Tuesday, September 10, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજોધપુરમાં ભગવા ઝંડાની જગ્યાએ ઇસ્લામિક ઝંડાઓ લગાવાતા વિવાદ : ‘અલ્લાહ-હુ-અકબર'ના નારા સાથે...

    જોધપુરમાં ભગવા ઝંડાની જગ્યાએ ઇસ્લામિક ઝંડાઓ લગાવાતા વિવાદ : ‘અલ્લાહ-હુ-અકબર’ના નારા સાથે હિંસા, મુસ્લિમ ભીડ દ્વારા વાહનોમાં તોડફોડ

    જોધપુર પશ્ચિમની મેયર વનિતા શેઠે જણાવ્યું હતું કે “રાત્રે મુસ્લિમ યુવકો આવ્યા તો તેમણે બિસ્સાજીની મૂર્તિ પર ટેપ ચોંટાડી દીધી અને પોતાનો ઇસ્લામી ઝંડો લગાવવા માંડ્યા ત્યારે બીજા પક્ષના લોકોએ તેમને અટકાવ્યા હતા. જે બાદ તેમણે એ લોકો પર પાકિસ્તાનના અને અલ્લાહ-હું-અકબરના નારા લગાવ્યા પછી પથ્થરમારો થવા કર્યો."

    - Advertisement -

    રાજસ્થાનના જોધપુરમાં સોમવારે (2 મે 2022) કોમી હિંસા ફાટી નીકળી હતી. ઇદની નમાઝ બાદ જોધપુર પોલીસ અને મુસ્લિમ ભીડ વચ્ચે અથડામણ શરૂ થઇ ગઈ હતી. ભીડે માર્કેટ અને રહેણાંક વિસ્તારોમાં પાર્ક કરવામાં આવેલ વાહનોમાં તોડફોડ કરી હતી. તેમજ પોલીસનાં કેટલાંક વાહનોને પણ નુકસાન પહોંચ્યું હતું.

    આ અંગે રાજ્ય પોલીસ વડાએ જણાવ્યું કે, ઇદની નમાઝ બાદ કેટલાક યુવાનોએ શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ તેમને વિખેરવા માટે પોલીસે હળવો બળપ્રયોગ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ઇદની નમાઝમાંથી પરત ફર્યા બાદ કેટલાક લોકોએ પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. તેમણે રોડ પર પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરી હતી. જે બાદ પોલીસે ભીડ વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો.

    આ ઘટના જાલોરી ગેટની છે, જ્યાં આખા જોધપુરની સૌથી મોટી મસ્જિદ આવેલી છે. જાણકારી અનુસાર, અહીં મોડી રાત્રે કેટલાક મુસ્લિમ યુવકો ચાર રસ્તા પર પોતાનો ઝંડો લગાવી રહ્યા હતા ત્યારે અન્ય પક્ષ તરફથી વિરોધ કરવામાં આવ્યા બાદ મારપીટ શરૂ થઇ ગઈ અને પથ્થરમારો પણ થયો હતો. જે બાદ પોલીસે સ્થળ પર પહોંચીને લાઠીચાર્જ કરીને બંને પક્ષોને છૂટા પાડ્યા હતા.

    - Advertisement -

    શું છે આખી ઘટના?

    રિપોર્ટ અનુસાર, બીજી મેના દિવસે જોધપુરમાં જાલોરી ગેટ નજીક સ્વતંત્રતા સેનાની બાલમુકુંદ બિસ્સાની પ્રતિમા પર ભગવા ધ્વજની જગ્યાએ ઇસ્લામિક ઝંડો લગાવવામાં આવ્યા બાદ જોધપુરમાં કોમી હિંસા ફાટી નીકળી હતી. મુસ્લિમોના ટોળાએ પ્રતિમાના ચહેરા પર ટેપ પણ ચોંટાડી દીધી હતી. પોલીસે ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ અને ટીયરગેસનો સહારો લીધો હતો. હાલ આ વિસ્તારમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.

    વધુ જાણકારી અનુસાર, પરશુરામ જયંતીના તહેવાર નિમિત્તે જાલોરી ગેટ સ્ક્વેર પર હિંદુ સંગઠનોએ ભગવા ઝંડા લગાવ્યા હતા. જે બાદ મુસ્લિમ સમુદાયના કેટલાક લોકોએ વાંધો ઉઠાવ્યા બાદ વહીવટીતંત્રે હિંદુ સમુદાયને ઝંડા હટાવવાની વિનંતી કરી હતી. જે બાદ હિંદુઓએ એક ધ્વજ રહેવા દઈને બાકીના તમામ દૂર કરી દીધા હતા.

    જે બાદ રાત્રે લગભગ 11 વાગ્યે મુસ્લિમ સમુદાયના કેટલાક લોકો સ્વતંત્રતા સેનાની બાલમુકુંદ બિસ્સાની પ્રતિમા પર ચડી ગયા હતા અને ભગવો ધ્વજ હટાવી દીધો હતો. તેમજ તેમણે પ્રતિમાનો ચહેરો પણ ટેપથી ઢાંકી દીધો હતો અને ઇસ્લામિક ઝંડો ફરકાવી દીધો હતો. જે બાદ સ્વતંત્ર સેનાનીના સબંધીઓ સહિતના લોકોએ જઈને તેમને ઝંડા હટાવી લેવા માટે વિનંતી કરતાં ઉશ્કેરાયેલા ઇસ્લામિક ટોળાએ કથિત રીતે હિંદુ સમુદાયના સભ્યો પર હુમલો કરી દીધો હતો.

    બે સમુદાયો વચ્ચે તોફાન બાદ નજીકના પોલીસ મથકમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. જે બાદ પોલીસે કન્ટ્રોલ રૂમને જાણ કરી વધારાનું પોલીસબળ માંગ્યું હતું. ત્યાર બાદ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા પરંતુ ત્યાં સુધીમાં કોમી તોફાનો અંગેની જાણ આખા શહેરને થઇ ગઈ હતી અને બંને સમુદાયના લોકો ઘટનાસ્થળે પહોંચી જતા પોલીસે તેમને રોકવા માટે બેરિકેડનો ઉપયોગ કર્યો હતો.

    જોધપુર મેયરનો આરોપ

    જોધપુરમાં થયેલ કોમી હિંસા મામલે ઓપઇન્ડિયા સાથે વાતચીત કરતા જોધપુર પશ્ચિમની મેયર વનિતા શેઠે જણાવ્યું હતું કે, જાલોરી ગેટ પર 11:30 થી 12:00 વચ્ચે મુસ્લિમો ઇદના કારણે પોતાના ઝંડા લગાવી રહ્યા હતા. પરશુરામ જયંતીના કારણે ત્યાં પહેલેથી જ ઝંડા લાગ્યા હતા. પોલીસે આવીને તેમનો તહેવાર હોવાનું જણાવતા કેટલાક પત્રકારો અને ત્યાંના લોકોએ જાતે જ (ભગવા) ઝંડાઓ હટાવી દીધા હતા. માત્ર એક ઝંડો રહેવા દીધો હતો, જે સ્વાતંત્ર્ય સેનાની બિસ્સાજીની ઉપર લગાવવામાં આવેલ હતો.

    તેમણે ઉમેર્યું, “રાત્રે મુસ્લિમ યુવકો આવ્યા તો તેમણે બિસ્સાજીની મૂર્તિ પર ટેપ ચોંટાડી દીધી અને પોતાનો ઇસ્લામી ઝંડો લગાવવા માંડ્યા ત્યારે બીજા પક્ષના લોકોએ તેમને અટકાવ્યા હતા. જે બાદ તેમણે એ લોકો પર પાકિસ્તાનના અને અલ્લાહ-હું-અકબરના નારા લગાવ્યા પછી પથ્થરમારો થવા કર્યો. બીજા પક્ષના લોકો પણ આવ્યા પરંતુ ત્યાં સુધીમાં મુસ્લિમ વસ્તીમાંથી 200 થી 300 લોકો આવી ગયા. પોલીસે તેમને હટાવવાની જગ્યાએ લાઠીચાર્જ કર્યો. જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા.”

    મેયરનો આરોપ છે કે તેમની ઉપર પણ લાઠી ચલાવવામાં આવી હતી. જ્યારે તેમણે આ મામલે સવાલ કર્યા ત્યારે કહેવામાં આવ્યું કે તેમને જયપુરથી ઓર્ડર છે. બીજી તરફ, એસીપીએ પણ તેમને અવળો જવાબ આપ્યો હતો. મેયરના જણાવ્યા પ્રમાણે આ મામલે હજુ સુધી કોઈ ફરિયાદ થઇ નથી કારણ કે બંને સમુદાયોના તહેવારો છે.

    મુસ્લિમોએ પથ્થરમારો કર્યો, છતાં જવાબદાર હિંદુઓને ઠેરવાયા

    તેમણે એમ પણ જણાવ્યું કે, પથ્થરમારો મુસ્લિમો દ્વારા શરૂ કરવામાં આવ્યો હોવા છતાં પોલીસે આ માટે હિંદુઓને જવાબદાર ઠેરવ્યા હતા. તેમણે કહ્યું કે ઇદગાહ વિસ્તારમાંથી 150 થી 200 લોકોની મોટી ભીડ આવી હતી. તેમની સામે કાર્યવાહી કરવાને બદલે ઇન્સ્પેકટર અમિત સિહાગે કેટલાક પત્રકારો સહિત હિંદુ સમુદાયના સભ્યો પર લાઠીચાર્જ કરવાનો આદેશ આપ્યો હતો. જેમાંથી સાતેક જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે.

    ‘શું શાંતિ જાળવવાની જવાબદારી માત્ર અમારી જ છે?’

    તેમણે આ ઘટના માટે કોંગ્રેસના જિલ્લા અધ્યક્ષ સલીમ ખાનને પણ જવાબદાર ઠેરવ્યા હતા. તેમણે કહ્યું, તેઓ હોસ્પિટલ પાસે 200 લોકો સાથે ઉભા હતા. તેમની પૂછપરછ કરવાને બદલે અમને નિશાન બનાવવામાં આવ્યા હતા. તેઓ અમને શાંતિ જાળવવા માટે સૂચન કરી રહ્યા હતા પરંતુ શાંતિ જાળવવા માટે શું માત્ર અમે જ જવાબદાર છીએ? શા માટે કોઈ કોંગ્રેસને પ્રશ્ન નથી કરી રહ્યું? તેઓ સ્થળ પર આવ્યા બાદ જ પથ્થરમારો શરૂ થયો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં