Friday, April 3, 2026
More
    Home Blog Page 246

    બંધારણના આમુખમાંથી નહીં હટે ‘પંથનિરપેક્ષ’ અને ‘સમાજવાદી’: સુપ્રીમ કોર્ટે 42મા સુધારામાં કોંગ્રેસ દ્વારા ઉમેરાયેલ શબ્દોના વિરુદ્ધ થયેલ તમામ અરજીઓ ફગાવી

    1976માં તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલ ઇમરજન્સી (Emergency) દરમિયાન લોકોના મંતવ્ય વિના અને 42મો બંધારણીય સુધારો લાગુ કરીને ભારતના સંવિધાનના આમુખમાં (Preamble of Constitution) ‘પંથનિરપેક્ષ’ (Secular) અને ‘સમાજવાદી’ (Socialist) શબ્દો ઉમેરવામાં આવ્યા હતા જેની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. 25 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે આ મામલે દાખલ અરજીઓ ફગાવી દીધી હતી.

    આ મામલે ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા સંજીવ ખન્ના અને જસ્ટિસ સંજય કુમારની ખંડપીઠે સુનાવણી હાથ ધરી હતી. દરમિયાન તેમણે કહ્યું કે અરજીઓ પર વિગતવાર સુનાવણીની કોઈ જરૂર નથી. CJI ખન્નાએ કહ્યું કે કહ્યું હતું કે આટલા વર્ષો પછી પ્રક્રિયાને રદ કરી શકાય નહીં. આપેલ ચુકાદામાં ‘સમાજવાદી’ અને ‘પંથનિરપેક્ષ’ શબ્દના અર્થ પણ સમજાવવામાં આવ્યા છે.

    નોંધનીય છે કે CJI ખન્નાએ કહ્યું હતું કે, “આટલા વર્ષો વીતી ગયા છે, હવે આ મુદ્દો શા માટે ઉઠાવવામાં આવી રહ્યો છે?” રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ સુબ્રમણ્યમ સ્વામી, એડવોકેટ અશ્વિની ઉપાધ્યાય અને અન્યો દ્વારા દાખલ કરાયેલી અરજીઓ પર બેન્ચે 22 નવેમ્બરે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. આ અરજીમાં બંધારણની પ્રસ્તાવનામાં ‘સમાજવાદી’ અને ‘સેક્યુલર’ શબ્દોના સમાવેશને પડકારવામાં આવ્યો હતો.

    સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, “ભારતમાં આપણે સમાજવાદને જે રીતે સમજીએ છીએ તે અન્ય દેશો કરતાં ખૂબ જ અલગ છે. આપણા સંદર્ભમાં સમાજવાદનો અર્થ કલ્યાણકારી રાજ્ય એટલો જ થાય છે. તેણે (સમાજવાદ) ખાનગી ક્ષેત્રને ક્યારેય રોક્યું નથી, તેથી તે સારી રીતે વિકાસ કરી શકે છે. આનાથી આપણને બધાને ફાયદો થયો છે. સમાજવાદનો ઉપયોગ એક અલગ સંદર્ભમાં થાય છે, જેનો અર્થ છે કે તે લોકોના કલ્યાણ માટે ઊભા રહેવું જોઈએ અને તકોની સમાનતા પ્રદાન કરવી જોઈએ.”

    આ મામલે સુપ્રીમ કોર્ટના વકીલ વિષ્ણુ શંકર જૈને એવી દલીલ કરી હતી કે, “આ સુધારો કટોકટી દરમિયાન લોકોની વાત સાંભળ્યા વિના જ કરવામાં આવ્યો હતો. આ શબ્દોનો સમાવેશ કરવો એ લોકોને અમુક વિચારધારાઓનું પાલન કરવા માટે દબાણ કરવા સમાન હશે. જ્યારે પ્રસ્તાવના કટ-ઓફ તારીખ સાથે આવે છે તો પછી તેમાં બીજા શબ્દો કેવી રીતે ઉમેરી શકાય.” તેમણે આ કેસમાં વિગતવાર સુનાવણી માટે મોટી ખંડપીઠ પર વિચાર કરવા પણ કહ્યું હતું.

    જોકે, સુપ્રીમ કોર્ટે તેમની આ માંગ ફગાવીને અરજીઓ ફગાવી દીધી હતી. નોંધનીય છે કે જયારે વર્ષ 1976માં કોંગ્રેસ નેતા અને તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી દ્વારા કટોકટી લાદવામાં આવી ત્યારે વિપક્ષના નેતાઓ સહિત સેંકડો લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન જ ઇન્દિરા ગાંધી દ્વારા તાત્કાલિક ધોરણે 42મો બંધારણીય સુધારો લાગુ કરીને મૂળ બંધારણના આમુખમાં આ બંને શબ્દો ઉમેરાયા હતા. ઘણા વર્ષોથી અનેક સંગઠનો આ શબ્દો દૂર કરવાની માંગ કરતા આવ્યા છે.

    ઘરોમાંથી મળ્યા હથિયાર, ધાબા પરથી પથ્થરમારો કરતી મહિલાઓ પકડાઈ: મૃતકોના મૃતદેહમાંથી મળી એ ગોળીઓ જેનો ઉપયોગ નથી કરતી પોલીસ, સંભલ હિંસા વિશે વધુ

    24 નવેમ્બરે ઉત્તર પ્રદેશના સંભલ (Sambhal) જિલ્લામાં, જામા મસ્જિદનું સર્વેક્ષણ (Jama Mosque Survey) કરવા ગયેલી વહીવટી ટીમ પર મુસ્લિમ ટોળાએ (Attack By Muslim Mob) હુમલો કર્યો હતો. આ હુમલામાં અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયા છે. 28 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે. પોલીસે દરોડા પાડીને મહિલાઓ સહિત અનેક બદમાશોની ધરપકડ કરી હતી. શહેરમાં ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 2 પોલીસ સ્ટેશનમાં 4 FIR નોંધવામાં આવી છે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અત્યાર સુધીમાં સંભલ હિંસા દરમિયાન કુલ 4 મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે. જેમાં ત્રણ મૃતકોના નામ નઈમ, બિલાલ અને નોમાન છે. આ ત્રણેય હુમલો કરવામાં સામેલ હોવાનું કહેવાય છે. અહેવાલો અનુસાર, આમાંથી બે લોકોને 315 બોરની ગોળીઓ વાગી છે. એક નિવૃત્ત પોલીસ અધિકારીએ ઑપઇન્ડિયાને જણાવ્યું કે પોલીસ 315 બોરની બુલેટનો ઉપયોગ કરતી નથી. પોલીસની કોઈ પિસ્તોલ કે રાઈફલમાં આ બુલેટનો ઉપયોગ કરવામાં આવતો નથી.

    હિંસા બાદથી પોલીસ સતત આ સ્થાનો પર દરોડા પાડી રહી છે. અત્યાર સુધીમાં 20થી વધુ હુમલાખોરોની ધરપકડ કરવામાં આવી છે જેમાં 2 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ હુમલાખોરોના ઘરેથી હથિયારો પણ મળી આવ્યા છે. જેમાં એક અન્ય હથિયાર પણ મળી આવ્યું છે જેમાં બંને તરફ ધાર હોય છે. આ તમામ વિરુદ્ધ નેશનલ સિક્યુરિટી એક્ટ (NSA) અને ગેંગસ્ટર એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. હિંસામાં સામેલ અન્ય ઘણા લોકોની ઓળખ અને ધરપકડ કરવાના પ્રયાસો ચાલુ છે.

    SP કૃષ્ણ કુમાર વિશ્નોઈએ જણાવ્યું કે જિલ્લાના સંભલ તાલુકાના વિસ્તારમાં એક દિવસ માટે ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી છે. વહીવટી પરવાનગી વગર જિલ્લામાં કોઈપણ બહારના વ્યક્તિ કે નેતાની અવરજવર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ધોરણ 12 સુધીની શાળાઓ પણ સોમવાર સુધી બંધ રાખવામાં આવી છે. આ ઘટના પર મુરાદાબાદ ઝોનના કમિશનર IAS આંજનેય સિંઘે મૃતકોના સંબંધીઓને પૂછ્યું છે કે તેમના પરિવારના સભ્ય પથ્થરમારો કરવા માટે કેમ ગયા હતા?

    સંભલ હિંસા અંગે આંજનેય સિંઘે એમ પણ કહ્યું કે પોલીસ પર હુમલો કરતી વખતે પથ્થરોની સાથે ગોળીઓ પણ છોડવામાં આવી હતી. તેમણે કહ્યું કે પોલીસ દ્વારા ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા છે. વર્તમાનમાં જે આરોપો લગાવવામાં આવી રહ્યા છે તેની તપાસ કર્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે પોલીસ પાસે બધા જ રેકોર્ડિંગ ઉપલબ્ધ છે. તેમણે કહ્યું કે પથ્થરબાજો કોઈ ધર્મ-પુણ્ય કાર્ય કરવા ગયા ન હતા. હાલમાં જિલ્લામાં ઇંટો વગેરેની ખરીદી પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

    28 પોલીસકર્મીઓ થયા ઘાયલ

    સંભલ જિલ્લાના તમામ રહેવાસીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જો તેમના ધાબા પર પથ્થર કે જ્વલનશીલ સામગ્રી જોવા મળશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. રસ્તા પર પથરાયેલી કોઈપણ ચીજવસ્તુઓને તાત્કાલિક જપ્ત કરવા માટે પણ પાલિકાને સૂચના આપવામાં આવી છે. આ હિંસામાં લગભગ 28 પોલીસકર્મી ઘાયલ થયા છે, જેમની સારવાર ચાલી રહી છે. ઘાયલોમાં SP PRO અને DSP અનુજ વિશ્નોઈ પણ સામેલ છે. એક કોન્સ્ટેબલને પણ માથામાં ગંભીર ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે.

    આ સમગ્ર મામલે અત્યાર સુધીમાં કુલ 4 FIR નોંધવામાં આવી છે. તેમાંથી 3 FIR કોતવાલી સંભલમાં જ્યારે બીજી નખાસા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. કોતવાલી સંભાલમાં ઘાયલ SDM, SHO અને 2 સબ ઇન્સ્પેક્ટરની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ ફરિયાદના આધારે નખાસા પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધવામાં આવ્યો છે. અહીં હુમલાખોરોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. આ દરમિયાન પોલીસની બાઇક પણ સળગાવી દેવામાં આવી હતી.

    ‘મારા શબ્દો પાછા લઉં છું, માંગુ છું બિનશરતી માફી’: મહારાષ્ટ્રમાં મહાયુતિના મહાવિજય બાદ કટ્ટરપંથી મૌલાના સજ્જાદની શાન આવી ઠેકાણે, BJP સમર્થિત મુસ્લિમોના બહિષ્કારની કરી હતી માંગ

    મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં (Maharashtra Assembly Elections) ભાજપને પૂર્ણ બહુમતી (BJP) મળ્યા બાદ ઓલ ઇન્ડિયા એકતા ફોરમના (All India Ekta Forum) પ્રમુખ અને ઇસ્લામિક ઉપદેશક મૌલવી સજ્જાદ નોમાનીના (Sajjad Nomani)  સૂર બદલાતા દેખાઈ રહ્યા છે. તેમણે પોતાના પાછલા નિવેદન માટે લિખિત માફી માંગી છે જેમાં તેમણે ભાજપનું સમર્થન કરતા મુસ્લિમોનો બહિષ્કાર કરવાનું નિવેદન આપ્યું હતું. જોકે ભાજપે જીત મેળવી ત્યારે હવે સજ્જાદની શાન ઠેકાણે આવી રહી હોય એમ લાગી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, “મારું નિવેદન કોઈ સમાજ વિરુદ્ધ નથી કે ફતવો નથી, છતાં કોઈની લાગણી દુભાઈ હોય તો હું મારા શબ્દો પાછા લઉં છું.”

    ઇસ્લામિક ઉપદેશક મૌલવી સજ્જાદ નોમાનીએ તેમના નિવેદન અંગે પત્ર સ્વરૂપે લિખિત માફી માંગી છે. સજ્જાદ નોમાનીએ લખ્યું હતું કે, “ભાજપને સમર્થન કરતા મુસ્લિમોનો બહિષ્કાર કરવાના મારા નિવેદનની અત્યારે ખૂબ ચર્ચા થઈ રહી છે. મેં આ નિવેદન ખાસ સંદર્ભમાં ઘણા લોકોના પ્રશ્નોના જવાબમાં આપ્યું હતું.”

    તેમણે આગળ લખ્યું હતું કે, “મારું આ નિવેદન એવ લોકો માટે હતું જેમને લોકસભા ચૂંટણી દરમિયાન મત આપવાના મૌલિક અધિકારથી રોકવામાં આવ્યા હતા.” આગળ લખ્યું છે કે “મારું આ નિવેદન મહારાષ્ટ્ર ચૂંટણી પહેલાનું સપ્ટેમ્બર 2024નું છે.”

    Sajjad Nomani.
    સજ્જાદ નોમાનીએ માંગેલ માફી પત્ર (ફોટો: TV9 ભારતવર્ષ)

    તેણે માફી માંગતા લખ્યું હતું કે, “મારું આ નિવેદન કોઈ સમાજ માટે નહોતું અને ન તો કોઈ પ્રકારનો ફતવો હતો. મારા નિવેદનથી જો કોઈની ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો હું તેના માટે માફી માંગુ છું.”

    ભાજપનું સમર્થન કરનારનો બહિષ્કાર કરવા કરી હતી ઉશ્કેરણી

    નોંધનીય છે કે મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા મૌલાન સજ્જાદ નોમાનીએ એવું નિવેદન આપ્યું હતું કે, “અમે 269 બેઠકો પર મહા વિકાસ અઘાડીના ઉમેદવારોને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે.” તેમણે કહ્યું કે હતું કે, “જો તમારા વિસ્તારમાં કોઈ મુસલમાન ભાજપને વોટ આપે છે તેનો દરેક જગ્યાએથી બહિષ્કાર કરો. તેનું હુક્કાનું પાણી બંધ કરો.” તેમના આ નિવેદનનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો, જેનો વિરોધ પણ થયો હતો.

    આ જ નિવેદન દરમિયાન તેમણે દિલ્હીમાં પર ભાજપની સરકારને લઈને કહ્યું હતું કે, “જો મહારાષ્ટ્રમાં ભાજપની હાર થશે તો દિલ્હીની સરકાર લાંબો સમય ટકશે નહીં. જિહાર મરકઝને મત આપો અને તમે લોકોએ મહા વિકાસ અઘાડીને સમર્થન આપવું જોઈએ. ઉદ્ધવ, શરદ, રાહુલ અને નાના પટોલેને સમર્થન આપો.” સજ્જાદે આ નિવેદન આપ્યા બાદ ભારે વિરોધ થયો હતો. ત્યારે મહારાષ્ટ્રમાં ભાજપની જીત બાદ હવે તેમણે તેમના શબ્દો પાછા ખેંચ્યા અને વિવાદાસ્પદ નિવેદન મામલે લિખિત માફી માંગીને સફાઈ આપવાનો પ્રયાસ કર્યો છે.

    ‘અમારી પોલીસ હોત તો….’: સપા નેતા અમીક જમેઈએ લાઇવ ડિબેટમાં મુસ્લિમ એન્કરને આપી ધમકી, રૂબિકાએ કહ્યું- તમારી ગુંડાગીરીના દિવસો હવે થયા પૂરા

    23 નવેમ્બરે મહારાષ્ટ્ર (Maharashtra) અને ઝારખંડ (Jharkhand) વિધાનસભા ચૂંટણીઓના (Assembly Elections) પરિણામની સાથે સાથે ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની 9 સીટો પર યોજાયેલ પેટાચૂંટણીના (UP Bypoll Elections) પરિણામો પણ આવ્યા હતા. જેમાં 9માંથી 7 સીટો પર ભારતીય જનતા પાર્ટીએ (BJP) જીત મેળવી હતી. ત્યારપછી ટીવી ડિબેટ્સમાં આ મામલે ચર્ચાઓ ચાલી રહી હતી. આ જ દરમિયાન News 18 પર આવતા ડિબેટ શો ‘ગુંજ વિથ રૂબિકા લિયાકત’માં (Gunj With Rubika Liaquat) સમાજવાદી પાર્ટીના (SP) નેતા અમીક જમેઈએ (Ameeque Jamei) પત્રકાર રૂબિકા લિયાકતને ચાલુ ટીવી ડિબેટમાં ધમકી આપી હોવાનો મામલો સામે આવ્યો હતો. જે પછી એન્કરે તેમને જડબાતોડ જવાબ આપ્યો હતો.

    નોંધનીય છે કે પેટાચૂંટણીનું પરિણામ આવ્યા બાદ 24 નવેમ્બરે ટીવી ચેનલ પર એક ડિબેટ શો ચાલી રહ્યો હતો. જેમાં SP નેતા અમીક જમેઈ, BJP પ્રવક્તા શહેઝાદ પૂનાવાલા સહિતના નેતાઓ ઉપસ્થિત હતા. આ જ દરમિયાન SP નેતા અમીક જમેઈએ ડિબેટ શો ‘ગુંજ’ના એન્કર રૂબિકા લિયાકતને ચાલુ ડિબેટ શોમાં ધમકી આપી દીધી હતી. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

    અમીક જમેઈએ રૂબિકાને કહ્યું હતું કે, “જો અમારા નિયંત્રણ હેઠળ પોલીસ હોત, તો તમે અહીં બેઠા ન હોત.” આ સાંભળીને ન્યુઝ એન્કરે અમીકને કડક શબ્દોમાં જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે, “તમારા ઘરની મહિલાઓને આવી રીતે ડરાવજો, મને નહીં. આ દેશની દીકરી છું અને એક સ્ટ્રોંગ મહિલા છું.”

    તેમણે એમ પણ કહ્યું હતું કે, “હવે UPમાંથી તમારી આ ગુંડાગીરી ખતમ થઇ ગઈ છે.” આગળ રૂબિકાએ કહ્યું કે, “તમે લોકો તમારા ઘરમાં મહિલાઓનું સન્માન નથી કરતા. તેથી જ તમે લોકો ક્યારેય ચૂંટણી જીતતા નથી. હું આવા શબ્દોને સહન નહીં કરું.”

    રૂબિકાએ એમ પણ કહ્યું હતું કે, “છેડના મત મુજે, છોડુંગી નહીં મેં.” તેમણે કહ્યું કે, “તમારા ઘરમાં તમે મહિલાઓનું સન્માન નથી કરી શકતા, મહિલાઓને ઈજ્જત નથી આપી શકતા, પણ મને ઓળખતા નથી તમે, હું ઈજ્જત છીનવીને પણ મેળવીશ.” તેમણે કહ્યું કે “આ કારણોથી જ તમે ચૂંટણી નથી જીતી શકતા.”

    ઉલ્લેખનીય છે કે સપા નેતાઓએ મહિલાઓનું અપમાન કર્યું હોય અને ધમકી આપી હોય એવી આ પ્રથમ ઘટના નથી. આ અગાઉ પેટાચૂંટણી પહેલા એક દલિત યુવતીએ ભાજપને વોટ આપીશું એમ કહ્યું હતું ત્યારે સપા નેતા પ્રશાંત યાદવે તે યુવતીને પણ ધમકી આપી હતી કે જો સાયકલને વોટ ન આપ્યો તો ગંભીર પરિણામો ભોગવવા પડશે. ત્યારપછી UPમાં કંજરા નદી પાસે નગ્નાવસ્થામાં તે યુવતીની લાશ મળી આવી હતી.

    મહારાષ્ટ્રમાં લોકસભાની જેમ વિધાનસભામાં પણ ‘વોટ જેહાદ’ની હતી પૂરી તૈયારી…: RSSએ જમીન પર હિંદુઓને રાખ્યા ‘એક’, પરિણામોમાં મહાયુતિને રહી ‘સેફ’

    મહારાષ્ટ્રમાં ભાજપની આગેવાની હેઠળના મહાયુતિ (Mahayuti) ગઠબંધને મળેલી ઐતિહાસિક જીતની ચારેબાજુ ચર્ચા થઈ રહી છે. આમાં સૌથી વધુ ચર્ચા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ‘બટેંગે તો કટેંગે’, ‘એક રહેંગે તો નેક રહેંગે’ અને મહારાષ્ટ્રમાં તેમની 11 રેલીઓની છે. ‘વોટ જેહાદ’ની આશંકાઓ વચ્ચે મહારાષ્ટ્રમાં તેમણે 17 ઉમેદવારો માટે પ્રચાર કર્યો. જેમાંથી 15 ઉમેદવારો જીત્યા હતા. તેમાંથી ભાજપે અકોલા પશ્ચિમની એક બેઠક માત્ર 1283 મતથી ગુમાવી છે. તે જ સમયે, ઝારખંડમાં સીએમ યોગીએ કુલ 18 સીટો પર પ્રચાર કર્યો. જેમાંથી 8 બેઠકો જીતી હતી. તે જ સમયે, એવી ઘણી બેઠકો હતી જ્યાં વિપક્ષ માત્ર થોડા હજાર મતોથી જીત્યો હતો. આ બધા વચ્ચે RSSએ પણ મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો.

    આ સિવાય પીએમ મોદીની વિસ્ફોટક રેલી અને ‘એક હૈ તો સેફ હૈ’ જેવા નારા, ‘લાડલી બહના યોજના’, ભાજપ સરકારની વિકાસલક્ષી નીતિ અને વિપક્ષની તુષ્ટિકરણની રાજનીતિ મહાયુતિની જીતના મુખ્ય પરિબળો હતા. જો આપણે આ તમામ મુખ્ય પરિબળોને બાજુએ રાખીએ અને મહારાષ્ટ્રની ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષોની વ્યૂહરચના પર ઊંડાણપૂર્વક નજર કરીએ, તો તેની પાછળનું એક મુખ્ય કારણ ‘વોટ જેહાદ’ને (Vote Jihad) વિપક્ષનું સમર્થન અને તેની વિરુદ્ધ સર્જાયેલું વાતાવરણ હતું. વોટ જેહાદની અસર ઘટાડવામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે (RSS) મોટી ભૂમિકા ભજવી હતી.

    તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં મહા વિકાસ આઘાડીને (MVA) મોટી સફળતા મળી હતી. તેમના ઉમેદવારોએ રાજ્યની કુલ 48 બેઠકોમાંથી 14 બેઠકો જીતી હતી. ભાજપે તેને વોટ જેહાદ ગણાવ્યું હતું. ભાજપના નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે લોકસભામાં આ 14 હિંદુ ઉમેદવારોને હરાવવા માટે ચોક્કસ સમુદાયના (મુસ્લિમ) લોકોએ એક થઈને મતદાન કર્યું હતું. ઓક્ટોબરમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે કેટલાક લોકોને લાગે છે કે સંગઠિત થઈને તેઓ હિન્દુત્વને નીચે લાવી શકે છે. આ પછી રાજ્યમાં ‘વોટ જેહાદ વિરુદ્ધ ધર્મયુદ્ધ’ના નારા લાગ્યા.

    મુસ્લિમ વેપારીઓએ કરી પૈસાની રેલમછેલ

    વાસ્તવમાં, ભાજપ દ્વારા ઉઠાવવામાં આવેલ વોટ જેહાદનો મુદ્દો અકારણ નહોતો. ચૂંટણી દરમિયાન તેની સત્યતાની પુષ્ટિ કરવા માટે ઘણી ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. મહારાષ્ટ્રના માલેગાંવમાં 12 છોકરાઓના ખાતામાં ₹90 કરોડ આવ્યા. આ ખાતાઓ છેતરપિંડીથી ખોલવામાં આવ્યા હતા. ભાજપે કહ્યું કે આ પૈસા વોટ જેહાદમાં વાપરવા માટે મોકલવામાં આવ્યા હતા. જ્યારે આ મામલાની તપાસ કરવામાં આવી તો પૈસા મોકલનાર વ્યક્તિ મહારાષ્ટ્રનો મુસ્લિમ વેપારી સિરાજ અહેમદ હોવાનું બહાર આવ્યું. બાદમાં EDએ તેના સ્થાન પર દરોડા પાડ્યા અને ₹125 કરોડની ઉચાપત પ્રકાશમાં આવી હતી.

    મુસ્લિમ મતદારોને એક કરવા લાગી પડી 180 NGO

    ભાજપના નેતાઓનો આરોપ છે કે વોટ જેહાદ માટે મોટા પાયે પૈસાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સિવાય મહારાષ્ટ્રમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી અને રોહિંગ્યા મુસ્લિમોને મતદાર કાર્ડ બનાવવામાં આવ્યા હતા અને તેમને મહાયુતિ વિરુદ્ધ મતદાન કરવાનું કહેવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પહેલા 180થી વધુ NGO ભાજપ વિરુદ્ધ મુસ્લિમ મતો એકત્ર કરવા માટે કામ કરી રહી હતી. આ એનજીઓએ એકલા મુંબઈમાં 9 લાખ મુસ્લિમ મતદારોને જોડ્યા હતા.

    આ NGOના લોકો મુસ્લિમ સમુદાયની વચ્ચે જાય છે, તેમને સમજાવે છે અને પછી મતદાન વધારવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ઇસ્લામિક સંગઠનોએ છેલ્લા કેટલાક મહિનામાં મુસ્લિમ સમુદાય સુધી પહોંચવા માટે અનેક અભિયાનો શરૂ કર્યા છે. આ સમય દરમિયાન તેમણે સેંકડો મીટીંગો યોજી, માહિતી સત્રોનું આયોજન કર્યું અને સામુદાયિક કાર્યક્રમોનું આયોજન કર્યું…. તાજેતરમાં બહાર પાડવામાં આવેલા TISS રિપોર્ટમાં જણાવાયું છે કે ગેરકાયદેસર વસાહતીઓને ઝૂંપડપટ્ટીના વિસ્તારોમાં સ્થાયી કરવામાં આવી રહ્યા છે. તેનો રાજકીય ઉપયોગ કરવા માટે મતદાર કાર્ડ આપવામાં આવી રહ્યા છે.

    રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મુંબઈમાં ગેરકાયદેસર મુસ્લિમ ઈમિગ્રન્ટ્સની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. 1961માં મુંબઈમાં હિંદુઓની વસ્તી 88% હતી, જે 2011માં ઘટીને 66% થઈ ગઈ. આ સમયગાળા દરમિયાન મુસ્લિમ વસ્તી 8% થી વધીને 21% થઈ. જો આ વલણ ચાલુ રહેશે તો એવો અંદાજ છે કે 2051 સુધીમાં હિંદુ વસ્તી ઘટીને 54% થઈ જશે અને મુસ્લિમ વસ્તી વધીને લગભગ 30% થઈ જશે. આ બધુ વસ્તીવિષયક પરિવર્તન માટે વોટ જેહાદ હેઠળ સુનિયોજિત ષડયંત્રના ભાગરૂપે કરવામાં આવી રહ્યું છે. આ કામ સમગ્ર દેશમાં ઓછાવત્તા અંશે ચાલુ છે.

    MVAને વોટ કરવા માટે ફતવા પર ફતવા

    લોકસભાની જેમ આ વખતે પણ વિધાનસભાની ચૂંટણી પહેલા ફતવા બહાર પાડવામાં આવ્યા હતા. વિવિધ મુસ્લિમ સંગઠનોએ કોંગ્રેસની આગેવાની હેઠળના MVAને મત આપવા અપીલ કરી હતી. મુસ્લિમોના દરેક ઘર સુધી આ ફતવો પહોંચાડવા માટે વિવિધ સ્થળોએ બેઠકો યોજવામાં આવી હતી. રેલીઓ કાઢવામાં આવી હતી. એનજીઓ તૈનાત કરવામાં આવી હતી. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના પ્રવક્તા મૌલાના ખલીલુર રહેમાન સજ્જાદ નોમાનીએ તો ત્યાં સુધી કહ્યું હતું કે ‘ભાજપનું સમર્થન કરનારા આવા લોકોનું હુકા-પાની બંધ કરવું જોઈએ.’

    આ પહેલા મૌલાના સજ્જાદ નોમાનીએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે આજે મત આપનાર દરેક મુસ્લિમ પોતાના સમુદાયના પક્ષમાં પોતાના અધિકારનો ઉપયોગ કરે. તેમણે મુસ્લિમોના મનમાં એવો ડર પણ જગાડ્યો કે જો મોદી સત્તામાં આવશે તો તમામ મજાર અને મદરેસાઓ જમીનદોસ્ત થઈ જશે. મુંબઈમાં શિવસેના (UBT) દ્વારા આયોજિત રેલીમાં ઈસ્લામિક ધ્વજ પણ લહેરાવવામાં આવ્યા હતા. આ તમામ કારણોને લીધે મહારાષ્ટ્રના મુસ્લિમ પ્રભુત્વવાળા વિસ્તારોમાં મુસ્લિમોએ ભારે મતદાન કર્યું હતું અને પરિણામ દેખાતું હતું.

    જો કે વિપક્ષી પાર્ટીઓએ લોકસભાની ચૂંટણી જેવી જ રમત વિધાનસભાની ચૂંટણીમાં પણ રમવાનો પ્રયાસ કર્યો હતો. મુસ્લિમોની તરફેણમાં સમર્થન લીધા પછી, ઓલ ઈન્ડિયા ઉલેમા બોર્ડે કોંગ્રેસના નેતૃત્વ હેઠળના મહાવિકાસ અઘાડી (એમવીએ) ગઠબંધનને સમર્થન આપ્યું હતું. પોતાના સત્તાવાર પત્રમાં ઉલેમા બોર્ડે 17 શરતો સાથે આ સમર્થન આપ્યું છે. જેમાં વક્ફ બોર્ડને ₹1000 કરોડ આપવા, આરએસએસ પર પ્રતિબંધ લગાવવા, પયગંબર મોહમ્મદ વિરુદ્ધ બોલનાર વ્યક્તિ વિરુદ્ધ કાયદો લાગુ કરવા જેવી માંગણીઓ સામેલ છે.

    આ ઉપરાંત અન્ય માંગણીઓ હતી, જેવી કે વકફ સુધારા બિલનો (Waqf Amendment Bill) વિરોધ અને રદ્દ કરવા, વક્ફ મિલકતોમાંથી અતિક્રમણ દૂર કરવા માટે મહારાષ્ટ્ર વિધાનસભામાં કાયદો બનાવવા, મહારાષ્ટ્ર બોર્ડમાં મુસ્લિમોને 10% અનામત, રાજ્યમાં પોલીસ ભરતીમાં શિક્ષિત મુસ્લિમોને પ્રાથમિકતા, ભાજપના નેતાઓ નીતિશ રાણે અને રામગીરી મહારાજને જેલમાં નાખવા, મૌલવી સલમાન અઝેરીને મુક્ત કરવા, રાજ્યની મસ્જિદોના મૌલાનાઓ અને ઈમામોને ₹15,000 દર મહિને આપવા.

    RSS આવ્યું મેદાને અને બાજી પલટાઈ ગઈ

    મહાવિકાસ વિકાસ આઘાડીએ ઉલેમા બોર્ડની માંગણીઓ સ્વીકારી અને તેના આધારે મહાયુતિ ગઠબંધન માટે વોટ જેહાદની રણનીતિ પર કામ શરૂ કર્યું. જો કે, ‘બટેંગે તો કટેંગે’ના (Batenge to Katenge) નારા સાથે રાજકારણ આક્રમક બનતા જ RSSએ આંતરિક રીતે કામ શરૂ કર્યું. વોટ જેહાદને લગતી તમામ કામગીરી નાની-મોટી મીટીંગો દ્વારા લોકો સુધી પહોંચાડવામાં આવી. આમાં પાયાના સ્તરના આરએસએસના કાર્યકરોએ અદ્ભુત રીતે પોતાનું કામ કર્યું. તેનું નેતૃત્વ આરએસએસના પશ્ચિમ પ્રાંતના વડા અને સહ-સચિવ અતુલ લિમયેએ (Atul Limaye) કર્યું હતું.

    મુસ્લિમ સંગઠનો અને નેતાઓ દ્વારા હિંદુઓ વિરુદ્ધ અપાતા ઉશ્કેરણીજનક નારાઓની નકલ તૈયાર થવા લાગી. આ ચૂંટણી મત જેહાદ વિરુદ્ધ ધાર્મિક યુદ્ધમાં ફેરવાઈ ગઈ હતી. એવી રજૂઆત કરવામાં આવી હતી કે જો વિધાનસભાની ચૂંટણીમાં વિપક્ષ જીતશે તો હિંદુઓને પડતી મુશ્કેલીઓનો પહાડ તૂટી પડશે. TISS રિપોર્ટની ચર્ચા કરવામાં આવી હતી. પાયાના સ્તરના સ્વયંસેવકોએ કહ્યું કે એકવાર વિપક્ષની સરકાર બનશે તો દેશમાં બાંગ્લાદેશી-રોહિંગ્યાઓનો ધસારો વધશે. આ બાબતો સોશિયલ મીડિયા, અખબારોમાં લેખો, પક્ષના નેતાઓના નિવેદનો અને મીડિયામાં ચર્ચાઓ દ્વારા સામાન્ય લોકો સુધી પહોંચાડવામાં આવી હતી.

    અતુલ લિમયેએ લાંબા ગાળાની પહેલમાં સંશોધન ટીમો, સંશોધન જૂથો અને થિંક ટેન્કની સ્થાપના કરી. આમાં, ધાર્મિક લઘુમતીઓના વસ્તી વિષયક અભ્યાસ અને નીતિ ઘડતર પર તેની અસર જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવતી હતી. તેમણે મરાઠા આંદોલન જેવા મુદ્દાઓને બેઅસર કર્યા. તેમણે મરાઠા સમુદાયના નેતાઓને વિશ્વાસમાં લીધા અને OBC મતદારોને ફરીથી પાર્ટી સાથે જોડ્યા. આ માટે તેમણે હિંદુત્વના મુદ્દાને આધાર બનાવ્યો. જો એમવીએના નેતાઓએ સીએમ યોગીના ‘બંટેંગે તો કટેંગે’ સૂત્રનો જેટલો વિરોધ કરતા, તેટલી સફળતા આરએસએસને પાયાના સ્તરે હિંદુઓને પોતાના તરફ આકર્ષવામાં મળી.

    પરિણામ એ આવ્યું કે પ્રગતિશીલ હોવાનો ઢોંગ કરતી બોલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કરના પતિ અને શરદ પવારના એનસીપીના ઉમેદવાર ફહાદ અહેમદ પણ ચૂંટણી હારી ગયા. AIMIM માલેગાંવ સેન્ટ્રલ જેવી મુસ્લિમ પ્રભુત્વવાળી બેઠકો સુધી સીમિત રહી. અહીંથી AIMIMના મુફ્તી ઈસ્માઈલ માત્ર 162 વોટથી જીત્યા. પાર્ટીએ 16 જગ્યાએ પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. આ વખતે 420 મુસ્લિમ ઉમેદવારોમાંથી માત્ર 13 જ મુસ્લિમ ધારાસભ્ય બન્યા છે. હારનારાઓમાં ઘણા મોટા ચહેરા સામેલ છે. આ બધું ભાજપની રણનીતિનો ચમત્કાર છે.

    કોણ છે RSS પ્રચારક અતુલ લિમયે?

    અતુલ લિમયે તેમના સાથીદારો ધ્યાન કેન્દ્રિત રાખવાવાળા અને તળિયાના નેતા તરીકે ઓળખે છે. મહારાષ્ટ્રના ચિત્પાવન બ્રાહ્મણ સમુદાયમાંથી આવતા 54 વર્ષીય અતુલ લિમયેએ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે અને એક બહુરાષ્ટ્રીય કંપનીમાં એન્જિનિયર હતા. તેમણે 2000ની શરૂઆતમાં તેમની નોકરી છોડી દીધી અને સંઘના સંપૂર્ણ સમયના પ્રચારક બન્યા. આ રીતે તેમણે વ્યૂહરચના અને સમાજ સેવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું. લિમયે, મૂળ નાસિકના, પશ્ચિમ મહારાષ્ટ્રના પ્રાંતીય પ્રચારક હતા અને ટૂંક સમયમાં વિસ્તારના પ્રચારક બન્યા. તેમના પ્રદેશમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને ગોવાનો સમાવેશ થાય છે. તેઓ સંઘના સહ-સચિવ છે.

    જામા મસ્જિદની ગલીઓમાં ક્યાંથી આવીને વસ્યું ઉપદ્રવી ટોળું, કેવી રીતે એકઠા કર્યા પથ્થરો.. કોના ષડ્યંત્રમાં સળગ્યું આખું સંભલ: એ પ્રશ્નો, જે તમને વિચારવા પર કરશે વિવશ

    કોર્ટના આદેશ પર 19 નવેમ્બર 2024ના રોજ સંભલમાં આવેલી (Sambhal) જામા મસ્જિદનો (Jama Masjid) પ્રથમ વખત સરવે કરવામાં આવ્યો હતો. ત્યારે પણ આસપાસના મકાનોની છત પર લોકો એકઠા થઈ ગયા હતા. પરંતુ તે સમયે સરવેમાં કોઈ વિક્ષેપ પડ્યો ન હતો. પરંતુ 24 નવેમ્બરના રોજ જેવી ટીમ સરવે (Survey Team) માટે ફરીથી મસ્જિદ પહોંચી તો કટ્ટરપંથી મુસ્લિમ ટોળાએ (Muslim Mob) તેમના પર હુમલો (Attack) કરી દીધો. આ હુમલો એવી રીતે કરવામાં આવ્યો હતો કે, જાણે પહેલાંથી જ ઉપદ્રવી ટોળું તેના માટે તૈયાર હતું.

    સંભલમાં મુસ્લિમ ટોળાં દ્વારા પથ્થરમારો થયો. આગચંપી કરવામાં આવી. ફાયરિંગ પણ થયું, જેમાં પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા. 3 લોકોના મોત થયા. પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો. ટીયરગેસના સેલ છોડવા પડ્યા. વરિષ્ઠ અધિકારીઓએ સ્થળ પર આવીને ચાર્જ સંભાળવો પડ્યો. આખરે માત્ર 5 દિવસમાં એવું શું બન્યું કે સંભલમાં ખળભળાટ સાથે ઉપદ્રવ ફાટી નીકળ્યો? આટલું મોટું ટોળું ક્યાંથી આવ્યું? એકસાથે આટલા પથ્થરો કેવી રીતે વરસ્યા કે આખો રસ્તો જ બ્લોક થઈ ગયો અને ટ્રેક્ટરમાં તે પથ્થરોને લઈ જવા પડ્યા?

    જ્યારે તમે આ પ્રશ્નોના જવાબો શોધો છો, તો સમજાશે કે 19થી 24 નવેમ્બરની વચ્ચે 22 નવેમ્બર પણ આવે છે, જે દિવસે જુમ્મા પર આ જ જામા મસ્જિદમાં સામાન્ય કરતાં વધુ ભીડ જોવા મળી હતી. આ દરમિયાન જ સપાના સ્થાનિક સાંસદ ઝિયાઉર રહેમાન બર્કનું નિવેદન આવ્યું હતું કે, ‘મસ્જિદ જ રહેશે’, આ નિવેદને મુસ્લિમોને કોર્ટની કાર્યવાહી સામે ભડકાવવાનું કામ પણ કર્યું હતું. 24 નવેમ્બરની હિંસા બાદ પણ પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને અન્ય સપા નેતાઓ ઘટનાને એવી રીતે રજૂ કરી રહ્યા છે કે, જાણે પથ્થરમારો કરનાર ઇસ્લામી ટોળું જ પીડિત હોય. ઘટના એવી રીતે રજૂ કરવામાં આવી રહી છે કે, જાણે કોર્ટના આદેશ વિના જ સરવે કરવામાં આવી રહ્યો હોય.

    મુસ્લિમોના વાહનો છોડી દીધા, પોલીસ લખેલા વાહનોને જ ચાંપી આગ

    હિંસક ટોળાએ જામા મસ્જિદ પાસે પાર્ક કરેલા વાહનોને આગ ચાંપી દીધી હતી. સંભલના પોલીસ અધિક્ષક IPS કૃષ્ણ કુમાર વિશ્નોઈએ કહ્યું કે આ હિંસા સંપૂર્ણપણે વિચારેલા કાવતરાના ભાગરૂપે કરવામાં આવી છે. ઇસ્લામી ટોળાએ તે બાઇક અને કારને આગ લગાડી જેના પર પોલીસ લખેલું હતું અથવા તેના સ્ટીકરો ચોંટાડેલા હતા. આ વાહનોની બાજુમાં અનેક મુસ્લિમોના વાહનો પણ પાર્ક કરવામાં આવ્યા હતા, જેને ટોળાએ હાથ પણ લગાવ્યો ન હતો.

    પોલીસ અધિક્ષકે કહ્યું છે કે, ડ્રોન અને અન્ય ઈલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ કરીને ઘટનાની વિડીયોગ્રાફી કરવામાં આવી છે. હુમલાખોરો સામે રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (NSA) હેઠળ પણ કેસ નોંધવામાં આવશે. ઘણા હુમલાખોરોની અટકાયત કરવામાં આવી છે. તેની પૂછપરછ કરી તેની સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    પથ્થરમારામાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. તેમાં મુરાદાબાદના પોલીસ અધિક્ષક, જનસંપર્ક અધિકારી (પીઆરઓ), ડેપ્યુટી કલેક્ટર (એસડીએમ) અને ડેપ્યુટી એસપી (ડીએસપી) અનુજ ચૌધરીનો સમાવેશ થાય છે. હિંસામાં નઈમ અહેમદ, બિલાલ અંસારી અને અન્ય એકના મોત થયા હોવાના અહેવાલ છે. મૃત્યુ કેવી રીતે થયું તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી.

    આચનક જ જમા નથી થઈ હિંસક ભીડ

    હિંસક ટોળામાં લગભગ 2 હજાર તોફાનીઓ સામેલ હોવાનું કહેવાય છે. હિંસાના વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ટોળું કોઈપણ ભોગે મસ્જિદમાં સરવે કરી રહેલી ટીમ સુધી પહોંચવા માંગતું હતું. રસ્તામાં પોલીસે પહેલા બેરીકેટનો ઉપયોગ કરીને અને બાદમાં સમજાવટ કરીને ભીડને રોકવાનો પ્રયાસ કર્યો હતો. અહીં મોટો પ્રશ્ન એ છે કે, હજારોની ભીડને પાછળથી એક જ દિશામાં અને ટાર્ગેટ તરફ કોણ લઈ જઈ રહ્યું હતું?

    ભીડ લગભગ એક જ નારા લગાવી રહી હતી. તેમના કપડા પણ ઓછાવત્તા અંશે સરખા હતા. તે બધાની હુમલાની પદ્ધતિ પણ એક જ હતી. છતો અને ગલીઓમાં દીવાલોનો આશરો લઈને પથ્થરમારો પણ એકદમ પ્રશિક્ષિત રીતે કરવામાં આવી રહ્યો હતો. આ જ કારણ છે કે શરૂઆતમાં પોલીસને પણ પીછેહઠ કરવી પડી હતી. હુમલાની પદ્ધતિથી તે સ્પષ્ટ લાગી રહ્યું હતું કે, કોઈ તેને કંટ્રોલ કરી રહ્યું છે.

    ક્યાંથી આવ્યા આટલા પથ્થરો?

    હિંસક ટોળાના હુમલાને કારણે શેરીઓ અને રસ્તાઓ પર એકલા પથ્થરો છવાઈ ગયા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે, મહાનગરપાલિકાનું ટ્રેક્ટર ઈંટના ટુકડા અને પથ્થરો ટ્રોલીમાં ભરી રહ્યું છે. જો હિંસાગ્રસ્ત સમગ્ર વિસ્તારમાંથી પથ્થરો એકત્રિત કરવામાં આવે તો તે એક ટ્રક કરતાં વધુ હશે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે, આ પત્થરો ક્યારથી એકત્ર કરવામાં આવી રહ્યા હતા અને ક્યાંથી લાવવામાં આવ્યા હતા. સમાચાર લખાય છે ત્યાં સુધી ઈંટો અને પથ્થરોની 4 ટ્રોલીઓ મળી આવી છે.

    આ ઇંટો અને પત્થરો યોગ્ય રીતે કદમાં કાપવામાં આવ્યા હતા. તેનો ઘાટ અને કદ એવા રાખવામાં આવ્યા હતા કે, જેના કારણે પોલીસ પર ફેંકવામાં સરળતા રહે. એટલું જ નહીં, હિંસક ભીડમાં વૃદ્ધોથી લઈને નાના બાળકો સુધીના દરેકના હાથમાં ઈંટો અને પથ્થરો જોવા મળી રહ્યા હતા.

    સપા સાંસદને પોલીસની તૈનાતીથી હતો વાંધો, નમાજમાં ભારે ભીડ

    સરવે બાદ સંભલના સાંસદ ઝિયાઉર રહેમાન બર્કે કહ્યું હતું કે, “અહીં એક મસ્જિદ છે, મસ્જિદ હતી અને મસ્જિદ જ રહેશે. અમે ઇચ્છીએ છીએ કે દેશનું વાતાવરણ બગડે નહીં.”વિષ્ણુ શંકર જૈનને સંબોધિત ઈશારામાં ઝિયાઉર રહેમાને કહ્યું હતું કે, “કેટલાક લોકો બહારથી આવીને અહીંનું વાતાવરણ બગાડવા માંગે છે.”

    દરમિયાન, શુક્રવારે (22 નવેમ્બર, 2024) એ જ જામા મસ્જિદમાં ભારે ભીડ જોવા મળી હતી. તે જ મસ્જિદમાં નમાજ પઢનારા એક વકીલે મીડિયાને જણાવ્યું હતું કે, સામાન્ય રીતે 500-600 લોકો શુક્રવારની નમાજ પઢવા માટે મસ્જિદમાં આવતા હતા. પરંતુ ટ્રાયલ અને સરવે બાદ જુમ્માના રોજ 4000થી વધુ લોકો પહોંચ્યા હતા. આખરે, આ જુમ્મામાં એવું તો શું હતું કે 10 ગણા વધુ લોકો ભેગા થયા?

    શુક્રવારે જ જુમ્માની નમાજ દરમિયાન સપા સાંસદ ઝિયાઉર રહેમાન બર્કે, ઇસ્લામને ‘શાંતિનો મઝહબ’ ગણાવતા પોલીસની તૈનાતી સામે વાંધો ઉઠાવ્યો હતો.

    અખિલેશે મુઝફ્ફરનગરવાળી હરકતનું કર્યું પુનરાવર્તન

    હિંસા બાદ સપા પ્રમુખ અખિલેશે હુમલાખોરોનો બચાવ કર્યો અને તમામ દોષ પ્રશાસન પર ઢોળવાનો પ્રયાસ કર્યો.મુઝફ્ફરનગરની જેમ આ વખતે પણ તેમણે સમગ્ર હિંસાની એક નાની ક્લિપ કાપીને વહીવટીતંત્રને દોષી ઠેરવવાનો પ્રયાસ કર્યો હતો.

    કદાચ આ સપાના નેતાઓની બયાનબાજી જ છે, જેના કારણે પથ્થરમારો કરી રહેલા યુવાનોને સમજાવવાના પ્રયાસ કરતા એસપી કૃષ્ણ કુમાર વિશ્નોઈએ કહ્યું હતું કે, ‘બેટા, પોતાનું ભવિષ્ય ખરાબ ના કરો.’ તેમણે આ યુવાનોને વારંવાર કહ્યું કે, “આ નેતાઓના ચક્કરમાં તમારું ભવિષ્ય ના બગાડો.”

    રામજાનકી મંદિરની ₹100 કરોડની જમીન પર કર્યો કબજો, પ્લોટ વેચવાની થઈ રહી હતી તૈયારી: ભાજપ સરકારે બુલડોઝર ફેરવી કરી મુક્ત

    મધ્ય પ્રદેશના (Madhya Pradesh) ગ્વાલિયરના (Gwalior) તારાગંજ કોટા લશ્કર સ્થિત શ્રી રામજાનકી મંદિર (Ram Janki Mandir) ટ્રસ્ટની લગભગ પોણા નવ વીઘા જમીન (Land) પરથી અતિક્રમણ હટાવી નાખવામાં આવ્યું છે. જિલ્લા વહીવહીતંત્ર, નગરપાલિકા અને પોલીસની સંયુક્ત ટીમે શનિવારે (23 નવેમ્બર) આ કાર્યવાહી હાથ ધરી હતી. ₹100 કરોડની કિંમતની જમીન પર એક શખ્સે કબજો કરી લીધો હતો અને બાઉન્ડ્રી વોલ પણ ઊભી કરી નાખી હતી. આખરે તંત્ર દ્વારા તે તમામ જમીન પર બુલડોઝર ફેરવીને તેને મુક્ત કરવામાં આવી છે.

    શનિવારે મંદિરની જમીન પર ઊભી કરવામાં આવેલી બાઉન્ડ્રી વોલ અને અન્ય તમામ ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આરોપ છે કે, જમીન પર કબજો કરીને, તેનું પ્લોટિંગ કરીને તેને વેચવાનું કાવતરું રચવામાં આવી રહ્યું હતું. માહિતી અનુસાર, બુલડોઝર કાર્યવાહી કલેકટર રૂચિકા ચૌહાણના નિર્દેશો પર કરવામાં આવી હતી. તેમણે 18 નવેમ્બરના રોજ જમીનનું નિરીક્ષણ કરીને અધિકારીઓને કાર્યવાહી હાથ ધરવા માટેના નિર્દેશો આપ્યા હતા.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મનોહરલાલ ભલ્લા નામના વ્યક્તિએ મંદિરની તે જમીન પર બાઉન્ડ્રી વોલ બનાવી હતી. આ સાથે જ આરોપી જમીનના પ્લોટિંગ કરીને તેને વેચવા માટેની તૈયારી પણ કરી રહ્યો હતો. SDM નરેન્દ્ર બાબુના નેતૃત્વમાં થયેલી આ કાર્યવાહીએ ન માત્ર મંદિરની જમીનને જ મુક્ત કરાવી, પરંતુ અશિક્ષિત સ્થાનિક લોકોને જાળમાં ફસવાથી પણ બચાવ્યા હતા.

    રેવન્યુ ઈન્સ્પેકટર પ્રદીપ મહાકાલી અને પટવારી ઇકબાલ ખાનના રિપોર્ટના આધારે નાયબ મામલતદાર ડૉ. રમાશંકર સિંઘે મધ્ય પ્રદેશ લેન્ડ કોડની કલમ 248 હેઠળ કેસ નોંધ્યો હતો. આ સાથે જ બુલડોઝર કાર્યવાહી દરમિયાન મામલતદાર શિવદત્ત કટારે, નગરપાલિકાના અધિકારીઓ અને સ્થાનિક પોલીસ પણ સામેલ હતા. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પૂરતી સુરક્ષા વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી. હાલ તે જમીનને સંપૂર્ણ રીતે મુક્ત કરી દેવામાં આવી છે.

    ‘તેઓ CAAના વિરોધ માટે નહીં, પોલીસ પર હુમલો કરવાના ઇરાદે એકઠા થયા હતા’: દિલ્હી હિંદુવિરોધી રમખાણો દરમિયાન હેડ કૉન્સ્ટેબલ રતનલાલની હત્યા મામલે કોર્ટે 25 ઇસમો સામે ઘડ્યા આરોપ

    દિલ્હીની એક કોર્ટે (Delhi Court) શુક્રવારે (22 નવેમ્બર) 2020ના હિંદુવિરોધી રમખાણો (Delhi Anti-Hindu riots) દરમિયાન હેડ કોન્સ્ટેબલ રતનલાલની (Ratan lal Murder Case) હત્યા મામલે 25 આરોપીઓ વિરુદ્ધ હત્યા, આગચંપી, લૂંટના ગુના માટેના આરોપો ઘડવાનો આદેશ આપ્યો છે. રતનલાલ હત્યા કેસમાં કુલ 27 આરોપીઓ હતા, જેમાંથી બેને પુરાવાના અભાવે મુક્ત કરવામાં આવ્યા છે.

    એડિશનલ સેશન્સ જજ પુલસ્ત્ય પ્રમચલાની કોર્ટે પોતાના 115 પાનાંના આદેશમાં કહ્યું છે કે, “બંધારણ કોઈપણ પ્રદર્શનકારીને હિંસા કરવા, કોઈ પર હુમલા કરવા, કોઈની હત્યા કરવા, કોઈની સંપત્તિને નુકસાન પહોંચાડવા અથવા તો કોઈને લૂંટવાના અધિકારો નથી આપતું. તેથી આરોપીઓ પોતાના બંધારણીય અધિકારોનો ઉપયોગ કરી રહ્યા હતા, તેવી દલીલ તદ્દન ખોટી છે.” કોર્ટે વધુમાં કહ્યું કે, “પ્રદર્શનકારીઓ માત્ર CAA/NRCના વિરોધ માટે જ એકઠા નહોતા થયા, પરંતુ હથિયારોથી સજ્જ થઈને પોલીસ પર તેનો ઉપયોગ કરવાની માનસિકતા સાથે એકઠા થયા હતા.”

    કોર્ટે વધુમાં કહ્યું કે, “23 ફેબ્રુઆરી, 2020ના રોજ મુખ્ય વજીરાબાદ રોડને અવરોધિત કરવાના પ્રયાસોને પોલીસ દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા. ત્યારપછી 24 ફેબ્રુઆરીના રોજ મોટી સંખ્યામાં પ્રદર્શનમાં સામેલ થવું અને હથિયારો લઈ જવા પર ભાર આપવો, તે દર્શાવે છે કે, વિરોધ પ્રદર્શનના આયોજકો અને વક્તાઓએ પોલીસ પર હુમલો કરવાની એક સ્પષ્ટ માનસિકતા તૈયાર કરી હતી.” કોર્ટે કહ્યું કે, “આ હુમલો એક ‘સુનિયોજિત કાવતરા’ના ભાગરૂપે થયો હોવાનું જાણવા મળી રહ્યું છે.”

    રતનલાલના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મળ્યા ગોળીઓના નિશાન, 24 જગ્યાએ ઈજાઓ

    આદેશમાં કોર્ટે કહ્યું કે, રતનલાલના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગોળીઓના ઘા અને 24 અન્ય બહારની ઈજાઓ જોવા મળી છે. કોર્ટે કહ્યું, “બંદૂકના આ ઘા અને સાથે જ પાંચ અન્ય ઈજાઓ પ્રકૃત્તિની સામાન્ય પ્રક્રિયામાં મોતનું કારણ બનવા માટે પૂરતા હતા. તેથી હેડ કોન્સ્ટેબલ રતનલાલનું મોત હુમલા અને ઘટનામાં વાગેલી ગોળીઓના કારણે થયું છે.”

    ફરિયાદી પક્ષ અનુસાર, આ રમખાણો મહિનાઓ સુધી રચવામાં આવેલા એક મોટા કાવતરાનો ભાગ હતા. તે કાવતરા રચવાની શરૂઆત ડિસેમ્બર 2019માં નાગરિકતા સંશોધન વિધેયક (CAA)ને કેબિનેટની મંજૂરી મળ્યા બાદ થઈ હતી. ફરિયાદી પક્ષે કહ્યું કે, કાવતરામાં મસ્જિદો અને મુખ્ય રસ્તાઓ નજીકના મુસ્લિમ બાહુલ્ય વિસ્તારોમાં 23 પ્રદર્શન સ્થળ (જે સતત ચાલતા રહેતા હતા) બનાવવામાં આવ્યા હતા. ફરિયાદી પક્ષે તે આરોપ પણ લગાવ્યો છે કે, ફેબ્રુઆરી 2020ના રમખાણો પહેલાં, ડિસેમ્બર 2019માં એક જેવી જ મોડસ ઓપરેન્ડી સાથે તેવી ઘટના બની હતી.

    નોંધવા જેવું છે કે, 24 ફેબ્રુઆરી 2022ના રોજ મુસ્લિમ ટોળાએ પોલીસ કર્મચારીઓ પર હુમલો કર્યો હતો. જેમાં રતન લાલની સાથે ડીસીપી (શાહદરા) અમિત શર્મા અને એસીપી (ગોકલપુરી) અનુજ કુમાર પર હુમલો થયો હતો. ઘટના બાદ ડોક્ટરોએ રતનલાલને મૃત જાહેર કર્યા હતા. વરિષ્ઠ અધિકારીઓને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમની સર્જરી કરવી પડી હતી. દિલ્હીમાં થયેલી હિંદુવિરોધી હિંસામાં ઓછામાં ઓછા 53 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેમાં મોટાભાગના હિંદુ હતા અને 200થી વધુ લોકો ઘાયલ પણ થયા હતા. સરકારી અને ખાનગી સંપત્તિને પણ ઘણું નુકસાન થયું હતું. હિંસક ટોળાએ સેંકડો ઘરો, દુકાનો, વાહનો, પેટ્રોલ પંપને આગ ચાંપી દીધી હતી અને સ્થાનિકો અને પોલીસ કર્મચારીઓ પર પથ્થરમારો કર્યો હતો.

    ઈલેક્શન એનાલિસિસ: ‘બટેંગે તો કટેંગે’થી એક થયા હિંદુ વૉટર, સંઘની સક્રિયતા ફળી; મહાવિકાસ આઘાડીને લઈ ડૂબ્યો અતિઆત્મવિશ્વાસ

    2024ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ધારેલું પરિણામ ન મળ્યા બાદ એક ઇકોસિસ્ટમે જે ‘મોદી મેજિક અને ભાજપનાં વળતાં પાણી’નો નરેટિવ ચલાવવા માંડ્યો હતો એ હરિયાણા વિધાનસભા ચૂંટણીનાં પરિણામોએ એક ઝાટકે ધ્વસ્ત કરી દીધો હતો. હવે મહારાષ્ટ્રનાં પરિણામોએ (Maharashtra Election Results) તેને જડમૂળમાંથી ઉખાડી ફેંક્યો છે. 

    મહારાષ્ટ્રની ચૂંટણી અનેક રીતે મહત્વની હતી. એક તો એ બહુ મોટું રાજ્ય છે. કુલ 288 વિધાનસભા બેઠકો. ગુજરાત કરતાં પણ 106 વધારે. રાજકીય રીતે પણ રાજ્ય ઘણું મહત્વનું. અહીંનું રાજકારણ પણ બહુ રસપ્રદ અને પ્રાદેશિક પક્ષો હોવાના કારણે બારેમાસ અહીં રાજકીય ઉથલપાથલ થતી રહે છે. ત્રીજું ને સૌથી મહત્વનું- અહીં જ દેશનું આર્થિક પાટનગર મુંબઈ પણ આવેલું છે. દેશની અર્થવ્યવસ્થામાં મહારાષ્ટ્રનું યોગદાન સર્વોચ્ચ છે. આ બધું જોતાં મહારાષ્ટ્ર જીતવું કોઈ પણ પાર્ટી માટે સર્વોચ્ચ પ્રાથમિકતા હોવાની. 

    આ ચૂંટણી છૂટી પડી ગયેલી પાર્ટીઓ શિવસેના અને NCPનાં ચારેય જૂથ માટે પણ એક પરીક્ષા સમાન હતી. આમ તો ચૂંટણી પંચે એકનાથ શિંદે અને અજિત પવાર જૂથને અનુક્રમે શિવસેના અને NCPનાં નામનિશાન આપીને એક રીતે સિક્કો મારી દીધો હતો, પણ રાજકારણમાં જનતાની અદાલત જ સર્વોચ્ચ કહેવાય. જનતાએ નિર્ણય આપવાનો હતો કે તેઓ કોને સાચી શિવસેના કે સાચી NCP માને છે. શનિવારે જનતાએ નિર્ણય સંભળાવી દીધો. 

    રાજ્યની 288 બેઠકોમાંથી મહાયુતિના ફાળે કુલ 230 બેઠકો ગઈ છે. આ ખરેખર પ્રચંડ જીત કહેવાય. 132 બેઠકો ભાજપે એકલે હાથે જીતી. સામે મહાવિકાસ આઘાડીની કોઈ પાર્ટી 20નો આંકડો પણ પસાર કરી શકી નથી. ત્રણ પાર્ટીઓએ મળીને જેટલી બેઠક જીતી એના કરતાં વધારે એકનાથ શિંદેની શિવસેનાએ જીતી લીધી. શિંદેએ સાચું જ કહ્યું- આ પરિણામ ન ભૂતો, ન ભવિષ્યતિ જેવું છે. આવડા મોટા રાજ્યમાં, આટલી પાર્ટીઓ વચ્ચે આવી જીત મેળવવી એ ઐતિહાસિક જ કહેવાય. 

    આ ભવ્ય અને ઐતિહાસિક વિજય પાછળ કારણ ઘણાં છે. કોઈ એમ કહેતું હોય કે ‘લાડલી બહેના’ અને એવી યોજનાઓના કારણે જ ભાજપ ગઠબંધને જીત મેળવી લીધી, તો એ વ્યાજબી ન કહેવાય. આ યોજનાઓનો ફાળો ખરો, પણ આવું પરિણામ લાવવા માટે તમે એક-બે પરિબળો પર આધાર રાખીને બેસી રહો તો ન આવે. એટલે બીજાં પણ ઘણાં પરિબળો કામ કરી ગયાં. 

    ‘બટેંગે તો કટેંગે’ અને ‘એક હૈ તો સેફ હૈ’ નારાની સફળતા 

    પરિણામો જોઈને એટલું તો સ્પષ્ટ છે કે હિંદુઓના મત એકત્ર થયા છે. તે સિવાય આવું પરિણામ આવી શકે નહીં. અને આ હિંદુ વોટોના એકત્રીકરણમાં ભાગ ભજવ્યો ‘બટેંગે તો કટેંગે’ના નારાએ. વાસ્તવમાં તો આ માત્ર એક નારો નથી, પણ નરેટિવ છે. જે ભાજપ અને હિંદુ સંગઠનોએ બખૂબી સેટ કર્યો. 

    ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ નારો પહેલાં હરિયાણા વિધાનસભા ચૂંટણી વખતે આપ્યો હતો. ત્યારે જ બાંગ્લાદેશમાં ઉથલપાથલ સર્જાઈ હતી, જેનું ઉદાહરણ ટાંકીને તેમણે હિંદુઓને સમજાવ્યું કે તેઓ જ્યારે-જ્યારે વહેંચાય જાય છે ત્યારે કેવાં દુષ્પરિણામો આવે છે. આ વાત યોગી આદિત્યનાથે કહી તેનો પણ એક બહુ મોટો ફેર પડ્યો, અને લોકોના મગજમાં ઉતરી. તેની અસર હરિયાણામાં પણ દેખાઈ અને મહારાષ્ટ્રમાં પણ. 

    હિંદુઓને જાતિઓમાં વહેંચી નાખીને સત્તા સુધી પહોંચવાના વિપક્ષી પાર્ટીઓના કાવતરાને પણ આ નારાએ ઉઘાડું પાડ્યું. એ જ કારણ છે કે પછી ચૂંટણીમાં વિપક્ષી પાર્ટીઓ પણ જાતિ પીચ પર રમતી બંધ થઈ ગઈ. કારણ કે તેમને નુકસાન દેખાવા માંડ્યું હતું. 

    પછીથી વડાપ્રધાન મોદીએ પણ ‘એક હૈ તો સેફ હૈ’નો નારો આપીને આ નરેટિવને બળ આપ્યું. તેની પણ ઘણી અસર દેખાઈ. 

    અસર દેખાવાનું કારણ એ છે કે નારો માત્ર રાજકીય વાત નથી, પણ વાસ્તવિકતાના દર્શન પણ કરાવે છે. રાહુલ ગાંધીથી માંડીને વિપક્ષી પાર્ટીના નેતાઓ કઈ રીતે હિંદુઓને જાતિમાં વહેંચવા માટે રીતસર બેબાકળા થતા હતા એ લોકોએ જોયું. વિપક્ષશાસિત રાજ્યોમાં હિંદુઓની દશા કેવી થાય છે એ વાતોની પણ ચર્ચા થઈ. કઈ રીતે મુસ્લિમ તુષ્ટિકરણમાં રત પાર્ટીઓ ક્યારેય મુસ્લિમોની જાતિની વાત નથી કરતી, પણ હિંદુઓમાં જાતિ લઈ આવે છે એની પણ ચર્ચા થઈ. 

    નરેટિવ મહારાષ્ટ્રમાં સફળ થયો. ‘હિંદુ એકતા’ના દર્શન થયા. હિંદુ સમુદાયને પણ પોતાની શક્તિનો પરિચય થયો અને રાજકીય પાર્ટીઓને પણ ભાન થઈ ગયું કે હિંદુઓને વહેંચવાના ભલે ગમે તેટલા પ્રયત્નો કરવામાં આવે, પણ સમાજ વહેંચાશે નહીં અને એક રહેશે. 

    RSSનું ગ્રાઉન્ડ વર્ક 

    હરિયાણામાં જેમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સક્રિયતા ફળી હતી એમ મહારાષ્ટ્રમાં જીતનો નક્શો તૈયાર કરવામાં સંઘે અગત્યની ભૂમિકા ભજવી. 

    ભાજપના ‘બટેંગે તો કાટેંગે’ના નારાની તર્જ પર જ સંઘના સ્વયંસેવકોએ ‘સજાગ રહો’ નામનું એક કેમ્પેઈન લૉન્ચ કર્યું હતું, અને હિંદુઓના જાતિવિભાજન સામે મોરચો ખોલ્યો હતો. કાર્યકરો આખા મહારાષ્ટ્રમાં ફર્યા અને નાની-મોટી સભાઓ કરી. છેક સુધી ‘હિન્દુત્વ અને રાષ્ટ્રવાદ’નો એજન્ડા પહોંચાડ્યો. ગ્રાઉન્ડ પર ઉતરીને સંઘે કામ કર્યું અને સંઘ જેવાં સંગઠનો ગ્રાઉન્ડ પર ઉતરે છે ત્યારે તેની સકારાત્મક અસરો જોવા મળે જ છે. 

    સંઘ હંમેશા ભાજપનું એક બેકબૉન બનીને રહ્યું છે. આ ચૂંટણીમાં પણ તેનું મહત્વ સમજાય ગયું. ઘણાં કામો ભારતીય જનતા પાર્ટી કરી શકતી નથી, તે સંઘ કરી બતાવે છે. 

    એન્ટી-ઈન્કમ્બન્સીનું નામનિશાન નહીં 

    ભાજપની એક ખાસિયત એ છે કે તેઓ જ્યાં જાય છે ત્યાં મૂળિયાં મજબૂત કરી નાખે છે. ગુજરાતમાં ત્રણ દાયકાથી શાસન છે. કેન્દ્રમાં પણ હવે એક દાયકો પૂરો થઈ ગયો. બીજાં ઘણાં રાજ્યો છે. હરિયાણામાં પણ 2014માં એક વખત સરકાર બનાવ્યા પછી વિજયરથ આગળ જ ચાલતો રહ્યો છે. 

    તેમને એન્ટી-ઈન્કમ્બન્સી ઓછી નડે છે, એનું કારણ એ છે કે સરકારો કામ પણ કરે છે. જૂન-2022થી નવેમ્બર-2024 સુધીનાં અઢી વર્ષમાં શિંદે-ફડણવીસની સરકારે જે કામ કર્યું તે મહારાષ્ટ્રની જનતાએ જોયું. તે પહેલાંના અઢી વર્ષમાં ઉદ્ધવ ઠાકરેની સરકારે જે કામ કર્યાં હતાં, એ પણ જનતાએ જોયાં હતાં. 

    100 કરોડનો વસૂલી કાંડ, એન્ટિલિયા કેસ, ભ્રષ્ટાચારના આરોપો, નિર્દોષ નાગરિકોને જેલમાં નાખવા, પત્રકારો પર દમન- આ બધી ‘ઉપલબ્ધિઓ’ ઠાકરેના નામે બોલે છે. બીજી બાજુ, મહાયુતિ સરકાર આવ્યા પછી જે એક પછી એક કામો થયાં, નવા-નવા પ્રોજેક્ટ્સ આવ્યા, કોઈ ડાઘ વગર સરકાર ચાલી- આ બધું પણ લોકોએ જોયું. હવે બેમાંથી એકની પસંદગી કરવાની હોય તો લોકો કોની કરે? જવાબ કાલે જનતાએ આપી દીધો. 

    આ જીતનો ઘણોખરો શ્રેય દેવેન્દ્ર ફડણવીસને પણ જાય છે. ફડણવીસે જે રીતે સરકાર અને સંગઠનમાં રહીને કામ કર્યું, પાર્ટી મજબૂત કરી, લોકોનો વિશ્વાસ જીત્યો એના કારણે કેન્દ્રીય નેતૃત્વનું ઘણુખરું કામ સરળ થઈ પડ્યું. પાર્ટીએ તેમને ઉપમુખ્યમંત્રીનું પદ આપ્યું તો એ પણ સ્વીકાર્યું. જ્યારે જે કામ મળ્યું એમાં દિલ રેડીને મહેનત કરી અને પરિણામ સામે છે. ફડણવીસ એવા નેતાઓમાંના છે, જેઓ ભવિષ્યમાં ભારતીય રાજકારણના કેન્દ્રમાં હશે. આ જીતના શિરપાવ તરીકે તેમને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાય તોપણ નવાઈ ન થવી જોઈએ. 

    કોંગ્રેસની નિષ્ફળતા, ઉદ્ધવ ઠાકરેનો ઘમંડ અને શરદ પવારની નિષ્ક્રિયતા 

    આ ચૂંટણીમાં સૌથી વધુ નિષ્ફળ પાર્ટી કોંગ્રેસ જ રહી છે. કોંગ્રેસ સૌથી વધુ બેઠકો પર લડી અને બેઠકો મળી સૌથી ઓછી. આ જોકે, કોંગ્રેસ માટે હવે સામાન્ય થતું જાય છે. તેઓ જ્યાં જાય ત્યાં પોતે ડૂબે જ છે પણ પ્રાદેશિક પક્ષોને પણ ડૂબાડી આવે છે. આ ચૂંટણીમાં મહાવિકાસ આઘાડીની બેઠકો ઘટી, એમાં કોંગ્રેસનો ફાળો મોટો છે. 

    ઉદ્ધવ ઠાકરેને હતું કે લોકો પિતાના નામના કારણે તેમને જ સમર્થન આપશે. એક સમયે તેમનો આ વિશ્વાસ અતિઆત્મવિશ્વાસમાં પરિવર્તિત થઈ ગયો હતો અને તે તેમની ભાષામાં પણ દેખાતું હતું. બીજું, તેઓ હિન્દુત્વને બિલકુલ કિનારે કરી દઈને સેક્યુલર બની ગયા અને ઉપરથી હિન્દુત્વની વાત કરતા ભાજપને ગાળો ભાંડી. પણ આ બધા પર તેમની સરકારમાં થયેલાં કારસ્તાનો ભારે પડ્યાં. 

    રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનું એક જૂથ ચલાવતા શરદ પવારને આપણે ત્યાંના અમુક પત્રકારો-રાજકીય વિશ્લેષકો ‘ચાણક્ય’ ગણાવતા રહે છે, પણ હકીકત એ છે કે આ ભાઈએ એવું કોઈ કામ કર્યું નથી, જેનાથી તેમનું આ ‘ચાણક્યપણું’ સાબિત થાય. આ ચૂંટણીમાં પણ તેમણે બહુ સક્રિયતા દેખાડી નહીં, ને તેમની કોઈ ઝાઝી અસર પણ ન થઈ. 

    આ જીતથી એ પણ નિશ્ચિત થઈ ગયું કે ‘મોદી મૅજિક’ ક્યાંય ગાયબ થયું નથી. મોદીને આ દેશની જનતા આજે પણ એટલી જ ચાહે છે અને તેમનો એટલો જ આદર કરે છે. આ આદર કામ કરીને કમાવાતો હોય છે. એક દાયકામાં મોદીએ જે કામ કર્યું એ દેશે જોયું અને એ કામને જોઈને જ લોકો તેમને, તેમની પાર્ટીને મત આપતા રહે છે. મોદી જ્યારે સ્ટેજ પરથી ‘ડબલ એન્જિન સરકાર’ની વાત કરે છે ત્યારે લોકોના ગળે એ વાતો ઉતરે છે. કારણ કે મોદી માત્ર બોલીને છટકી જનારા નેતાઓમાંથી નથી, મોદી કામ પણ કરે છે. 

    મહારાષ્ટ્રનું આ પરિણામ ભાજપનો જુસ્સો વધારનારું બની રહેશે. તેની અસર રાષ્ટ્રીય સ્તરે પણ જોવા મળશે. બીજી બાજુ, ઈન્ડી ગઠબંધન માટે આ મોટો ઝાટકો છે. આ પરિણામોથી ફરી એક વખત ‘કોંગ્રેસ જ્યાં જાય ત્યાં પ્રાદેશિક પક્ષોને સાફ કરી આવે છે’ એ નરેટિવને બળ મળશે. UP, બંગાળમાં અખિલેશ-મમતાએ તો અંતર બનાવવા જ માંડ્યું છે, હવે બીજે ઠેકાણે પણ પાર્ટીઓ ચેતીને ચાલશે. 

    ઉપરાંત, હવે જે વિધાનસભા ચૂંટણીઓ આવશે તેમાં પણ આ પરિણામોની અસર વધતા-ઓછા અંશે થવાની. એ કરે કે ન કરે, ‘બટેંગે તો કટેંગે’ તો જરૂર કરશે!

    UPની કુંદરકી વિધાનસભા બેઠક પર ભાજપે ત્રણ દાયકા પછી મેળવી જીત: 60% મુસ્લિમ વસ્તી ધરાવતી સીટ પર 11 મુસ્લિમ ઉમેદવારોને હરાવીને રામવીરસિંઘ ઠાકુરે ભગવો લહેરાવ્યો

    23 નવેમ્બરના રોજ ભારતના ચૂંટણી પંચે વિવિધ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી અને પેટાચૂંટણીના પરિણામો જાહેર કર્યાં. જેમાં ઉત્તર પ્રદેશની (Uttar Pradesh) નવ વિધાનસભા બેઠકો પણ સામેલ છે. યુપીની પેટાચૂંટણીમાં (By-Election Results) મુરાદાબાદની કુંદરકી વિધાનસભા બેઠક (Kundarki Assembly Seat) ભારે ચર્ચાનો વિષય રહી છે. મુસ્લિમ બાહુલ્ય કુંદરકીમાં 11 મુસ્લિમ ઉમેદવારો (11 Muslim candidates) સામે એકમાત્ર ભાજપના હિંદુ ઉમેદવારે (Hindu candidate) ભવ્ય જીત નોંધાવી છે. એટલું જ નહીં, પરંતુ આ વિધાનસભા બેઠકના સમાજવાદી પાર્ટી સહિતના અન્ય ઉમેદવારોની ડિપોઝિટ પણ જપ્ત થઈ ગઈ છે.

    મહત્વની વાત તો તે છે કે, મુરાદાબાદની કુંદરકી વિધાનસભા બેઠક પર 60% વસ્તી મુસ્લિમ સમુદાયની છે. ભાજપે 31 વર્ષના લાંબા સમય બાદ આ બેઠક પર વિજય પ્રાપ્ત કર્યો છે. કુંદરકીમાં ભાજપના ઉમેદવાર રામવીર સિંઘ ઠાકુરે કુલ 2.22 લાખ મતોમાંથી 1.7 લાખથી વધુ મત મેળવીને મોટા અંતરથી જીત નોંધાવી છે. તેમની સામે વિવિધ પાર્ટીના 11 મુસ્લિમ ઉમેદવારો હતા. તેમ છતાં તેમણે કુંદરકી વિધાનસભા બેઠક ભાજપના ખાતે કરી છે.

    11 મુસ્લિમ ઉમેદવાર, માત્ર ભાજપે ઉતાર્યા હિંદુ ઉમેદવાર

    કુંદરકી પેટાચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર હાજી મોહમ્મદ રિઝવાન સૌથી મજબૂત ઉમેદવાર માનવામાં આવી રહ્યા હતા. તે સિવાય બસપાએ આ બેઠક પરથી રફ્તુલ્લાહ જાનને મેદાને ઉતાર્યા હતા અને AIMIMએ હાફિઝ વારીસ અને આઝાદ સમાજ પાર્ટીએ ચાંદ બાબુને ઉતાર્યા હતા. આ બેઠક પર 11 મુસ્લિમ ઉમેદવારોની વચ્ચે માત્ર ભાજપે જ હિંદુ ઉમેદવાર રામવીર સિંઘ ઠાકુરને મેદાને ઉતાર્યા હતા અને પરિણામ આજે લોકોની સામે છે.

    ફોટો- ચૂંટણી પંચ

    મહત્વની વાત તો તે છે કે, વિધાનસભાની પેટાચૂંટણીમાં રામવીર સિંઘ ઠાકુરે મુસ્લિમ સમુદાયના 11 ઉમેદવારો વિરુદ્ધ ચૂંટણી લડીને કુંદરકી બેઠક પર 1,70,371 મતો સાથે ચૂંટણી જીતી છે. જેમાં 98માંથી 68 પોસ્ટલ બેલેટ પણ સામેલ છે. તેનાથી જાણી શકાય છે કે, તેઓ સરકારી કર્મચારીઓ સહિત વિસ્તારના દરેક લોકો વચ્ચે એક લોકપ્રિય ચેહરો હતા. જ્યારે, સપા ઉમેદવાર મોહમ્મદ રિઝવાનને માત્ર 25,580 મત મળ્યા, તેઓ રામવીર ઠાકુર સામે 1,44,791 વોટથી હાર્યા છે. AIMIM અને આઝાદ સમાજ પાર્ટીના ઉમેદવારોને ક્રમશઃ 8,111 અને 14,194 મત મળ્યા હતા. આ ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવારની ડિપોઝિટ પણ જપ્ત થઈ ગઈ.

    ઉત્તર પ્રદેશમાં કુલ 9 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી, જેમાંથી 6 પર ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવી છે. સમાજવાદી પાર્ટીની બે બેઠકો પર, જ્યારે એક પર RLDની જીત થઈ હતી.