મધ્ય પ્રદેશના જબલપુરમાં સોમવારે (5 જૂન, 2023) એક નેશનલ બેઝબોલ પ્લેયરે ધર્માંતરણ માટેના સતત થતા દબાણ અને ધમકીઓના કારણે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ મામલે આરોપ અબ્દુલ મન્સૂરી નામના વ્યક્તિ પર લાગ્યો છે. પીડિતાના પરિજનો અનુસાર, તેણે મઝહબ છુપાવીને પીડિતા સાથે મિત્રતા કરી હતી અને ઓળખ છતી થઇ જતાં તેની ઉપર ઇસ્લામ કબૂલ કરવા માટે દબાણ કરી રહ્યો હતો.
મૃતક યુવતીની ઓળખ સંજના બરકડે તરીકે થઇ હતી. ગત પાંચમીએ તેનો મૃતદેહ પંખા પર લટકેલો જોવા મળ્યો હતો. તે માનકુંવર બાઈ કોલેજમાં BA સેકન્ડ યરની વિદ્યાર્થીની હતી અને બેઝબોલ ખેલાડી હતી. સંજના નેશનલ લેવલની અનેક ચેમ્પિયનશિપ પણ રમી ચૂકી હતી. તેણે એક અબ્દુલ નામના શખ્સના ત્રાસથી આપઘાત કરી લીધો હોવાનું ખૂલ્યું છે.
તપાસમાં સામે આવ્યું કે, બંને વચ્ચે લગભગ એક વર્ષથી મિત્રતા હતી. થોડા દિવસથી યુવતીએ આરોપી સાથે અંતર બનાવવાનું શરૂ કરી દીધું હતું અને તે હવે સબંધ આગળ વધારવા માંગતી ન હતી. બીજી તરફ, આરોપી ધમકી આપીને તેને સબંધો ચાલુ રાખવા માટે દબાણ કરી રહ્યો હતો.
દૈનિક ભાસ્કરના રિપોર્ટ અનુસાર, પીડિતાના પિતાનો આરોપ છે કે અબ્દુલ મન્સૂરીએ તેમની પુત્રી સાથે મઝહબ છુપાવીને મિત્રતા કરી હતી. ત્રણ મહિના પહેલાં જ્યારે યુવતીને સત્ય હકીકત જાણવા મળી તો તેણે સબંધનો અંત આણ્યો હતો. તેમણે ઉમેર્યું કે, સંજનાને ત્રણ મહિના પહેલાં જ જાણવા મળ્યું હતું કે જે રાજન સાથે તે વાત કરે છે તે અબ્દુલ મન્સૂરી છે. ત્યારબાદ તેણે વાત કરવાનું બંધ કરી દીધું હતું. જેનાથી નારાજ થઈને આરોપીએ તેનાં ડોક્યુમેન્ટ્સ પણ લઇ લીધાં હતાં અને દબાણ કરવાનું અને ટોર્ચર કરવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં, તેણે યુવતીએ બેઝબોલ કોમ્પિટિશનમાં જીતેલાં મેડલ પણ લઇ લીધાં હોવાનું પીડિત પિતાએ જણાવ્યું હતું. તેમણે આરોપ લગાવતાં કહ્યું કે, અબ્દુલ મન્સૂરી તેમની પુત્રીનું ધર્માંતરણ કરાવવા માંગતો હતો.
પીડિતાની માતાએ જણાવ્યું કે, આરોપીએ થોડા સમય પહેલાં તેમને ફોન કર્યો હતો અને ધમકી આપતાં કહ્યું હતું કે, “તું છોકરીને સમજાવી દે. અમારો ધર્મ કબૂલ કરી લે. હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું. જો અમારો ધર્મ કબૂલ નહીં કરે તો અમને ખબર છે કે તારો પરિવાર ક્યાં છે અને તમે ક્યાં રહો છો. અમે મારી નાંખીશું. જો કબૂલ કરી લે તો કંઈ નહીં થાય.”
જાણવા મળ્યા અનુસાર, પીડિત પિતાની ફરિયાદ બાદ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ અનુસાર, અબ્દુલે પૂછપરછમાં જણાવ્યું કે સંજના સાથે તેની મિત્રતા એક વર્ષ જૂની હતી અને તેને મળવા માટે તે 3 વખત જબલપુર પણ આવ્યો હતો. પોલીસ હાલ આત્મહત્યા બાદ બંને વચ્ચે થયેલા ઝઘડાનું કારણ તપાસી રહી છે.