સોમવારે (14 એપ્રિલ, 2025) પશ્ચિમ બંગાળના (West Bengal) દક્ષિણ 24 પરગણામાં (24 Parganas) સ્થિત ભાંગરમાં વક્ફ (સુધારા) કાયદા વિરુદ્ધ વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસા (Violence) ફાટી નીકળી હતી. જ્યાં ઇસ્લામી કટ્ટરવાદી તત્વોથી ભરેલા ઇન્ડિયન સેક્યુલર ફ્રન્ટના (ISF) કાર્યકરો પોલીસ સાથે ઉગ્ર અથડામણમાં ઉતરી આવ્યા હતા અને પોલીસ પર હુમલો પણ કરી દીધો હતો. આ સાથે જ અનેક વાહનોમાં આગ ચાંપી દીધી હોવાના સમાચાર પણ સામે આવ્યા હતા.
બંગાળના 24 પરગણામાં ઇન્ડિયન સેક્યુલર ફ્રન્ટ દ્વારા શરૂ થયેલી હિંસા દરમિયાન અનેક પોલીસ વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી, જેમાં એક વાન અને અનેક ટુ-વ્હીલર બળીને રાખ થઈ ગયા હતા. પોલીસે જણાવ્યું હતું કે, આ અથડામણમાં આઠ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા, જ્યારે એક ISF કાર્યકરને માથામાં ઈજા થઈ હતી. આ ઉપરાંત ઘણા લોકોની ધરપકડ કરી હોવાનું પણ સામે આવ્યું છે.
VIDEO | West Bengal: Tension in South 24 Parganas' Bhangar as Indian Secular Front (ISF) workers clashed with city police. They also set a van ablaze. More details awaited.
— Press Trust of India (@PTI_News) April 14, 2025
(Full video available on PTI Videos – https://t.co/bnF8OnGu37) pic.twitter.com/fk17Jufpl3
અહેવાલો અનુસાર, ISF સમર્થકો વક્ફ કાયદા વિરુદ્ધ રેલી માટે કોલકાતાના રામલીલા મેદાન જઈ રહ્યા હતા. ભાંગરના ધારાસભ્ય અને ISF નેતા નૌશાદ સિદ્દીકી આ રેલીને સંબોધવાના હતા. પરવાનગી વિના રેલીની માહિતી મળતાં પોલીસે બસંતી હાઇવે નજીક ભોજેરહાટમાં બેરિકેડ લગાવીને વિરોધીઓને અટકાવ્યા. તેનાથી ભડકી ઉઠેલા ઇસ્લામી ટોળાએ બેરિકેડ તોડવાનો પ્રયાસ કર્યો અને પથ્થરમારો શરૂ કર્યો. જ્યારે પરિસ્થિતિ કાબુ બહાર ગઈ ત્યારે પોલીસે લાઠીચાર્જ અને ટિયર ગેસનો સહારો લેવો પડ્યો.
પોલીસ પર હુમલો કરીને ચાંપી આગ
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, “પ્રદર્શનો કરનારાઓએ પોલીસ પર હુમલો કર્યો અને વાહનોને આગ ચાંપી દીધી. કેટલાક પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.” પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ISF કાર્યકરોએ બસંતી હાઇવે પર ધરણા કર્યા હતા અને રસ્તો બ્લોક કરી દીધો હતો, જેના કારણે કલાકો સુધી ટ્રાફિક ખોરવાઈ ગયો હતો. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે ભારે પોલીસદળ અને વરિષ્ઠ અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. થોડા સમય પછી પ્રદર્શનકારીઓ વિખેરાઈ ગયા અને વિસ્તારમાં શાંતિ પુનઃસ્થાપિત થઈ હતી.
નૌશાદ સિદ્દીકીએ વકફ કાયદાને ‘મુસ્લિમો અને બંધારણ પર હુમલો’ ગણાવ્યો અને તેને પાછો ખેંચવાની માંગ કર . તેમણે કહ્યું કે, “મમતા બેનર્જીએ કહ્યું છે કે આ કાયદો બંગાળમાં લાગુ કરવામાં આવશે નહીં, તો પછી પોલીસ અમારી શાંતિપૂર્ણ રેલીને કેમ રોકી રહી છે?” ISFએ ભાજપ પર સાંપ્રદાયિક તણાવ ભડકાવવાનો અને તૃણમૂલ કોંગ્રેસ પર વિરોધ પ્રદર્શનોને દબાવવાનો આરોપ લગાવ્યો.
‘બંગાળને બીજું બાંગ્લાદેશ બનાવી દીધું’- ભાજપ
દરમિયાન, તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય શૌકત મોલ્લાએ ISFને ‘મહત્વહીન પક્ષ’ ગણાવ્યો અને કહ્યું કે, “આ લોકો અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમને કોઈ જાહેર સમર્થન નથી.” ભાજપે હિંસા માટે મમતા સરકારને જવાબદાર ઠેરવી હતી. ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ તેને ‘જેહાદી તાકતો દ્વારા આયોજિત હુમલો’ ગણાવ્યો અને કેન્દ્ર પાસેથી હસ્તક્ષેપની માંગ કરી.
આ પહેલાં પશ્ચિમ બંગાળના ભાજપ અધ્યક્ષ સુકાંત મજૂમદારે માલદામાં એક રાહત શિબિરની મુલાકાત લીધી હતી. તેમણે મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, મહિલાઓ ખૂબ ભાવુક હતી, તેમણે વધુમાં કહ્યું હતું કે, તેમના ઘરો અને સંપત્તિઓને સળગાવી દેવામાં આવી છે. આ સાથે તેમણે એવું પણ કહ્યું કે, “મુર્શિદાબાદની સ્થિતિ રાજ્યના અન્ય ભાગોમાં પણ આવી જ અશાંતિનો સંકેત છે. મમતા બેનર્જીએ બંગાળને બીજું બાંગ્લાદેશ બનાવી દીધું છે.”
મુર્શિદાબાદમાં પણ ફાટી નીકળી હતી હિંસા
ઉલ્લેખનીય છે કે, મુર્શિદાબાદમાં શુક્રવાર અને શનિવારે વક્ફ કાયદા વિરુદ્ધ વિરોધ પ્રદર્શન દરમિયાન ઇસ્લામી કટ્ટરપંથીઓ દ્વારા થયેલી હિંસામાં ત્રણ લોકોના મોત થયા હતા, ત્યારબાદ હવે 24 પરગણા વિસ્તારમાં હિંસા ફાટી નીકળી છે. મુર્શિદાબાદમાં 200થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. મુર્શિદાબાદ જિલ્લાના સુતી, ધુલિયાં અને જાંગીપુરમાં દુકાનો, ઘરો અને હોટેલો સળગાવી દેવામાં આવી હતી. હિંસા બાદ કલકત્તા હાઇકોર્ટે કેન્દ્રીય દળો તૈનાત કરવાનો આદેશ આપ્યો હતો.
નોંધનીય છે કે, મમતા બેનર્જીએ શનિવારે (12 એપ્રિલ, 2025) જાહેરાત કરી હતી કે, તેમની સરકાર બંગાળમાં વક્ફ એક્ટ લાગુ કરશે નહીં. તેમણે બધા પંથોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. છતાં ભાંગર ઘટનાએ સાબિત કર્યું કે રાજ્યમાં તણાવ ઓછો થયો નથી. પોલીસે આ વિસ્તારમાં હાઈએલર્ટ જારી કર્યું છે અને દેખરેખ વધારી દીધી છે.