Monday, September 16, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજ્ઞાનવાપી મસ્જિદમાં વિડીયોગ્રાફી કરાવવાના કોર્ટના આદેશ સામે મુસ્લિમોની સમિતિનો વિરોધ, કહ્યું- વિડીયોગ્રાફી...

    જ્ઞાનવાપી મસ્જિદમાં વિડીયોગ્રાફી કરાવવાના કોર્ટના આદેશ સામે મુસ્લિમોની સમિતિનો વિરોધ, કહ્યું- વિડીયોગ્રાફી નહીં કરવા દઈએ, પરિણામો ભોગવવા તૈયાર

    અંજુમન ઇન્તેજામિયા મસ્જિદના સંયુક્ત સચિવ એસએમ યાસિને કહ્યું કે, અમે વિડીયોગ્રાફી અને સર્વેક્ષણ માટે મસ્જિદ પરિસરમાં કોઈના પણ પ્રવેશની પરવાનગી આપીશું નહીં. તેમણે એમ પણ કહ્યું કે તે માટેનાં પરિણામો ભોગવવા માટે તેઓ તૈયાર છે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના વારાણસી સ્થિત કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ મામલે સ્થાનિક કોર્ટે મસ્જિદની વિડીયોગ્રાફી કરવાનો આદેશ આપ્યો છે. જોકે, કોર્ટના આ નિર્ણયનો અંજુમન ઇન્તેજામિયા મસ્જિદ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. કોર્ટના નિર્ણય વિરુદ્ધ મસ્જિદ સમિતિએ અલાહાબાદ હાઈકોર્ટમાં અપીલ કરી હતી, પરંતુ હાઈકોર્ટે સ્થાનિક કોર્ટનો નિર્ણય બરકરાર રાખ્યો હતો.

    કોર્ટના આદેશ બાદ આગામી 6 અને 7 મેના રોજ કમિશ્નરની દેખરેખ હેઠળ જ્ઞાનવાપી મસ્જિદમાં વિડીયોગ્રાફી કરવામાં આવશે. જેનો રિપોર્ટ 10 મેના રોજ સુપરત કરવા માટે કોર્ટે આદેશ કર્યો છે. જે મામલે અંજુમન ઇન્તેજામિયા મસ્જિદના સંયુક્ત સચિવ એસએમ યાસિને કહ્યું કે, અમે વિડીયોગ્રાફી અને સર્વેક્ષણ માટે મસ્જિદ પરિસરમાં કોઈના પણ પ્રવેશની પરવાનગી આપીશું નહીં. તેમણે એમ પણ કહ્યું કે તે માટેનાં પરિણામો ભોગવવા માટે તેઓ તૈયાર છે.

    હાઈકોર્ટે ગુરુવારે (28 એપ્રિલ 2022) મસ્જિદ સમિતિની અરજી ફગાવી દીધી હતી. સુનાવણી દરમિયાન મંદિર પક્ષના વકીલે કહ્યું હતું કે, કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ મામલે વિવાદિત સંપત્તિ પર વકફના પ્રાવધાનો લાગુ પડતાં નથી. જેના કારણે તેને વકફ સંપત્તિ કહી શકાય નહીં.

    - Advertisement -

    મંદિર પક્ષે જણાવવામાં આવ્યું કે, જ્યારે 1995 માં વકફ કાયદો અસ્તિત્વમાં આવ્યો ત્યારે આ કાયદામાં એક પ્રાવધાન હતો કે વકફની સંપત્તિને ફરીથી રજીસ્ટર કરાવવામાં આવે, પરંતુ વિવાદિત સંપત્તિને આ કાયદા હેઠળ ફરીથી રજીસ્ટર કરી શકાશે નહીં. જેથી વિવાદિત સંપત્તિ વકફ સંપત્તિ ગણી શકાય નહીં તેમજ આ કાયદાના પ્રાવધાનો પણ અહીં લાગુ થતા નથી.

    વધુમાં દલીલ કરવામાં આવી કે, પૂજા સ્થળ અધિનિયમ, 1991 ની કલમ 4 પણ અહીં લાગુ થતી નથી કારણ કે અહીં એક પ્રાચીન મંદિર હતું. જેનું નિર્માણ 15મી સદી પહેલાં કરવામાં આવ્યું હતું. ભગવાન વિવાદિત ઢાંચાની અંદર બિરાજમાન છે. મંદિર નષ્ટ કરવામાં આવ્યું હોય તોપણ તેનું ધાર્મિક ચારિત્ર્ય બદલાયું નથી.

    તસવીર સાભાર : જાગરણ

    અહીં નોંધનીય છે કે પૂજાસ્થળ અધિનિયમની કલમ 4 હેઠળ સ્વતંત્રતા દિવસની (15 ઓગસ્ટ 1947) સ્થિતિએ કોઈ પણ પૂજા સ્થળના ધાર્મિક ચારિત્ર્યમાં પરિવર્તન કરવા મામલે કોઈ પણ કેસ દાખલ કરવા કે કાયદાકીય કાર્યવાહી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

    મંદિર પક્ષના વકીલોએ કોર્ટમાં દલીલ કરી કે તમામ સબૂતો અને તથ્યોને ધ્યાનમાં લઈએ તો જ્ઞાનવાપી મસ્જિદ ચારેબાજુથી દીવાલોથી ઘેરાયેલી છે, જે મસ્જિદથી પણ ઘણી જૂની છે. આ કમ્પાઉન્ડ મંદિરનો હિસ્સો છે, જેને તોડીને મસ્જિદ બનાવવામાં આવી હતી.

    વારાણસી સ્થિત કાશી વિશ્વનાથ-જ્ઞાનવાપી પરિસર સ્થિત મા શૃંગાર ગૌરી અને અન્ય દેવ વિગ્રહોની પૂજા-અર્ચના મામલે મંગળવારે સિનીયર ડિવીઝનના સિવિલ જજ રવિકુમારે નિર્ણય સંભળાવ્યો હતો. તેમણે કહ્યું કે ઈદ બાદ દસ મે પહેલાં એડવોકેટ કમિશ્નરની હાજરીમાં સ્થળની તપાસ કરી ત્યાંની વિડીયોગ્રાફી કરવામાં આવશે અને રિપોર્ટ સોંપવામાં આવ્યા બાદ 10 મેના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.

    રિપોર્ટ અનુસાર, મા શૃંગાર ગૌરી અને અન્ય દેવોની સ્થિતિ અંગે તપાસ કરવા માટે આ મહિને 8 એપ્રિલના રોજ કોર્ટે એડવોકેટ કમિશ્નરની નિમણૂંક કરી હતી. જે બાદ એડવોકેટ કમિશ્નરે 18 એપ્રિલના રોજ કાર્યવાહી કરવા માટે કોર્ટમાં રજૂઆત કરી હતી. જેમાં કહેવામાં આવ્યું કે મા શૃંગાર ગૌરી બેરીકેડિંગથી બહાર છે અને એ સ્થિતિમાં અંદર મુસ્લિમો અને સુરક્ષાકર્મીઓ સિવાય કોઈ જઈ શકતું નથી.

    આ કેસ 18 ઓગસ્ટ 2021 નો છે. જેમાં દિલ્હીના રહેવાસી રાખી સિંહ, લક્ષ્મી દેવી, સીતા શાહુ, મંજૂ વ્યાસ અને રેખા પાઠક તરફથી કોર્ટમાં એક અરજી દાખલ કરીને શૃંગાર માતાના નિયમિત દર્શન અને પૂજા-અર્ચના માટેની પરવાનગી માંગી હતી. ઉલ્લેખનીય છે કે આ અરજી હિંદુ મહાસભા તરફથી દાખલ કરવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે પૂજા અર્ચનાની પરવાનગી ન આપવી એ હિંદુઓના હિતોનું ઉલ્લંઘન ગણાશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં