Sunday, November 17, 2024
More
    Home Blog Page 1146

    પંજાબ સરકારમાં પાલતું શ્વાન ને પીડા; કુતરાઓને ઘરની બહાર ફેંકી દો : CM ભગવંત માનનું ફરમાન, બગ્ગાએ કહ્યું લાચાર CM હવે કુતરાઓ પાછળ પડ્યા

    પંજાબ સરકારમાં પાલતું શ્વાન ને પીડાદાયક ફરમાન અપાયું, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને સરકારી કર્મચારીઓને તેમના ક્વાર્ટરમાં પાલતુ કૂતરાઓ રાખવા પર પ્રતિબંધ મૂક્યો છે. પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે સરકારી બંગલા અને ક્વાર્ટર્સમાં રહેતા પોલીસ અધિકારીઓને એક સપ્તાહની અંદર તેમના પાલતુ કૂતરાઓને ઘરની બહાર કાઢવાનો આદેશ આપ્યો છે. તો બીજી તરફ પંજાબ સરકારમાં પાલતું શ્વાન ને લઈને વિચિત્ર ફરમાનથી લોકો ગિન્નાયા છે.

    13 મેના રોજ એક આદેશમાં, એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ, પટિયાલા (ADGP) એ પોલીસ અધિકારીઓને સ્પષ્ટપણે કહ્યું છે કે, તેઓને સરકારી આવાસમાં પાલતુ કૂતરાઓ રાખવાની મંજૂરી નથી, કુતરાઓને ઘરની બહાર કરીદો.

    પત્રમાં કહેવામાં આવ્યું છે કે જે કર્મચારીઓ પોતાના ઘરે પાલતુ કૂતરાઓ રાખે છે, શું તેમને આની પરવાનગી છે ખરી? એડીજીપીએ કહ્યું હતું કે જે અધિકારીઓએ હજુ સુધી આ આદેશનું પાલન નથી કર્યું તેઓ તેમના પાલતુ કૂતરાઓને એક સપ્તાહની અંદર ક્વાર્ટરની બહાર કરી દે. આદેશ મુજબ જો કોઈ કર્મચારી આમ કરવાનો ઈન્કાર કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

    સરકારી આવાસો માંથી પાલતું શ્વાન હાંકી કાઢવાનો લેખિત આદેશ (સાભાર Opindia Hindi)

    આ આદેશને લઈને ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તજિંદર પાલ સિંહ બગ્ગાએ પંજાબની ‘આપ’ સરકાર પર નિશાનો સાધ્યો છે. તેમણે કહ્યું હતું કે, “શું પંજાબમાં તમામ મુદ્દાઓનો અંત આવી ગયો છે? તે હવે લાચાર CM પાલતું શ્વાન પાછળ પડ્યા છે, જ્યારે તમે કોઈ પ્રાણીને ઘરમાં લાવો છો, ત્યારે તે થોડા જ સમયમાં પરિવારના સભ્ય જેવું બની જાય છે. પરંતુ એમ કહેવું છે કે તમામ પોલીસકર્મીઓએ 1 અઠવાડિયાની અંદર કૂતરાઓને તેમના ઘરમાંથી હટાવી દેવા જોઈએ. આવું માત્ર એક અસંવેદનશીલ વ્યક્તિ જ આ કરી શકે છે.”

    તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી ભગવંત માન જ્યાં તેઓ પાલતુ કૂતરાઓથી છુટકારો મેળવવા પર ધ્યાન આપી રહ્યા છે. તે જ સમયે, AAP ના સત્તામાં આવ્યા બાદ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સતત કથળી રહી છે. પંજાબમાં આમ આદમી પાર્ટી (AAP)ની જોરદાર જીત બાદ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં હિંસા થઈ રહી છે. ત્યાં સુધી કે પ્રખ્યાત કબડ્ડી ખેલાડીઓ પણ આ હિંસાથી બકાત નથી રહ્યા. રાજ્યમાં ડ્રગ્સના ખુલ્લેઆમ વેચાણના વીડિયો વાયરલ થઈ રહ્યા છે અને રાજ્યમાં ઘણા વર્ષો પછી સાંપ્રદાયિક હિંસા પણ જોવા મળી રહી છે.

    નોંધનીય છે કે ગયા મહિને પંજાબના પટિયાલામાં હિંસાના મામલામાં પોલીસે કાર્યવાહી કરી હતી અને 6 એફઆઈઆર નોંધી હતી. આ એફઆઈઆરમાં 25 લોકોના નામ હતા, જેમાંથી 3ની ધરપકડ કરવામાં આવી હતી. તેમાં શિવસેના દ્વારા હાંકી કાઢવામાં આવેલા હરીશ સિંઘલાનો પણ સમાવેશ થાય છે, જેને કોર્ટે બે દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. આ ઉપરાંત કુલદીપ સિંહ અને દલજીત સિંહ પણ ઝડપાયા હતા.

    જણાવી દઈએ કે આ સમગ્ર હિંસાનો માસ્ટરમાઈન્ડ બરજિંદર સિંહ પરવાનાને જણાવવામાં આવ્યો હતો. પટિયાલાના આઈજી એમએસ ચિન્નાએ જણાવ્યું હતું કે, “પટિયાલામાં કાયદા વ્યવસ્થાનો ભંગ થયો હતો, જેના સંદર્ભમાં 6 FIR નોંધવામાં આવી છે અને હરીશ સિંઘલા સહિત 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપી અને માસ્ટરમાઇન્ડ બરજિંદર સિંહ પરવાનાની પંજાબ પોલીસ દ્વારા ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.

    ચીખલીના રાનકુવામાં સર્કલ પરથી ભગવા ઝંડા હટાવાતાં વિવાદ: હિંદુ સંગઠનોના ઉગ્ર વિરોધ બાદ સરપંચે માફી માંગી ઝંડા પુનઃસ્થાપિત કર્યા

    નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના રાનકુવા ગામે ચાર રસ્તા ઉપર છેલ્લા થોડા સમયથી લગાવવામાં આવેલા ભગવા ઝંડા ગ્રામ પંચાયત દ્વારા અચાનક હટાવાતાં ભારે વિવાદ થયો હતો. આ મામલે હિંદુ સંગઠનો દ્વારા કાયદેસર ફરિયાદ કરી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યા બાદ ગામના સરપંચે માફી માંગીને ફરીથી ઝંડા લગાવી દીધા હતા. 

    પ્રાપ્ત વિગતો અનુસાર, થોડા સમય પહેલાં હિંદુ સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા રાનકુવા ચાર રસ્તા પર આવેલા સર્કલ ખાતે પ્રભુ શ્રીરામના તેમજ ભગવા ઝંડા લગાવવામાં આવ્યા હતા. આ ઝંડાઓ બે-ત્રણ દિવસ પહેલાં ત્યાંથી હટાવી લેવામાં આવ્યા હોવાનું ધ્યાને આવતા અગ્નિવીર હિંદુ સંગઠનના પ્રણવસિંહ પરમાર દ્વારા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવી હતી.

    આ મામલે પ્રણવસિંહ પરમારે ઑપઇન્ડિયાને જણાવ્યું કે, “લગભગ એક મહિના પહેલાં લગાવવામાં આવેલા ઝંડાઓ હટાવી દેવામાં આવ્યાનું જાણવા મળતા અમે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, અને ગામના સરપંચનો પણ સંર્પક કર્યો હતો. જેમાં તેમણે ગ્રામપંચાયતના ઠરાવનું બહાનું ધર્યું હતું. પરંતુ પંચાયતના ઠરાવમાં અકસ્માત ન થાય તે માટે સર્કલ પર બેનરો અને પોસ્ટરો ન લગાવવા માટે કહેવામાં આવ્યું હતું અને ઉંચા પોલ પર લગાવવામાં આવતા ઝંડાઓ ક્યાંય નડતરરૂપ થતા નથી. જે બાદ અમે આજે રાનકુવા સર્કલ ખાતે ઘેરાવ કરી રામધૂન બોલાવવાનું એલાન કર્યું હતું.”

    ભગવા ઝંડા પુનઃસ્થાપિત કરતા હિંદુ સંગઠનોના કાર્યકરો

    એલાન બાદ હિંદુ સંગઠનો અગ્નિવીર, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, હિંદુ લાયન્સ ગ્રુપ અને વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભગવા ઝંડા હટાવાતાં વિરોધ નોંધાવ્યો હતો તેમજ ઝંડાઓ પુનઃસ્થાપિત કરવાની માંગ કરી હતી.વિવાદ બાદ રાનકુવા ગામના સરપંચ પોતે જ આવ્યા હતા અને હાજર હિંદુ કાર્યકર્તાઓની માફી માંગી લીધી હતી તેમજ તેમણે જ ફરીથી ઝંડાઓ લગાવી દીધા હતા. તેમજ તેમણે આવું ફરી નહીં થાય તે માટે બાહેંધરી પણ આપી હતી. 

    આ સમગ્ર ઘટનાક્રમ અંગે અગ્નિવીર હિંદુ સંગઠન ગુજરાત પ્રદેશના પ્રમુખ મહેન્દ્રભાઈ રાજપુરોહિતે ઑપઇન્ડિયા સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે, “અહીં અમારા હિંદુ યુવાનો દ્વારા એક મહિના પહેલાં ભગવા ઝંડા લગાવવામાં આવ્યા હતા. ભગવો સનાતન ધર્મની ઓળખાણ કહેવાય. એ લગાવ્યાના એક મહિના બાદ પરમ દિવસે અહીંના સરપંચ અને તેમની સમિતિ દ્વારા ભગવા ધ્વજને કાઢીને ફેંકી દેવામાં આવ્યો, તેનું અપમાન કરવામાં આવ્યું. હિંદુ ધર્મની લાગણી દુભાઈ તેના વિરુદ્ધ આજે અમે હિંદુ યુવાનો ભેગા થયા હતા અને તંત્રને કડકમાં કડક કાર્યવાહી કરવા માટે વિનંતી કરી હતી.

    તેમણે આગળ કહ્યું, “સરપંચ આવ્યા અને માફી માંગી. અમે કહેવા માંગીએ છીએ કે હવે હિંદુઓની લાગણી દુભાવવામાં આવે તો સહન કરવામાં નહીં આવે. આવી હિંદુ વિરોધી પ્રવૃત્તિઓને ડામવા માટે પણ તંત્રને અપીલ કરીએ છીએ.”

    અગાઉ સોશિયલ મીડિયા પર વોટ્સએપ ગ્રુપના સ્ક્રીનશોટ વાયરલ થયા હતા

    ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં સોશિયલ મીડિયા ઉપર એક વોટ્સએપ ગ્રુપના સ્ક્રીનશોટ વાયરલ થયા હતા, જેમાં રાનકુવા સર્કલ પર લાગેલા ઝંડા હટાવવા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. BTTS રાનકુવા નામના વોટ્સએપ ગ્રુપમાં કેટલાક યુવાનો રાનકુવા સર્કલ પર લાગેલા ભગવા ઝંડા ઉખાડીને ફેંકી દેવા અંગે ચર્ચા કરતા જોવા મળ્યા હતા.

    જયપુરમાં ભગવા ઝંડા હટાવવા મામલે થયો હતો વિવાદ

    આ જ મહિનાની શરૂઆતમાં રાજસ્થાનના જોધપુરમાં રાજૌરી ગેટ સર્કલ પાસે પરશુરામ જયંતિ નિમિત્તે લગાવવામાં આવેલ ભગવા ઝંડા હટાવીને ત્યાં ઇસ્લામિક ઝંડા લગાવવામાં આવતા વિવાદ ઉભો થયો હતો અને જે કોમી હિંસામાં પરિણમ્યો હતો. જે બાદ ‘અલ્લાહુ અકબર’ના નારા સાથે હિંસા થઇ હતી તો મુસ્લિમ ભીડે વાહનોમાં તોડફોડ પણ કરી હતી.

    ગરવી ગુજરાતને ગૌરવ અપાવશે ગરબા: ગરબાને યુનેસ્કો કલ્ચરલ હેરિટેજના દરજ્જાની તૈયારી; યુનેસ્કોના 2023ના કન્વેન્શનમાં ભારત સરકાર દાવો રજૂ કરશે

    ગરવી ગુજરાતને ગૌરવ અપાવશે ગરબા , યુનેસ્કો કલ્ચરલ હેરિટેજના દરજ્જો મળવાની તૈયારી કરવામાં આવી રહી છે. ગુજરાતની ઓળખ સમાન ગરબાને યુનેસ્કો દ્વારા વિશ્વના બહુમૂલ્ય સાંસ્કૃતિક વારસામાં સામેલ કરાય એવી શક્યતા છે. ભારત સરકારે કન્વેન્શન ફોર ધ સેફગાર્ડિંગ ઑફ ધ ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ યાદીમાં ગરબાનો સમાવેશ કરવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે. ટૂંક સમયમાંજ ગરવી ગુજરાતને ગૌરવ અપાવશે ગરબા!

    યુનેસ્કો દ્વારા આ હેરિટેજ યાદી તૈયાર કરવામાં આવે છે, જેમાં વિશ્વની ઐતિહાસિક સાંસ્કૃતિક પરંપરાઓ, કળાને સ્થાન આપવામાં આવે છે. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આયોજિત વડનગર કૉન્ફરન્સમાં યુનેસ્કોના ભારત, ભુતાન, માલદિવ્સ અને શ્રીલંકા ખાતેના ડાયરેક્ટર એરિક ફોલ્ટે ગુજરાતના ગરબાને હેરિટેજમાં સામેલ થાય એ માટે શુભેચ્છા પાઠવી હતી.

    વડાપ્રધાન મોદીના વતન વડનગરને વૈશ્વિક ઓળખ આપવા કૉન્ફરન્સ યોજાઈ છે. કૉન્ફરન્સમાં ફૉલ્ટે જણાવ્યું હતું કે યુનેસ્કો વર્ષ 2023માં અમૂર્ત સાંસ્કૃતિક વારસાના રક્ષણ માટે યુનેસ્કો કન્વેન્શનની 20મી જયંતી ઊજવશે, જેમાં ભારત સરકાર ગુજરાતી ગરબાની લોકપરંપરાનું નામાંકન કરશે. ગુજરાત એ ભારતમાં સૌથી વધુ વિશ્વ ધરોહરરૂપી શિલાલેખો ધરાવતું રાજ્ય છે, જ્યાં ચાંપાનેર, રાણીની વાવ, અમદાવાદ અને ધોળાવીરા જેવા ઐતિહાસિક- સાંસ્કૃતિક વારસો ધરાવતાં સ્થળો આવેલાં છે એ ગુજરાત માટે ગૌરવ સમાન છે.

    આ ઉપરાંત વડનગરમાં યોજાતા તાનારીરી મહોત્સવને હવે કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહોત્સવ તરીકે ઊજવવાની જાહેરાત કેન્દ્રીય સાંસ્કૃતિક રાજ્યમંત્રી મીનાક્ષી લેખીએ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે વડનગરના ભવ્ય ઇતિહાસ અને સાંસ્કૃતિક વિરાસતને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરવા વડનગરને લેન્ડમાર્ક હેરિટેજ ટૂરિઝમ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવામાં આવશે.

    નોધનીય છે કે, ડિસેમ્બર, 2021ના ​​રોજ, યુનેસ્કોએ કોલકાતાની દુર્ગા પૂજા ઉત્સવને ICH દરજ્જો આપ્યો હતો, તે માન્યતા પ્રાપ્ત કરનાર એશિયાનો પ્રથમ તહેવાર છે. જો ગરબાને આ યાદીમાં સ્થાન મળે તો ગરબા બીજો તહેવાર બની શકે છે.

    આ અંગે સૂત્રોએ માહિતી આપતા જણાવ્યું કે, ભારત સરકારનું સાંસ્કૃતિક મંત્રાલય એક ડોઝિયર તૈયાર કરી રહ્યું છે. જે આ મહિનાના અંત સુધીમાં યુનેસ્કોને સુપરત કરવામાં આવશે. મંત્રાલયે, સંગીત નાટક અકાદમીની અમલીકરણ એજન્સી દ્વારા, એમએસ યુનિવર્સિટીની પ્રોજેક્ટ ટીમને કાર્ય સોંપ્યું છે.

    મંત્રાલયના અધિકારીઓ ગયા અઠવાડિયે ગુજરાતનાં વડોદરામાં હતા. જ્યાં ટીમ સાથે પ્રક્રિયા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી

    ભારતમાંથી 14 અમૂર્ત સાંસ્કૃતિક વારસો યુનેસ્કો દ્વારા સૂચિબદ્ધ

    કુટિયાટ્ટમ, સંસ્કૃત થિયેટર, કેરળ, વૈદિક જાપની પરંપરા, રામલીલા, રામાયણનું પરંપરાગત પ્રદર્શન, રામમન, ધાર્મિક તહેવાર અને ગઢવાલ હિમાલયનું ધાર્મિક નાટક, છાઉ નૃત્ય, કાલબેલિયા લોકગીતો અને નૃત્યો -રાજસ્થાન, મડીયેટ્ટુ, ધાર્મિક નૃત્ય નાટક-કેરળ, દુર્ગા પૂજા-કોલકાતા, લદ્દાખની બૌદ્ધ મંત્રોચ્ચાર, મણિપુરનું સંકીર્તન ધાર્મિક ગાયન, ઢોલ વગાડવું અને નૃત્ય, થાથેરાઓમાં વાસણો બનાવવાની પરંપરાગત પિત્તળ અને તાંબાની હસ્તકલા, – પંજાબ, નવરોઝ, યોગ, કુંભ મેળો

    હવે જો ગરબાને આ સૂચિમાં સ્થાન મળે તો રાજ્ય અને દેશ માટે ગૌરવવંતી બાબત હશે.

    વાપી ખાતે રાષ્ટ્રધ્વજ અને હિન્દુ દેવતાઓના અપમાનનો મામલો: મોરાઈ ફાટક ખાતે ભંગારનું ગોડાઉન ચલાવનાર લિયાકત ખાનની અટકાયત

    ગઈ કાલે વલસાડ જીલ્લામાં દેશ અને હિન્દુ ધર્મને અપમાનિત કરવાનો એક કિસ્સો સામે આવ્યો હતો. વલસાડ જિલ્લાના વાપી શહેરના મોરાઈ ફાટક પાસે હાઇવે પર એક ખુલ્લા ભંગારના ગોડાઉનમાં ભારતના રાષ્ટ્રધ્વજ, ભગવાન શ્રીરામના ફોટાવાળા બેનરો તથા હનુમાનજીના બેનરોનો ઉપયોગ ભંગારના પોટલાં તરીકે કરવાનો બનાવ સામે આવ્યો હતો. આ રીતે રાષ્ટ્રધ્વજનું અપમાન થતું જોઈને સ્થાનિક હિન્દુ દેશભકતોની લાગણી દુભાઈ હતી.

    સંપૂર્ણ વિષય એ મુજબ છે કે વાપીથી સુરત જતાં હાઇવે પર મોરાઈ ફાટક પાસે લિયાકત ખાન નામના એક વ્યક્તિનું ભંગારનું ખુલ્લુ ગોડાઉન આવેલું છે, ગઈ કાલે ત્યાથી પસાર થતાં સ્થાનિક લોકોને ભંગારના ઢગલામાં એક્દમ નવાનક્કોર કાપડમાં બાંધેલા ભંગારના ટોપલા જોવા મળ્યા. દૂરથી જોઈને શંકા જતાં સ્થાનિકોએ પાસે જઈને તપાસ કરી તો એ કાપડ અન્ય કાઇ નહીં પરંતુ આપણાં દેશના રાષ્ટ્રધ્વજ હતા. તો લોકોએ તુરંત જ વાપીના VHP અધ્યક્ષ અને સામાજિક આગેવાન નરેન્દ્ર પાયકને ફોન કરીને રાષ્ટ્રધ્વજનું અપમાન કરતી આ ઘટનાની જાણ કરી.

    ગોડાઉન સંચાલક લિયાકત ખાન (ફોટો : નરેન્દ્ર પાયક)

    ઑપઇન્ડિયા સાથેની ખાસ વાતચીતમાં નરેન્દ્ર પાયકે જણાવ્યુ કે, “જ્યારે મને આ વિષયનો ફોન આવ્યો તો હું તુરંત જ ઘટનાસ્થળે પહોચ્યો હતો. ત્યાં મે પણ રાષ્ટ્રધ્વજમાં બાંધેલ આવા ભંગારના ટોપલા જોયા. પછી અમે ત્યાં વધુ તપાસ કરતાં રાષ્ટ્રધ્વજ ઉપરાંત હિન્દુ ધર્મની આસ્થાના પ્રતિક એવા પ્રભુ શ્રી રામ અને હનુમાનજીના બેનરોમાં પણ ભંગાર બાંધેલો જોવા મળ્યો. જેથી અમે તુરંત નજીકના વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં તુરંત જ પોલીસ અધિકારીઓએ દોડી આવ્યા હતા.”

    પાયકે ઑપઇન્ડિયાને જણાવ્યુ કે તેમને આ ગોડાઉનની તપાસ કરતાં ત્યાથી કુલ 30 રાષ્ટ્રધ્વજ , 12 શ્રીરામના ચિત્ર વાળા બેનર અને ધજા તથા 4 હનુમાનજીના ચિત્ર વાળી ધજાઓમાં ભંગાર ભરેલો જોવા મળ્યો હતો જે પોલીસે તાકીદે કબજે કર્યા હતા. ગોડાઉન ખાતેથી અન્ય ધર્મના અમુક બેનર મળવાની વાત પણ સામે આવી હતી.

    રાષ્ટ્રધ્વજ અને હિન્દુ દેવતાઓના ધ્વજમાં ભરેલો ભંગાર (ફોટો : નરેન્દ્ર પાયક)

    પોલીસે ત્વરિત પગલાં લેતા તે ભંગારના ગોડાઉનના સંચાલક લિયાકત ખાનની અટકાયત કરીને આ તમામ રાષ્ટ્રધ્વજ અને ધાર્મિક બેનરો કબજે લીધા હતા. લિયાકત ખાનની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તેણે આ સમાન સુરતની એક કાપડ મિલમાંથી ભંગાર ભરતા એક ભંગારીયા પાસેથી ખરીદ્યો હતો. પોલીસે સુરતના એ મિલમાલિક અને ભંગારિયાને પણ પૂછપરછ માટે બોલાવ્યા છે.

    પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે સુરતની એક કાપડ મિલ કે જ્યાં આ રીતના ધ્વજ અને ધાર્મિક બેનરો બનાવવાનું કામ ચાલતું હોય છે ત્યાં રાષ્ટ્રધ્વજના એક લોટમાં છાપકામમાં કઈક ભૂલ થતાં મિલમાંથી એ આખો જથ્થો ભંગારમાં વેચી દેવાયો હતો જે ફરતા ફરતા વાપીના આ ગોડાઉનમાં પહોચ્યો હતો. પરંતુ ભારતીય ધ્વજ સંહિતા, 2002 મુજબ આ એક ગુનાહિત કૃત્ય ગણાય છે.

    ભારતીય ધ્વજ સંહિતા, 2002 અને રાષ્ટ્રધ્વજનું અપમાન

    ભારતીય ધ્વજ સંહિતા, 2002 મુજબ, ખંડિત થયેલ રાષ્ટ્રધ્વજનો નિકાલ કરવાની બે રીતો છે – સળગાવવા અથવા દફનાવવી. કોઈપણ પ્રક્રિયા પસંદ કરતી વખતે પણ કડક નિયમનું પાલન કરવું જોઈએ. આ નિયમો નીચે મુજબ સૂચિત છે.

    “રાષ્ટ્રધ્વજને દફનાવવા માટે, તમામ ક્ષતિગ્રસ્ત ધ્વજને લાકડાના બોક્સમાં એકત્રિત કરો, તેમને ફોલ્ડ કરો અને તેને યોગ્ય રીતે મૂકો. બોક્સને જમીનમાં દાટી દો. ધ્વજ દફનાવવામાં આવે તે પછી એક ક્ષણ માટે મૌન પાળો.

    બીજો વિકલ્પ ધ્વજના અગ્નિસંસ્કાર કરવાનો છે. સલામત સ્થળ પસંદ કરો અને તેને સાફ કરો, ધ્વજની ગળી વાળો, આગ પ્રગટાવો અને ધ્વજને જ્યોતની મધ્યમાં કાળજીપૂર્વક મૂકો. રાષ્ટ્રધ્વજને ગળી વળ્યાં વિના અગ્નિદાહ આપવામાં આવે છે અથવા તેને પહેલા સળગાવી દેવામાં આવે અને પાછળથી આગમાં નાખવામાં આવે એ પણ એક ગુનાહિત કૃત્ય છે.”

    અહી એ નોંધવું જોઈએ કે રાષ્ટ્રધ્વજ ગૌરવનું પ્રતિક છે અને તેનો નિકાલ કરતી વખતે તેની ગરિમા જાળવવી જોઈએ. રાષ્ટ્રધ્વજનું અપમાન એ એક ગુનાહિત કૃત્ય છે.

    વાપીમાં આ પહેલા પણ હિંદુદ્વેષની ઘટના બનેલી છે

    આ પહેલા માર્ચ મહિનામાં વાપીના ચણોદની સેન્ટ મેરી શાળામાં પણ હિન્દુ ધર્મના અપમાનની એક ઘટના બની હતી. આ સેન્ટ મેરી શાળાના બે વિદ્યાર્થીઓએ એકબીજાને ‘જય શ્રી રામ’ બોલીને સંબોધન કરતાં શાળાએ તેમની પાસે માફીનામું લખાવ્યું હતું. આ ઘટનાની જાણ સ્થાનિક હિન્દુ સંગઠનોને થતાં VHP વાપી જિલ્લા અધ્યક્ષ નરેન્દ્ર પાયકે શાળાએ પહોચીને વિરોધ નોંધાવ્યો હતો. જે બાદ શાળા સંચાલકોએ લેખિતમાં વાલીઓની માફી માંગી હતી.

    આ ઘટનાની નોંધ તે સમયે અમદાવાદમા ચાલી રહેલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ત્રિદિવસીય પ્રતિનિધિ સભામાં પણ લેવાય હતી અને સંઘના સરકાર્યવાહ દત્તાત્રેયજીએ આ વિષે નિવેદન પણ આપ્યું હતું.

    હાલ રાષ્ટ્રધ્વજ અને હિન્દુ ભગવાનોના અપમાનના વિષયમાં પોલીસ તપાસ ચાલી રહી છે. સુરતના મિલ માલિક અને સુરતના લોકલ ભંગારિયાની પૂછપરછ બાદ ચિત્ર વધુ સ્પષ્ટ બનવાની શક્યતા છે.

    જમીન આપો અને રેલવેમાં નોકરી લઇ જાવ: લાલુ યાદવ અને પરિવારના 17 ઠેકાણાં પર CBIના દરોડા

    બિહારના પૂર્વ મુખ્યમંત્રી, UPA સરકારના પૂર્વ કેન્દ્રીય રેલવે મંત્રી લાલુ પ્રસાદ યાદવ માટે મુશ્કેલીઓ વધી ગઈ છે. સીબીઆઈએ (CBI) શુક્રવારે (20 મે 2022) લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવાર સાથે સંકળાયેલા 17 ઠેકાણાંઓ પર દરોડા પાડ્યા છે. જાણવા મળ્યા અનુસાર આ દરોડાઓ દિલ્હીથી માંડીને બિહારના અલગ અલગ સ્થાનોએ પાડવામાં આવ્યા છે. આ મામલો જમીન લઈને રેલવેમાં નોકરી આપવા સાથે સંકળાયેલા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એ ઉલ્લેખનીય છે કે મનમોહનસિંહના નેતૃત્વ વાળી યુપીએ-1ની સરકારમાં લાલુ યાદવ રેલવે મંત્રી તરીકે કાર્યભાર સંભાળી રહ્યા હતા.

    સીબીઆઈની ટીમે લાલુ યાદવ, તેમની પત્ની અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી અને દીકરી મીસા ભારતીના નિવાસ્થાનો સહીત બિહાર અને દિલ્હીના અસંખ્ય ઠેકાણાંઓ એક સાથે કાર્યવાહી કરી હતી. આ દરમ્યાન સીબીઆઈની એક ટીમ રાબડી દેવીના સરકારી નિવાસ 10 સર્ક્યુલર રોડ પર પણ પહોંચી હતી.

    સીબીઆઈના સુત્રોએ ઇન્ડિયા ટુડેને કહ્યું હતું કે આ ગોટાળો એ સમયે થયો હતો જ્યારે લાલુપ્રસાદ યાદવ રેલમંત્રી હતા. તેમણે કહ્યું કે, “જ્યારે લાલુ રેલમંત્રી હતા, ત્યારે કેટલાક લોકો પાસેથી નોકરીના બદલામાં તેમની જમીન લઇ લેવામાં આવી હતી. રિપોર્ટ્સ એવા પણ છે કે રાબડી દેવીના નિવાસસ્થાને પહોંચેલી સીબીઆઈની ટીમમાં કુલ 10 લોકો છે, જેમાં મહિલા અને પુરુષ અધિકારીઓ બંને છે. આ તમામ રાબડી દેવીના નિવાસસ્થાનની તપાસ કરી રહ્યા છે. આ દરમ્યાન અહીં કોઈને પણ પ્રવેશવા પર બંધી ફરમાવવામાં આવી છે. રાબડી દેવીના પટના નિવાસસ્થાન પર પણ પોલીસ જોવા મળી છે.

    જાણકારી અનુસાર સીબીઆઈની ટીમ લાલુ યાદવ, તેમની દીકરી મીસા સિવાય તેમના અન્ય સંબંધીઓને ત્યાં પણ તપાસ કરી રહી છે. ચારા કૌભાંડમાં રાજદના સુપ્રિમોને જામીન મળ્યાના એક અઠવાડિયા બાદ જ આ મામલો સામે આવ્યો છે. નોંધનીય એ પણ છે કે એપ્રિલ 2022માં ઝારખંડ હાઈકોર્ટે લાલુ યાદવને 10 લાખ રૂપિયાના પર્સનલ બોન્ડ પર જામીન આપ્યા હતા. લાલુ તરફથી ડોરંડા કોષાગારમાં સીબીઆઈની વિશેષ અદાલતના ચુકાદાને પડકારતી એક જામીન અરજી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. વધતી ઉંમર અને 17 પ્રકારની બીમારી ઉપરાંત અડધી સજા કાપી નાખી હોવાનો હવાલો આપતા લાલુએ જામીન માંગ્યા હતા. જ્યારે સીબીઆઈએ તેનો વિરોધ કરતા કહ્યું હતું કે ડોરંડા કોષાગારથી ગેરકાનૂની ઉપાડ સાથે જોડાયેલા મામલામાં લાલુની અડધી સજા હજી સુધી પૂરી નથી થઇ આથી એમને જામીન મળવા ન જોઈએ.

    મથુરા વિવાદિત શાહી ઈદગાહ હટાવવાની અરજી કોર્ટે સ્વીકારી, વિવાદિત માળખામાં લડ્ડુ ગોપાલના ‘જળાભિષેક’ પર સુનાવણી

    મથુરા શાહી ઈદગાહના વિવાદિત માળખામાં જલાભિષેક અને લડ્ડુ ગોપાલની પૂજા કરવાનો અધિકાર માંગતી અરજી સ્વીકાર્યા બાદ કોર્ટે આ મામલે વધુ એક અરજી સ્વીકારી છે. માહિતી અનુસાર, ગુરુવારે (19 મે, 2022) ના રોજ મથુરા કોર્ટે શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઇદગાહ વિવાદિત ઢાંચાના કેસમાં મંદિરની નજીક બનેલા વિવાદિત ઢાંચાને હટાવવાની અરજીને સ્વીકારી લીધી હતી. મથુરા વિવાદિત શાહી ઈદગાહ વિવાદ હવે ધીમે ધીમે પ્રસરી રહ્યો છે.

    આ અરજી લખનઉના રહેવાસી રંજના અગ્નિહોત્રીએ કેશવ દેવ મંદિર માટે દાખલ કરી હતી. કોર્ટે આ અંગેની અરજી સ્વીકારતા કહ્યું કે રંજના દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી સુનાવણી કરવા યોગ્ય છે. આ કેસ ભગવાન શ્રી કૃષ્ણ વિરાજમાનના નામે દાખલ છે. એડવોકેટ હરિશંકર જૈને કહ્યું હતું કે કોર્ટે એવી તમામ અરજીઓને સ્વીકારી લીધી છે જેમાં કહેવામાં આવ્યું હતું કે મંદિરની જમીન પર મસ્જિદ બનાવવામાં આવી છે. હવે કોર્ટે આ મામલો સિવિલ કોર્ટમાં સુનાવણી માટે મોકલી આપ્યો છે.

    અહીં એ નોંધનીય છે કે અગાઉ વર્ષ 2020ના સપ્ટેમ્બર મહિનામાં મથુરા સિવિલ કોર્ટે શાહી ઈદગાહ વિવાદિત માળખાને હટાવવાની અરજીને ફગાવી દીધી હતી. અરજીમાં શાહી ઈદગાહને હટાવવા અને 13.37 એકર જમીન ભગવાન કૃષ્ણને હસ્તાંતરિત કરવાની માંગ કરવામાં આવી હતી. પરંતુ સિવિલ કોર્ટે તેને ફગાવી દીધી હટી. ત્યાર બાદ આ મામલો જિલ્લા કોર્ટમાં પહોંચ્યો હતો. જ્યાં સુનાવણી બાદ અરજી સ્વીકારવામાં આવી હતી.

    નોંધનીય છે કે જ્ઞાનવાપી સર્વે બાદ મથુરા શ્રી કૃષ્ણ જન્મભૂમિને લઈને કોર્ટમાં અરજીઓ ઝડપથી દાખલ થઇ રહી છે. તાજેતરમાં, શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઇદગાહ વિવાદના સંદર્ભમાં, મનીષ યાદવ નામના વ્યક્તિ દ્વારા એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં શંકા વ્યક્ત કરવામાં આવી હતી કે કેટલાક લોકો શાહી ઇદગાહમાંથી પુરાવાને ભૂંસી નાખવાનો પ્રયાસ કરી શકે છે જે સાબિત કરે છે કે તે ઇદગાહનો ભાગ છે. .

    નોંધનીય છે કે આ પહેલા અખિલ ભારતીય હિંદુ મહાસભાના રાષ્ટ્રીય ખજાનચી દિનેશ કૌશિકે બુધવારે સિવિલ જજ સિનિયર ડિવિઝન મથુરામાં અરજી દાખલ કરીને શાહી ઈદગાહમાં લડ્ડુ ગોપાલના જલાભિષેકની પરવાનગી માંગી હતી. કોર્ટે તે અરજી સ્વીકારી અને આગામી સુનાવણી માટે તારીખ 1 જુલાઈ નક્કી કરાઈ હતી.

    રાજ કુન્દ્રા પોર્ન કેસ બાદ શિલ્પા શેટ્ટીના પતિની મુશ્કેલીઓ વધી, હવે EDએ મની લોન્ડરિંગનો કેસ કર્યોઃ ગયા વર્ષે પોર્ન રેકેટ સામે આવ્યું હતું

    રાજ કુન્દ્રા પોર્ન કેસ બાદ બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ ફરી એકવાર વધી શકે છે. ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પોર્ન રેકેટ કેસમાં રાજ કુન્દ્રા વિરુદ્ધ કેસ નોંધ્યો છે, મળતી માહિતી મુજબ કુન્દ્રા વિરુદ્ધ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આમ રાજ કુન્દ્રા પોર્ન કેસમાં નવો વળાંક આવ્યો છે.

    ગત વર્ષે આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ કેસમાં મુંબઈ પોલીસે 20 જુલાઈ 2021ના રોજ રાજ કુન્દ્રાની ધરપકડ કરી હતી. તેના પર પોર્ન ફિલ્મો બનાવવાનો આરોપ હતો. ભારતમાં અંગત જગ્યા પર પોર્નોગ્રાફી જોવા પર પ્રતિબંધ નથી, પરંતુ પોર્ન ફિલ્મો બનાવવા બદલ પોર્નોગ્રાફી કાયદા હેઠળ રાજ કુન્દ્રાની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં પોર્ન ફિલ્મો બનાવવી, બતાવવી, તેનું વિતરણ કરવું અને પ્રકાશિત કરવું તે કાયદાકીય રીતે ગુનો માનવામાં આવે છે. રાજ કુન્દ્રાની ધરપકડ કરતા પહેલા મુંબઈ પોલીસે ફેબ્રુઆરીમાં આ કેસમાં 5 લોકોની ધરપકડ કરી હતી. આરોપ છે કે આ બધા પોર્ન ફિલ્મો બનાવતા હતા અને ફિલ્મો અને વેબ સિરીઝમાં કામ આપવાની લાલચ આપીને લોકોને છેતરતા હતા.

    કુન્દ્રા માટે પોર્ન ઉજ્વળ ભવિષ્ય

    મુંબઈ પોલીસે ગયા વર્ષે ખુલાસો કર્યો હતો કે, કુન્દ્રા આ રેકેટ ખૂબ જ આયોજનબદ્ધ રીતે ચલાવી રહ્યા હતો. તેમાં નફો મેળવવા માટે તેની પાસે સુનિયોજિત વ્યૂહરચના પણ હતી. પ્રાપ્ત પુરાવાઓ પરથી એવું બહાર આવ્યું હતું કે રાજ કુન્દ્રા જાતીય કૃત્યોના લાઇવ સ્ટ્રીમિંગને શ્રેષ્ઠ વિકલ્પ માની રહ્યો હતો. તેનો પ્લાન હતો કે તે આ બિઝનેસને બોલિવૂડ જેટલો જ મોટો બનાવશે.

    હોટશોટ્સ મારફતે સ્ટ્રીમિંગ

    મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે રાજ કુન્દ્રાને ‘હોટશોટ’ એપ દ્વારા અશ્લીલ વીડિયો બનાવવા અને પ્રકાશિત કરવા માટે “મુખ્ય કાવતરાખોર” તરીકે નામ આપ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર કુન્દ્રા ‘હોટશોટ્સ’ એપ દ્વારા પોર્ન વીડિયોના સ્ટ્રીમિંગમાં સામેલ હતો. તેણે વર્ષ 2019માં તેની એપ ‘હોટશોટ્સ’ 25,000 ડૉલર (રૂ. 18,65,410)માં વેચી. જો કે, આ માત્ર તપાસને ગેરમાર્ગે દોરવા માટે હતું, કારણ કે એપ વેચ્યા પછી પણ તે મુંબઈથી તેનું નિયંત્રણ કરતો હતો. કુન્દ્રા પોર્ન વીડિયો માટે કન્ટેન્ટ આપતો હતો. તેણે તેની વિયાન ઈન્ડસ્ટ્રીઝ ઓફિસમાંથી યુકેની ફર્મનું નિયંત્રણ કરતો હતો.

    વિદેશમાં નોંધાયેલછે હોટશોટ એપ

    વાસ્તવમાં રાજ કુન્દ્રાએ ભારતમાં જ પોર્ન વીડિયો બનાવ્યા હતા, પરંતુ જે એપ્લીકેશન પર તેનું પ્રસારણ થતું હતું તે હોટશોટ્સ એપ કેનરીન નામની કંપની દ્વારા બનાવવામાં આવી હતી, જે વિદેશમાં રજીસ્ટર્ડ હતી. એટલે કે રાજ કુન્દ્રાની ફર્મ (વિઆન)નો યુકે સ્થિત ફર્મ કેનરીન સાથે કરાર હતો. ભારતના સાયબર પોર્નોગ્રાફી કાયદાઓથી બચવા માટે આ કંપની વિદેશમાં રજીસ્ટર કરવામાં આવી હતી અને ભારતમાં શૂટ કરાયેલી પોર્ન મૂવીઝ ‘WeTransfer’ નામના ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા કેનરીનને મોકલવામાં આવી હતી.

    સૌથી મોટી સાઇઝની ફાઇલો (વીડિયો, ઇમેજ વગેરે) સરળતાથી ‘WeTransfer’ દ્વારા ટ્રાન્સફર કરી શકાય છે. જો કે હોટશૉટ્સ એપ ન તો ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ હતી અને ન તો એપલ પ્લે સ્ટોર પર પરંતુ તેને એપીકે ફાઇલની મદદથી ફોનમાં ઇન્સ્ટોલ કરી શકાય છે. હોટશોટ પર ભારતમાંથી લગભગ 10 લાખ યુઝર્સ છે. રાજ કુન્દ્રા હોટશોટ્સ સિવાય, પેઇડ સબ્સ્ક્રિપ્શન્સ સાથે પણ અન્ય ઘણી એપ્લિકેશનો પર પોર્ન મૂવીઝ વેચીને ભારે નફો કમાયો હતો.

    પૂનમ પાંડે અને શર્લિન ચોપરાના આરોપ

    અભિનેત્રી પૂનમ પાંડે અને શર્લિન ચોપરાએ રાજ કુન્દ્રા અને તેના સહયોગીઓ પર તેમની તસવીરોનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. બંનેએ એક નિવેદનમાં સ્વીકાર્યું હતું કે રાજ કુન્દ્રા જ તેમને ‘એડલ્ટ ઈન્ડસ્ટ્રી’માં લાવ્યા હતા. શર્લિન ચોપરાને એક પ્રોજેક્ટ માટે 30 લાખ રૂપિયા મળતા હતા અને રાજે તેને આવા 15-20 પ્રોજેક્ટ આપ્યા હતા. બીજી તરફ, પૂનમ પાંડેએ રાજ કુન્દ્રાની કંપની સાથે જોડાણ કર્યું હતું, જેમાં તેને કન્ટેન્ટ માટે પૈસા મળતા હતા. ‘આર્મસ્પ્રાઈમ મીડિયા’ કંપનીએ ભારતીય મોડલો માટે એપ્સ ડેવલપ કરી હતી.

    શર્લિને પોલીસને જણાવ્યું કે તેણે આર્મ્સપ્રાઈમ નામની કંપની સાથે કરાર કર્યો હતો અને પછી વીડિયો બનાવવાનું શરૂ કર્યું હતું. તેણે કહ્યું કે શરૂઆતમાં તે ગ્લેમરસ વીડિયો હતો, પરંતુ તે પછી બોલ્ડ ફિલ્મો બનવા લાગી અને બાદમાં તેણે સેમી ન્યૂડ અને ન્યૂડ વીડિયો બનાવવા પડ્યા. શર્લિન ચોપરાના જણાવ્યા અનુસાર, તેને હંમેશા કહેવામાં આવતું હતું કે તેમાં કંઈ ખોટું નથી, કારણ કે દરેક જણ આવું કરેજ છે. શર્લિને જણાવ્યું હતું કે રાજ કુન્દ્રા 27 માર્ચ 2019ના રોજ તેના ઘરે આવ્યો હતો અને તેની સાથે ના પાડવા છતાં જબરદસ્તી કરવાનું શરૂ કર્યું હતું,

    પોર્ન ફિલ્મોનું પ્રસારણ

    ભારતના IT એક્ટ હેઠળ, જો કોઈ વ્યક્તિ અથવા ડિજિટલ પ્લેટફોર્મ કોઈપણ પ્રકારની અશ્લીલ સામગ્રીના પ્રકાશન અથવા પ્રસારણનું કારણ બને, તો તેને પોર્નોગ્રાફી એક્ટ હેઠળ પણ દોષિત ગણવામાં આવે છે. આ કાયદા હેઠળ, તે ડિજિટલ પ્લેટફોર્મ જ્યાંથી પોર્ન મૂવીઝ અથવા વિડિયો પ્રકાશિત અથવા પ્રસારિત કરવામાં આવ્યા છે તેના સંચાલકો પણ દંડનીય કાર્યવાહીને પાત્ર થશે.

    બે મહિના જેલમાં વિતાવ્યા બાદ પોતાના ઘરે પરત ફર્યો

    બોમ્બે હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ બે મહિના જેલમાં વિતાવ્યા બાદ રાજ કુન્દ્રા 21 સપ્ટેમ્બર 2021ના રોજ પોતાના ઘરે પરત ફર્યો હતો. ઘરે પહોંચીને કુન્દ્રા ખૂબ જ ભાવુક જણાતો હતો. તેની આંખોમાં આંસુ દેખાતા હતા. દરમિયાન, કેટલાક મીડિયા અહેવાલોએ મુંબઈ પોલીસને ટાંકીને જણાવ્યું હતું કે કુન્દ્રા પાસે 119 પોર્ન ફિલ્મોનું કલેક્શન હતું. તે આ ડીલ 9 કરોડમાં કરવા માંગતો હતો. તેની યોજના બે વર્ષમાં તેની એપ્લિકેશનના વપરાશકર્તાઓને 3 ગણા અને નફો 8 ગણો વધારવાનો હતો. તપાસ દરમિયાન પોલીસને કુન્દ્રાના મોબાઈલ, લેપટોપ અને હાર્ડ ડિસ્કમાંથી આ વીડિયો મળ્યા હતા. મુંબઈ પોલીસે તેની સામે 1500 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં શિલ્પા સહિત 43 સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવ્યા છે.

    ડિજિટલ પત્રકારત્વ માટે ઑપઈન્ડિયાના એડિટર નુપુર શર્મા દેવઋષિ નારદ સન્માનથી સન્માનિત, આ વર્ષે 12 પત્રકારોને આ એવોર્ડ મળ્યો.

    ડિજિટલ પત્રકારત્વ માટે ઑપઈન્ડિયાના નુપુર શર્માને દેવઋષિ નારદ સન્માન થી સન્માનિત કરવામાં આવ્યા. પત્રકારત્વના ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી કરનાર મીડિયા કર્મચારીઓને 18 મેના રોજ RSSની સંચાર શાખા ઈન્દ્રપ્રસ્થ વિશ્વ સંવાદ દ્વારા દેવઋષિ નારદ સન્માન 2022 થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન 12 પત્રકારોને વિવિધ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા હતા. આમાંનું એક નામ ઑપઈન્ડિયાના એડિટર-ઇન-ચીફ નુપુર શર્માનું છે. તેમને ડિજિટલ પત્રકારત્વ નારદ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

    નારદ સન્માન મેળવનાર પત્રકારોના નામ

    નુપુર શર્માને દેવઋષિ નારદ સન્માન થી સન્માનિત કરવામાં આવ્યા હતા, તેમની સાથે વિવિધ કેટેગરીમાં સન્માન મેળવનાર પત્રકારોમાં હિન્દુસ્તાન સમાચારના આશુતોષ કુમાર પાંડે (યુવાન પત્રકાર નારદ સન્માન પ્રાપ્તકર્તા); આયોજક નિશાંત કુમાર આઝાદ (સ્ત્રી કરોકર/મહિલા સંવેદના પત્રકાર નારદ સન્માન); ઇન્ડીયન સાયન્સ વાયરના ઉમાશંકર મિશ્રા, (ગ્રામીણ પત્રકારત્વ નારદ સન્માન); દૂરદર્શન સમાચારના સુરેશ કુમાર જયસ્વાલ (ન્યૂઝરૂમ સહયોગ નારદ સન્માન); ન્યૂઝ જંકશનના પ્રિયંકા દેવ (સોશિયલ મીડિયા પત્રકાર નારદ સન્માન); પંજાબ કેસરીના મિહિર સિંહ (ફોટો પત્રકાર નારદ સન્માન); ન્યૂઝનેશનના વિદ્યાનાથ ઝા (ટીવીના વિડિયો પત્રકાર નારદ સન્માન); પીએમ નારાયણન (વિદેશી પત્રકારત્વ નારદ સન્માન); વરિષ્ઠ પત્રકાર દીપક ઉપાધ્યાય (ઉત્તમ પત્રકાર નારદ સન્માન); અને ભૂતપૂર્વ પત્રકાર, કટાર લેખક બલબીર પુંજ (નારદ સન્માન માટે આજીવન સેવા). આ તમામ પત્રકારોને સન્માનિત કરવામાં આવ્યાં હતા.

    સન્માનિત થયેલા પત્રકારો ( સાભાર Opindia Hindi)

    પત્રકારત્વ નિષ્પક્ષ હોવું જોઈએ, સકારાત્મક દિશામાં આગળ વધવું જોઈએ

    આ કાર્યક્રમમાં આરએસએસના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકરે મુખ્ય વક્તા તરીકે અને રાજ્યના મંત્રી ડૉ. સંજીવ કુમાર બાલ્યાન અને નેટવર્ક 18ના મેનેજિંગ એડિટર એન્કર આનંદ નરસિમ્હાએ વિશેષ અતિથિ તરીકે હાજરી આપી હતી. સુનીલ આંબેકરે કાર્યક્રમને સંબોધતા જવાબદારી પૂર્ણ પત્રકારત્વ પર વાત કરતા કહ્યું કે પત્રકારત્વમાં સત્ય સાથે આગળ વધવું, અને સત્ય સાથે ક્યારેય બાંધછોડ ન કરવી. અથવાતો તમે કયું સત્ય લોકો સુધી પહોંચાડવા માંગો છો તે બાબત ખૂબ જ જરૂરી છે. તે જ સમયે, રાજ્ય મંત્રી સંજીવ બાલ્યાને પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે પત્રકારત્વ એટલું મહત્વનું છે કે તે દરેક જનતાને અસર કરે છે. તેથી તે સકારાત્મક દિશામાં હોવું જોઈએ. તે હંમેશા તમામ મંતવ્યો અને વિચારોનો આદર કરીને ન્યાયપૂર્ણ હોવું જોઈએ.

    દિલ્હી હાઈકોર્ટ તરફથી AAP સરકારને આંચકો: ડોર સ્ટેપ રાશન ડિલિવરી સ્કીમ પર પ્રતિબંધ, ડીલરોએ કર્યો હતો વિરોધ

    દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે ડોર સ્ટેપ રાશન ડિલિવરી કરવાની દિલ્હી સરકારની યોજનાને ફગાવી દીધી હતી. કાર્યવાહક ચીફ જસ્ટિસ વિપિન સાંઘી અને જસ્ટિસ જસમીત સિંહની ડિવિઝન બેંચે આમ આદમી પાર્ટી (AAP) સરકારની મુખ્ય યોજના, મુખ્યમંત્રીની ઘર ઘર રાશન યોજનાને રદ કરવાનો આદેશ આપ્યો છે.

    મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આ મહત્વાકાંક્ષી યોજનાને દિલ્હી સરકારના રાશન ડીલર્સ એસોસિએશન દ્વારા હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી. ડીલર્સ યુનિયનની દલીલ હતી કે આ નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી એક્ટ, પીડીએસ નિયમો અને બંધારણના નિયમનું ઉલ્લંઘન છે. ડીલરોએ કોર્ટમાં દાખલ કરેલી તેમની અરજીમાં ડોર સ્ટેપ રાશન ડિલિવરી સ્કીમને સમાપ્ત કરવાની માંગ કરી હતી.

    ડીલર્સ એસોસિએશને અરજીમાં માગણી કરી હતી કે ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાને કડકપણે એ સુનિશ્ચિત કરવા નિર્દેશ આપવામાં આવે કે PDS હેઠળ ખાદ્યાન્નનો પુરવઠો દિલ્હી સરકારને ફૂડ, સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ, 2006 હેઠળ નિર્ધારિત ધોરણો અનુસાર કરવામાં આવે.

    કેન્દ્ર સરકારે પણ અરજદારોની દલીલને સમર્થન આપ્યું હતું કે વાજબી ભાવની દુકાનો ખાદ્ય સુરક્ષા કાયદાનો અભિન્ન ભાગ છે. જે ડોર સ્ટેપ રાશન વિતરણ યોજના શરૂ થવાથી બરબાદ થઈ જશે.

    જો કે, દિલ્હી સરકારે આ યોજનાનો બચાવ કરતા કહ્યું હતું કે ડોર સ્ટેપ રાશન ડિલિવરી યોજના રાશનના વિતરણની લાંબી પ્રક્રિયામાં ભ્રષ્ટાચારને કાબૂમાં રાખશે. રાજ્ય સરકારે આ મામલે કેન્દ્રને સવાલ કર્યો હતો કે જો રાજ્ય શૂન્ય કિંમતે રાશન આપવા તૈયાર છે અને નેવું ટકા લોકો ઈચ્છે છે તો કેન્દ્રને તેમાં કોઈ સમસ્યા કેમ છે.

    શું છે દિલ્હી સરકારની ડોર સ્ટેપ રાશન ડિલિવરી યોજના

    દિલ્હી સરકારની આ યોજના દ્વારા દિલ્હીના લોકોને ઘરે બેઠા રાશન આપવાની વાત કરવામાં આવી હતી. દિલ્હી સરકારે કોર્ટમાં દલીલ કરી હતી કે દિલ્હીના મોટાભાગના લોકોએ આ યોજનાને સમર્થન આપ્યું હતું. આ સાથે, આ યોજનામાં એક વિકલ્પ પણ આપવામાં આવ્યો હતો કે સક્ષમ લોકો મફત રાશન વિતરણની યોજનામાંથી બહાર નીકળી શકે છે. દિલ્હીના ડીલરો પહેલાથી જ સરકારની આ યોજનાનો વિરોધ કરી રહ્યા છે.

    આતંકવાદી યાસીન મલિક ટેરર ​​ફંડિંગમાં દોષિત, NIAની સ્પેશિયલ કોર્ટ 25 મેએ સજા સંભળાવશે

    આતંકવાદી યાસીન મલિક ટેરર ​​ફંડિંગ માં દોષિત સાબિત થયો છે. જમ્મુ-કાશ્મીરમાં કાશ્મીરી હિંદુઓના નરસંહારના આરોપીઓમાંથી એક આતંકવાદી યાસીન મલિકને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) કોર્ટે ટેરર ​​ફંડિંગ કેસમાં દોષિત જાહેર કર્યો છે. હવે તેને કેટલી સજા થવી જોઈએ તેના પર કોર્ટ 25 મેથી સુનાવણી કરશે. કોર્ટે તપાસ એજન્સીને મલિકના નાણાકીય લેવડ-દેવડનો રિપોર્ટ રજૂ કરવાનો પણ આદેશ આપ્યો છે.

    ગુરુવારે (19 મે 2022) કેસની સુનાવણી દરમિયાન, દિલ્હીની એક અદાલતે યાસીન મલિકને ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) અને ભારતીય દંડ સંહિતા હેઠળ ષડયંત્ર અને રાજદ્રોહ માટે દોષિત ઠેરવ્યો હતો. કોર્ટે મલિકને આગામી સુનાવણીની તારીખ સુધીમાં કોર્ટ સમક્ષ તેની નાણાકીય સંપત્તિના સંદર્ભમાં સોગંદનામું રજૂ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે.

    આપને જણાવી દઈએ કે ટેરર ​​ફંડિંગના મામલામાં આતંકવાદી યાસીન મલિકવિરુદ્ધ કોર્ટે માર્ચમાં આરોપો નોંધ્યા હતા. તે સમય દરમિયાન જાણવા મળ્યું હતું કે મલિક, શબ્બીર શાહ, રશીદ એન્જિનિયર, અલ્તાફ ફંટુશ, મસરત અને હુર્રિયત/જોઈન્ટ રેઝિસ્ટન્સ લીડરશીપ (JRL) સીધા ટેરર ​​ફંડ મેળવતા હતા. આ સિવાય મલિકે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી અને અન્ય ગેરકાયદેસર ગતિવિધિઓ કરવા માટે ભંડોળ એકત્ર કરવા માટે વિશ્વવ્યાપી મિકેનિઝમ તૈયાર કર્યું હતું.

    યાસીનનું આતંકવાદનું કબૂલનામું

    નોંધનીય છે કે આ જ મહિનામાં 2022માં યાસીન મલિકે કોર્ટમાં આતંકવાદના આરોપો કબૂલ કર્યા હતા. તેણે પટિયાલા હાઉસ કોર્ટની NIA કોર્ટમાં પોતાના આરોપો સ્વીકારી, કાયદા મુજબ કોર્ટ પાસે સજાની માંગ કરી હતી.

    કોણ છે યાસીન મલિક

    યાસીન મલિક એ એવો આતંકવાદી છે જે કાશ્મીર ઘાટીમાં હિન્દુઓના નરસંહારમાં સીધો સંડોવાયેલો હતો. જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટના પ્રમુખ હોવા ઉપરાંત તે પાકિસ્તાનનો કટ્ટર સમર્થક પણ છે, તેના પર કાશ્મીરમાં આતંકવાદને સમર્થન આપવાનો આરોપ છે. આ ઉપરાંત આતંકવાદી યાસીન મલિક પર જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને તત્કાલીન કેન્દ્રીય ગૃહ પ્રધાન મુફ્તી મોહમ્મદ સઈદની પુત્રી રુબૈયા સઈદનું અપહરણ કરવાનો પણ આરોપ છે.

    એટલું જ નહીં યાસીન મલિક પર 1990માં એરફોર્સના ચાર અધિકારીઓની નિર્દયતાથી હત્યા કરવાનો પણ આરોપ છે. જાન્યુઆરી 1990માં એરફોર્સના 4 અધિકારીઓની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી, જેનો આરોપ યાસીન મલિક પર છે. યાસીન મલિકે JKLF આતંકવાદીઓ સાથે મળીને સ્ક્વોડ્રન લીડર રવિ ખન્નાની હત્યા કરી હતી, જે ભારતીય વાયુસેનાના ચાર કર્મચારીઓમાંથી એક છે. યાસીન મલિક ખીણમાં કાશ્મીરી પંડિતોના નરસંહારમાં સીધો સંડોવાયેલો હતો અને આતંકવાદીઓ સાથે સંબંધ ધરાવે છે તે જાણીને, અગાઉની સરકારો અને મીડિયાએ હંમેશા તેને કાશ્મીરીઓના તારણહાર તરીકે રજૂ કર્યો છે. લોકોએ ટ્વિટર પર ભૂતકાળની સરકારો અને ત્યારના નેતાઓ સાથે આતંકવાદી યાસીન મલિકના સંબંધો વિષે પણ ચર્ચા છેડી છે.