રાજસ્થાનના (Rajasthan) જયપુરમાં (Jaipur) હિટ એન્ડ રન કેસની (Hit and Run Case) ઘટના સામે આવી છે. જાણવા મળી રહ્યું છે કે, પૂરપાટ ઝડપે આવતી SUV કાર 9 લોકોને કચડી આગળ વધી ગઈ હતી. ઘટના સોમવારે (7 એપ્રિલે) રાત્રે બનવા પામી હતી. આરોપી ડ્રાઈવરની ઓળખ હાજી ઉસ્માન ખાન (Haji Usman Khan) તરીકે થઈ છે. તે જયપુરમાં કોંગ્રેસનો (Congress) જિલ્લા ઉપાધ્યક્ષ હોવાનું પણ કહેવાય રહ્યું છે. જોકે, મંગળવારે સવારે (8 એપીરલ) કોંગ્રેસે હાથ અધ્ધર કરીને તેને પાર્ટીમાંથી હાંકી કાઢ્યો છે. છતાં એક સ્થાનિક કોંગ્રેસી MLA પર આરોપીને બચાવવાનો આરોપ લાગી રહ્યો છે.
માહિતી અનુસાર, સોમવારના રોજ આરોપી ઉસ્માને સંતોષી માતાના મંદિર પાસે 7 કિલોમીટર સુધી SUV પૂરપાટ ઝડપે દોડાવી હતી અને 9 લોકોને કચડી નાખ્યા હતા. ઘટનામાં ભાઈ-બહેન સહિત ત્રણ લોકોના મોત થયા છે. અન્ય લોકોને હૉસ્પિટલમાં સારવાર હેઠળ મોકલવામાં આવ્યા છે. ઘટના બાદ આરોપીને સ્થાનિક લોકોની મદદથી પકડી પાડવામાં આવ્યો હતો. વધુમાં તેણે દારૂનો નશો કર્યો હોવાનું પણ સામે આવ્યું હતું.
એડિશનલ DCP (નોર્થ) બજરંગ સિંઘ શેખાવતે જણાવ્યું છે કે, આરોપી ડ્રાઈવર ઉસ્માન ખાને સૌથી વધુ ટક્કર નજીકના 500 મીટરના એરિયામાં મારી હતી. નાહરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંતોષી માતાના મંદિર પાસે આરોપીએ પહેલા સ્કૂટી-બાઇકને ટક્કર મારી હતી. ત્યારબાદ રસ્તા પર પડી ગયેલા લોકોને કચડીને તે આગળ નીકળી ગયો હતો.
વધુમાં આરોપી ઉસ્માનની વિશ્વકર્મા ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં લોખંડના પલંગ બનાવવાની ફેક્ટરી છે. તે લાંબા સમયથી કોંગ્રેસ સાથે જોડાયેલો હતો. તે જયપુર જિલ્લાનો ઉપાધ્યક્ષ પણ હતો. ઘટના બાદ મંગળવારે સવારે જ તેને જિલ્લા કાર્યકરણીમાંથી હાંકી કાઢવામાં આવ્યો છે. તેના વિરુદ્ધ FIR નોંધાઈ ચૂકી છે.
સ્થાનિક કોંગ્રેસ MLA પર આરોપ, ભાજપ ધારાસભ્ય બેઠા ધરણાં પર
જયપુરની આ ઘટનાને લઈને સ્થાનિકોએ ભારે વિરોધ પણ કર્યો છે. વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળના કાર્યકર્તાઓએ ધરણાં પર કર્યા છે. વધુમાં સ્થાનિકોનો આરોપ છે કે, કિશનપોલ જયપુરના કોંગ્રેસી ધારાસભ્ય અમીન કાગઝી આરોપી ઉસ્માનને બચાવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. પ્રદર્શન કરી રહેલા લોકોની માંગણી છે કે, મૃતકોના પરિજનોને યોગ્ય વળતર આપવામાં આવે. વધુમાં એક પ્રદર્શનકારીએ જણાવ્યું છે કે, એક જનપ્રતિનિધિ તરીકે કાગઝી હજુ સુધી ઘટનાસ્થળ પર પણ આવ્યા નથી. વધુમાં પ્રદર્શનકારીઓનો આરોપ છે કે, આ ઘટના એક કાવતરાના ભાગરૂપે કરવામાં આવી છે, તેની તપાસ પણ થવી જોઈએ.
આ ઉપરાંત પ્રદર્શન કરી રહેલા પીડિત વ્યક્તિઓના પરિવારે હવામહેલના ભાજપ ધારાસભ્ય અને મહંત બાલમુકુંદ આચાર્યને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જે બાદ ભાજપ ધારાસભ્ય પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ધરણાંમાં જોડાઈ ગયા હતા. તેમણે પીડિત પરિવારોના સભ્યો સાથે મુલાકાત પણ કરી હતી અને યોગ્ય કાર્યવાહીનું આશ્વાસન પણ આપ્યું હતું.