1 ફેબ્રુઆરી, 2025ના રોજ લોકસભામાં નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશનું વાર્ષિક બજેટ રજૂ કરી રહ્યા છે. જેમાં મધ્યમવર્ગ અને ગરીબવર્ગની સાથે તમામ ક્ષેત્રોને સાંકળીને અનેક જાહેરાતો કરવામાં આવી છે. ખાસ તો ખેડૂતો માટે પણ અનેક યોજના લાવવામાં આવી રહી છે. નાણામંત્રીએ ખેડૂતો માટે અનેક યોજનાઓ જાહેર કરી છે. જે હેઠળ પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજનાની જાહેરાત પણ કરવામાં આવી છે. નાણામંત્રી અનુસાર, આ યોજનાથી 1.7 કરોડ ખેડૂતોને લાભ પહોંચશે. આ યોજના સૌથી પહેલાં 10 જિલ્લાઓમાં લાગુ કરવામાં આવશે.
આ ઉપરાંત નાણામંત્રીએ તેલીબિયાં ક્ષેત્ર માટે નવી જોગવાઈઓ લાવવાની જાહેરાત કરી છે. સરકાર હવે કઠોળના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનવા માટે મિશન પણ શરૂ કરશે. આ ઉપરાંત કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા પણ ₹3 લાખથી વધારીને ₹5 લાખ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત ઇન્કમ ટેક્સને લઈને પણ અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે.
આ ઉપરાંત નાણામંત્રીએ સૌથી મોટી જાહેરાત કરતાં ઇન્કમ ટેક્સને લઈને રાહત આપી છે. હવે 12 લાખથી વધુની વાર્ષિક આવક ધરાવતા લોકોને કોઈ ટેક્સ આપવો પડશે નહીં. આ ઉપરાંત નાણામંત્રીએ કહ્યું છે કે, આવતા અઠવાડિયે નવું ઇન્કમ ટેક્સ બિલ પણ રજૂ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, સરકારના સુધાર એજન્ડાને આગળ વધારતા આવનારા અઠવાડિયામાં નવું આવકવેરા બિલ રજૂ કરવામાં આવશે.
ગંભીર રોગો માટેની 36 દવાઓ ડ્યૂટી ફ્રી
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે, 36 જીવનરક્ષક દવાઓ પરનો ડ્યુટી ટેક્સ સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવશે. તમામ સરકારી હોસ્પિટલોમાં કેન્સર ડે કેર સેન્ટર બનાવવામાં આવશે. કેન્સરની સારવાર માટેની દવાઓ પણ ખૂબ સસ્તી થઈ જશે. ગંભીર રોગો માટેની જીવનરક્ષક દવાઓ પરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને 5 ટકા કરવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે. આ ઉપરાંત નાણામંત્રીએ 7 ટેરિફને હટાવી દેવા માટેની જાહેરાત પણ કરી હતી. સોશિયલ વેલ્ફેર સરચાર્જ હટાવવા માટેનો પ્રસ્તાવ પણ આપવામાં આવ્યો છે.
આ ઉપરાંત વરિષ્ટ નાગરિકો માટે TDS મર્યાદા 50 હજારથી વધારીને 1 લાખ સુધીની કરી દેવામાં આવી છે. આ સાથે જ ઇન્કમ ટેક્સની ફાઈલિંગની મર્યાદાને પણ 2 વર્ષથી વધારીને 4 વર્ષ સુધીની કરી દેવામાં આવી છે. આ ઉપરાંત બિહારમાં મખના બોર્ડ બનાવવાની જાહેરાત પણ કરવામાં આવી છે. ખાસ તો સ્ટાર્ટઅપ માટેની લોન 10 કરોડથી વધારીને 20 કરોડ કરવામાં આવી છે.