Tuesday, November 12, 2024
More
    હોમપેજસ્પેશ્યલ‘પથ્થર ખાવાથી વૃક્ષ પણ ફળો આપે છે, હું તો 1800 પાદરનો ધણી...

    ‘પથ્થર ખાવાથી વૃક્ષ પણ ફળો આપે છે, હું તો 1800 પાદરનો ધણી છું’: વાત મહારાજા કૃષ્ણકુમારસિંહજીના જીવનના અમુક પ્રસંગોની, જેનું સ્મરણ આજે પણ કરે છે ભાવનગર

    મહારાજા કૃષ્ણકુમારસિંહજીની જન્મજયંતી નિમિત્તે પ્રકાશિત લેખમાળાના બીજા અને અંતિમ ભાગમાં વાંચો તેમના જીવન સાથે સંકળાયેલા અમુક પ્રસંગો વિશે.

    - Advertisement -

    ગુજરાતના રાજવીઓમાં જેમનું નામ આદરપૂર્વક લેવાય છે એવા ભાવનગર સ્ટેટના અંતિમ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલની આજે જન્મજયંતી. 19 મે, 1912ના રોજ તેમનો જન્મ. 1931માં તેમણે શાસન સંભાળ્યું અને છેક 1947માં રાજ્યનું વિલીનીકરણ કર્યું ત્યાં સુધી રાજ કર્યું. સ્વતંત્રતા બાદ જ્યારે અખંડ ભારતના નિર્માણ માટે રજવાડાં આપવાની વાત આવી ત્યારે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર 1800 પાદર અર્પણ કરી દીધાં. આવા ત્યાગ અને સમર્પણ માટે આજે પણ ભાવનગરની પ્રજા પોતાના મહારાજાને યાદ કરે છે. 

    લેખશ્રેણીના પ્રથમ ભાગમાં આપણે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલના જીવન વિશે અને કઈ રીતે તેમણે ભાવનગર રાજ્ય અર્પણ કરી દીધું હતું તે વિશે જાણ્યું. હવે આ ભાગમાં તેમના જીવનના અમુક કિસ્સાઓ અને પ્રસંગો જાણીએ. તેમના જીવનના અમુક કિસ્સાઓ એવા છે, જેનાથી તેઓ ખરા અર્થમાં ‘પ્રજાવત્સલ રાજવી’ તરીકે ઓળખાયા. 

    ખેડૂતે ખોવાયેલા બળદની કરી ફરિયાદ

    ‘પ્રજાવત્સલ રાજવી’ના નામથી કૃષ્ણકુમારસિંહનું જીવનચરિત્ર લખનારા તથા ભાવનગરની શામળદાસ કૉલેજના પૂર્વ પ્રિન્સિપાલ ડૉ. ગંભીરસિંહ ગોહિલે પુસ્તકમાં એક ઘટનાનું વર્ણન કર્યું છે. તેઓ લખે છે કે,  ‘ભાવનગરના ટાણા ગામના એક વ્યક્તિ ઝવેર પટેલના 2 બળદ એક વખત ચોરાઈ ગયા. આ 1947 પછીની વાત છે. એટલે લોકોએ તેમને સલાહ આપી કે તેઓ પોલીસ પાસે જાય, પણ ઝવેરભાઈ મહારાજા પાસે ફરિયાદ લઈને જવાની જીદ કરતા હતા. પરંતુ સમસ્યા એ હતી કે કૃષ્ણકુમારસિંહજી ત્યારે મદ્રાસના ગવર્નર હતા. 

    - Advertisement -

    ઝવેરભાઈએ પછીથી મદ્રાસ જવાનું નક્કી કર્યું. મદ્રાસ કેવી રીતે જવાય તેના વિશે માહિતી મેળવીને આજુબાજુમાંથી નાણાં એકઠાં કરીને જેમ-તેમ કરીને મદ્રાસમાં રાજ્યપાલના નિવાસસ્થાને પહોંચ્યા. પણ ત્યાં સુરક્ષાકર્મીઓએ તેમને રાજ્યપાલને મળતા અટકાવી દીધા. પણ ઝવેર પટેલ હિંમત હાર્યા નહીં અને રાજભવનના દરવાજે વાટ જોવા માંડ્યા. દરમ્યાન, કોઈક કામ માટે બહાર નીકળતી વખતે કૃષ્ણકુમારસિંહજી પહેરવેશ તથા જૂની ઓળખાણને કારણે ઝવેરભાઈને ઓળખી ગયા. તેમણે કાફલો અટકાવ્યો. ઝવેરભાઈએ તેમને ફરિયાદ કરવા માટે આવ્યા હોવાનું જણાવ્યું. કૃષ્ણકુમારસિંહે તેમના સ્ટાફને ઝવેરભાઈને જમાડવાની તથા રહેવાની વ્યવસ્થા કરી આપવાની સૂચના આપી અને સાંજે મળવાનું કહીને નીકળી ગયા.’

    ‘સાંજે આવીને તેમણે ઝવેરભાઈની સાથે વાત આરંભી ત્યારે કૃષ્ણકુમારસિંહે પૂછ્યું, ‘બળદની ચોરી કેવી રીતે થઈ?’ ત્યારે ઝવેરભાઈએ જવાબ આપ્યો, ‘હું સૂતો હતો.’ ત્યારે મહારાજા સાહેબે મજાકમાં કહ્યું, “પટેલ, હું તો જાગતો હતો અને 900 ગામનું રાજ જતું રહ્યું.” કૃષ્ણકુમારે ભાવનગરના આંગતુકને ત્રણ દિવસ મદ્રાસ રોક્યા અને ડ્રાઇવર મારફત મદ્રાસ ફેરવ્યા. પરત ફરતી વખતે મહારાજા સાહેબે ઉદાર હ્રદય સાથે ખેડૂતને બળદની જોડીના પૈસા પણ આપ્યા. તે સમયે તો તેઓ રાજા પણ નહોતા, છતાં તેમનો પ્રજા પ્રત્યેનો આવો પ્રેમ આજે પણ તેમની યાદ અપાવે છે.

    લેટિન અમેરિકામાં ‘શ્વેતક્રાંતિ’ અને બ્રાઝિલની સંસદ સામે કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમા

    માસિક માત્ર રૂપિયા એકના પગારથી રાજ્યપાલ તરીકે કામ કર્યા બાદ કૃષ્ણકુમારસિંહ ભાવનગર પરત આવી ગયા અને કૃષિ તથા પશુપાલન ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. આવા સમયમાં બ્રાઝિલથી સેલ્સો ગ્રૅસિયા સીડ નામનો વેપારી ભારત આવ્યા હતા. સીડ મૂળે બસસેવા ચલાવતા. કંઈક નવું કરવાના વિચારથી તેમણે વિશ્વના અલગ-અલગ દેશોમાંથી ઉચ્ચ નસલની ગાયોને બ્રાઝિલ લાવીને ત્યાં ઉછેરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમાં સફળતા ન મળી.

    ડૉ. ગોહિલે તેમના પુસ્તકમાં લખ્યું કે, “આ બધાની વચ્ચે તેનું ભારતમાં આગમન થયું. કોઈકે તેને ગીર ગાય વિશે જણાવ્યું અને ભાવનગરના પૂર્વ રાજવી કૃષ્ણકુમારસિંહને મળવા માટે કહ્યું. મહારાજાની વ્યક્તિગત ગૌશાળાએ સીડ પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે દરેક ગાયનું નામ, જન્મ તથા અન્ય વિવરણ નોંધાયેલાં હતાં. આ બધું જાણીને તેને ખૂબ ખુશી થઈ.” સીડે ગૌશાળાના સંચાલક સમક્ષ કૃષ્ણા નામના ધણખૂંટ (નંદી) તથા અન્ય ગાયોને ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો. પરંતુ સંચાલકને લાગ્યું કે, આ વિદેશીઓ ગૌમાંસ ખાનારા છે અને ગાયો અમારે માટે માતા સમાન અને પૂજનીય હોવાથી તેને સાચવી નહીં શકે. સીડે તેમને વિશ્વાસ અપાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ સંચાલકને વિશ્વાસ ન બેઠો. સીડની કૃષ્ણકુમારસિંહ સાથે મુલાકાત બાદ સોદો નક્કી થયો.

    ભાવનગર રાજ્યથી ગાયોનું ધણ બ્રાઝિલ જવા રવાના

    મદ્રાસના દરિયા અને રાતા સમુદ્રના માર્ગે ધણખૂંટ કૃષ્ણા તથા અન્ય ગાયોને બ્રાઝિલ મોકલવામાં આવ્યાં. જ્યાં ગીર ગાયને દેશમાં લાવવા માટે સીડે પોતાના જ દેશની સરકાર સાથે કાયદાકીય લડાઈ લડવી પડી અને મહામહેનતે તેમને મંજૂરી મળી. ત્યાં ગીર ગાયો અને કૃષ્નાનું અન્ય ગાયો સાથે ક્રૉસ બ્રિડિંગ થયું અને ‘ઝેબુ’ નામની જાત અસ્તિત્વમાં આવી. બ્રાઝિલમાં શ્વેતક્રાંતિ આવી. આજે બ્રાઝિલના કુલ ઉત્પાદનનું 80 ટકા આ ગાયોમાંથી થાય છે.

    ડૉ. ગોહિલ લખે છે, “અમુક વર્ષો બાદ મહારાજા કૃષ્ણકુમારસિંહ યુરોપના પ્રવાસે ગયાનું જાણીને સીડે તેમનો સંપર્ક સાધીને તેમને બ્રાઝિલ આવવાનું આમંત્રણ આપ્યું હતું. તેઓ પહોંચ્યા અને ફાર્મની મુલાકાત લીધી.” ગોહિલે વધુમાં લખ્યું કે, “ગાયોની સાચવણ વિશે કૃષ્ણકુમારસિંહે સંતોષ વ્યક્ત કર્યો. ત્યાંના રાજ્યપાલે જમીન તથા અન્ય વ્યવસ્થા કરીને માર્ગદર્શન માટે રોકાવા માટે કૃષ્ણકુમારજીને આમંત્રણ આપ્યું. આજે બ્રાઝિલ ઉપરાંત ઉરુગ્વે તથા અન્ય નવ દેશોમાં ગીર ગાયે ક્રાંતિ લાવી છે.”

    મહારાજા કૃષ્ણકુમારસિંહજી સાથે સીડ અને ધણખૂંટ કૃષ્ણા

    કૃતજ્ઞ થયેલા બ્રાઝિલિયનો દ્વારા દેશની સંસદની સામે મહારાજા કૃષ્ણકુમારસિંહની પ્રતિમા મૂકવામાં આવી છે. એક તબક્કે ગુજરાતમાં ગીર ગાયની ઘટતી સંખ્યાને ફરીથી વધારવા માટે બ્રાઝિલથી વીર્ય તથા અંડ મંગાવવાની ચર્ચા થઈ હતી. બ્રાઝિલમાં ધણખૂંટના નામના સિક્કા પણ બહાર પાડવામાં આવ્યા હતા.

    માનભાઈ ભટ્ટને દંડને બદલે અદકેરું દાન

    ભાવનગરના માનવસેવાના ભેખધારી માનભાઈ ભટ્ટની શિશુવિહાર સંસ્થાને ભાવનગર રાજ્ય તરફથી નોટીસ મળી કે, “આ જગ્યા તમે ગેરકાયદેસર પચાવી પાડી છે એટલે કાયદેસર પગલા લેવાશે.” આ વાત મહારાજા સુધી પહોંચી. ‘બાપુ, હું તો રાજયનું કામ કરુ છું’ કહીને માનભાઈ ભટ્ટે બધી વાત વિગતે સમજાવી, પરંતુ મહારાજાએ બધુ જોવાનો આગ્રહ રાખ્યો. તેઓ સ્થળ પર આવ્યા. પ્રવેશદ્વારે જ કેટલી જમીન દબાવી છે, તેનો શું દંડ કરાય, આગળ શું આયોજન વિચાર્યું છે. વગેરે જાણી લીધું. આ પછી ગંભીર મુદ્રામાં મહારાજાએ ટૂંકા પ્રવચનમાં કહ્યું, “માનશંકર અને તેના માણસોએ અહીં જે કામગીરી બજાવી છે, એથી મને આનંદ થયો છે. રાજ્યની પડતર જમીનનો આવો સરસ ઉપયોગ થયો છે તે જોઈ ભાવનગર રાજય ‘શિશુવિહાર’ને આ જમીન દાનમાં આપે છે અને આ માટે વધુ જમીન જોઈએ તો કાલે માનશંકર મને મળી જાય’’ આ પછી તો રાજયે શિશુવિહાર સંસ્થાને એટલી મોટી જગ્યા આપી કે તેની ફરતે વાડ કરવાના પૈસા પણ આ સંસ્થા પાસે ખૂટી પડ્યા.

    ‘એક વૃક્ષ પથ્થર ખાવાથી ફળ આપે, તો હું તો 1800 પાદરનો ધણી છું’

    આ સાથે એક કિસ્સો કાઠિયાવાડમાં ખૂબ પ્રસિદ્ધ છે. લોકકથામાં આ કિસ્સો આજે પણ સાંભળાવવામાં આવે છે. એક સમયે મહારાજા સાહેબ પોતાના વિદેશી મહેમાનો સાથે મહેલના બગીચામાં ખુરશી પર બેઠા હતા. તેઓ એક વૃક્ષના છાંયડે બેઠા હતા. બીજી તરફ બગીચાની બહાર એક રસ્તો હતો, ત્યાંથી એક માણસ ચાલ્યો જતો હતો. તેણે વૃક્ષ પર આવેલા ફળ જોયાં અને તેને ખાવાની ઈચ્છા થઈ. તરત જ તેણે હાથમાં પથ્થર લીધો અને જોરથી વૃક્ષ પર ફેંક્યો. તે પથ્થર વૃક્ષને અડીને સીધો મહારાજા સાહેબના મસ્તક પર પડ્યો.

    મહારાજા સાહેબ ઘાયલ થઈ ગયા અને લોહીની ધાર વહેતી થઈ ગઈ. સૈનિકોએ પણ મહારાજા સાહેબનો આવો હાલ જોઈને બહાર ઉભેલા માણસ સાથે ગેરવર્તણૂક કરવાનું શરૂ કર્યું અને મહારાજા સાહેબની સામે લાવીને તેને ઊભો રાખ્યો. સૈનિકોએ કહ્યું કે, ‘મહારાજા સાહેબ, હુકમ કરો. આને જેલવાસ કરીએ.” ત્યારે મહારાજા સાહેબે કહ્યું કે, “પહેલાં તો તેને તમે છોડી દો, તેને ખબર નહોતી કે, હું અહીં બેઠો છું.” મહારાજા સાહેબે પોતાનાં આભૂષણો કાઢ્યાં અને તે વ્યક્તિના હાથમાં મૂકીને કહ્યું કે, “જો એક વૃક્ષ પથ્થર ખાવાથી મીઠા ફળ આપતું હોય, તો હું તો 1800 પાદરનો ધણી છું.” આ ઘટના બાદ પેલો વ્યક્તિ મહારાજા સાહેબના પગમાં પડીને રુદન કરવા લાગ્યો.

    મહારાજા સાહેબની લોકચાહના આજે પણ અકબંધ

    મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રજામાં અપાર લોકચાહના ધરાવતા હતા. તેમના નામની આગળ માત્ર મહારાજા કે રાજવી નહીં પરંતુ ‘પ્રાતઃસ્મરણીય’ એવું બિરૂદ લગાડવામાં આવે છે. ભાવનગરના ગૌરીશંકર તળાવ એટલે કે બોરતળાવને મહારાજા કૃષ્ણકુમારસિંહજી અને સમગ્ર રાજવી પરિવારની અનમોલ ભેટ અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીની દીર્ઘદૃષ્ટિનો ઉમદા નમૂનો ગણવામાં આવે છે. ભાવનગરના રાજવી પરિવારે કોઈપણ નદી કે નાળા પર આધારિત નહીં પરંતુ માળનાથના ડુંગરામાંથી ભીકડા કેનાલ દ્વારા વરસાદી પાણી લાવીને ઉભુ કરેલું આ ગૌરીશંકર તળાવ તેની આ બાબત માટે તો અજોડ છે જ સાથે ભાવનગર માટે ગૌરવરૂપ પણ છે.

    સ્વતંત્રતા બાદ ઈ.સ. 1948માં મહારાજા કૃષ્ણકુમારસિંહજી નવા અસ્તિત્વમાં આવેલા મદ્રાસ રાજ્યના ગવર્નર તરીકે નિમાયા ત્યારે માસિક એક રૂપિયાનું પ્રતિક માનદ્દ વેતન સ્વીકારી પ્રજાસેવાનો અને ત્યાગનો ઉત્તમ દાખલો બેસાડયો હતો. બાળપણમાં જ માતાપિતા ગુમાવી ચૂકેલા મહારાજા એકાંતપ્રિય અને વિચારશીલ બન્યા હતા. કુશળ રાજનીતિજ્ઞ, અભ્યાસી અને દૂરંદેશી ધરાવનાર પ્રભાશંકર પટ્ટણી દ્વારા તેમનું ઘડતર થયું હતું. વિશાળ વાંચન, સરળ જીવન, કુદરતપ્રેમ અને સ્વતંત્ર દષ્ટિના કારણે ભારતના બદલાઈ રહેલા ઇતિહાસનાં પગરણ તેઓ ઓળખી શક્યા હતા. આવી દૂરંદેશી અને વાસ્તવની સમજ બહુ ઓછા રાજવીઓમાં હતી. આથી સૌરાષ્ટ્રના રાજવીઓમાં તો તેમનું વ્યક્તિત્વ અનેક રીતે જુદું પડતું હતું.

    આજે પણ મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રત્યે પ્રજાનો પ્રેમ અને આદર અકબંધ છે. ઘણીવાર તો ભાવનગરમાં મહારાજા સાહેબના નામના લીધે જ ઘણાં કાર્યો થઈ જાય છે. આજે કૃષ્ણકુમારસિંહજીની 112મી જન્મજયંતી છે. 1 સદી વીતી ગઈ, તેમણે શાસન છોડ્યું ને 7 દાયકાઓ વીતી ગયા પરંતુ આજે પણ તેમણે કરેલાં કાર્યો અને સેવાનું સ્મરણ કરવામાં આવે છે. ડાબેરી ઇતિહાસકારોએ ક્યારેય આવા રાજવીઓ અને તેમનાં કામોને પુસ્તકોનાં પાને ચડાવ્યાં નથી, એ દુર્ભાગ્ય જ કહેવાય. મહારાજા કૃષ્ણકુમારસિંહજીના સ્મરણ સાથે બે લેખોની આ શ્રેણી સમાપ્ત કરીએ.

    (સંપાદકીય નોંધ: મહારાજા કૃષ્ણકુમારસિંહજીની જન્મજયંતી પર પ્રકાશિત લેખમાળાનો આ બીજો અને અંતિમ લેખ છે. પ્રથમ ભાગ અહીં ક્લિક કરીને વાંચી શકાશે.)

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં