Wednesday, April 1, 2026
More
    હોમપેજગુજરાતપોલીસકર્મીઓને 'પટ્ટા ઉતરાવવા'ની ધમકી, તોછડાઈભર્યું વર્તન અને 'આંદોલનજીવી' સ્વભાવ: કેમ વિવાદમાં ફસાયા...

    પોલીસકર્મીઓને ‘પટ્ટા ઉતરાવવા’ની ધમકી, તોછડાઈભર્યું વર્તન અને ‘આંદોલનજીવી’ સ્વભાવ: કેમ વિવાદમાં ફસાયા કોંગ્રેસ નેતા જીજ્ઞેશ મેવાણી?

    મેવાણીની તોછડાઈભરી ભાષા અને ‘આંદોલનજીવી’ ઇમેજને કારણે તેઓ અગાઉ પણ ઘણી વખત વિવાદમાં આવી ગયા હતા. કોઈપણ સ્થળે પહોંચી જઈને તેઓ પોલીસ અધિકારીઓ સાથે મોરેમોરો આવી જતાં હતા અને તોછડાઈભર્યું વર્તન કરવા લાગતાં હતા, પણ આ વખતે પોલીસ કર્મચારીઓનું ધૈર્ય ખૂટી ગયું.

    - Advertisement -

    વડગામના ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા જીજ્ઞેશ મેવાણીએ પોલીસકર્મીઓને ‘પટ્ટા ઉતરાવી દેવાની’ ધમકી આપ્યા બાદ હવે મામલો મેદાને ચડ્યો છે. રાજ્યભરમાં પોલીસ વિભાગના કર્મચારીઓ મેવાણીનો વિરોધ કરી રહ્યા છે. આ ધમકી થરાદમાં ‘જનતા રેડ’ દરમિયાન આપવામાં આવી હતી. પોલીસ વિભાગના કર્મચારીઓ, તેમના પરિવાર, પૂર્વ IPS અધિકારીઓ અને વેપારીઓએ રસ્તા પર ઉતરીને વિરોધ કર્યો છે, જેમાં મેવાણીને જાહેરમાં માફી માંગવાની અને રાજીનામું આપવાની માંગ કરવામાં આવી છે. હાલ આ મામલે સમગ્ર ગુજરાતમાં વિરોધ ચાલી રહ્યો છે.

    વિવાદની શરૂઆત

    22 નવેમ્બર, 2025ના રોજ બનાસકાંઠા જિલ્લાના થરાદમાં જીજ્ઞેશ મેવાણીએ ‘જનતા રેડ’નું આયોજન કર્યું હતું. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની આ વિધાનસભા બેઠકમાં, જિલ્લા પોલીસ અધીક્ષકની હાજરીમાં મેવાણીએ દારૂ અને ડ્રગ્સના વેચાણના આરોપો લગાવ્યા હતા.

    આ દરમિયાન મેવાણી કેટલાક પરિવારોના માણસોને સાથે રાખી પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા, જ્યાં તેમણે પોલીસને યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું. જોકે તેમની ભાષા ખૂબ તોછડી અને ઉદ્ધતાઈ ભરેલી હતી. અહીં અધિકારીઓ સમક્ષ તેમણે પોતે ધારાસભ્ય હોવાનો રોફ જમાવવાનો શરૂ કરી દીધો હતો અને અધિકારીઓને ધમકીઓ પણ આપી હતી.

    - Advertisement -

    બડાઈ મારવાની ટેવ ધરાવતા વડગામ ધારાસભ્યએ રોષમાં પોલીસ કર્મચારીઓને “હું પાછળ પડીશ તો છોતરા કાઢી નાખીશ” અને પોલીસને “પટ્ટા તમારા છે, તમારા ઉતરશે, મારા નહી” એવી ધમકીઓ આપી હતી. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને ત્યારબાદ વિવાદ વધુ ઉગ્ર બન્યો હતો.

    પ્રદર્શન કરી રહેલા લોકોનું કહેવું છે કે આ નિવેદન અનુચિત અને અયોગ્ય હતું, કારણ કે તેમાં જાહેરમાં પોલીસ અધિકારીઓનું અપમાન કરવામાં આવ્યું હતું. મેવાણીની ધમકીનો વિડીયો વાયરલ થયા બાદ 24-25 નવેમ્બરથી ઉત્તર ગુજરાત અને કચ્છમાં વિરોધની લહેર ફરી વળી હતી. પોલીસ વિભાગની મહિલાઓએ પ્રથમ વખત રસ્તા પર આવીને મેવાણીને જવાબ આપ્યો હતો અને ભારે વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ પાટણ, હિમતનગર, પાલનપુર, વાવ-થરાદ, મહેસાણા અને કચ્છ સુધી ફેલાયો, જેમાં હજારો લોકોએ ભાગ લીધો અને મેવાણીનો વિરોધ કર્યો.

    વ્યાપક વિરોધ અને આક્રોશ

    હિમતનગર (સાબરકાંઠા): પોલીસ વિભાગની મહિલાઓએ વિશાળ રેલી કાઢી, જેમાં 500થી વધુ લોકોએ ભાગ લીધો હતો. તેમણે ‘જીજ્ઞેશ મેવાણી હાય હાય’ અને ‘પોલીસનું અપમાન નહીં સહન થાય’ જેવા નારા લગાવ્યા હતા. પ્રદર્શનકારીઓએ મેવાણીના નિવેદનને પોલીસનાં મનોબળને તોડનારું ગણાવ્યું હતું.

    પાટણ: પાટણ શહેર અને જિલ્લામાં પોલીસ વિભાગ અને તેમના સમર્થકોએ સંયુક્ત વિરોધ કર્યો હતો. પાટણ જીલ્લા પોલીસ વિભાગ તેમજ સમર્થકો દ્વારા નિકાળવામાં આવેલી રેલી પાટણ પોલીસ હેડકવાર્ટરથી કલેકટર કચેરી સુધી સૂત્રોચ્ચાર પહોંચી હતી.

    થરાદ અને પાલનપુર: મેવાણીના વિરોધના પગલે થરાદ સજ્જડ બંધ રહ્યું હતું, જ્યાં લોકો રસ્તા પર ઉતર્યા હતા મેવાણી વિરુદ્ધ હાય-હાયના નારા લગાવ્યા હતા. આ સિવાય જાહેરમાં મેવાણી પાસેથી માફીની માંગ કરી હતી. તે સિવાય પાલનપુરમાં ‘ગુજરાત પોલીસ જિંદાબાદ, જીજ્ઞેશ મેવાણી હાય હાય’ના નારા સાથે લોકો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. કલેકટર કચેરીના ગાર્ડનમાં એકત્રિત થયેલા લોકોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

    કચ્છમાં વિરોધ: કચ્છમાં પણ પોલીસ વિભાગની સાથે સ્થાનિક વેપારીઓ જોડાયા હતા અને જીજ્ઞેશ મેવાણી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ દરમિયાન રજૂઆત કરવામાં આવી હતી કે આ પહેલાં પણ મેવાણી પોલીસનું મનોબળ તૂટે તેવી અભદ્ર ભાષામાં અને ધમકીભર્યા લહેકામાં ગેરવર્તણૂક કરી ચૂક્યા છે. આ આવેદનમાં કોરોનાથી લઈને વિવિધ તહેવારોમાં પોલીસ ખડેપગે દેશવાસીઓની સેવા કરતી હોય છે એવી બાબતોનો ઉલ્લેખ કરીને મેવાણી પાસેથી જાહેરમાં માફીની અને રાજીનામાંની માંગ કરવામાં આવી હતી.

    સમગ્ર રાજ્યમાં પોલીસ અધિકારીઓ અને તેમના પરિવારોમાં ધારાસભ્યના નિવેદનને લઈને ભારે નારાજગી પ્રવર્તી રહી છે. આ રેલીઓ દરમિયાન ‘જીજ્ઞેશ મેવાણી રાજીનામું આપે, ગુજરાત પોલીસ ઝિંદાબાદ’ અને ‘પોલીસની નોકરી સંવિધાનથી મળી છે કોઈની ખેરાત નથી’ જેવાં બેનરો પણ લાગ્યાં હતાં.

    તે સિવાય સોશિયલ મીડિયા પર પણ જીજ્ઞેશ મેવાણીનો ભારે વિરોધ થઈ રહ્યો છે. પોલીસ અધિકારીઓ સાથે આવું ઉદ્ધતાઈભર્યું વર્તન કરવા બદલ તેમની ધરપકડની માંગ પણ થઈ રહી છે. પોલીસ પરિવારોએ સ્પષ્ટ કહ્યું છે કે જો જીજ્ઞેશ મેવાણી માફી નહીં માંગે તો પોલીસ વિભાગના કર્મચારીઓ રસ્તા પર ઉતરીને જન આંદોલન કરશે. નોંધનીય છે કે વડગામના પોલીસ કર્મચારીઓએ પણ મેવાણીનો વિરોધ કર્યો હતો. તેમણે ‘જીજ્ઞેશ મેવાણી હાય-હાય’, ‘ગુજરાત પોલીસ ઝિંદાબાદ’ જેવા નારા લગાવ્યા હતા.

    પગ પરથી પાણી ગયા બાદ મેવાણીએ સ્પષ્ટતા કરી

    મેવાણીએ વિવાદ વધ્યા પછી સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કર્યો, કહ્યું કે તેમનો ઉદ્દેશ ભ્રષ્ટાચારીઓને દંડિત કરવાનો હતો. પરંતુ આ સ્પષ્ટતા અપૂરતી છે, કારણ કે વાયરલ વિડીયોમાં તેમનું નિવેદન સીધી ધમકી તરીકે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તેમણે જાહેર માફી માંગી નથી, જે તેમની ભૂલને વધુ ગંભીર બનાવે છે.

    વિરોધ કરનારા ઘણા લોકો અને સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે મેવાણી જેવા નેતા પોલીસને જાહેરમાં ધમકાવે તો અધિકારીઓનું મનોબળ તૂટે છે, જેના કારણે તેના કામ પર તેની અસર થાય છે. થરાદ જેવા વિસ્તારોમાં દારૂ-ડ્રગ્સના હશે, પરંતુ તેમને ઉકેલવા માટે પોલીસને સમર્થન અને સહકાર આપવા જોઈએ, નહીં કે અપમાન કરવું જોઈએ.

    જીજ્ઞેશ મેવાણીએ થરાદમાં જે શબ્દો કહ્યા એ રાજકારણની દૃષ્ટિએ પણ મોટી ભૂલ છે. એક તરફ તેઓ દારૂ-ડ્રગ્સનો મુદ્દો ઉઠાવીને લોકોનું ધ્યાન ખેંચવા માગતા હતા, પણ બીજી તરફ ‘પટ્ટા ઉતારી દેવાની’ ધમકીભરી ભાષા વાપરીને પોતે જ પોતાના પગ પર કુહાડો મારી લીધો છે.

    ગુજરાતમાં પોલીસની ઇમેજ સારી છે, ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છમાં. અહીંના લોકો પોલીસને સન્માન આપે છે. જ્યારે પોલીસ વિભાગની મહિલાઓ પહેલી વાર રસ્તા પર ઉતરીને રેલી કાઢે, દુકાનો બંધ થાય અને પૂર્વ IPS અધિકારીઓ પણ ખુલ્લેઆમ વિરોધ કરે, ત્યારે એ સ્પષ્ટ થઈ જાય છે કે આ વખતે મેવાણીએ ભાષાનો સંયમ ખોઈ દીધો હતો.

    આ વિવાદનું સૌથી મોટું નુકસાન એ છે કે મેવાણીએ પોલીસને ટાર્ગેટ કરીને ખરેખર અપરાધીઓને મજબૂતી આપી છે. જે બુટલેગર્સ અને ડ્રગ માફિયા સામે લડવાનો તેઓ ઢોંગ કરે છે, એ જ લોકોને હવે તેમના આવા વર્તનથી વધુ પ્રોત્સાહન મળશે.

    અહીં એ ઉલ્લેખ પણ આવશ્યક છે આ વિરોધ કંઈ એક ધમકીનું પરિણામ નથી. મેવાણીની તોછડાઈભરી ભાષા અને ‘આંદોલનજીવી’ ઇમેજને કારણે તેઓ અગાઉ પણ ઘણી વખત વિવાદમાં આવી ગયા હતા. કોઈપણ સ્થળે પહોંચી જઈને તેઓ પોલીસ અધિકારીઓ સાથે મોરેમોરો આવી જતાં હતા અને તોછડાઈભર્યું વર્તન કરવા લાગતાં હતા, પણ આ વખતે પોલીસ કર્મચારીઓનું ધૈર્ય ખૂટી ગયું, કારણ કે ધમકી ‘પટ્ટા ઉતારી દેવાની’ આપવામાં આવી હતી.

    વાસ્તવમાં આ ઘટના માત્ર એક ધમકી નથી, એ ગુજરાતમાં રાજકીય ભાષાની મર્યાદા અને પોલીસની પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે અને હાલ તો એવું લાગે છે કે જીજ્ઞેશ મેવાણી પોતાની જ ખોદેલી ખાઈમાં પોતે પડી ગયા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં