવ ફ્લેટ પેનલ ડિસ્પ્લે પર કસ્ટમ ડ્યુટીમાં વધારો
સરકારે ઇન્ટરેક્ટિવ ફ્લેટ-પેનલ ડિસ્પ્લેની બેઝિક કસ્ટમ ડ્યુટી 10 ટકાથી વધારીને 20 ટકા કરવાની દરખાસ્ત કરી છે. આ ગોઠવણનો હેતુ ઈન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચરને સંબોધિત કરી ઉત્પાદનોના ઘરેલુ નિર્માતાઓ માટે વધુ નિષ્પક્ષ અને પ્રતિસ્પર્ધી માહોલ બનાવવાનો છે.
તે સિવાય સ્પેસિફાઇડ ટેરિફ આઇટમ્સ હેઠળ આવરી લેવામાં આવતા ગૂંથેલા કાપડ પરની બેઝિક કસ્ટમ ડ્યુટી 10/20 ટકાથી વધીને હવે 20 અથવા તો ₹115 પ્રતિ કિલો, બેમાંથી જે યોગ્ય જણાશે તે કરવામાં આવશે. તે સિવાય સામાન્ય વસ્તુઓ જેવી કે, સ્માર્ટ મીટર, આયાતી ફૂટવેર, આયાતી યાટ અને અન્ય વાહનો, PVC ફ્લેક્સ વસ્તુઓ, મીણબત્તીઓની કિંમત પણ વધશે.
કામચલાઉ આકારણી માટે નવી સમય મર્યાદા
કામચલાઉ મૂલ્યાંકન માટે વધુ બે વર્ષની નવી સમય મર્યાદા આપવામાં આવી છે. જેને ઝડપી અને વધુ કાર્યક્ષમ કસ્ટમ ક્લીયરન્સની સુવિધા માટે બનાવવામાં આવી છે. આ સુધારા પ્રક્રિયાને વધુ પારદર્શક અને અનુમાનિત બનાવીને આયાત અને નિકાસ સાથે સંકળાયેલા ઉદ્યોગોને અસર કરે છે.