ઉત્તરપૂર્વીય રાજ્યમાં અરુણાચલ પ્રદેશમાં 6 માર્ચ, 2025ના રોજ ખ્રિસ્તી પ્રચારકોના એક સમૂહે રાજ્યના ધર્મ સ્વતંત્રતા અધિનિયમના (APFRA) અમલીકરણ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઘણાં વર્ષોથી અરુણાચલ પ્રદેશમાં લોકોનું બળજબરી અને કપટપૂર્ણ રીતે ધર્મપરિવર્તન કરાવવામાં આવતું હોવાના મામલા સામે આવ્યા છે. આવી ઘટનાઓથી મૂળનિવાસીઓને, અરુણાચલના મૂળ વતનીઓને બચાવવા માટે આ કાયદો લાવવામાં આવી રહ્યો છે. પરંતુ ખ્રિસ્તી સમૂહો તેના અમલીકરણની વિરોધમાં પડ્યાં છે.
અરુણાચલ ક્રિશ્ચિયન ફોરમના (ACF) બેનર હેઠળ ખ્રિસ્તીઓ આ કાયદાનો વિરોધ કરવા માટે ઇટાનગરમાં એકત્ર થયા હતા. ACF પ્રમુખ તારહ મીરીએ જાહેરાત કર્યા અનુસાર અરુણાચલ પ્રદેશ ધર્મ સ્વતંત્રતા અધિનિયમને (APFRA) રદ કરવાની માંગ સાથે આયોજિત વિરોધ પ્રદર્શનમાં 2 લાખથી વધુ લોકોએ ભાગ લીધો હતો. આમ તો આ કાયદો 1978માં પસાર કરી દેવામાં આવ્યો હતો, પરંતુ ખ્રિસ્તી જૂથોના દબાણના કારણે હજુ સુધી તેનું અમલીકરણ થઈ શક્યું નથી.
આ દરમિયાન તારહ મીરીએ એમ કહીને ખ્રિસ્તીઓને ગેરમાર્ગે દોર્યા, “અમે APFRAના અમલીકરણની વિરુદ્ધ છીએ કારણ કે તે ખ્રિસ્તીઓને લક્ષ્ય બનાવે છે અને આપણી ધાર્મિક સ્વતંત્રતામાં ઘટાડો કરશે.” આ વર્ષે 17 ફેબ્રુઆરીના રોજ ACF એ 8 કલાકની ભૂખ હડતાળ પણ કરી હતી. વિરોધીઓએ ‘અમે APFRA રદ કરવાની માંગ કરીએ છીએ’ જેવા સૂત્રો લખેલા પ્લેકાર્ડ પકડી રાખ્યા હતા. 21 ફેબ્રુઆરીના રોજ ACF સભ્યો રાજ્યના ગૃહમંત્રી મામા નાટુંગને પણ મળ્યા હતા પરંતુ આ બેઠકનો કોઈ નિષ્કર્ષ નીકળ્યો નહોતો.
શું કહે છે આ કાયદો
અરુણાચલ પ્રદેશ ધર્મ સ્વતંત્રતા અધિનિયમ ઓક્ટોબર 1978માં બનાવવામાં આવ્યો હતો, જેનો ઉદ્દેશ્ય ‘બળજબરી, લાલચ અથવા છેતરપિંડી દ્વારા તથા ધર્માંતરણને પ્રતિબંધિત કરવા અને તેની સાથે જોડાયેલી બાબતોની જોગવાઈ કરવાનો હતો.’ આ કાયદાને ભારતના રાષ્ટ્રપતિની સંમતિ પણ મળી હતી. આ કાયદાનો ઉદ્દેશ મૂળનિવાસી ધર્મો, માન્યતાઓ અને પ્રથાઓનું રક્ષણ કરવાનો હતો.
આ કાયદામાં ઘણા ‘ઈન્ડિજિનસ ધર્મો’ની ઓળખ કરવામાં આવી હતી, જેના લોકોનું ધર્માંતરણ કરાવવામાં આવતું હતું. આ ધર્મોમાં બૌદ્ધ ધર્મ (મોનપા, મેમ્બા, શેરદુકપેન, ખામ્બા, ખમ્પાતી અને સિંગફોસ), વૈષ્ણવ ધર્મ (નોક્ટેસ), આકા અને પ્રકૃતિ ઉપાસકો (દુની-પોલોના ઉપાસકો) સહિતના ધર્મો, સંપ્રદાયો અને પંથોનો સમાવેશ થાય છે.
અરુણાચલ પ્રદેશ ધર્મ સ્વતંત્રતા અધિનિયમની કલમ 3 સ્પષ્ટપણે જણાવે છે – “કોઈપણ વ્યક્તિ બળજબરી અથવા લાલચ દ્વારા અથવા કોઈપણ કપટપૂર્ણ માધ્યમથી કોઈપણ વ્યક્તિને એક ધાર્મિક આસ્થામાંથી બીજી ધાર્મિક આસ્થામાં સીધા અથવા અન્ય રીતે ધર્માંતરણ કરશે નહીં અથવા તેનો પ્રયાસ કરશે નહીં અને કોઈપણ વ્યક્તિ આવા કોઈપણ ધર્માંતરણને પ્રોત્સાહન આપશે નહીં.”
આ કાયદામાં એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે કલમ 3નું ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિ 10,000 સુધીનો દંડ અને બે વર્ષ સુધીની જેલની સજાને પાત્ર થશે. આ ઉપરાંત કોઈ વ્યક્તિના એક ધર્મમાંથી બીજા ધર્મમાં રૂપાંતરણ કરવા અંગે ચોક્કસ જિલ્લાના ડેપ્યુટી કમિશ્નરની જોગવાઈ પણ કરે છે. આ કાયદામાં એમ પણ જણાવાયું છે કે સરકાર કાયદાના અમલીકરણ માટે નિયમો બનાવશે.
કાયદાની કલમ 6 જણાવે છે કે, “આ કાયદા હેઠળનો ગુનો સંજ્ઞાનાત્મક રહેશે અને તેની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટરથી નીચેના હોદ્દા પર ન હોય તેવા અધિકારી દ્વારા કરવામાં આવશે.” ઉપરાંત, તે સ્પષ્ટપણે જણાવે છે કે કાયદા હેઠળ કાર્યવાહી કરવા માટે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસની પૂર્વ મંજૂરી અથવા વધારાના સહાયક કમિશનરથી નીચેના હોદ્દા પર ન હોય તેવા અધિકારીની અધિકૃતતા જરૂરી છે.
વિવાદનું કારણ
અરુણાચલ પ્રદેશ ધર્મ સ્વતંત્રતા કાયદો પૂર્વોત્તર રાજ્યના ઈન્ડિજિનસ સમુદાયોને હિંસક મિશનરી જૂથો દ્વારા અનૈતિક અને કપટપૂર્ણ ધાર્મિક પરિવર્તનથી બચાવવા માટે ઘડવામાં આવ્યો હતો. તે સમયે પી.કે. થુંગંગ અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી હતા.
ઉલ્લેખનીય છે કે 1971ની વસ્તી ગણતરીના આંકડા દર્શાવે છે કે રાજ્યમાં ખ્રિસ્તી વસ્તી 0.79% હતી. જે પછીનાં 40 વર્ષોમાં એટલે કે વર્ષ 2011ની વસ્તી ગણતરી અનુસાર અરુણાચલ પ્રદેશની કુલ વસ્તીના 30.26% થઈ ગઈ હતી. 1978માં 46 વર્ષ પહેલાં ધર્માંતરણ વિરોધી કાયદો ઘડવામાં આવ્યો હોવા છતાં ખ્રિસ્તી જૂથોના વિરોધને કારણે તેનો ક્યારેય અમલ થયો નથી.
આ કાયદાનો વિરોધ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે હવે મૂળનિવાસી ધર્મના લોકોનું ધર્માંતરણ કરાવવું એ સજાપાત્ર ગુનો બનશે. આ કાયદાના નિયમો ઘડવાની માંગ કરતી એક જાહેર હિતની અરજી અરુણાચલ પ્રદેશની સરકારે ગુવાહાટી હાઇકોર્ટમાં કરી હતી. જે મામલે વર્ષ 2024માં એક મોટી સફળતા મળી. જસ્ટિસ કાર્દક એટે અને જસ્ટિસ બુદી હબુંગની બેન્ચે રાજ્ય સરકારના એડવોકેટ જનરલ આઈ. ચૌધરીના જવાબ બાદ PIL પર સુનાવણી બંધ કરી દીધી હતી. કારણ કે સરકારે કોર્ટને જણાવ્યું હતું કે સરકારને નિયમો બનાવવા માટે છ મહિનાની જરૂર છે.
ચૌધરીએ કહ્યું કે સરકારને નિયમો બનાવવા માટે 6 મહિનાની જરૂર છે. 30 સપ્ટેમ્બર 2024ના રોજના પોતાના આદેશમાં ગુવાહાટી હાઇકોર્ટે જણાવ્યું હતું કે, “અમે અપેક્ષા રાખીએ છીએ કે સંબંધિત અધિકારીઓ તેમની જવાબદારીઓ પ્રત્યે સભાન રહેશે અને આજથી 6 (છ) મહિનાના સમયગાળામાં ડ્રાફ્ટ નિયમોને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.” કોર્ટ દ્વારા નિર્ધારિત સમયગાળામાં 3 અઠવાડિયાં જ બાકી હોવાથી ખ્રિસ્તી સમૂહોએ કાયદાનો વિરોધ વધુ તીવ્ર બનાવ્યો છે.
અરુણાચલ પ્રદેશના મૂળનિવાસી લોકોનું આ કાયદાને સમર્થન
અરુણાચલ પ્રદેશના ઈન્ડિજિનસ જૂથોએ અરુણાચલ પ્રદેશ ધર્મ સ્વતંત્રતા અધિનિયમ 1978 ને સમર્થન આપ્યું છે. ‘ઈન્ડિજિનસ ફેઈથ એન્ડ કલ્ચરલ સોસાયટી ઓફ અરુણાચલ પ્રદેશ (IFCSAP)’ નામનું એક સંગઠન આદિવાસી જૂથના ધાર્મિક અધિકારો માટે લડી રહ્યું છે. આ કાયદા માટે પોતાનો ટેકો વ્યક્ત કરવા માટે તેઓએ દેખાવો અને રેલી યોજી ચૂક્યા છે.
ઑપઇન્ડિયાએ IFCSAPના સભ્ય અને ગુવાહાટી હાઇકોર્ટમાં PIL દાખલ કરનારા વકીલ ટેમ્બો તામિન સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે “આ કોઈ કઠોર કાયદો નથી. બધા ધાર્મિક જૂથોની સ્વતંત્રતા માટે આપણને તેની જરૂર છે.” IFCSAPએ તેના ફેસબુક પેજ પર ઘણી પોસ્ટ્સ અપલોડ કરી છે, જેમાં ભાર મૂકવામાં આવ્યો છે કે અરુણાચલ પ્રદેશ ધર્મ સ્વતંત્રતા અધિનિયમ 1978નો અમલ તમામ વ્યક્તિઓની સ્વતંત્રતા માટે જરૂરી છે.
સંગઠનના મહાસચિવ માયા મુર્તેમે ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “નિયમો ફક્ત બળજબરીથી ધર્માંતરણ અને પ્રલોભનો સામે હશે. જે લોકો તેનો વિરોધ કરી રહ્યા છે તેઓ બતાવી રહ્યા છે કે તેમના ઈરાદા ખોટા છે. અમને આની જરૂર છે કારણ કે હાલમાં ધર્માંતરણ બિલકુલ રેકોર્ડ કરવામાં આવી રહ્યા નથી અને અમારી પાસે તેનો કોઈ ડેટા નથી… કાયદા મુજબ દરેક ધર્માંતરણની જાણ કરવી જરૂરી રહેશે.”
દરમિયાન, અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ ખાતરી આપી છે કે, “(નિયમો) બૌદ્ધ, હિંદુ, ખ્રિસ્તી કે મુસ્લિમોની વિરુદ્ધ નથી. સરકારને મૂળનિવાસી ધર્મોને વધુ રક્ષણ આપવા માટે નિયમો બનાવવાનું કહેવામાં આવ્યું છે.” સરકાર 44 વર્ષથી નિષ્ક્રિય પડેલા કાયદાને લાગુ કરતા પહેલાં તમામ હિતકારોને સાથે લેવાનું વિચારે છે.