પાડોશી આતંકવાદી દેશ પાકિસ્તાન સાથેના સંબંધોમાં વિવાદનાં આમ તો અનેક કારણો છે અને તેના મૂળમાં પાકિસ્તાનની અવળચંડાઈઓ અને આતંકવાદી ગતિવિધિઓ છે. એક કારણ સર ક્રીક વિસ્તારમાં પાકિસ્તાનની હરકતો પણ ખરું. ગુજરાતન કચ્છના રણમાં આવેલો આ વિસ્તાર દેશની સુરક્ષા, આર્થિક હિતો માટે અત્યંત અગત્યનો છે. દશેરાના દિવસે રક્ષામંત્રી રાજનાથ સિંઘે કચ્છમાં શસ્ત્રપૂજન બાદ સર ક્રીકનો ઉલ્લેખ કરીને પાકિસ્તાનને કડક ચેતવણી આપી.
2 ઓક્ટોબર, 2025 વિજયાદશમીના રોજ ગુજરાતના કચ્છ જિલ્લામાં ભુજમાં મિલિટરી ગેરિસનમાં (સૈન્ય છાવણી) એક ખાસ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રક્ષામંત્રી રાજનાથ સિંઘે ‘શસ્ત્ર પૂજા’ કરી હતી. આ ઉપરાંત, તેમણે ‘મલ્ટી-એજન્સી કેપેબિલિટી એક્સરસાઈઝ’માં (બહુ-એજન્સી ક્ષમતા પરીક્ષણ) પણ ભાગ લીધો, જેમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF), નૌસેના અને અન્ય સુરક્ષાદળોએ પોતાની તૈયારી દર્શાવી હતી. આ કાર્યક્રમમાં સૈનિકો, અધિકારીઓ અને સ્થાનિક લોકોની હાજરી હતી.
આ કાર્યક્રમ દરમિયાન રક્ષામંત્રીએ સૈનિકોને સંબોધતાં ‘સર ક્રીક’ વિવાદ પર પાકિસ્તાનને સ્પષ્ટ ચેતવણી આપી હતી. તેમણે કહ્યું, “સ્વતંત્રતાનાં 78 વર્ષ પછી પણ સર ક્રીકનો વિવાદ ચાલી રહ્યો છે. ભારતે આ મુદ્દાને વાતચીતથી ઉકેલવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ પાકિસ્તાનની નિયતમાં ખામી છે. તે સર ક્રીકની નજીક સૈન્ય બુનિયાદી ઢાંચો (ઈન્ફ્રાસ્ટ્રક્ચર) બનાવી રહ્યું છે, જે ખોટી હરકતોનો સંકેત આપે છે.”
#WATCH | Kachchh, Gujarat: Defence Minister Rajnath Singh says, "Even after 78 years of independence, a dispute over the border in the Sir Creek area is being stirred up. India has made several attempts to resolve it through dialogue, but there is a flaw in Pakistan's intentions;… pic.twitter.com/aCRdorcb9A
— ANI (@ANI) October 2, 2025
વધુમાં તેમણે ચેતવણી આપી, “જો પાકિસ્તાન આ વિસ્તારમાં કોઈ ખોટી હરકત (મિસએડવેન્ચર) કરશે, તો ભારત એવો નિર્ણાયક જવાબ આપશે કે ઇતિહાસ અને ભૂગોળ બંને બદલાઈ જશે. 1965ના યુદ્ધમાં ભારતે લાહોર સુધી પહોંચવાની તાકાત બતાવી હતી. આજે 2025માં પાકિસ્તાને યાદ રાખવું જોઈએ કે કરાચીનો રસ્તો સર ક્રીકમાંથી જ પસાર થાય છે.” તેમણે ‘ઑપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કર્યો, જેમાં ભારતે પાકિસ્તાન સ્થિત આતંકવાદી ઠેકાણાંઓ પર હુમલો કર્યો હતો.
શું છે સર ક્રીક વિસ્તાર?
સર ક્રીક એ ગુજરાતના કચ્છના રણ અને પાકિસ્તાનના સિંધ પ્રાંત વચ્ચેનો 96 કિલોમીટર લાંબો જળસ્ત્રોત (એસ્ટ્યુઆરી) છે, જે અરબ સમુદ્રમાં ભળે છે. આ વિસ્તારને ‘ક્રીક’ કહેવામાં આવે છે. વિસ્તાર ભરતી-ઓટના કારણે પાણી અને દલદલનું મિશ્રણ છે. જ્યારે ભરતી આવે ત્યારે પાણી વધે છે અને ઓટ દરમિયાન માટી અને ખારાશ દેખાય છે.
આ વિસ્તારનું નામ 19મી સદીમાં બ્રિટિશ અધિકારી ‘સર ક્રીક’ના નામ પરથી પડ્યું, જોકે સ્થાનિક રીતે તેને ‘બન ગંગા’ તરીકે ઓળખવામાં આવતો હતો. આ વિસ્તાર ખૂબ જ કઠોર છે– ઉનાળામાં તાપમાન 50 ડિગ્રી સુધી જાય છે, અને શિયાળામાં રાત્રે 0 ડિગ્રી સુધી નીચે આવે છે. દલદલ અને બદલાતા જળમાર્ગોને કારણે અહીં પહોંચવું પણ મુશ્કેલ છે.

આ વિસ્તાર ભૌગોલિક રીતે અનોખો છે. તે ગુજરાતના કચ્છના રણના ઉત્તર-પશ્ચિમ ભાગમાં આવે છે અને પાકિસ્તાનના કરાચી શહેરથી માત્ર 150 કિલોમીટર દૂર છે. આનાથી તે રણનીતિક રીતે અત્યંત મહત્વનો બની જાય છે. આ વિસ્તારમાં ભારત અને પાકિસ્તાન બંનેની નૌસેના અને કોસ્ટ ગાર્ડ હંમેશા હાજર રહે છે, કારણ કે તે બંને દેશોની સીમા અને સમુદ્રી હિતો સાથે જોડાયેલો છે.
વિવાદનો ઇતિહાસ
સર ક્રીકનો વિવાદ બ્રિટિશ શાસનના સમયથી ચાલે છે. 19મી સદીમાં કચ્છના રાજા અને સિંધના શાસકો વચ્ચે આ વિસ્તારની સીમા અંગે વિવાદ હતો. 1914માં તત્કાલીન બૉમ્બે સરકારે એક ઠરાવ (રિઝોલ્યુશન) પસાર કર્યો, જેમાં કહેવાયું કે સીમા ‘ક્રીકના પૂર્વે’ (ઇસ્ટ ઓફ ધ ક્રીક) છે, એટલે કે આખો ક્રીક સિંધનો ભાગ છે. પરંતુ આ જ દસ્તાવેજના ફકરા 10માં ઉલ્લેખ છે કે આ વિસ્તાર ભરતી-ઓટના કારણે તે નેવિગેબલ (જહાજો માટે યોગ્ય) છે, તેથી સીમા મધ્યમાંથી જવી જોઈએ. 1924-25માં બ્રિટિશ સર્વેયરો દ્વારા બનાવેલા નકશામાં પણ સીમા ક્રીકની મધ્યમાંથી દર્શાવાઈ હતી અને ‘સ્ટોન પિલર્સ’ લગાવીને તેને ચિહ્નિત કરવામાં આવી હતી.
1947માં ભારત-પાકિસ્તાન વિભાજન પછી આ વિવાદ વધુ તીવ્ર બન્યો. ભારત કહે કે ‘થલવેગ સિદ્ધાંત’ (Thalweg Principle) અનુસાર સીમા ક્રીકના મુખ્ય નેવિગેબલ (જહાજો માટે યોગ્ય) માર્ગની મધ્યમાંથી દોરવી જોઈએ. (થલવેગ સિદ્ધાંત એ આંતરરાષ્ટ્રીય કાયદામાં વપરાતો એક નિયમ છે, જેનો ઉપયોગ નદીઓ, નહેરો કે જળસ્ત્રોતો દ્વારા બે દેશો વચ્ચેની સીમા નક્કી કરવા માટે થાય છે. આ સિદ્ધાંત મુજબ, સીમા રેખા જળસ્ત્રોતના સૌથી ઊંડા ભાગ અથવા મુખ્ય નેવિગેબલ (જહાજો માટે યોગ્ય) માર્ગની મધ્યમાંથી દોરવામાં આવે છે. ‘થલવેગ’ શબ્દ જર્મન ભાષામાંથી આવ્યો છે, જેનો અર્થ થાય છે ‘ખીણનો માર્ગ’.)

પરંતુ પાકિસ્તાન કહે છે કે ક્રીક નેવિગેબલ નથી, કારણ કે તેની ઊંડાઈ ભરતી-ઓટના કારણે બદલાયા કરે છે, તેથી સીમા ક્રીકના પશ્ચિમ કિનારે (ગ્રીન લાઇન) હોવી જોઈએ.
1968માં આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલે રણનો 90% ભાગ ભારતને આપ્યો, પરંતુ સર ક્રીકનો મુદ્દો અલગ રાખવામાં આવ્યો. ત્યારથી 12 રાઉન્ડની વાતચીત થઈ, પરંતુ કોઈ ઉકેલ નથી મળ્યો. 1972ના શિમલા કરાર અનુસાર, ભારત બંધારણીય વાતચીત ઈચ્છે છે, જ્યારે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મધ્યસ્થીનો આગ્રહ રાખે છે. આ વિરોધને કારણેની EEZ (એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન) સીમા પણ અનિશ્ચિત છે, જે 350 નોટિકલ માઈલ સુધીના સમુદ્રી અધિકારોને અસર કરે છે.
સર ક્રીકનું મહત્વ
સર ક્રીકનું મહત્વ ખૂબ વધારે છે, જે તેને માત્ર સીમા નહીં પરંતુ વૈશ્વિક મંચ પર મહત્વનું બનાવે છે. આ વિસ્તાર માછલી પકડવાનું એશિયાનું સૌથી મોટું કેન્દ્ર છે, જે હજારો માછીમારોની જીવાદોરી છે. આ વિસ્તારની સીમા નક્કી થવાથી બંને દેશોને 350 નોટિકલ માઈલ સુધીનું EEZ મળે છે. આનો અર્થ એ કે કોણ મેળવે તેને તે વિસ્તારમાં તેલ, ગેસ અને માછલી પકડવાના અધિકાર મળે. અંદાજે 9,000 ચોરસ કિલોમીટર વિસ્તારની વાત છે, જેમાં અબજો રૂપિયાનાં સંસાધનો છુપાયેલાં છે.
સર ક્રીક કરાચી પોર્ટથી માત્ર 150 કિમી દૂર છે, જે પાકિસ્તાનનું મુખ્ય વેપારી અને નૌસૈનિક કેન્દ્ર છે. તે ભારતના મુંબઈ અને ગુજરાતના વિવિધ પોર્ટ્સને જોડે છે, તેથી તે સમુદ્રી વેપાર અને નૌસુરક્ષા માટે મહત્વનું છે. 1965ના યુદ્ધમાં અહીં લડાઈ થઈ હતી. આ વિસ્તાર ઘૂસણખોરી અને આતંકવાદ માટે સંવેદનશીલ છે. ભારત અહીં કોસ્ટ ગાર્ડ, નૌસેના અને BSF તૈનાત રાખે છે, જેમાં ‘ક્રીક ક્રોકોડાઈલ કમાન્ડો’ જેવા વિશેષ દળો પણ સામેલ છે.
આ વિસ્તાર રેમ્સર વેટલેન્ડ છે, જ્યાં વિવિધ સ્થળાંતરીય પક્ષીઓ આવે છે. પરંતુ LBOD (લેફ્ટ બેંક આઉટફોલ ડ્રેનેજ) કેનાલથી પાકિસ્તાનનું પ્રદૂષિત પાણી પણ આવે છે, જે ઇન્ડસ વોટર્સ ટ્રીટીનું ઘોર ઉલ્લંઘન છે અને પર્યાવરણને નુકસાન પણ પહોંચાડે છે. આ સિવાય આ વિસ્તાર પાકિસ્તાનના કરાચી પોર્ટથી ફક્ત 150 કિલોમીટર દૂર છે. જો પાકિસ્તાન અહીં મજબૂત થાય તો તે ભારતના મુંબઈ અને ગુજરાતનાં બંદર પર જોખમ ઊભું કરી શકે. બીજી બાજુ, ભારત માટે આ વિસ્તાર સમુદ્રી વેપારના માર્ગોની રક્ષા કરે છે. આ બધા મુદ્દાઓને કારણે સર ક્રીક વૈશ્વિક વેપાર માર્ગો અને ઊર્જા સુરક્ષા સાથે જોડાયેલું છે.
પાકિસ્તાન સર ક્રીકમાં વારંવાર અવળચંડાઈ કરીને વિવાદને જીવંત રાખવાનો પ્રયાસ કરતું રહે છે. તાજેતરમાં તેણે ક્રીકની નજીકના વિસ્તારોમાં સૈન્ય બુનિયાદી ઢાંચા વધાર્યા છે– જેમ કે, બંકર, રડાર સ્ટેશન, SAM (સર્ફેસ-ટુ-એર મિસાઈલ) અને જેટી બનાવવાની કામગીરી. આનો ઉદ્દેશ્ય કબજો મજબૂત કરવાનો અને ભારતીય માછીમારોને ડરાવવાનો છે. સીમા રેખા સ્પષ્ટ ન હોવાના કારણે જ પાકિસ્તાન ઘણી વાર ભારતીય માછીમારોને નાવો સાથે પકડી લે છે.
આ સિવાય પાકિસ્તાન અહીંથી જ ડ્રોનના માધ્યમથી BSFની કામગીરી અને તૈનાતી પર નજર રાખે છે અને સમુદ્રી માર્ગોથી ભારતમાં ઘૂસણખોરી પણ કરે છે. ચીનની મદદથી અમુક પ્રોજેક્ટ્સ પણ અહીં ચાલે છે. જેના સાવચેતીના પગલે ભારતે પણ આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધાર્યું છે. રક્ષામંત્રી રાજનાથ સિંઘે પણ આ જ મામલાઓને ધ્યાનમાં લઈને ચેતવણી આપી છે. પાકિસ્તાનનો દાવો છે કે આ તેનો વિસ્તાર છે, પરંતુ ભારત માને છે કે આ વિવાદિત વિસ્તારમાં આવી પ્રવૃત્તિઓ જોખમી છે.
રાજનાથ સિંઘનું નિવેદન સ્પષ્ટપણે દર્શાવે છે કે ભારત શાંતિથી અને વાતચીતથી ઉકેલ ઈચ્છે છે, પરંતુ જો પાકિસ્તાન તેની આવી જ નાપાક હરકતો ચાલુ રાખશે તો ભારત ચૂપ નહીં રહે. ભારતની કાર્યવાહીનો પરચો પાકિસ્તાનને ઉડી, પુલવામા અને પહલગામ આતંકી હુમલા બાદ કરવામાં આવેલાં ‘સર્જિકલ સ્ટ્રાઈક’, ‘એર સ્ટ્રાઈક’ અને ‘ઑપરેશન સિંદૂર’થી મળી જ ગયો છે.


