Saturday, April 4, 2026
More
    હોમપેજગુજરાતશક્તિપથ, એમ્ફીથિયેટર અને વિશ્વકક્ષાની સુવિધાઓ: અંબાજીમાં વિકસિત થનારો 'શક્તિ કોરિડોર પ્રોજેક્ટ' શું...

    શક્તિપથ, એમ્ફીથિયેટર અને વિશ્વકક્ષાની સુવિધાઓ: અંબાજીમાં વિકસિત થનારો ‘શક્તિ કોરિડોર પ્રોજેક્ટ’ શું છે અને કઈ રીતે થશે તીર્થધામની કાયાપલટ

    આ પ્રોજેક્ટથી અંબાજી ગુજરાતનું નંબર વન યાત્રાધામ અને વિશ્વ સ્તરનું ટુરિઝમ હબ બનશે. રિલિજિયસ ટુરિઝમમાં વધારો થશે, જેથી દેશ-વિદેશમાંથી વધુ પ્રવાસીઓ આવશે.

    - Advertisement -

    ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું આદ્યશક્તિ ધામ અંબાજી ભારતનાં 51 શક્તિપીઠોમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આ પવિત્ર તીર્થસ્થાને દર વર્ષે લાખો ભક્તો માતાજી અંબાના દર્શન માટે આવે છે, ખાસ કરીને ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી ગુજરાત સરકાર આ ધામને વિશ્વકક્ષાનું આધુનિક અને આદર્શ યાત્રાધામ બનાવવા માટે મહત્વાકાંક્ષી શક્તિ કોરિડોર (અંબાજી-ગબ્બર કોરિડોર) પ્રોજેક્ટ હાથ ધરી રહી છે. CM ભૂપેન્દ્ર પટેલે તેનું ખાતમુહૂર્ત કર્યું છે.

    આ પ્રોજેક્ટનો કુલ અંદાજિત ખર્ચ ₹1,632 કરોડ છે, જેમાંથી પ્રથમ તબક્કાના વિકાસ કામો માટે ₹950 કરોડનું રોકાણ કરવામાં આવશે. આ વિઝનરી માસ્ટર પ્લાન આગામી 25 વર્ષની યાત્રિકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. પ્રોજેક્ટ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સહયોગથી અમલમાં મૂકવામાં આવી રહ્યો છે.

    અંબાજી શક્તિ કોરિડોર પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનો શિલાન્યાસ

    અંબાજી શક્તિ કોરિડોર પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનો શિલાન્યાસ 7 ફેબ્રુઆરી, 2026ના રોજ એક ઐતિહાસિક સમારોહમાં કરાયો હાતો. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદ્યશક્તિ ધામ અંબાજી ખાતે પહોંચીને પહેલાં માતાજી અંબાના દર્શન કર્યા અને રાજ્યના શાંતિ, સમૃદ્ધિ તથા કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. ત્યારબાદ તેમણે ₹950 કરોડના વિવિધ વિકાસ કામોનું વિધિવત ખાતમુહૂર્ત કર્યું હતું. આ સમારોહ અંબાજીનાં મુખ્ય મંદિર પરિસરમાં યોજાયો હતો, જ્યાં ભક્તો, સ્થાનિક લોકો, અધિકારીઓ અને રાજકીય પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા.

    - Advertisement -

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અંબાજી નજીક આવેલા ચીખલા હેલીપેડ ખાતે હેલિકોપ્ટર દ્વારા ઉતર્યા હતા અને ત્યાંથી સીધા મંદિર પરિસરમાં પહોંચ્યા હતા. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે આ પ્રોજેક્ટ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી અમલમાં આવી રહ્યો છે, જેમાં ‘વિકાસ ભી વિરાસત ભી’નો મંત્ર અપનાવવામાં આવ્યો છે. તેમણે ઉલ્લેખ કર્યો કે આગામી 25 વર્ષની યાત્રિકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલ આ વિઝનરી માસ્ટર પ્લાન અંબાજીને વિશ્વ કક્ષાનું યાત્રાધામ બનાવશે.

    પ્રથમ તબક્કામાં પૂર્ણ થનારા કાર્યો

    પ્રથમ તબક્કાના ₹950 કરોડના આ કામો કુલ ₹1,632 કરોડના મેગા પ્રોજેક્ટનો ભાગ છે, જે બે તબક્કામાં અમલમાં મૂકાશે. આ તબક્કામાં મુખ્ય ધ્યાન યાત્રિકોની સુવિધા, સુરક્ષા અને આધ્યાત્મિક અનુભવને વધારવા પર છે. આ દરમિયાન મલ્ટી-લેવલ પાર્કિંગનું નિર્માણ કરવામાં આવશે જેથી વાહનોની અવરજવર અને ભીડને સંપૂર્ણપણે નિયંત્રિત કરી શકાય.

    આ ઉપરાંત અંડરપાસ રોડ અને પાથવેનું નિર્માણ કરવામાં આવશે, જે ભક્તોને સુરક્ષિત અને સરળ રીતે રસ્તો ક્રોસ કરવાની સુવિધા આપશે. પ્રોજેક્ટ અંતર્ગત આધુનિક યાત્રી નિવાસનું નિર્માણ કરવામાં આવશે જેમાં આરામદાયક રહેઠાણ, સ્વચ્છતા અને અન્ય મૂળભૂત સુવિધાઓનો સમાવેશ થશે. દિવ્ય દર્શન ચોકનું નિર્માણ કરવામાં આવશે, જ્યાં ભક્તોને ખાસ દર્શન અને આધ્યાત્મિક વાતાવરણ મળશે.

    શક્તિપથનું મુખ્ય નિર્માણ, જે મુખ્ય મંદિરથી ગબ્બર પર્વત અને માનસરોવરને જોડતો ભવ્ય લગભગ 2.5 કિમી લાંબો પાથવે બનશે. પ્રોજેક્ટ અંતર્ગત એમ્ફીથિયેટરનું નિર્માણ કરવામાં આવશે, જ્યાં સાંસ્કૃતિક કાર્યક્રમો, ગરબા, મેળા અને અન્ય ઇવેન્ટ્સ યોજી શકાશે. આ ઉપરાંત લાઇટ એન્ડ સાઉન્ડ શોનું અપગ્રેડેશન અને વિસ્તરણ કરવામાં આવશે જે ગબ્બર પર્વત પર દેશનો સૌથી મોટો શો બનશે અને પૌરાણિક કથાઓ તથા માતાજીની મહિમાને દર્શાવશે.

    આ સિવાય ઇવેન્ટ પ્લાઝા, કલ્ચરલ વિલેજ અને ચાચર ચોકનું ત્રણ ગણું વિસ્તરણ કરવામાં આવશે જેથી મેળાઓ અને પરિક્રમા માટે વધુ જગ્યા મળે. આધ્યાત્મિક ગેલેરીઓ, પૌરાણિક ભીંતચિત્રો અને ગબ્બર પર્વત માટે કેબલ કાર એટલે કે રોપવેનું અપગ્રેડેશન કરવામાં આવશે.

    આ સમારોહમાં રાજ્યમંત્રીઓ પ્રવીણભાઈ માળી, ડૉ. જયરામભાઈ ગામીત, કમલેશભાઈ પટેલ, સ્વરૂપજી ઠાકોર સહિત બનાસકાંઠા જિલ્લાના ધારાસભ્યો, પદાધિકારીઓ, પ્રવાસન સચિવ કુલદીપ આર્યા, જિલ્લા કલેક્ટર મિહિર પટેલ અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમારોહ દરમિયાન 16 ફૂટ ઊંચા અખંડ શક્તિ ત્રિશૂળનું અનાવરણ પણ કરવામાં આવ્યું, જે હિમાલયની 1500 વર્ષ જૂની પૌરાણિક ઉર્જાનું પ્રતીક છે.

    ‘પીએમ મોદીના નેતૃત્વમાં પાર પડ્યા ઐતિહાસિક ધર્મકાર્ય’

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના સંબોધન દરમિયાન જણાવ્યું કે, આદ્યશક્તિના પરમ ઉપાસક વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં આદ્યશક્તિપીઠ અંબાજીનું હોલિસ્ટિક અને ફ્યુચરિસ્ટિક ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આદ્યશક્તિની આરાધના અને સોમનાથ સ્વાભિમાન પર્વથી લઈને દેશના યાત્રાધામોના નવિનીકરણના કામો ‘વિકાસ ભી વિરાસત ભી’ના મંત્ર સાથે હાથ ધર્યા છે.

    તેમણે અન્ય વિકાસ કાર્યોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, કાશી વિશ્વનાથ કોરિડોર, મહાકાલ લોક, કેદારનાથ અને વૈજનાથ ધામ જેવા પવિત્ર સ્થળોના વિકાસને નવી ઓળખ મળી છે. રામ મંદિરનો ઉલ્લેખ કરતા CMએ કહ્યું કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ અને પાવાગઢમાં પાંચસો વર્ષ બાદ ધ્વજારોહણ જેવી ઐતિહાસિક ઘટનાઓ પણ તેમના નેતૃત્વમાં પાર પડી છે.

    મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, 51 શક્તિપીઠોમાં પ્રથમ સ્થાન ધરાવતા અંબાજી ધામના વિકાસ માટેનું વડા પ્રધાનનું વિઝન સાકાર થઈ રહ્યું છે. દર વર્ષે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું સફળ આયોજન કરવામાં આવે છે, તેમાં લાખો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનનો લાભ લે છે. તાજેતરમાં યોજાયેલા પરિક્રમા મહોત્સવમાં પાંચ લાખથી વધુ ભક્તોએ ભાગ લીધો હતો તેનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.

    તેમણે પીએમ મોદીના વિઝન અંગે કહ્યું કે યાત્રાધામોના વિકાસને પ્રવાસન સાથે જોડતા વડા પ્રધાનના અભિગમને અનુસરીને અંબાજીમાં ગબ્બર ખાતે દેશનો સૌથી મોટો લાઈટ એન્ડ સાઉન્ડ શો શરૂ કરવામાં આવ્યો છે, તેમજ પરિક્રમા પથ અને સાંસ્કૃતિક વિલેજ જેવા પ્રકલ્પોથી યાત્રિકોને નવી સુવિધાઓ મળી રહી છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું. તેમણે કહ્યું કે PM મોદીના નેતૃત્વમાં અંબાજી-તારંગા રેલ પ્રોજેક્ટથી આ વિસ્તારની કનેક્ટિવિટી મજબૂત બનશે. તેના પરિણામે યાત્રાળુઓની સુવિધા વધશે અને સ્થાનિક આર્થિક વિકાસને ગતિ મળશે.

    અંબાજી શક્તિ કોરિડોર પ્રોજેક્ટનું મહત્વ

    અંબાજી શક્તિ કોરિડોર પ્રોજેક્ટ અંબાજીને વિશ્વ કક્ષાનું યાત્રાધામ બનાવવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટથી ભક્તો, સ્થાનિક લોકો, અર્થતંત્ર અને પ્રવાસનને અનેક મોટા લાભ થશે.

    ભક્તો અને યાત્રાળુઓ માટે મુખ્ય લાભ

    આ પ્રોજેક્ટનો સૌથી મોટો લાભ ભક્તોને મળશે, કારણ કે તેમની સુવિધા અને આધ્યાત્મિક અનુભવને પ્રાથમિકતા આપવામાં આવી છે. પ્રથમ તબક્કામાં મલ્ટી-લેવલ પાર્કિંગ, અંડરપાસ રોડ, પાથવે, આધુનિક યાત્રી નિવાસ, દિવ્ય દર્શન ચોક અને એમ્ફીથિયેટર જેવી સુવિધાઓ બનશે, જેથી વાહનોની ભીડ, અસુવિધા અને સુરક્ષાના મુદ્દાઓ ઘટશે. શક્તિ કોરિડોર (મુખ્ય મંદિરથી ગબ્બર પર્વત અને માનસરોવર સુધીનો ભવ્ય પાથવે) ભક્તોને વધુ સરળ અને આધ્યાત્મિક રીતે સમૃદ્ધ અનુભવ આપશે.

    ગબ્બર પર્વત પર દેશનો સૌથી મોટો લાઇટ એન્ડ સાઉન્ડ શો, આધ્યાત્મિક ગેલેરીઓ, પૌરાણિક ભીંતચિત્રો અને કલ્ચરલ વિલેજ જેવી સુવિધાઓથી ભક્તોનો આધ્યાત્મિક અનુભવ વિશેષ અને ભાવનાત્મક બનશે. ભાદરવી પૂનમ મેળા જેવા મોટા મેળાઓમાં લાખો ભક્તો આવે છે, તેમને વધુ સુરક્ષિત, આરામદાયક અને સમયની બચતવાળી વ્યવસ્થા મળશે.

    સ્થાનિકો અને બનાસકાંઠા જિલ્લા માટે આર્થિક લાભ

    પ્રોજેક્ટના નિર્માણ અને પછીના તબક્કાઓમાં હજારો રોજગારીની તકો ઉભી થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીઓએ સ્પષ્ટ જણાવ્યું છે કે આ વિકાસ કાર્યોથી સ્થાનિક સ્તરે નવી રોજગારીની વિપુલ તકો સર્જાશે. વધુ ભક્તો આવવાથી હોટેલ, ધર્મશાળા, રેસ્ટોરન્ટ, દુકાનો, હસ્તકલા, પ્રસાદ અને લોકલ ઉત્પાદનોનો વેપાર વધશે.

    જેનાથી સ્થાનિક વેપારીઓ, યુવાનો અને આખા ઉત્તર ગુજરાતના આર્થિક વિકાસને નવી ગતિ મળશે. અંબાજી-તારંગા રેલ પ્રોજેક્ટ સાથે જોડાવાથી કનેક્ટિવિટી મજબૂત બનશે, જેથી દૂરથી આવતા ભક્તો વધુ સરળતાથી આવી શકશે અને સ્થાનિક અર્થતંત્રને વધુ વેગ મળશે.

    પ્રવાસન અને સાંસ્કૃતિક વારસાને લાભ

    આ પ્રોજેક્ટથી અંબાજી ગુજરાતનું નંબર વન યાત્રાધામ અને વિશ્વ સ્તરનું ટુરિઝમ હબ બનશે. રિલિજિયસ ટુરિઝમમાં વધારો થશે, જેથી દેશ-વિદેશમાંથી વધુ પ્રવાસીઓ આવશે. ઇવેન્ટ પ્લાઝા, એમ્ફીથિયેટર અને ગરબા-મેળાઓ માટે વિસ્તરિત જગ્યાઓથી ગુજરાતી સંસ્કૃતિ, પરંપરાઓ અને લોકકલાને પ્રોત્સાહન મળશે. આ પ્રોજેક્ટ કાશી વિશ્વનાથ કોરિડોર અને મહાકાલ લોક જેવા મોડેલ પર આધારિત છે, જેમાં વિકાસ અને વારસાનો સમન્વય છે, તેથી આધ્યાત્મિક વારસાને જાળવી રાખીને આધુનિક સુવિધાઓ આપવામાં આવશે.

    લાંબાગાળાના અને વ્યાપક લાભ

    આ પ્રોજેક્ટ આગામી દાયકાઓમાં વધતી ભક્તોની સંખ્યાને સમાવીને ભવિષ્યલક્ષી વિકાસ કરશે. આ સિવાય આ પ્રોજેક્ટમાં સ્વચ્છતા, પર્યાવરણ અને ટકાઉ વિકાસ પર ધ્યાન આપવામાં આવ્યું છે, જેથી ઇકો-સ્પિરિચ્યુઅલ અનુભવ વધશે. આ યોજના અંબાજીને એક મોડેલ તીર્થસ્થાન બનાવશે, જ્યાં ભક્તિ, સંસ્કૃતિ અને આધુનિક વિકાસનો અનોખો સમન્વય જોવા મળશે. મુખ્યમંત્રી અને સરકારી અધિકારીઓએ વારંવાર ઉલ્લેખ કર્યો છે કે આ વિકાસ ભક્તોની સુવિધા સાથે સ્થાનિક આર્થિક વૃદ્ધિ અને રોજગારીને પણ મજબૂત બનાવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં