Tuesday, July 16, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટવાપી ખાતે રાષ્ટ્રધ્વજ અને હિન્દુ દેવતાઓના અપમાનનો મામલો: મોરાઈ ફાટક ખાતે ભંગારનું...

  વાપી ખાતે રાષ્ટ્રધ્વજ અને હિન્દુ દેવતાઓના અપમાનનો મામલો: મોરાઈ ફાટક ખાતે ભંગારનું ગોડાઉન ચલાવનાર લિયાકત ખાનની અટકાયત

  દક્ષિણ ગુજરાતના વાપીમાં રાષ્ટ્રધ્વજના અપમાનનો મામલો સામે આવતા પોલીસે અહીના ભંગારવાળા લિયાકત ખાનની અટકાયત કરી છે.

  - Advertisement -

  ગઈ કાલે વલસાડ જીલ્લામાં દેશ અને હિન્દુ ધર્મને અપમાનિત કરવાનો એક કિસ્સો સામે આવ્યો હતો. વલસાડ જિલ્લાના વાપી શહેરના મોરાઈ ફાટક પાસે હાઇવે પર એક ખુલ્લા ભંગારના ગોડાઉનમાં ભારતના રાષ્ટ્રધ્વજ, ભગવાન શ્રીરામના ફોટાવાળા બેનરો તથા હનુમાનજીના બેનરોનો ઉપયોગ ભંગારના પોટલાં તરીકે કરવાનો બનાવ સામે આવ્યો હતો. આ રીતે રાષ્ટ્રધ્વજનું અપમાન થતું જોઈને સ્થાનિક હિન્દુ દેશભકતોની લાગણી દુભાઈ હતી.

  સંપૂર્ણ વિષય એ મુજબ છે કે વાપીથી સુરત જતાં હાઇવે પર મોરાઈ ફાટક પાસે લિયાકત ખાન નામના એક વ્યક્તિનું ભંગારનું ખુલ્લુ ગોડાઉન આવેલું છે, ગઈ કાલે ત્યાથી પસાર થતાં સ્થાનિક લોકોને ભંગારના ઢગલામાં એક્દમ નવાનક્કોર કાપડમાં બાંધેલા ભંગારના ટોપલા જોવા મળ્યા. દૂરથી જોઈને શંકા જતાં સ્થાનિકોએ પાસે જઈને તપાસ કરી તો એ કાપડ અન્ય કાઇ નહીં પરંતુ આપણાં દેશના રાષ્ટ્રધ્વજ હતા. તો લોકોએ તુરંત જ વાપીના VHP અધ્યક્ષ અને સામાજિક આગેવાન નરેન્દ્ર પાયકને ફોન કરીને રાષ્ટ્રધ્વજનું અપમાન કરતી આ ઘટનાની જાણ કરી.

  ગોડાઉન સંચાલક લિયાકત ખાન (ફોટો : નરેન્દ્ર પાયક)

  ઑપઇન્ડિયા સાથેની ખાસ વાતચીતમાં નરેન્દ્ર પાયકે જણાવ્યુ કે, “જ્યારે મને આ વિષયનો ફોન આવ્યો તો હું તુરંત જ ઘટનાસ્થળે પહોચ્યો હતો. ત્યાં મે પણ રાષ્ટ્રધ્વજમાં બાંધેલ આવા ભંગારના ટોપલા જોયા. પછી અમે ત્યાં વધુ તપાસ કરતાં રાષ્ટ્રધ્વજ ઉપરાંત હિન્દુ ધર્મની આસ્થાના પ્રતિક એવા પ્રભુ શ્રી રામ અને હનુમાનજીના બેનરોમાં પણ ભંગાર બાંધેલો જોવા મળ્યો. જેથી અમે તુરંત નજીકના વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં તુરંત જ પોલીસ અધિકારીઓએ દોડી આવ્યા હતા.”

  - Advertisement -

  પાયકે ઑપઇન્ડિયાને જણાવ્યુ કે તેમને આ ગોડાઉનની તપાસ કરતાં ત્યાથી કુલ 30 રાષ્ટ્રધ્વજ , 12 શ્રીરામના ચિત્ર વાળા બેનર અને ધજા તથા 4 હનુમાનજીના ચિત્ર વાળી ધજાઓમાં ભંગાર ભરેલો જોવા મળ્યો હતો જે પોલીસે તાકીદે કબજે કર્યા હતા. ગોડાઉન ખાતેથી અન્ય ધર્મના અમુક બેનર મળવાની વાત પણ સામે આવી હતી.

  રાષ્ટ્રધ્વજ અને હિન્દુ દેવતાઓના ધ્વજમાં ભરેલો ભંગાર (ફોટો : નરેન્દ્ર પાયક)

  પોલીસે ત્વરિત પગલાં લેતા તે ભંગારના ગોડાઉનના સંચાલક લિયાકત ખાનની અટકાયત કરીને આ તમામ રાષ્ટ્રધ્વજ અને ધાર્મિક બેનરો કબજે લીધા હતા. લિયાકત ખાનની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તેણે આ સમાન સુરતની એક કાપડ મિલમાંથી ભંગાર ભરતા એક ભંગારીયા પાસેથી ખરીદ્યો હતો. પોલીસે સુરતના એ મિલમાલિક અને ભંગારિયાને પણ પૂછપરછ માટે બોલાવ્યા છે.

  પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે સુરતની એક કાપડ મિલ કે જ્યાં આ રીતના ધ્વજ અને ધાર્મિક બેનરો બનાવવાનું કામ ચાલતું હોય છે ત્યાં રાષ્ટ્રધ્વજના એક લોટમાં છાપકામમાં કઈક ભૂલ થતાં મિલમાંથી એ આખો જથ્થો ભંગારમાં વેચી દેવાયો હતો જે ફરતા ફરતા વાપીના આ ગોડાઉનમાં પહોચ્યો હતો. પરંતુ ભારતીય ધ્વજ સંહિતા, 2002 મુજબ આ એક ગુનાહિત કૃત્ય ગણાય છે.

  ભારતીય ધ્વજ સંહિતા, 2002 અને રાષ્ટ્રધ્વજનું અપમાન

  ભારતીય ધ્વજ સંહિતા, 2002 મુજબ, ખંડિત થયેલ રાષ્ટ્રધ્વજનો નિકાલ કરવાની બે રીતો છે – સળગાવવા અથવા દફનાવવી. કોઈપણ પ્રક્રિયા પસંદ કરતી વખતે પણ કડક નિયમનું પાલન કરવું જોઈએ. આ નિયમો નીચે મુજબ સૂચિત છે.

  “રાષ્ટ્રધ્વજને દફનાવવા માટે, તમામ ક્ષતિગ્રસ્ત ધ્વજને લાકડાના બોક્સમાં એકત્રિત કરો, તેમને ફોલ્ડ કરો અને તેને યોગ્ય રીતે મૂકો. બોક્સને જમીનમાં દાટી દો. ધ્વજ દફનાવવામાં આવે તે પછી એક ક્ષણ માટે મૌન પાળો.

  બીજો વિકલ્પ ધ્વજના અગ્નિસંસ્કાર કરવાનો છે. સલામત સ્થળ પસંદ કરો અને તેને સાફ કરો, ધ્વજની ગળી વાળો, આગ પ્રગટાવો અને ધ્વજને જ્યોતની મધ્યમાં કાળજીપૂર્વક મૂકો. રાષ્ટ્રધ્વજને ગળી વળ્યાં વિના અગ્નિદાહ આપવામાં આવે છે અથવા તેને પહેલા સળગાવી દેવામાં આવે અને પાછળથી આગમાં નાખવામાં આવે એ પણ એક ગુનાહિત કૃત્ય છે.”

  અહી એ નોંધવું જોઈએ કે રાષ્ટ્રધ્વજ ગૌરવનું પ્રતિક છે અને તેનો નિકાલ કરતી વખતે તેની ગરિમા જાળવવી જોઈએ. રાષ્ટ્રધ્વજનું અપમાન એ એક ગુનાહિત કૃત્ય છે.

  વાપીમાં આ પહેલા પણ હિંદુદ્વેષની ઘટના બનેલી છે

  આ પહેલા માર્ચ મહિનામાં વાપીના ચણોદની સેન્ટ મેરી શાળામાં પણ હિન્દુ ધર્મના અપમાનની એક ઘટના બની હતી. આ સેન્ટ મેરી શાળાના બે વિદ્યાર્થીઓએ એકબીજાને ‘જય શ્રી રામ’ બોલીને સંબોધન કરતાં શાળાએ તેમની પાસે માફીનામું લખાવ્યું હતું. આ ઘટનાની જાણ સ્થાનિક હિન્દુ સંગઠનોને થતાં VHP વાપી જિલ્લા અધ્યક્ષ નરેન્દ્ર પાયકે શાળાએ પહોચીને વિરોધ નોંધાવ્યો હતો. જે બાદ શાળા સંચાલકોએ લેખિતમાં વાલીઓની માફી માંગી હતી.

  આ ઘટનાની નોંધ તે સમયે અમદાવાદમા ચાલી રહેલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ત્રિદિવસીય પ્રતિનિધિ સભામાં પણ લેવાય હતી અને સંઘના સરકાર્યવાહ દત્તાત્રેયજીએ આ વિષે નિવેદન પણ આપ્યું હતું.

  હાલ રાષ્ટ્રધ્વજ અને હિન્દુ ભગવાનોના અપમાનના વિષયમાં પોલીસ તપાસ ચાલી રહી છે. સુરતના મિલ માલિક અને સુરતના લોકલ ભંગારિયાની પૂછપરછ બાદ ચિત્ર વધુ સ્પષ્ટ બનવાની શક્યતા છે.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં