Wednesday, December 4, 2024
More
    હોમપેજરાજકારણઈલેક્શન એનાલિસિસ: ‘બટેંગે તો કટેંગે’થી એક થયા હિંદુ વૉટર, સંઘની સક્રિયતા ફળી;...

    ઈલેક્શન એનાલિસિસ: ‘બટેંગે તો કટેંગે’થી એક થયા હિંદુ વૉટર, સંઘની સક્રિયતા ફળી; મહાવિકાસ આઘાડીને લઈ ડૂબ્યો અતિઆત્મવિશ્વાસ

    નરેટિવ મહારાષ્ટ્રમાં સફળ થયો. ‘હિંદુ એકતા’ના દર્શન થયા. હિંદુ સમુદાયને પણ પોતાની શક્તિનો પરિચય થયો અને રાજકીય પાર્ટીઓને પણ ભાન થઈ ગયું કે હિંદુઓને વહેંચવાના ભલે ગમે તેટલા પ્રયત્નો કરવામાં આવે, પણ સમાજ વહેંચાશે નહીં અને એક રહેશે. 

    - Advertisement -

    2024ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ધારેલું પરિણામ ન મળ્યા બાદ એક ઇકોસિસ્ટમે જે ‘મોદી મેજિક અને ભાજપનાં વળતાં પાણી’નો નરેટિવ ચલાવવા માંડ્યો હતો એ હરિયાણા વિધાનસભા ચૂંટણીનાં પરિણામોએ એક ઝાટકે ધ્વસ્ત કરી દીધો હતો. હવે મહારાષ્ટ્રનાં પરિણામોએ (Maharashtra Election Results) તેને જડમૂળમાંથી ઉખાડી ફેંક્યો છે. 

    મહારાષ્ટ્રની ચૂંટણી અનેક રીતે મહત્વની હતી. એક તો એ બહુ મોટું રાજ્ય છે. કુલ 288 વિધાનસભા બેઠકો. ગુજરાત કરતાં પણ 106 વધારે. રાજકીય રીતે પણ રાજ્ય ઘણું મહત્વનું. અહીંનું રાજકારણ પણ બહુ રસપ્રદ અને પ્રાદેશિક પક્ષો હોવાના કારણે બારેમાસ અહીં રાજકીય ઉથલપાથલ થતી રહે છે. ત્રીજું ને સૌથી મહત્વનું- અહીં જ દેશનું આર્થિક પાટનગર મુંબઈ પણ આવેલું છે. દેશની અર્થવ્યવસ્થામાં મહારાષ્ટ્રનું યોગદાન સર્વોચ્ચ છે. આ બધું જોતાં મહારાષ્ટ્ર જીતવું કોઈ પણ પાર્ટી માટે સર્વોચ્ચ પ્રાથમિકતા હોવાની. 

    આ ચૂંટણી છૂટી પડી ગયેલી પાર્ટીઓ શિવસેના અને NCPનાં ચારેય જૂથ માટે પણ એક પરીક્ષા સમાન હતી. આમ તો ચૂંટણી પંચે એકનાથ શિંદે અને અજિત પવાર જૂથને અનુક્રમે શિવસેના અને NCPનાં નામનિશાન આપીને એક રીતે સિક્કો મારી દીધો હતો, પણ રાજકારણમાં જનતાની અદાલત જ સર્વોચ્ચ કહેવાય. જનતાએ નિર્ણય આપવાનો હતો કે તેઓ કોને સાચી શિવસેના કે સાચી NCP માને છે. શનિવારે જનતાએ નિર્ણય સંભળાવી દીધો. 

    - Advertisement -

    રાજ્યની 288 બેઠકોમાંથી મહાયુતિના ફાળે કુલ 230 બેઠકો ગઈ છે. આ ખરેખર પ્રચંડ જીત કહેવાય. 132 બેઠકો ભાજપે એકલે હાથે જીતી. સામે મહાવિકાસ આઘાડીની કોઈ પાર્ટી 20નો આંકડો પણ પસાર કરી શકી નથી. ત્રણ પાર્ટીઓએ મળીને જેટલી બેઠક જીતી એના કરતાં વધારે એકનાથ શિંદેની શિવસેનાએ જીતી લીધી. શિંદેએ સાચું જ કહ્યું- આ પરિણામ ન ભૂતો, ન ભવિષ્યતિ જેવું છે. આવડા મોટા રાજ્યમાં, આટલી પાર્ટીઓ વચ્ચે આવી જીત મેળવવી એ ઐતિહાસિક જ કહેવાય. 

    આ ભવ્ય અને ઐતિહાસિક વિજય પાછળ કારણ ઘણાં છે. કોઈ એમ કહેતું હોય કે ‘લાડલી બહેના’ અને એવી યોજનાઓના કારણે જ ભાજપ ગઠબંધને જીત મેળવી લીધી, તો એ વ્યાજબી ન કહેવાય. આ યોજનાઓનો ફાળો ખરો, પણ આવું પરિણામ લાવવા માટે તમે એક-બે પરિબળો પર આધાર રાખીને બેસી રહો તો ન આવે. એટલે બીજાં પણ ઘણાં પરિબળો કામ કરી ગયાં. 

    ‘બટેંગે તો કટેંગે’ અને ‘એક હૈ તો સેફ હૈ’ નારાની સફળતા 

    પરિણામો જોઈને એટલું તો સ્પષ્ટ છે કે હિંદુઓના મત એકત્ર થયા છે. તે સિવાય આવું પરિણામ આવી શકે નહીં. અને આ હિંદુ વોટોના એકત્રીકરણમાં ભાગ ભજવ્યો ‘બટેંગે તો કટેંગે’ના નારાએ. વાસ્તવમાં તો આ માત્ર એક નારો નથી, પણ નરેટિવ છે. જે ભાજપ અને હિંદુ સંગઠનોએ બખૂબી સેટ કર્યો. 

    ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ નારો પહેલાં હરિયાણા વિધાનસભા ચૂંટણી વખતે આપ્યો હતો. ત્યારે જ બાંગ્લાદેશમાં ઉથલપાથલ સર્જાઈ હતી, જેનું ઉદાહરણ ટાંકીને તેમણે હિંદુઓને સમજાવ્યું કે તેઓ જ્યારે-જ્યારે વહેંચાય જાય છે ત્યારે કેવાં દુષ્પરિણામો આવે છે. આ વાત યોગી આદિત્યનાથે કહી તેનો પણ એક બહુ મોટો ફેર પડ્યો, અને લોકોના મગજમાં ઉતરી. તેની અસર હરિયાણામાં પણ દેખાઈ અને મહારાષ્ટ્રમાં પણ. 

    હિંદુઓને જાતિઓમાં વહેંચી નાખીને સત્તા સુધી પહોંચવાના વિપક્ષી પાર્ટીઓના કાવતરાને પણ આ નારાએ ઉઘાડું પાડ્યું. એ જ કારણ છે કે પછી ચૂંટણીમાં વિપક્ષી પાર્ટીઓ પણ જાતિ પીચ પર રમતી બંધ થઈ ગઈ. કારણ કે તેમને નુકસાન દેખાવા માંડ્યું હતું. 

    પછીથી વડાપ્રધાન મોદીએ પણ ‘એક હૈ તો સેફ હૈ’નો નારો આપીને આ નરેટિવને બળ આપ્યું. તેની પણ ઘણી અસર દેખાઈ. 

    અસર દેખાવાનું કારણ એ છે કે નારો માત્ર રાજકીય વાત નથી, પણ વાસ્તવિકતાના દર્શન પણ કરાવે છે. રાહુલ ગાંધીથી માંડીને વિપક્ષી પાર્ટીના નેતાઓ કઈ રીતે હિંદુઓને જાતિમાં વહેંચવા માટે રીતસર બેબાકળા થતા હતા એ લોકોએ જોયું. વિપક્ષશાસિત રાજ્યોમાં હિંદુઓની દશા કેવી થાય છે એ વાતોની પણ ચર્ચા થઈ. કઈ રીતે મુસ્લિમ તુષ્ટિકરણમાં રત પાર્ટીઓ ક્યારેય મુસ્લિમોની જાતિની વાત નથી કરતી, પણ હિંદુઓમાં જાતિ લઈ આવે છે એની પણ ચર્ચા થઈ. 

    નરેટિવ મહારાષ્ટ્રમાં સફળ થયો. ‘હિંદુ એકતા’ના દર્શન થયા. હિંદુ સમુદાયને પણ પોતાની શક્તિનો પરિચય થયો અને રાજકીય પાર્ટીઓને પણ ભાન થઈ ગયું કે હિંદુઓને વહેંચવાના ભલે ગમે તેટલા પ્રયત્નો કરવામાં આવે, પણ સમાજ વહેંચાશે નહીં અને એક રહેશે. 

    RSSનું ગ્રાઉન્ડ વર્ક 

    હરિયાણામાં જેમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સક્રિયતા ફળી હતી એમ મહારાષ્ટ્રમાં જીતનો નક્શો તૈયાર કરવામાં સંઘે અગત્યની ભૂમિકા ભજવી. 

    ભાજપના ‘બટેંગે તો કાટેંગે’ના નારાની તર્જ પર જ સંઘના સ્વયંસેવકોએ ‘સજાગ રહો’ નામનું એક કેમ્પેઈન લૉન્ચ કર્યું હતું, અને હિંદુઓના જાતિવિભાજન સામે મોરચો ખોલ્યો હતો. કાર્યકરો આખા મહારાષ્ટ્રમાં ફર્યા અને નાની-મોટી સભાઓ કરી. છેક સુધી ‘હિન્દુત્વ અને રાષ્ટ્રવાદ’નો એજન્ડા પહોંચાડ્યો. ગ્રાઉન્ડ પર ઉતરીને સંઘે કામ કર્યું અને સંઘ જેવાં સંગઠનો ગ્રાઉન્ડ પર ઉતરે છે ત્યારે તેની સકારાત્મક અસરો જોવા મળે જ છે. 

    સંઘ હંમેશા ભાજપનું એક બેકબૉન બનીને રહ્યું છે. આ ચૂંટણીમાં પણ તેનું મહત્વ સમજાય ગયું. ઘણાં કામો ભારતીય જનતા પાર્ટી કરી શકતી નથી, તે સંઘ કરી બતાવે છે. 

    એન્ટી-ઈન્કમ્બન્સીનું નામનિશાન નહીં 

    ભાજપની એક ખાસિયત એ છે કે તેઓ જ્યાં જાય છે ત્યાં મૂળિયાં મજબૂત કરી નાખે છે. ગુજરાતમાં ત્રણ દાયકાથી શાસન છે. કેન્દ્રમાં પણ હવે એક દાયકો પૂરો થઈ ગયો. બીજાં ઘણાં રાજ્યો છે. હરિયાણામાં પણ 2014માં એક વખત સરકાર બનાવ્યા પછી વિજયરથ આગળ જ ચાલતો રહ્યો છે. 

    તેમને એન્ટી-ઈન્કમ્બન્સી ઓછી નડે છે, એનું કારણ એ છે કે સરકારો કામ પણ કરે છે. જૂન-2022થી નવેમ્બર-2024 સુધીનાં અઢી વર્ષમાં શિંદે-ફડણવીસની સરકારે જે કામ કર્યું તે મહારાષ્ટ્રની જનતાએ જોયું. તે પહેલાંના અઢી વર્ષમાં ઉદ્ધવ ઠાકરેની સરકારે જે કામ કર્યાં હતાં, એ પણ જનતાએ જોયાં હતાં. 

    100 કરોડનો વસૂલી કાંડ, એન્ટિલિયા કેસ, ભ્રષ્ટાચારના આરોપો, નિર્દોષ નાગરિકોને જેલમાં નાખવા, પત્રકારો પર દમન- આ બધી ‘ઉપલબ્ધિઓ’ ઠાકરેના નામે બોલે છે. બીજી બાજુ, મહાયુતિ સરકાર આવ્યા પછી જે એક પછી એક કામો થયાં, નવા-નવા પ્રોજેક્ટ્સ આવ્યા, કોઈ ડાઘ વગર સરકાર ચાલી- આ બધું પણ લોકોએ જોયું. હવે બેમાંથી એકની પસંદગી કરવાની હોય તો લોકો કોની કરે? જવાબ કાલે જનતાએ આપી દીધો. 

    આ જીતનો ઘણોખરો શ્રેય દેવેન્દ્ર ફડણવીસને પણ જાય છે. ફડણવીસે જે રીતે સરકાર અને સંગઠનમાં રહીને કામ કર્યું, પાર્ટી મજબૂત કરી, લોકોનો વિશ્વાસ જીત્યો એના કારણે કેન્દ્રીય નેતૃત્વનું ઘણુખરું કામ સરળ થઈ પડ્યું. પાર્ટીએ તેમને ઉપમુખ્યમંત્રીનું પદ આપ્યું તો એ પણ સ્વીકાર્યું. જ્યારે જે કામ મળ્યું એમાં દિલ રેડીને મહેનત કરી અને પરિણામ સામે છે. ફડણવીસ એવા નેતાઓમાંના છે, જેઓ ભવિષ્યમાં ભારતીય રાજકારણના કેન્દ્રમાં હશે. આ જીતના શિરપાવ તરીકે તેમને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાય તોપણ નવાઈ ન થવી જોઈએ. 

    કોંગ્રેસની નિષ્ફળતા, ઉદ્ધવ ઠાકરેનો ઘમંડ અને શરદ પવારની નિષ્ક્રિયતા 

    આ ચૂંટણીમાં સૌથી વધુ નિષ્ફળ પાર્ટી કોંગ્રેસ જ રહી છે. કોંગ્રેસ સૌથી વધુ બેઠકો પર લડી અને બેઠકો મળી સૌથી ઓછી. આ જોકે, કોંગ્રેસ માટે હવે સામાન્ય થતું જાય છે. તેઓ જ્યાં જાય ત્યાં પોતે ડૂબે જ છે પણ પ્રાદેશિક પક્ષોને પણ ડૂબાડી આવે છે. આ ચૂંટણીમાં મહાવિકાસ આઘાડીની બેઠકો ઘટી, એમાં કોંગ્રેસનો ફાળો મોટો છે. 

    ઉદ્ધવ ઠાકરેને હતું કે લોકો પિતાના નામના કારણે તેમને જ સમર્થન આપશે. એક સમયે તેમનો આ વિશ્વાસ અતિઆત્મવિશ્વાસમાં પરિવર્તિત થઈ ગયો હતો અને તે તેમની ભાષામાં પણ દેખાતું હતું. બીજું, તેઓ હિન્દુત્વને બિલકુલ કિનારે કરી દઈને સેક્યુલર બની ગયા અને ઉપરથી હિન્દુત્વની વાત કરતા ભાજપને ગાળો ભાંડી. પણ આ બધા પર તેમની સરકારમાં થયેલાં કારસ્તાનો ભારે પડ્યાં. 

    રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનું એક જૂથ ચલાવતા શરદ પવારને આપણે ત્યાંના અમુક પત્રકારો-રાજકીય વિશ્લેષકો ‘ચાણક્ય’ ગણાવતા રહે છે, પણ હકીકત એ છે કે આ ભાઈએ એવું કોઈ કામ કર્યું નથી, જેનાથી તેમનું આ ‘ચાણક્યપણું’ સાબિત થાય. આ ચૂંટણીમાં પણ તેમણે બહુ સક્રિયતા દેખાડી નહીં, ને તેમની કોઈ ઝાઝી અસર પણ ન થઈ. 

    આ જીતથી એ પણ નિશ્ચિત થઈ ગયું કે ‘મોદી મૅજિક’ ક્યાંય ગાયબ થયું નથી. મોદીને આ દેશની જનતા આજે પણ એટલી જ ચાહે છે અને તેમનો એટલો જ આદર કરે છે. આ આદર કામ કરીને કમાવાતો હોય છે. એક દાયકામાં મોદીએ જે કામ કર્યું એ દેશે જોયું અને એ કામને જોઈને જ લોકો તેમને, તેમની પાર્ટીને મત આપતા રહે છે. મોદી જ્યારે સ્ટેજ પરથી ‘ડબલ એન્જિન સરકાર’ની વાત કરે છે ત્યારે લોકોના ગળે એ વાતો ઉતરે છે. કારણ કે મોદી માત્ર બોલીને છટકી જનારા નેતાઓમાંથી નથી, મોદી કામ પણ કરે છે. 

    મહારાષ્ટ્રનું આ પરિણામ ભાજપનો જુસ્સો વધારનારું બની રહેશે. તેની અસર રાષ્ટ્રીય સ્તરે પણ જોવા મળશે. બીજી બાજુ, ઈન્ડી ગઠબંધન માટે આ મોટો ઝાટકો છે. આ પરિણામોથી ફરી એક વખત ‘કોંગ્રેસ જ્યાં જાય ત્યાં પ્રાદેશિક પક્ષોને સાફ કરી આવે છે’ એ નરેટિવને બળ મળશે. UP, બંગાળમાં અખિલેશ-મમતાએ તો અંતર બનાવવા જ માંડ્યું છે, હવે બીજે ઠેકાણે પણ પાર્ટીઓ ચેતીને ચાલશે. 

    ઉપરાંત, હવે જે વિધાનસભા ચૂંટણીઓ આવશે તેમાં પણ આ પરિણામોની અસર વધતા-ઓછા અંશે થવાની. એ કરે કે ન કરે, ‘બટેંગે તો કટેંગે’ તો જરૂર કરશે!

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં