રાજસ્થાનમાં (Rajasthan) હિંદુ યુવતીઓને ટાર્ગેટ કરવાના મામલા સામે આવી રહ્યા છે. જેની પેર્ટન ગ્રૂમિંગ ગેંગ જેવી છે. આ પહેલાં પણ બ્યાવર, ટોંક, અજમેર સહિતના સ્થાનો પર આવા મામલા સામે આવી ચૂક્યા છે. ગત મહિને બ્યાવરમાંથી સામે આવેલ રેપ-બ્લેકમેલ કાંડે (Beawar Rape-Blackmail Scandal) સૌને ઝકઝોળી મૂક્યા હતા. હવે રાજસ્થાનના ભીલવાડામાં (Bhilwara) પણ આવો જ એક મામલો સામે આવ્યો છે. આ મામલામાં પણ ‘મુસ્લિમ ગેંગ’ કાર્યરત હતી જે હિંદુ યુવતીઓને ફસાવીને તેમનું શારીરિક-માનસિક શોષણ કરવાના પ્રયાસમાં હતી. આ મામલે એક પીડિતાએ ફરિયાદ નોંધાવ્યા બાદ સમગ્ર મામલો સામે આવ્યો છે. પીડિતાએ જણાવ્યું હતું કે તેના પર સામૂહિક બળાત્કાર (Gang Rape and Blackmailing) ગુજારી તેના વિડીયો ઉતારી, તેના આધારે જ તેને બ્લેકમેલ કરવામાં આવતી હતી.
અહેવાલ અનુસાર 2 માર્ચની રાત્રિએ યુવતીએ ભીલવાડામાં આવેલ કોટવાલી પોલીસ સ્ટેશનમાં સામૂહિક બળાત્કાર અને બ્લેકમેલની ફરિયાદ નોંધાવી હતી. પીડિતાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર તેની સાથે લગભગ 1 વર્ષથી સામૂહિક બળાત્કાર થઈ રહ્યો હતો. આ સમગ્ર મામલે એક અન્ય મુસ્લિમ યુવતી પણ સામેલ હોવાનું કહેવાઈ રહ્યું છે. આ યુવતીએ જ પીડિતાનો સંપર્ક આરોપીઓ સાથે કરાવ્યો હતો. હાલમાં તે યુવતી ફરાર છે જેને પોલીસ મધ્ય પ્રદેશ સહિતના રાજ્યોમાં શોધી રહી છે.
મુસ્લિમ બહેનપણીએ જ કરાવી હતી આરોપી સાથે મુલાકાત
દૈનિક ભાસ્કરના અહેવાલ અનુસાર પીડિતાએ નોંધાવેલી ફરિયાદમાં ઉલ્લેખ છે કે, “મારી એક બહેનપણી મને એક કાફેમાં લઈ ગઈ. ત્યાં તેનો ભાઈ અને કાફેમાં કામ કરતો એક યુવાન બંને હાજર હતા. આ લોકોએ મને કોફી પીવડાવી. ત્યારપછી મને નશો ચડી ગયો અને હું બેભાન જેવી થઈ ગઈ. આ દરમિયાન બંને યુવાનોએ એ જ કાફેમાં મારી સાથે બળાત્કાર કર્યો અને અશ્લીલ ફોટા અને વિડીયો બનાવીને મને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું.”
યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેના ફોટા અને વિડીયો આરોપીએ તેના અન્ય 2 મિત્રો સાથે પણ શેર કર્યા હતા. જેના આધારે અન્ય 2 આરોપીઓએ પણ તેના પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો. આ મામલે પોલીસે 8 આરોપીઓની ધરપકડ કરી છે. પીડિતાની બહેનપણી ફરાર છે. જેની ધરપકડ કરવા પોલીસ અન્ય રાજ્યોમાં પણ તપાસ કરી રહી છે.
2 આરોપીઓ બળાત્કાર કરતા બાકીના બહાર નજર રાખતા
કોતવાલી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ગજેન્દ્ર સિંઘ નારુકાએ જણાવ્યું હતું કે આરોપીઓ પીડિતાને તેના અશ્લીલ વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર શેર કરવાના નામે બ્લેકમેલ કરી રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે જ્યારે 2 આરોપીઓ તેના પર બળાત્કાર ગુજારી રહ્યા હતા ત્યારે અન્ય આરોપીઓ બહાર નજર રાખતા જેથી કોઈ કેફેના પ્રાઇવેટ રૂમમાં પ્રવેશ ન કરી શકે. આના જ કારણે અન્ય આરોપીઓની હિંમત વધતી હતી.
એવું પણ સામે આવ્યું હતું કે, અશરફ નામનો આરોપી તેના ફોટા અને વિડીયોના આધારે બ્લેકમેલ કરતો. અશરફ તેના મિત્રોની અન્ય યુવતીઓ સાથે મિત્રતા કરાવવા પીડિતા પર દબાણ ઉભું કરતો હતો. આવી જ રીતે બ્લેકમેલ કરીને તેણે યુવતી પાસેથી સોશિયલ મીડિયા આઈડી પણ મેળવ્યા હતા. 1 માર્ચ 2025ના રોજ પણ આમિર નામના આરોપીએ પીડિતાને પાર્કમાં બોલાવી અને અન્ય યુવતીઓની આઈડી મેળવવા દબાણ કરવા લાગ્યો. તેણે પીડિતા સાથે મારપીટ પણ કરી. પરંતુ આસપાસના લોકોએ તેને બચાવી લીધી.
9 સામે નોંધાયો ગુનો, 8ની ધરપકડ
આ મામલે પોલીસે કુલ 9 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. જેમાંથી 8ની ધરપકડ થઈ ચૂકી છે. આરોપી યુવતીની શોધ માટે એક ટીમ ઉદયપુર અને એક ટીમ મધ્ય પ્રદેશ મોકલવામાં આવી છે. આ મામલે એક SITનું પણ ગઠન કરવામાં આવ્યું છે. તપાસ ટીમના જણાવ્યા અનુસાર, મુખ્ય આરોપી, અશરફ અલી (20) અને સનવીર મોહમ્મદ (23), સટ્ટો રમે છે. શાહરૂખ ખાન ઉર્ફે બબલુ (30) કાફેમાં કામ કરે છે, જે હત્યાના મામલે પણ આરોપી રહી ચૂક્યો છે. સોયબનુર મોહમ્મદ (22) મિસ્ત્રી છે. ફૈઝાન ગૌરી (24) મજૂર છે. સોહેબ શેખ (24) અને ખાલિદ ઉર્ફે દુલ્હા (25) પેઈન્ટર છે. આમિર ખાન (31) એક ઓટોમોબાઈલ વર્કશોપમાં હેડ મિકેનિક છે.
નોંધનીય છે કે સંત સમાજ તથા અન્ય સંગઠનોએ પણ આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે. ભીલવાડાના સાંસદ દામોદર અગ્રવાલ પણ 4 માર્ચે એસપી ધર્મેન્દ્ર સિંઘને મળ્યા હતા. સાંસદે કહ્યું હતું કે, “કાફે, રેસ્ટોરન્ટ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતા અન્ય સ્થળોનો પર્દાફાશ કરવામાં આવશે. માસૂમ છોકરીઓને ફસાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આખો મામલો લવ જેહાદનો છે. આરોપીઓને મળતા ફંડિંગનો પણ ખુલાસો થવો જોઈએ.” ગત મહિને રાજસ્થાનના બ્યાવરમાંથી પણ હિંદુ સગીરાઓને ફસાવીને તેમની સાથે સામૂહિક બળાત્કાર-બ્લેકમેલનો મામલો સામે આવ્યો હતો.