Monday, May 20, 2024
More
    Home Blog Page 965

    નારાજ રાજ ઠાકરેએ પોતાની ઔરંગાબાદ રેલી દરમિયાન રાજ્યમાં જાતિના રાજકારણ માટે શરદ પવારને આડા હાથે લીધા

    1લી મે 2022 ના રોજ મહારાષ્ટ્રના સ્થાપના દિવસે, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરે દ્વારા મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે NCPના વડા શરદ પવાર પર આરોપ લગાવ્યા હતા. પોતાની જાહેર સભા દરમિયાન, તેમણે મહારાષ્ટ્રમાં જાતિનું ઝેરી રાજકારણ આગળ કરવા બદલ NCP પ્રમુખ શરદ પવારની આકરી ટીકા કરી હતી.

    સભાને સંબોધતા રાજ ઠાકરે બોલ્યા, “અહીં કેવું રાજકારણ ચાલી રહ્યું છે? મહારાષ્ટ્રે રાષ્ટ્રને ચોક્કસ વિચારો આપ્યા. અમે સમાજવાદ આપ્યો, અમે બૌદ્ધ ધર્મને ફેલાવવામાં મદદ કરી, અહીં સામ્યવાદીઓ પણ હતા અને હિન્દુત્વ પણ. અને હવે રાજકીય નેતાઓ અપશબ્દોનો ઉપયોગ કરે છે. શું આપણે આ આદર્શ આપણા બાળકો સમક્ષ મુકીશું? શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ પોતાના ચૂંટણી લાભ ખાતર લોકોના મનમાં ઝેર ઓક્યું. આ ઝેર શાળા-કોલેજ જતા બાળકોમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે.”

    શરદ પવાર પર તેમના ધાર્મિક ફોટો-ઓપ્સ અંગે પ્રહાર કરતા MNS વડાએ કહ્યું, “શરદ પવાર નાસ્તિક છે. મારા ભાષણ પછી દેવતાઓને પ્રાર્થના કરતી અને પૂજા વિધિ કરતાં તેમના ફોટા વાયરલ કરવામાં આવ્યા હતા. નાટક ન કરો, અભિનય ન કરો. તમારી પોતાની દીકરીએ સંસદમાં કહ્યું કે તેના પિતા નાસ્તિક છે. શું મારે કોઈ અલગ પુરાવા આપવાની જરૂર છે?”

    વધુમાં, રાજ ઠાકરે દ્વારા જણાવાયું, “શરદ પવારે મને મારા દાદા પ્રબોધંકર કેશવ સીતારામ ઠાકરેના પુસ્તકો વાંચવાનું કહ્યું હતું. મેં તેમને સંપૂર્ણ રીતે વાંચ્યા છે, પરંતુ શરદ પવાર જે કંઈ કરે છે તે ચેરી-પિક છે. શરદ પવાર મારા દાદાને ત્યારે જ ટાંકે છે જ્યારે તેમના અવતરણો શરદ પવારની જાતિના રાજકારણને અનુકૂળ આવે. મારા દાદા હિંદુ હતા. તેઓ ધર્મના વિરોધી નહોતા પરંતુ તેમના વિચારો ધર્મના તે દિવસોમાં જરૂરી સામાજિક સુધારા માટે હતા. તેમના લખાણો તે સમયના સંદર્ભમાં હતા.”

    શરદ પવાર અને તેમની પાર્ટી પર તેમનો હુમલો ચાલુ રાખતા, ઠાકરેએ કહ્યું, “આ NCP લોકોએ છત્રપતિ શિવાજી મહારાજ વિશે જેમ્સ લેન દ્વારા લખેલા પુસ્તકને લઈને જાતિના આધારે મહારાષ્ટ્રને વિભાજિત કર્યું. તેઓ (એનસીપીના લોકો) કહે છે કે બ્રિટિશ લેખકે આદરણીય શિવાજી મહારાજ વિશે ખોટી અને અપમાનજનક વાતો લખી હતી અને તે લેખકને આવી માહિતી શિવ શાહીર બાબાસાહેબ પુરંદરે નામના બ્રાહ્મણે આપી હતી. શરદ પવાર આટલા વર્ષો સુધી સત્તામાં હતા, તેઓ કેન્દ્રીય મંત્રી હતા, તેમણે તે લેખકને ભારત કેમ ન પકડી લાવ્યા? તેમણે તેને કેમ ન પૂછ્યું? તે લેખક જેમ્સ લેનનો ઈન્ડિયા ટુડેનો ઈન્ટરવ્યુ આ રહ્યો. આ ઈન્ટરવ્યુમાં તેણે સ્પષ્ટપણે કહ્યું કે બાબાસાહેબ પુરનદરેએ તેમને કોઈ માહિતી આપી નથી અને તેમણે ક્યારેય તેમની સાથે વાત કરી નથી. તેણે કહ્યું કે તેણે વાર્તાઓ લખી છે જે તે અન્ય સ્ત્રોતોથી જાણતો હતો, તેણે ઇતિહાસ લખ્યો નથી.”

    રાજ ઠાકરેએ શરદ પવારને આગળ પૂછ્યું, “તમે રાજ્યમાં બ્રાહ્મણો અને મરાઠાઓને લડાઈના માર્ગે કેમ ઊભા કર્યા? રામદાસ સ્વામી શિવાજી મહારાજના ગુરુ હતા કે સંત તુકારામ એ મુદ્દો નથી, બધા મહાન હતા. પણ શું આપણે તેમને જ્ઞાતિની લેન્સથી જોઈશું? શું રામદાસ સ્વામીને બ્રાહ્મણ તરીકે જોવામાં આવશે? શું શિવાજી મહારાજની સમાધિ બાંધનાર લોકમાન્ય તિલકને બ્રાહ્મણ તરીકે જોવામાં આવશે જ્યારે તેમના પ્રથમ અખબારનું નામ મરાઠા હતું? મહારાષ્ટ્રમાં હવે આ જાતિય રાજકારણ સહન કરવામાં આવશે નહીં.”

    રાજ ઠાકરેએ એમ પણ કહ્યું કે એનસીપીની તાજેતરની જાહેર સભાઓ લોકો દ્વારા નોંધવામાં આવી છે. “મહારાષ્ટ્રના લોકો જાણે છે કે અમોલ મિતકારીએ આપણા ધર્મ વિશે શું કહ્યું છે. એનસીપી પ્રમુખ શરદ પવાર પણ કહેતા હતા કે આ શાહુ-ફૂલે-આંબેડકરનું મહારાષ્ટ્ર છે. હા, હું પણ કહું છું કે તે તેમનું મહારાષ્ટ્ર છે, પરંતુ તેમના પહેલા છત્રપતિ શિવાજી મહારાજનું છે. એવું લાગે છે કે શરદ પવારને હિંદુ શબ્દથી એલર્જી છે. મારી ટીકા પછી જ NCPના લોકો તેમના મંચ પર શિવાજી મહારાજની મૂર્તિ મૂકે છે. તે પહેલાં, તેઓએ સ્ટેજ પર તેની તસવીર પણ મૂકી ન હતી. તેઓ ફક્ત આપણા મરાઠા ભાઈ-બહેનોને ગેરમાર્ગે દોરવા માટે તેનું નામ લે છે.’

    રાજ ઠાકરે મહારાષ્ટ્રના હાલના શાસક મહા વિકાસ આઘાડી ગઠબંધન સાથે યુદ્ધના માર્ગે છે, જેમાં શરદ પવારની એનસીપી મુખ્ય ભાગીદાર છે, તાજેતરના દિવસોમાં મસ્જિદોમાં લાઉડસ્પીકરોના મુદ્દાને લઈને, અને તેમણે સરકારને આપેલી સમયમર્યાદા આગામી ઈદ પર સમાપ્ત થઈ રહી છે.

    કેથલિક સમુદાયમાં થતા જાતિગત ભેદભાવો વિરુદ્ધ દલિત ખ્રિસ્તીઓનો વિરોધ, પોંડીચેરીમાં પ્રદર્શન

    પોંડીચેરી સ્થિત દલિત ખ્રિસ્તી લિબરેશન મુવમેન્ટ (DCLM) દ્વારા શુક્રવારે કેથોલિક ચર્ચમાં દલિતો સામે થઇ રહેલા કથિત જાતિગત ભેદભાવ અને અસ્પૃશ્યતાને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. દલિત ખ્રિસ્તી સમુદાયે સ્થાનિક સ્તરે વિરોધ પ્રદર્શન કરીને ચર્ચના તમામ સ્તરોએ દલિતોને સમાન અધિકારો અને પ્રતિનિધિત્વ આપવામાં આવે તેવી માંગ કરી હતી.

    આ ઉપરાંત વિરોધ કરનારાઓએ સમુદાયમાં જ્ઞાતિ ભેદભાવને નાબૂદ કરવા માટે દલિત આર્કબિશપની નિમણૂંક કરવાની પણ માંગણી કરી હતી. જે બાદ તે જ દિવસે સાંજે DCLMના પ્રમુખ મેરી જોહ્નની આગેવાનીમાં એક પ્રતિનિધિમંડળ પોંડીચેરીના ઉપ-રાજ્યપાલને મળ્યું હતું અને વડાપ્રધાનને એક આવેદનપત્ર સુપરત કર્યું હતું.

    આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, ખ્રિસ્તી દલિત સમુદાય પોંડીચેરી-કડ્ડલોરના નવા આર્કબિશપ તરીકે ફ્રાન્સિસ કાલિસ્ટની નિમણૂંકનો વિરોધ કરે છે. તેમજ જણાવવામાં આવ્યું હતું કે આર્કબિશપ તરીકે દલિત સમુદાયના વ્યક્તિને નીમવામાં આવે તેવી માંગ સાથે આ ચળવળ ચલાવવામાં આવી રહી છે.

    આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું કે, ચર્ચની અંદરની સમસ્યાઓને હવે આંતરિક ધાર્મિક બાબતો ગણી શકાય નહીં કારણ કે તેમાં ચર્ચ દ્વારા ધર્મનિરપેક્ષ, નાગરિક અને માનવ અધિકારોનું ઉલ્લંઘન જેવી ઘણી બાબતો સામેલ છે. દલિત ખ્રિસ્તીઓને ચર્ચમાં જ્ઞાતિગત ભેદભાવ વિરુદ્ધ કાયદાના સંરક્ષણની જરૂર હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું.

    આ ઉપરાંત, ભારત અને નેપાળના અપોસ્ટોલિક નન્સીઓ દ્વારા DCLM પ્રતિનિધિમંડળને મળવા માટે સમય ન આપવામાં આવતા તે વિરુદ્ધ પણ નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. ખ્રિસ્તી દલિત સમુદાયે કહ્યું કે, નવા આર્કબિશપની નિમણૂંક માટે અપોસ્ટોલિક પોંડીચેરીમાં આવ્યા હતા, પરંતુ તેમણે DCLM પ્રતિનિધિમંડળને મળવાનો ઇનકાર કરી દીધો હતો.

    જોકે, ચર્ચમાં દલિત ખ્રિસ્તી સમુદાય સાથે જ્ઞાતિગત ભેદભાવ કરવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠી હોય તેવો આ પ્રથમ કિસ્સો નથી. ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં પણ દક્ષિણ ભારતના દલિત ખ્રિસ્તી સમુદાયના લોકોએ નન્સીઓને મળીને ચર્ચમાં થઇ રહેલા જ્ઞાતિગત ભેદભાવો મામલે ચિંતા વ્યક્ત કરી હતી અને નાબૂદ કરવાની અપીલ કરી હતી.

    દલિત ખ્રિસ્તી સમુદાયનું એક પ્રતિનિધિમંડળ બીજી ફેબ્રુઆરીના રોજ તમિલનાડુના વેલ્લોરેમાં અપોસ્ટોલિક નન્સીઓને મળ્યું હતું. જેમાં પણ તેમણે પોંડીચેરી અને કડ્ડલોરમાં દલિત ખ્રિસ્તી સમુદાયના વ્યક્તિને આર્કબિશપ તરીકે નીમવા માટે અપીલ કરી હતી. જોકે, આ મુલાકાત બાદ પ્રતિનિધિમંડળે નન્સીઓના જવાબ સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી.

    DCLM ના પ્રમુખ મેરી જોહ્ને મુલાકાત બાદ જણાવ્યું હતું કે, તેમણે અમારી ફરિયાદો સાંભળી પરંતુ કોઈ ઠોસ કાર્યવાહી કરવા માટે સંતોષકારક જવાબ આપ્યો ન હતો. કેથલિક ચર્ચ ઓફ ઇન્ડિયામાં દલિતો સામે જ્ઞાતિ ભેદભાવોને સમાપ્ત કરવા મુદ્દેના તેમના પ્રશ્નોની અવગણના કરવામાં આવી હોવાનું દલિત ખ્રિસ્તી પ્રતિનિધિમંડળે જણાવ્યું હતું.

    તેમણે વધુમાં જણાવ્યું કે, ફરિયાદો સાંભળીને જ્ઞાતિગત ભેદભાવના સત્યને સ્વીકારવાને બદલે કે આ મામલે કેથલિક ચર્ચના મામલામાં હસ્તક્ષેપની ખાતરી આપવાને બદલે પોપ નન્સીયોએ આ મામલે કોઈ પણ કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી ન હતી. અમે તેમના આવા પ્રતિભાવથી ખૂબ નિરાશ થયા છીએ.

    ઉલ્લેખનીય છે કે દલિત ખ્રિસ્તી લિબરેશન મુવમેન્ટ દ્વારા અગાઉ પણ ચર્ચમાં દલિત ખ્રિસ્તીઓ સાથે થઇ રહેલા જાતિગત ભેદભાવો મુદ્દે પ્રશ્નો ઉઠાવવામાં આવતા રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર, ભારતના 2.5 કરોડ ખ્રિસ્તીઓમાંથી 60 ટકા દલિત અને આદિવાસીઓ છે.

    જ્ઞાનવાપી મસ્જિદમાં વિડીયોગ્રાફી કરાવવાના કોર્ટના આદેશ સામે મુસ્લિમોની સમિતિનો વિરોધ, કહ્યું- વિડીયોગ્રાફી નહીં કરવા દઈએ, પરિણામો ભોગવવા તૈયાર

    ઉત્તર પ્રદેશના વારાણસી સ્થિત કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ મામલે સ્થાનિક કોર્ટે મસ્જિદની વિડીયોગ્રાફી કરવાનો આદેશ આપ્યો છે. જોકે, કોર્ટના આ નિર્ણયનો અંજુમન ઇન્તેજામિયા મસ્જિદ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. કોર્ટના નિર્ણય વિરુદ્ધ મસ્જિદ સમિતિએ અલાહાબાદ હાઈકોર્ટમાં અપીલ કરી હતી, પરંતુ હાઈકોર્ટે સ્થાનિક કોર્ટનો નિર્ણય બરકરાર રાખ્યો હતો.

    કોર્ટના આદેશ બાદ આગામી 6 અને 7 મેના રોજ કમિશ્નરની દેખરેખ હેઠળ જ્ઞાનવાપી મસ્જિદમાં વિડીયોગ્રાફી કરવામાં આવશે. જેનો રિપોર્ટ 10 મેના રોજ સુપરત કરવા માટે કોર્ટે આદેશ કર્યો છે. જે મામલે અંજુમન ઇન્તેજામિયા મસ્જિદના સંયુક્ત સચિવ એસએમ યાસિને કહ્યું કે, અમે વિડીયોગ્રાફી અને સર્વેક્ષણ માટે મસ્જિદ પરિસરમાં કોઈના પણ પ્રવેશની પરવાનગી આપીશું નહીં. તેમણે એમ પણ કહ્યું કે તે માટેનાં પરિણામો ભોગવવા માટે તેઓ તૈયાર છે.

    હાઈકોર્ટે ગુરુવારે (28 એપ્રિલ 2022) મસ્જિદ સમિતિની અરજી ફગાવી દીધી હતી. સુનાવણી દરમિયાન મંદિર પક્ષના વકીલે કહ્યું હતું કે, કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ મામલે વિવાદિત સંપત્તિ પર વકફના પ્રાવધાનો લાગુ પડતાં નથી. જેના કારણે તેને વકફ સંપત્તિ કહી શકાય નહીં.

    મંદિર પક્ષે જણાવવામાં આવ્યું કે, જ્યારે 1995 માં વકફ કાયદો અસ્તિત્વમાં આવ્યો ત્યારે આ કાયદામાં એક પ્રાવધાન હતો કે વકફની સંપત્તિને ફરીથી રજીસ્ટર કરાવવામાં આવે, પરંતુ વિવાદિત સંપત્તિને આ કાયદા હેઠળ ફરીથી રજીસ્ટર કરી શકાશે નહીં. જેથી વિવાદિત સંપત્તિ વકફ સંપત્તિ ગણી શકાય નહીં તેમજ આ કાયદાના પ્રાવધાનો પણ અહીં લાગુ થતા નથી.

    વધુમાં દલીલ કરવામાં આવી કે, પૂજા સ્થળ અધિનિયમ, 1991 ની કલમ 4 પણ અહીં લાગુ થતી નથી કારણ કે અહીં એક પ્રાચીન મંદિર હતું. જેનું નિર્માણ 15મી સદી પહેલાં કરવામાં આવ્યું હતું. ભગવાન વિવાદિત ઢાંચાની અંદર બિરાજમાન છે. મંદિર નષ્ટ કરવામાં આવ્યું હોય તોપણ તેનું ધાર્મિક ચારિત્ર્ય બદલાયું નથી.

    તસવીર સાભાર : જાગરણ

    અહીં નોંધનીય છે કે પૂજાસ્થળ અધિનિયમની કલમ 4 હેઠળ સ્વતંત્રતા દિવસની (15 ઓગસ્ટ 1947) સ્થિતિએ કોઈ પણ પૂજા સ્થળના ધાર્મિક ચારિત્ર્યમાં પરિવર્તન કરવા મામલે કોઈ પણ કેસ દાખલ કરવા કે કાયદાકીય કાર્યવાહી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

    મંદિર પક્ષના વકીલોએ કોર્ટમાં દલીલ કરી કે તમામ સબૂતો અને તથ્યોને ધ્યાનમાં લઈએ તો જ્ઞાનવાપી મસ્જિદ ચારેબાજુથી દીવાલોથી ઘેરાયેલી છે, જે મસ્જિદથી પણ ઘણી જૂની છે. આ કમ્પાઉન્ડ મંદિરનો હિસ્સો છે, જેને તોડીને મસ્જિદ બનાવવામાં આવી હતી.

    વારાણસી સ્થિત કાશી વિશ્વનાથ-જ્ઞાનવાપી પરિસર સ્થિત મા શૃંગાર ગૌરી અને અન્ય દેવ વિગ્રહોની પૂજા-અર્ચના મામલે મંગળવારે સિનીયર ડિવીઝનના સિવિલ જજ રવિકુમારે નિર્ણય સંભળાવ્યો હતો. તેમણે કહ્યું કે ઈદ બાદ દસ મે પહેલાં એડવોકેટ કમિશ્નરની હાજરીમાં સ્થળની તપાસ કરી ત્યાંની વિડીયોગ્રાફી કરવામાં આવશે અને રિપોર્ટ સોંપવામાં આવ્યા બાદ 10 મેના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.

    રિપોર્ટ અનુસાર, મા શૃંગાર ગૌરી અને અન્ય દેવોની સ્થિતિ અંગે તપાસ કરવા માટે આ મહિને 8 એપ્રિલના રોજ કોર્ટે એડવોકેટ કમિશ્નરની નિમણૂંક કરી હતી. જે બાદ એડવોકેટ કમિશ્નરે 18 એપ્રિલના રોજ કાર્યવાહી કરવા માટે કોર્ટમાં રજૂઆત કરી હતી. જેમાં કહેવામાં આવ્યું કે મા શૃંગાર ગૌરી બેરીકેડિંગથી બહાર છે અને એ સ્થિતિમાં અંદર મુસ્લિમો અને સુરક્ષાકર્મીઓ સિવાય કોઈ જઈ શકતું નથી.

    આ કેસ 18 ઓગસ્ટ 2021 નો છે. જેમાં દિલ્હીના રહેવાસી રાખી સિંહ, લક્ષ્મી દેવી, સીતા શાહુ, મંજૂ વ્યાસ અને રેખા પાઠક તરફથી કોર્ટમાં એક અરજી દાખલ કરીને શૃંગાર માતાના નિયમિત દર્શન અને પૂજા-અર્ચના માટેની પરવાનગી માંગી હતી. ઉલ્લેખનીય છે કે આ અરજી હિંદુ મહાસભા તરફથી દાખલ કરવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે પૂજા અર્ચનાની પરવાનગી ન આપવી એ હિંદુઓના હિતોનું ઉલ્લંઘન ગણાશે.

    દિલ્હી : અકસ્માતમાં ઘાયલ યુવકને હોસ્પિટલે દાખલ કરવાનો ઇનકાર કર્યા બાદ મોત, કેજરીવાલ સરકારના દાવા સામે સવાલ ઉઠ્યા  

    ગઈકાલે મોડી રાત્રે દિલ્હીમાં એક ભીષણ માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત થઇ ગયાં હતાં. દિલ્હીના લક્ષ્મીનગર વિસ્તાર પાસે એક બાઈકસવાર અને કાર વચ્ચે રાત્રે આ અકસ્માત સર્જાયો હતો.

    પ્રાપ્ત વિગતો અનુસાર, કારમાં સવાર પરિવાર એક કાર્યક્રમ પતાવીને પીરાગઢીથી કડકડનૂમા આવવા માટે પરત ફરી રહ્યો હતો, તે દરમિયાન દિલ્હીમાં લ્ક્ષ્મીનગર વિસ્તારમાં આ ભીષણ અકસ્માત સર્જાયો હતો. લક્ષ્મીનગર પાસે તેમની કાર આગળ અચાનક એક બાઈક સવાર ડિલીવરી બોય આવી ગયો હતો અને બંને વાહનો વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી અને કાર ત્રણ-ચાર પલટી મારીને બાજુ પર પડી હતી.

    અકસ્માત થયો ત્યારે કારમાં કુલ 7 લોકો જઈ રહ્યા હતા. જેમાંથી આગળ બેઠેલા લોકો સુરક્ષિત બચી ગયા હતા પરંતુ કારમાં સવાર બે યુવતીઓનાં સ્થળ પર જ મોત નીપજ્યાં હતાં. જેમના નામ જ્યોતિ અને ભારતી હોવાનું જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત બાઈકસવાર ડિલીવરી બોયને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત થયો ત્યારે કારની ઝડપ 80-90 કિમી/કલાક જેટલી હોવાનું કહેવાય છે. તેમજ રિપોર્ટ અનુસાર, અકસ્માત બાદ કાર અને બાઈક બંને વાહનોનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

    તસવીર સાભાર : આજતક

    હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. પૂર્વ દિલ્હીના ડીસીપીએ જણાવ્યું કે, કારમાં એક પરિવારના સાત લોકો હતા. તેઓ બહાર નીકળી શકતા ન હતા. સ્થાનિક પોલીસકર્મીઓએ તેમને તાત્કાલિક બચાવી લીધા હતા, જેમાંથી ચાર લોકોને ઈજા પહોંચી હતી. તેમને તાત્કાલિક હેડગેવાર હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા, જ્યાં બે યુવતીઓ મૃત ઘોષિત કરવામાં આવી હતી.

    ગંભીર રીતે ઘાયલ થયેલા ડિલીવરી બોયને સ્થાનિકો હોસ્પીટલમાં લઇ ગયા હતા. પરંતુ દિલ્હીની મેક્સ હોસ્પિટલે બેડ ન હોવાનું કારણ ધરીને સારવાર કરવાનો ઇનકાર કરી દીધો હતો. જે બાદ સારવાર વગર જ તેનું મોત નીપજ્યું હતું. ડિલીવરી બોય વિશે વધુ જાણકારી મળી શકી નથી.

    દિલ્હીમાં સર્જાયેલા આ અકસ્માતમાં યુવકનું મૃત્યુ થયા બાદ દિલ્હી સરકારના સ્વાસ્થ્ય વ્યવસ્થાઓ વિશેના દાવાઓ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે કોઈ પણ ઈજાગ્રસ્ત શખ્સને હોસ્પિટલ લઇ જવા પર મફત સારવાર કરવાનો નિયમ હોવાનો દાવો દિલ્હીની કેજરીવાલ સરકાર કરતી રહી છે.

    વર્ષ 2019માં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેરાત કરતા કહ્યું હતું કે, દિલ્હીની સરહદમાં કોઈ પણ વ્યક્તિનો અકસ્માત થાય, કોઈ એસિડ અટેકનો ભોગ બને કે કોઈને દાઝી જવાથી ઈજા થાય તો દિલ્હી સરકાર કોઈ પણ હોસ્પિટલમાં તેમને મફત સારવાર આપશે. મેં ખાનગી હોસ્પિટલો સાથે મુલાકાત કરી છે અને તેમણે પણ આ માટે સહમતિ દર્શાવી છે. આ માટેનો ખર્ચ સરકાર ચૂકવશે.”

    જોકે, કેજરીવાલના આ દાવાથી વિપરીત ગઈકાલે દિલ્હીમાં સર્જાયેલા અકસ્માતમાં યુવકને હોસ્પિટલે સારવાર ન આપતાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. જેના કારણે સવાલો ઉઠી રહ્યા છે.

    આમ આદમી પાર્ટીએ વિડીયો ટ્વીટ કરીને કાર્યકરોને રોકવામાં આવી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો, ભરૂચ પોલીસે પોલ ખોલી

    જેમ-જેમ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ રાજકીય પાર્ટીઓ દ્વારા એકબીજા પર આરોપ-પ્રત્યારોપ અને ગતકડાંનું પ્રમાણ પણ વધી રહ્યું છે. આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી પણ ઉમેરાઈ રહી છે. જોકે, પાર્ટી હજુ તો વ્યવસ્થિત સ્થિર થાય તે પહેલાં જ અનેક વિવાદોમાં ફસાતી દેખાઈ રહી છે. હવે ટ્વીટર પર ખોટો વિડીયો શેર કરવા મામલે આમ આદમી પાર્ટી વિવાદમાં આવી છે.

    ભારતીય ટ્રાયબલ પાર્ટી સાથે ગઠબંધનની જાહેરાત કર્યા બાદ આજે ભરૂચ ખાતે આમ આદમી પાર્ટીનું આદિવાસી સંમેલન યોજાયું હતું. જેમાં હાજરી આપવા માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ગુજરાત આવ્યા છે. જોકે, કેજરીવાલની સભા પહેલાં જ આમ આદમી પાર્ટીએ ટ્વીટ કરીને પોલીસ પર આરોપ લગાવ્યા હતા પરંતુ પોલીસે આ તમામ આરોપો નકારી દઈને આમ આદમી પાર્ટીના જુઠ્ઠાણાની પોલ ખોલી વિડીયો ખોટો હોવાનું જણાવ્યું હતું.

    આમ આદમી પાર્ટીની ગુજરાત શાખાના અધિકારીક ટ્વીટર હેન્ડલ પરથી એક વિડીયો ટ્વીટ કરીને સરકારના ઇશારે તેમના પ્રદેશ નેતાઓ અને કાર્યકર્તાઓને સભાસ્થળે પહોંચવા દેવામાં ન આવી રહ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

    આમ આદમી પાર્ટી તરફથી એક વિડીયો ટ્વીટ કરીને કહેવામાં આવ્યું કે, “ભરૂચ જિલ્લામાં આયોજિત આદિવાસી સંમેલનમાં ભાગ લેવા જઈ રહેલા ‘આપ’ પ્રદેશ નેતા અને કાર્યકર્તાઓના વાહનોને તાનાશાહ સરકારના ઇશારે અટકાવવામાં આવી રહ્યા છે જેથી તેઓ સમયસર સભાસ્થળે પહોંચી ન શકે.”

    જોકે, આ વિડીયો સોશિયલ મીડિયા પર ફરતો થતાં ભરૂચ જિલ્લા પોલીસે સ્પષ્ટતા કરી હતી અને જણાવ્યું હતું કે જે વિડીયો શેર કરવામાં આવ્યો તે બનાવ સુરતનો હતો.

    ભરૂચ પોલીસે કહ્યું, સદર માહિતી તદ્દન ખોટી રીતે દર્શાવવામાં આવેલ છે. આ બનાવ સુરતનો છે જેમાં VIP સિક્યોરિટી દરમિયાન કાફલામાં કેટલાક લોકો ઘૂસવા માંગતા હતા તેમને સુરક્ષાના ભાગરૂપે પોલીસ દ્વારા બંદોબસ્તના ભાગરૂપે રોકવામાં આવ્યા હતા.

    કેજરીવાલે સીઆર પાટીલ વિશે ટિપ્પણી કરી, પાટીલે કહ્યું- કેજરીવાલ રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી

    બીજી તરફ, આજે ગુજરાત આવેલા આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે સીઆર પાટીલ વિશે ટિપ્પણી કરી હતી. સીઆર પાટિલને લઈને તેમણે ટ્વીટ કર્યું હતું કે, મહારાષ્ટ્રના સીઆર પાટીલ ગુજરાત ભાજપના અધ્યક્ષ છે. ભાજપને પોતાનો અધ્યક્ષ બનાવવા માટે એકપણ ગુજરાતી ન મળ્યો? લોકો કહે છે કે તેઓ માત્ર અધ્યક્ષ જ નથી પરંતુ સરકાર પણ તેઓ જ ચલાવે છે. સાચા સીએમ તેઓ જ છે. આ ગુજરાતના લોકોનું ઘોર અપમાન છે. ભાજપવાળા, ગુજરાતને ગુજરાતી અધ્યક્ષ આપો.

    જોકે, જેના જવાબમાં સીઆર પાટીલે ટ્વીટ કરીને કહ્યું હતું, ખાલિસ્તાની માનસિકતા ધરાવતા લોકોને પોતાની પાર્ટીમાં જવાબદારી આપતા અને ખાલીસ્તાનની માંગણી કરવી એ બંધારણીય અધિકાર છે એવું માનતા અરવિંદ કેજરીવાલ આ દેશની સુરક્ષા માટે ખતરારૂપ છે.

    રામનવમીના દિવસે ખંભાતમાં પથ્થરમારો કરનારા વધુ 8 પકડાયા : અબ્દુલ, અલ્તાફ, મોહમ્મદ, આસિફ, અલ્ફાજની ધરપકડ

    ગત 10 એપ્રિલે રામનવમીના રોજ રાજ્યના ખંભાત અને હિંમતનગરમાં મુસ્લિમ બહુમતી વિસ્તારોમાંથી પસાર થતી શોભાયાત્રા પર પથ્થરમારો અને હિંસાની ઘટનાઓ બની હતી. જે બાદ પોલીસે ખંભાત હિંસા મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. હવે ખંભાતમાં થયેલી હિંસા મામલે વધુ આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

    પકડાયેલા આરોપીઓની ઓળખ અબ્દુલમુનાફ નુરમહમદ મલેક, બાબુભાઈ ઉર્ફે ડાલ અબ્દુલકદર મલેક, અલ્લારખા કાળુભાઈ શેખ, અલ્તાફખાન કાળુખાન પઠાણ, આલ્ફાજહુસેન ઉર્ફે અલ્લુ અકબરહુસેન મલેક, ઉદાય્ત સલીમ મલેક, મોહમ્મદ અસપાક સીદીક મલેક અને આસિફ ઉસ્માન મલેક તરીકે થઇ છે. આ તમામની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

    ખંભાતના શક્કરપુરા વિસ્તારમાં રામનવમીના દિવસે પ્રભુ શ્રીરામની શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ખંભાત હિંસા અને પથ્થરમારાની ઘટનામાં એક હિંદુ વ્યક્તિનું મૃત્યુ પણ થયું હતું. જે બાદ પોલીસે ફરિયાદ નોંધીને મુખ્ય આરોપીઓને ઝડપી લીધા હતા. પરંતુ ઘટના બાદ પોલીસ તપાસ શરૂ થતાં ઘણા આરોપીઓ ભાગી છૂટ્યા હતા. પરંતુ પોલીસ હવે તેમના સુધી પણ પહોંચી ગઈ છે. આ આઠ આરોપીઓની ધરપકડ સાથે ખંભાત હિંસામાં પકડાયેલા આરોપીઓની સંખ્યા કુલ 35 પર પહોંચી છે.

    તસવીર ઓપઇન્ડિયા હિંદી

    ખંભાત હિંસાની તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો કરવાનું કાવતરું અગાઉથી ઘડવામાં આવ્યું હતું. એક રિપોર્ટમાં સામે આવ્યું હતું કે, હિંસા પૂર્વનિયોજિત હતી અને શાંતિ ડહોળવા માટે મૌલવીઓએ બહારથી તોફાની તત્વોને બોલાવ્યા હતા.

    રિપોર્ટ્સ અનુસાર, શોભાયાત્રા દરમિયાન પહેલાં પથ્થરમારો કરવામાં આવ્યો અને ત્યારબાદ દુકાનોમાં આગ લગાડી દેવામાં આવી હતી. ખંભાત હિંસામાં પકડાયેલા ત્રણ મૌલવીઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે શોભાયાત્રામાં તોફાન કરવા માટે તેમણે પહેલેથી જ યોજના બનાવી રાખી હતી અને મૌલવીઓએ આ માટે ભરૂચ અને અમદાવાદથી લોકોને બોલાવ્યા હતા અને તેમના રહેવા-જમવાની વ્યવસ્થા કરી હતી. આ માટે વિદેશથી ફન્ડિંગ પણ થયું હોવાના સમાચારો મળ્યા હતા.

    શોભાયાત્રાને જે દિવસે અનુમતિ મળી હતી એ જ દિવસે તેમાં ધમાલ અને હિંસા કરવાનું કાવતરું રચવામાં આવ્યું હતું. આ માટે આરોપીઓએ શોભાયાત્રા પહેલાં જ ઈંટ, પથ્થર, દંડા વગેરે જેવાં હથિયારો એકઠાં કરી રાખ્યાં હતાં. બીજા દિવસે જ્યારે શોભાયાત્રા મસ્જિદ પાસેથી નીકળી ત્યારે પથ્થરમારો શરૂ થઇ ગયો હતો. અચાનક થયેલા પથ્થરમારામાં અનેક લોકો ઈજાગ્રસ્ત થઇ ગયા હતા. આ ઉપરાંત સાતથી આઠ દુકાનોમાં આગ પણ લગાવી દેવામાં આવી હતી. આ જ પ્રકારની ઘટના હિંમતનગરમાં પણ સામે આવી હતી.

    ઇડીની મોટી કાર્યવાહી, Xiaomi ના પાંચ હજાર કરોડ રૂપિયા જપ્ત : રોયલ્ટીના નામે ચીનને ફાયદો પહોંચાડવાનો આરોપ

    પ્રવર્તન નિદેશાલયે (ED) ચીની સ્માર્ટફોન કંપની શાઓમી વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. ઈડીએ ચીની કંપની સબંધિત બેંક ખાતાઓમાં જમા કરવામાં આવેલ પાંચ હજાર કરોડથી વધુ રકમ જપ્ત કરી છે. Xiaomi વિરુદ્ધ ઇડીની કાર્યવાહી વિદેશી પ્રબંધન અધિનિયમ 1999 હેઠળ કરવામાં આવી છે.

    ઇડીએ આ મામલે ફેબ્રુઆરીમાં તપાસ શરૂ કરી હતી. જે શાઓમી ટેકનોલોજી ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવેલ ગેરકાયદે લેવડદેવડ સબંધિત હતી. જે બાદ આ મહિનાની શરૂઆતમાં જાણકારી મળી હતી કે એજન્સીએ તપાસ માટે કંપનીના એક પૂર્વ ભારતીય પ્રમુખને પણ બોલાવ્યા હતા.

    બીજી તરફ, Xiaomi વિરુદ્ધ ઇડીની કાર્યવાહી બાદ કંપનીએ બચાવ કર્યો છે. કંપનીનું કહેવું છે કે તેઓ તમામ ભારતીય કાયદાઓનું પાલન કરે છે અને તમામ નિયમો પણ સંપૂર્ણપણે પાળે છે. કંપનીએ કહ્યું, અધિકારીઓને તમામ જાણકારીઓ મળી શકે તે માટે અમે તમામ શક્ય મદદ કરી રહ્યા છીએ.

    ઉલ્લેખનીય છે કે Xiaomi કંપનીનો ભારતીય સ્માર્ટ ફોન માર્કેટમાં 24 ટકા હિસ્સો છે. 2021 માં આ કંપનીના ફોન ભારતમાં સૌથી વધુ વેચાતા ફોનમાંના એક હતા. કંપનીએ વર્ષ 2014માં ભારતમાં પોતાની સ્થાપના કરી હતી અને વર્ષ 2015થી પૈસાની લેવડદેવડ શરૂ કરી હતી. રિપોર્ટ અનુસાર, કંપનીએ આ સમયગાળા દરમિયાન Xiaomiના એક જૂથ એકમ સહિત ત્રણ વિદેશી આધારિત સંસ્થાઓને રૂ. 5551.27 કરોડનું વિદેશી હૂંડિયામણ મોકલ્યું હતું. આ ઉપરાંત અન્ય બે યુએસ સંસ્થાઓ પણ સામેલ છે.

    EDએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે Xiaomi India Mobile એ પોતાના ફોનના ઉત્પાદન અને વિતરણ સુધીની જવાબદારી પોતે જ સંભાળી હતી અને તેમણે આ ત્રણ વિદેશી કંપનીઓ પાસેથી ક્યારેય કોઈ સેવા લીધી નથી. પરંતુ કોઈ પણ પ્રકારની સેવા ન કરવા છતાં આ કંપનીઓને ચૂકવણી કરવાનું ચાલુ રાખ્યું. કંપનીએ રોયલ્ટીના નામે વિદેશી સંસ્થાઓને આટલી મોટી રકમ મોકલી, જે ફેમાની કલમ 4નું સીધું ઉલ્લંઘન છે. EDએ આરોપ લગાવ્યો છે કે વિદેશમાં પૈસા મોકલવા અંગે બેંકોને પણ ખોટી માહિતી આપવામાં આવી હતી.

    ઑપઇન્ડિયા ગુજરાતીમાં શા માટે?

    મારો જન્મ, શિક્ષણ અને મોટા ભાગનું જીવન અમદાવાદ, ગુજરાતમાં વીત્યું છે. નાનપણથી મારા પપ્પાએ મને છાપાં વાંચવાની આદત પડાવી, કે દેશ-દુનિયામાં શું થઇ રહ્યું છે તે મારે જાણવું જોઈએ. નાની હતી ત્યારે તો બહુ ખબર નહોતી પડતી, પણ જેમ જેમ મોટી થઇ તેમ લાગ્યું કે હું જે જોઉં છું અને જે છાપાંમાં છપાય છે તેમાં ઘણું અંતર છે.

    આ હકીકત સૌ પ્રથમ મેં 2002ના કોમી રમખણોમાં અનુભવી. ગુજરાતી ભાષાના સમાચાર પત્રો, જે વાંચીને સવાર પડે તેમાં ફક્ત અને ફક્ત પાનાંઓ ભરીને ફોટા છપાતા હતા કે જુઓ, આ નરેન્દ્ર મોદીના રાજમાં સમુદાય વિશેષના લોકોને મારવામાં આવે છે. જયારે ગોધરામાં કારસેવકોને જીવતા સળગાવામાં આવ્યા હતા તેનો કશે ઉલ્લેખ પણ ન હતો. ન તો ગોધરામાં 60 હિન્દુઓને જીવતા સળગાવવાને વ્યાજબી ગણી શકાય કે ન તો તેના પછી ફાટી નીકળેલા કોમી રમખાણોને. પણ રમખાણોમાં જે મૃત્યુ પામ્યા તે જયારે તેમના ધર્મના નામે ઓળખાવા લાગ્યા ત્યારે તેની પાછળનું પોલિટિક્સ સમજાયું. અહીંયા માનવ જીવનું મહત્વ નહિ, એની પાછળના વોટનું મહત્વ છે .

    ધીરે ધીરે આ ‘બાયસ’ વધુ ધ્યાનથી દેખાવા મંડ્યો. મોદી વિરુદ્ધ બનતા બનતા અમુક લોકો દેશ વિરુદ્ધ બની ગયા. મિડિયા સંપાદકોના અંગત વિચાર સમાચાર બની હેડલાઈન બની ગયા અને ઉદ્દેશ્ય ક્યાંય ખોવાઈ ગયો.

    નિરપેક્ષ મીડિયા જેવું કઈ નથી તે પણ સમજાયું.

    તે વાતને વીસ વર્ષ થયા. ઘણો સમય વીત્યો, ઘણું શીખ્યું, જાણ્યું અને સમજ્યું.

    અમે નથી કહેતા કે અમે ‘ન્યુટ્રલ’ છીએ. અમે દેશ, ધર્મ માટે બોલીયે છીએ. જ્યાં દેશ અને હિન્દુ હિતની વાત આવશે ત્યાં અમે ડર્યા વગર ઉભા રહીશું.

    એક ‘મિસિંગ સ્પેસ’ છે ગુજરાતી મીડિયામાં, જ્યાં ઘોંઘાટ વચ્ચે અમે એક સ્પષ્ટ રાષ્ટ્રવાદી અવાજ બની આવી રહ્યા છીએ. ‘ન્યુટ્રલ’ મિડિયાના બાયસની સામે પડવા અને દેશ વિરોધી તત્વોને ખુલ્લા કરવા અમે આવી રહ્યા છીએ.

    તમારા સાથ અને સહકાર ની અપેક્ષા છે, અને તેના બદલ ખૂબ ખૂબ આભાર.

    ઇન્દિરા ગાંધીએ શ્રીલંકાને ભેટમાં આપી દીધો હતો દ્વીપ, હવે પરત લેવાની માંગ; જાણો ભારત માટે કેમ મહત્વનો

    પાડોશી દેશ શ્રીલંકા હાલ સંકટમાં છે. આમ તો ભારત અને શ્રીલંકાના સબંધો સદીઓ જૂના છે પરંતુ હાલ એક એવા ટાપુની ચર્ચા થઇ રહી છે જેને ભારતે શ્રીલંકાને ભેટ સ્વરૂપે આપ્યો હતો. પરંતુ આ દ્વીપ ઘણી સમસ્યાઓનું કારણ બની ગયો છે અને હવે તેને પરત લેવા માટેની માંગ ઉઠી છે. ભારતે શ્રીલંકાને ભેટમાં આપેલા આ ટાપુનું નામ કચ્ચાતીવુ છે. જે ભારતના રામેશ્વરમ પાસે બંને દેશોની સરહદ વચ્ચે આવેલો છે. પરંપરાગત રીતે તમિલનાડુ અને શ્રીલંકાના તમિલ માછીમારો તેનો ઉપયોગ કરતા આવ્યા છે. વર્ષ 1974 માં તત્કાલીન ભારતીય વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીએ એક સમજૂતીના ભાગરૂપે આ દ્વીપ શ્રીલંકાને આપી દીધો હતો.

    1974 માં ઇન્દિરા ગાંધીએ શ્રીલંકન રાષ્ટ્રપતિ શ્રીમાવો ભંડારનાયકે સાથે એક સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા અને ત્યારથી ટાપુ શ્રીલંકાના કબજે થઇ ગયો હતો. કચ્ચાતીવુ દ્વીપ શ્રીલંકાને અપાયાના થોડાં વર્ષોમાં જ ભારતમાં આ ટાપુ પરત લેવાની માંગ શરૂ થઇ ગઈ હતી. વર્ષ 1991 માં તમિલનાડુ વિધાનસભાએ એક પ્રસ્તાવ પારિત કર્યો હતો અને દ્વીપ પરત લેવાની માંગ કરી હતી. જે બાદ વર્ષ 2008 માં પણ આ મુદ્દો ચર્ચામાં આવ્યો હતો, જ્યારે તમિલનાડુનાં તત્કાલીન મુખ્યમંત્રી જયલલિતાએ સુપ્રીમ કોર્ટમાં આ મામલાને પડકારી આ દ્વીપને લઈને થયેલ સમજૂતી અમાન્ય ઠેરવવાની અપીલ કરી હતી.

    કચ્ચાતીવુ દ્વીપ સમુદ્રકિનારેથી દૂર આવેલ એક નિર્જન ટાપુ છે. 14મી સદીમાં થયેલા એક જ્વાળામુખી વિસ્ફોટ બાદ દ્વીપ બન્યો હોવાનું જાણવા મળે છે. બ્રિટીશ શાસન દરમિયાન આ દ્વીપનો ઉપયોગ ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે કરતા હતા. 1921 માં બંને દેશોએ દ્વીપ પર દાવો કર્યા બાદ વિવાદ વણઉકેલ્યો રહ્યો હતો.

    તસવીર સાભાર : The times of Update

    દરમ્યાન, બંને દેશોના માછીમારો એકબીજાના જળવિસ્તારમાંથી માછલી પકડવાનું કામ કરતા રહ્યા હતા પરંતુ વર્ષ 1974-76 માં બંને દેશોએ સમુદ્રી સીમા સમજૂતી પર હસ્તાક્ષર કર્યા ત્યારે બંને દેશો વચ્ચે આંતરરાષ્ટ્રીય સમુદ્ર સીમા નક્કી કરવામાં આવી.

    આ સમજૂતી બાદ ભારતીય માછીમારોને માત્ર દ્વીપ પર આરામ કરવા, નેટ સૂકવવા અને વાર્ષિક સેન્ટ એન્થોની ફેસ્ટીવલ માટે જ જવાની પરવાનગી આપવામાં આવતી હતી. તેમને દ્વીપ પર માછલી પકડવાની અનુમતિ ન હતી. જોકે, ત્યારબાદ પણ ભારતીય માછીમારો માછલી પકડવા માટે શ્રીલંકાની સમુદ્રસીમામાં જતા રહેતા હતા.

    થોડાં વર્ષો સામાન્ય પરિસ્થિતિ રહ્યા બાદ વર્ષ 2009 માં શ્રીલંકાએ સમુદ્ર સીમાની સુરક્ષામાં વધારો કરી દીધો. જેનો ઉદ્દેશ્ય એ હતો કે તમિલ વિદ્રોહી તેમના દેશમાં પરત ન જઈ શકે. 2010 માં યુદ્ધ ખતમ થયા બાદ શ્રીલંકન માછીમારો આ ક્ષેત્રમાં ફરી આવવા લાગ્યા અને દ્વીપ પર દાવો ઠોકી દીધો હતો.

    આ વર્ષની શરૂઆતમાં જ રામેશ્વરમના માછીમારો પર કચ્ચાતીવુ ટાપુ નજીક શ્રીલંકન નેવી દ્વારા હુમલો થવાની ઘટના બની હતી. માછીમારોએ જણાવ્યું હતું કે તેઓ આ ક્ષેત્રમાં માછીમારી કરી રહ્યા હતા ત્યારે શ્રીલંકન નેવીની પેટ્રોલ બોટ દ્વારા તેમની ઉપર જાણીજોઈને હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ તેમની એક બોટ નાશ પામી હતી અને માછીમારો સમુદ્રમાં પડી ગયા હતા. જોકે, તેમના સાથી માછીમારોએ તેમને બચાવી લીધા હતા.

    આવી અનેક ઘટનાઓ બાદ કચ્ચાતીવુ દ્વીપ ફરીથી મેળવવા માટેની માંગ શરૂ થઇ ગઈ છે. તમિલનાડુ સરકારે કહ્યું કે, કચ્ચાતીવુ દ્વીપ પર ફરીથી ભારતનું સાર્વભૌમત્વ પુનઃસ્થાપિત કરવું એ જ આ કાયમી સમસ્યાનો ઉકેલ હશે. તમિલનાડુના મુખ્યમંત્રીએ ગત વર્ષે જૂન મહિનામાં તેમજ આ વર્ષે એપ્રિલ મહિનામાં પીએમ મોદીને મળીને કચ્ચાતીવુ ટાપુ પુનઃ કબજે કરવા સંદર્ભે બે મેમોરેન્ડમ સુપરત કર્યા હતા. જેમાં તમિલનાડુના માછીમારોને થતાં નુકસાન અને સમસ્યાઓની વાત કરવામાં આવી હતી.

    વિદેશ મંત્રાલયની વેબસાઈટ અનુસાર, ભારત અને શ્રીલંકા વચ્ચે વર્ષ 1974 અને 1976 માં થયેલ સમજૂતી હેઠળ આ દ્વીપ શ્રીલંકાના હિસ્સામાં આવે છે. આ મામલે હાલ સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. શ્રીલંકાએ ભારતીયોને કોઈ પણ વિઝા વગર ધાર્મિક કારણોસર આ દ્વીપ પર આવવાની મંજૂરી આપી છે.

    ભરૂચ ધર્માંતરણ કેસમાં વધુ ચાર આરોપીઓ પકડાયા : અબ્દુલ, શબ્બીર, હસન અને ઈસ્માઈલની ધરપકડ

    ભરૂચ જિલ્લાના કાંકરિયા ગામના બહુચર્ચિત ધર્માંતરણ કેસ મામલે પોલીસે વધુ ચાર વ્યક્તિઓની ધરપકડ કરી છે. આ આરોપીઓ વિરુદ્ધ આદિવાસીઓને પૈસા, કપડાં, દવા વગેરેની લાલચ આપી ધર્માંતરણ કરાવવાનો આરોપ લાગ્યો છે. આ ચાર આરોપીઓની ધરપકડ સાથે આ ભરૂચ ધર્માંતરણ કેસ મામલે પકડાયેલા લોકોની કુલ સંખ્યા 14 પર પહોંચી છે.

    પકડાયેલા આરોપીઓની ઓળખ અબ્દુલ સમદ દાઉદ પટેલ, શાબિર ઉર્ફે શબ્બીર દાઉદ પટેલ, હસન ઈસા ઇબ્રાહિમ પટેલ અને ઈસ્માઈલ યાકુબ મુસા પટેલ ડેલાવાલા તરીકે થઇ છે. પોલીસે જણાવ્યું હતું કે આ તમામના 14 દિવસના રિમાન્ડ મેળવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

    બીજી તરફ, ભરૂચ ધર્માંતરણ કેસ મામલે પકડાયેલા આઠ આરોપીઓની જામીન અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સરકાર તરફથી આ કેસને લગતાં કેટલાંક તથ્યો રજૂ કરીને આરોપીઓની જામીન અરજીનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ધર્મ પરિવર્તન કરાવનારા આરોપીઓ સામે કેસ લડતા પબ્લિક પ્રોસીકયુટરને ધમકીભર્યા ફોન કરવામાં આવી રહ્યા હોવાની વિગતો પણ સામે આવી હતી. જે બાદ તેમને પોલીસ રક્ષણ આપવા માટેની માંગ કરવામાં આવી છે.

    સરકારે કોર્ટ સમક્ષ મૂકેલી વિગતો અનુસાર, ધર્મ પરિવર્તન કરાવવા માટે અલગ-અલગ દેશોમાંથી 89 લાખ રૂપિયા જેટલું ફંડ મૌલવીને આપવામાં આવ્યું હતું. ઉપરાંત, અનાજ, ઘરવખરી, ફર્નિચર અને રોકડ વગેરેના પ્રલોભનો પણ અપાયાં હોવાના પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ ધર્મ પરિવર્તન બાદ ફરીથી હિંદુ ધર્મમાં ઘરવાપસી કરવાની ઈચ્છા વ્યક્ત કરનારાઓને જાનથી મારી નાંખવાની ધમકી અપાઈ હોવાનું પણ ખુલ્યું હતું.

    આ કેસ વર્ષ 2021 માં સામે આવ્યો હતો. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં કાંકરિયા ગામમાંથી પ્રવીણ વસાવા નામના વ્યક્તિએ હિંદુ આદિવાસીઓના ગેરકાયદે ધર્માંતરણ મામલે ફરિયાદ દાખલ કરી હતી. જે બાદ આમોદ પોલીસે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમના ખંડ 4 અને આઈપીસીની ધારા 120 (b), 153 (b) અને 506 (2) હેઠળ કેસ દાખલ કર્યો હતો.

    પ્રાપ્ત વિગતો અનુસાર, ઇસ્લામ અપનાવવા માટે આદિવાસીઓને ઘર અને રોકડા પૈસા વગેરેની લાલચ આપવામાં આવી હતી. આ કેસમાં 37 પરિવારના કુલ 100 થી વધુ લોકોએ ગેરકાયદે ધર્મપરિવર્તન કર્યું હોવાની વિગતો સામે આવી હતી. તેમજ આ માટે ભરૂચ જિલ્લા કલેક્ટર પાસેથી કોઈ પરવાનગી પણ લેવામાં આવી ન હતી. તેમજ ધર્મ પરિવર્તન માટે વિદેશથી ફન્ડિંગ પણ થયું હોવાનું ખૂલ્યું હતું.

    આ પહેલાં, ભરૂચ પોલીસે કાર્યવાહી કરતાં 10 વ્યક્તિઓની ધરપકડ કરી લીધી હતી. આરોપીઓએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તેમને વિદેશમાંથી 14 લાખ રૂપિયા ફન્ડિંગ સ્વરૂપે મળ્યા હતા અને જેમાંથી 7 લાખ રૂપિયા બહરીનના ઈસ્માઈલ નામના વ્યક્તિ પાસેથી આવ્યા હતા.

    એ પણ નોંધવું જોઈએ કે, ગત ચોથી એપ્રિલના રોજ ધર્માંતરણ કેસમાં પકડાયેલા અબ્દુલ વહાબ મહમૂદ નામના એક ઇસ્લામી મૌલવીના આગોતરા જામીન ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધા હતા. આરોપી મહમૂદે ભરૂચના આમોદ પોલીસ સ્ટેશનમાં ગત વર્ષે નવેમ્બરમાં નોંધાયેલી એક એફઆઈઆર મામલે આગોતરા જામીન માગ્યા હતા.