Tuesday, March 31, 2026
More
    હોમપેજરાજકારણશું છે IRCTC કૌભાંડ જેમાં લાલુ યાદવ અને પરિવાર વિરુદ્ધ કોર્ટે ઘડ્યા...

    શું છે IRCTC કૌભાંડ જેમાં લાલુ યાદવ અને પરિવાર વિરુદ્ધ કોર્ટે ઘડ્યા આરોપ: રેલ મંત્રી રહેતાં ગેરરીતિ આચરવામાં આવી, હવે ચાલશે કેસ

    કોર્ટે આરોપો ઘડ્યા બાદ હવે ટ્રાયલ પણ શરૂ થશે. જેમાં CBI પોતાના પુરાવા અને સાક્ષીઓ રજૂ કરશે. લાલુ પરિવારે કોર્ટમાં પોતાની નિર્દોષતા સાબિત કરવી પડશે, જે તેમના માટે એક પડકાર છે. આ કેસની સુનાવણી દરમિયાન દસ્તાવેજો, જમીનના રેકોર્ડ અને IRCTCના ભૂતપૂર્વ અધિકારીઓની જુબાની મહત્વની રહેશે.

    - Advertisement -

    દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે 13 ઑક્ટોબર, 2025ના રોજ રાષ્ટ્રીય જનતા દળના (RJD) નેતા લાલુ પ્રસાદ યાદવ, તેમનાં પત્ની અને બિહારનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી તથા તેમના પુત્ર અને વિપક્ષના નેતા તેજસ્વી યાદવ સહિતના આરોપીઓ વિરુદ્ધ IRCTC (ઇન્ડિયન રેલવે કેરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન) હોટેલ કોન્ટ્રાક્ટ કૌભાંડ કેસમાં આરોપો ઘડવાનો આદેશ આપ્યો છે. આ કેસ લાલુ યાદવના રેલવે મંત્રી તરીકેના કાર્યકાળ સાથે જોડાયેલો છે. 

    આ કેસમાં રેલવેની હોટેલોના કોન્ટ્રાક્ટના બદલામાં બેનામી જમીનના ગંભીર વ્યવહારોનો આરોપ છે. બિહાર વિધાનસભાની ચૂંટણીઓ નજીક હોવાથી આ કેસને લઈને રાજકારણ ગરમાયું છે. પરંતુ, ઘણા અહેવાલોમાં આ કેસને ‘લેન્ડ ફોર જોબ’ સ્કેમ સાથે સરખાવીને રજૂ કરવામાં આવી રહ્યો છે. જોકે, આ બંને કેસ અલગ-અલગ છે.

    શું છે કૌભાંડ?

    કેસની શરૂઆત 2004થી 2009ના સમયગાળામાં થઈ હતી. તે સમયે લાલુ યાદવ કોંગ્રેસના નેતૃત્વ હેઠળની UPA સરકારમાં રેલવે મંત્રી હતા. દરમિયાન IRCTCએ રેલવેની બે જૂની હોટેલો- રાંચીની (હાલ ઝારખંડમાં) BNR હોટેલ અને પુરીની (ઓડિશા) BNR હોટેલને આધુનિક બનાવવા, જાળવણી કરવા અને સંચાલન કરવા માટે ખાનગી કંપનીઓને કોન્ટ્રાક્ટ આપવાની પ્રક્રિયા શરૂ કરી હતી. આ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં હતાં, પરંતુ CBIનું કહેવું છે કે આ પ્રક્રિયામાં મોટાપાયે ગેરરીતિ આચરવામાં આવી હતી. 

    - Advertisement -

    CBIના આરોપ અનુસાર, લાલુએ પોતાના પદનો દુરુપયોગ કરીને ટેન્ડરની શરતોને નેવે મૂકીને તેમાં મોટાપાયે ફેરફારો કર્યા હતા, જેથી વિજય કોચર અને વિનય કોચર દ્વારા સંચાલિત રાબડી દેવીની માલિકીની ‘સુજાતા હોટેલ્સ’ કંપનીને આ કોન્ટ્રાક્ટ સરળતાથી મળી ગયો હતો. બદલામાં કોચર બંધુઓએ પટનામાં 3.58 એકરની કિંમતી જમીન લાલુ પરિવારને આપી હોવાનો આરોપ છે, જેની કિંમત બજારભાવ કરતાં ઘણી ઓછી (લગભગ 1.5 કરોડ રૂપિયા) નોંધવામાં આવી હતી. 

    આ જમીન ‘ડિલાઇટ માર્કેટિંગ’ નામની એક બેનામી કંપનીએ ખરીદી હતી અને 2010થી 2014 દરમિયાન રાબડી દેવી અને તેજસ્વી યાદવના નામે ટ્રાન્સફર થઈ હતી. એજન્સીનો દાવો છે કે આ ગેરરીતિનો વ્યવહાર હતો. એજન્સીએ એવું પણ કહ્યું છે કે રેલવેના કોન્ટ્રાક્ટના બદલામાં જમીન લેવામાં આવી હતી અને સીધો લાભ કંપનીને આપવામાં આવ્યો હતો. 

    એજન્સી ઘણાં વર્ષોથી આ મામલે તપાસ કરી રહી હતી, પણ 2017માં ગુનો દાખલ કરવામાં આવ્યો ત્યારે કેસ પ્રકાશમાં આવ્યો. એક વર્ષ બાદ 2018માં ચાર્જશીટ પણ દાખલ કરી દેવામાં આવી હતી. ચાર્જશીટમાં લાલુ યાદવ, રાબડી દેવી, તેજસ્વી ઉપરાંત IRCTCના ભૂતપૂર્વ અધિકારીઓ પીકે ગોયલ, વીકે અસ્થાના, આરકે ગોયલ અને કોચર બંધુઓને જેવા 14 લોકોને આરોપી બનાવાયા હતા. 

    આરોપો અને સંડોવાયેલી વ્યક્તિઓ

    એજન્સીના આરોપોમાં ભ્રષ્ટાચાર, ટેન્ડરમાં ગેરરીતિ અને બેનામી જમીનના વ્યવહારોનો સમાવેશ થાય છે. લાલુ પર આરોપ છે કે તેમણે રેલવે મંત્રાલય પર દબાણ કરીને ટેન્ડરની પ્રક્રિયા બદલી હતી અને સુજાતા હોટેલ્સને ફાયદો પહોંચાડ્યો હતો. તેના બદલામાં કોચર બંધુઓએ પટનામાં લાલુ પરિવારને જમીન આપી હતી, જેની કિંમત આજે કરોડોમાં ગઈ છે. રાબડી અને તેજસ્વી પર આ જમીનના બેનામી ટ્રાન્સફરમાં સામેલ હોવાનો આરોપ છે. આ ઉપરાંત કેટલાક અધિકારીઓએ પણ આ પ્રક્રિયામાં સહયોગ આપ્યો હોવાનું કહેવાયું છે. 

    આરોપીઓમાં લાલુ પરિવાર, સુજાતા હોટેલ્સના ડિરેક્ટર્સ વિજય અને વિનય કોચર, IRCTCના ભૂતપૂર્વ GGM વીકે અસ્થાના, આરકે ગોયલ અને ડિલાઇટ માર્કેટિંગ (જે હવે લારા પ્રોજેક્ટ તરીકે ઓળખાય છે) સાથે જોડાયેલી વ્યક્તિઓનો સમાવેશ થાય છે. લાલુ પરિવારના વકીલનો દાવો છે કે આ આરોપો રાજકીય બદલાની ભાવનાથી પ્રેરિત છે અને તેમની પાસે પુરાવાનો અભાવ છે. જોકે, કોર્ટે પ્રાથમિક પુરાવાના આધારે ટ્રાયલ આગળ વધારવાનો નિર્ણય લીધો છે. 

    શું કહ્યું કોર્ટે? 

    13 ઑક્ટોબરની સુનાવણીમાં લાલુ, રાબડી અને તેજસ્વી દિલ્હીની કોર્ટમાં હાજર રહ્યાં હતાં. સ્પેશિયલ જજ વિશાલ ગોગને જણાવ્યું છે કે ટેન્ડર પ્રક્રિયામાં ગેરરીતિ અને ષડ્યંત્રના પુરાવા મળ્યા છે અને તે પૂરતા છે. પુરાવા દ્વારા જાણવા મળ્યું છે કે આ ગેરરીતિથી જાહેર નાણાંનું નુકસાન થયું છે અને લાલુ પરિવારને સીધો લાભ મળ્યો છે. કોર્ટે 14 આરોપીઓ વિરુદ્ધ આરોપો ઘડ્યા છે અને ટ્રાયલ આગળ ચલાવવા માટેનો આદેશ આપ્યો છે. લાલુએ કોર્ટમાં કહ્યું હતું કે, “અમે નિર્દોષ છીએ અને આગળની કાયદાકીય લડાઈ લડીશું.” રાબડીએ પણ આ કેસને ‘ખોટો’ ગણાવ્યો હતો. 

    પરંતુ, લાલુ યાદવ અને અન્ય આરોપીઓએ આ કેસ અંગે કોઈ નક્કર પુરાવા રજૂ કર્યા નહોતા. બીજી તરફ CBIએ જરૂરી દસ્તાવેજો, જમીનના રેકોર્ડ્સ અને સાક્ષીઓનાં નિવેદનો રજૂ કર્યા હતા, જેના આધારે કોર્ટે આગળ વધવાનું નક્કી કર્યું છે. આ કેસની તપાસ 2017માં શરૂ થઈ હતી અને લગભગ સાત વર્ષની કાર્યવાહી બાદ હવે ટ્રાયલના તબક્કે પહોંચી છે. 

    કઈ કલમો હેઠળ ચાલશે ટ્રાયલ? 

    કોર્ટે લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી, તેજસ્વી યાદવ અને અન્ય આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતા (IPC) અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ (PC Act) હેઠળ ગંભીર આરોપો ઘડ્યા છે. આ આરોપો ગુનાહિત ષડ્યંત્ર, છેતરપિંડી, જાહેર સેવક તરીકે પદનો દુરુપયોગ અને બેનામી સંપત્તિના વ્યવહારો જેવા આરોપો સાથે જોડાયેલા છે.

    લાલુ યાદવ સામે IPCની કલમ 120B હેઠળ ગુનાહિત ષડ્યંત્ર અને કલમ 420 હેઠળ છેતરપિંડી તેમજ મિલકત ઝડપી પાડવાના આરોપો નોંધાયા છે. આ ઉપરાંત PC Actની કલમ 13(2) સાથે 13(1)(D) હેઠળ તેમના પર જાહેર સેવક તરીકે પદનો દુરુપયોગ કરીને ગેરકાયદે લાભ મેળવવાનો આરોપ છે. રાબડી દેવી અને તેજસ્વી યાદવ સામે પણ IPCની કલમ 120B અને 420 હેઠળ ગુનાહિત ષડ્યંત્ર અને છેતરપિંડીના આરોપો લાગ્યા છે. આ ઉપરાંત, PC Actની કલમ 13(2) સાથે 13(1)(E) હેઠળ તેમના પર અપ્રમાણસર સંપત્તિ એકઠી કરવાનો આરોપ છે.

    વધુમાં, બેનામી પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શન એક્ટ, 1988 હેઠળ બેનામી જમીનના વ્યવહારો સાથે સંબંધિત આરોપો પણ નોંધાયા છે. કોચર બંધુઓ અને IRCTCના અધિકારીઓ સહિતના અન્ય આરોપીઓ સામે પણ IPCની કલમ 120B અને 420 હેઠળ ષડ્યંત્ર અને છેતરપિંડીના આરોપો ઉપરાંત PC એક્ટની વિવિધ કલમો હેઠળ ભ્રષ્ટાચાર અને ગેરકાયદે લાભ આપવા કે લેવાના આરોપો નોંધાયા છે.

    કોર્ટે આરોપો ઘડ્યા બાદ હવે ટ્રાયલ પણ શરૂ થશે. જેમાં CBI પોતાના પુરાવા અને સાક્ષીઓ રજૂ કરશે. લાલુ પરિવારે કોર્ટમાં પોતાની નિર્દોષતા સાબિત કરવી પડશે, જે તેમના માટે એક પડકાર છે. આ કેસની સુનાવણી દરમિયાન દસ્તાવેજો, જમીનના રેકોર્ડ અને IRCTCના ભૂતપૂર્વ અધિકારીઓની જુબાની મહત્વની રહેશે. રાજકીય દૃષ્ટિએ આ કેસ બિહારના ચૂંટણી માહોલમાં RJDની છબીને અસર કરી શકે છે, કારણ કે તેજસ્વી યાદવ પણ કેસમાં સંડોવાયેલા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં