સમાચાર એવા છે કે જમ્મુ-કાશ્મીરમાં પાટનગર શ્રીનગરમાં 37 વર્ષ પછી એક હિંદુ મંદિર ફરીથી ખુલ્યું છે. 1990ના દાયકામાં કાશ્મીરમાં જ્યારે ઇસ્લામી આતંકવાદ ચરમ પર હતો અને લાખો કાશ્મીરી હિંદુઓએ પલાયન કરવું પડ્યું ત્યારે કેટલાંય મંદિરો નષ્ટ થયાં, તૂટી ગયાં. જે મંદિરો રહ્યાં ત્યાં સારસંભાળ રાખનારું કોઈ ન રહ્યું એટલે ખંડેર બની ગયાં. શ્રીનગરના ફતેહ કદલ વિસ્તારમાં આવેલું સાતસો વર્ષ જૂનું દુર્ગેશ્વરી દેવીનું મંદિર જોકે બચી ગયું હતું, પણ ત્યાં પૂજાપાઠ કરનારું કોઈ રહ્યું ન હતું. આખરે 24મી નવેમ્બરે આ મંદિરને ફરી કોઈ પૂજાપાઠ કરનારું મળ્યું. 37 વર્ષ પછી તેનાં કપાટ ખૂલ્યાં.
સાત સૈકા જૂનું આ દુર્ગેશ્વરી દેવી મંદિર વર્ષો સુધી આમ જ પડેલું રહ્યું. એક સમયે ત્યાં હિંદુઓ નિયમિત પૂજાપાઠ કરતા. તેની સાથે જ એક પાઠશાળા હતી, જ્યાં બાળકો અભ્યાસ કરતાં. 1990માં આ બધું ભૂતકાળ થઈ ગયું. કાશ્મીરી હિંદુઓએ રાતોરાત ઘર છોડવું પડ્યું, ધર્મસ્થાનો પાછળ મૂકવાં પડ્યાં. આ મંદિરની આસપાસના હિંદુઓ પણ પલાયન કરી ગયા. આખરે પેલી પાઠશાળા પણ બંધ થઈ ગઈ.
#WATCH | Srinagar, J&K: Special pooja performed as the historic Shri Durgeshwari Pathshala Temple in Fateh Kadal reopens after 37 years. Srinagar Deputy Commissioner Akshay Labroo and SSP Srinagar G. V. Sundeep Chakravarthy attended the ceremony along with devotees and residents.
— ANI (@ANI) November 24, 2026
થોડા સમય પહેલાં એક સ્થાનિક કાશ્મીરી પંડિત શશિ ટીકુ એ વિસ્તારમાં આવ્યા અને મંદિર પુનર્જીવિત કરવાનો સંકલ્પ કર્યો. મંદિરની તે સમયની સ્થિતિ જોઈને ટીકુ કહે છે કે દાયકાઓથી ખંડેર થઈ ગયેલા મંદિરમાં કચરાઓનો ઢગલો થઈ ગયો હતો, ગમે-ત્યાં બધું ઉગી નીકળ્યું હતું, શેરી શ્વાનોનું સામ્રાજ્ય હતું. તેઓ કહે છે, “આપણે આપણું ઘર સ્વચ્છ રાખતા હોઈએ તો આપણી જવાબદારી છે કે આપણા માટે ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવતાં સ્થળોની પણ જાળવણી કરીએ. એટલે મેં આ કામ ઉપાડ્યું.”
નવેમ્બર સુધીમાં મંદિર તૈયાર થઈ ગયું અને 24મી નવેમ્બરે મંદિરમાં પહેલી વખત પૂજાપાઠ થયાં.
પોતાની કુટેવ પ્રમાણે આપણા મીડિયાએ આ સમાચાર આપતી વખતે પણ એ જ ‘ભાઈચારા’ અને ‘સાંપ્રદાયિક સૌહાર્દ’ની વાતો ઘૂસાડી દીધી છે. મંદિર મુસ્લિમ બહુલ વિસ્તારમાં છે એટલે તેને ટાંકીને મીડિયા લખે છે કે સ્થાનિક મુસ્લિમોએ પણ આ મંદિરના જીર્ણોદ્ધારમાં બહુ સહયોગ આપ્યો. તેમણે પાણી સહિતની વ્યવસ્થાઓ કરી આપી અને જ્યારે જરૂર પડે ત્યારે ખડેપગે રહ્યા. એક-બેનાં નામ પણ લખવામાં આવ્યાં છે.
એક સ્થાનિક મુસ્લિમને ટાંકીને ‘રાઇઝિંગ કાશ્મીર’ લખે છે, “આ હિંદુ-મુસ્લિમ ભાઈચારાનું ઉદાહરણ છે. મંદિર ઘણા સમયથી ખંડેર હાલતમાં હતું છતાં આજે ઊભું છે અને સ્થાનિક સમુદાય તેના જીર્ણોદ્ધાર માટે આગળ આવ્યો છે. આ એક ધાર્મિક સ્થળની માત્ર વાત નથી, આપણા સહિયારા વારસાને સાચવવાની પણ વાત છે.”
મંદિર ફરી ખૂલ્યું એ વાત સાચી, પણ બંધ કેમ થયું હતું?
સાડા ત્રણ દાયકાથી બંધ પડેલા મંદિરના જીર્ણોદ્ધારમાં સ્થાનિક મુસ્લિમોએ મદદ કરી એ વાત સાચી, પણ મૂળ પ્રશ્ન એ છે કે આ મંદિર બંધ કેમ થયું હતું? બંધ થયું હતું તેની પાછળ કોણ હતું?
મદદ કરનારાઓનો મજહબ શોધી લાવનારાઓને મંદિર બંધ થયું તે પાછળના સંજોગો ઊભા કરનારાઓના મજહબની જાણકારી નથી? મંદિરમાં પૂજાપાઠ કરનારાઓની પેઢીઓ ખતમ કોણે કરી, રાતોરાત ‘રલીવ…ગલીવ… ચલીવ’નાં એલાનો કરીને તેમને કાઢી કોણે મૂક્યા તેની પણ જાણકારી નથી?
અહીં કહેવાયું છે કે ઘણા સમયથી મંદિરમાં પૂજાપાઠ નહતાં થતાં તેમ છતાં તે ઊભેલું રહ્યું. અર્થાત્ સ્થાનિક મુસ્લિમોએ તેને (બાકીનાં મંદિરોની જેમ) તોડી ન પાડ્યું એટલા માટે તેમનો આભાર માનવાનો?
જેમ આખા કાશ્મીરમાંથી હિંદુઓને ભગાડી દેવામાં આવ્યા, તેમાં આ ફતેહ કદલ વિસ્તાર પણ બાકાત ન હતો. અહીં પણ હિંદુઓ પર હુમલા થયા, મારી-કાપીને બાકી બચ્યા તેમને ભગાડી દેવામાં આવ્યા. તેમનાં ઘરબાર લૂંટાયાં. મંદિરો નષ્ટ થયાં. આ જ વિસ્તારમાં અમુક મંદિરો પર હુમલા કરવામાં આવ્યા હોવાનું ઇતિહાસમાં લખાયું છે. તો પ્રશ્ન એ પણ છે કે આ બધું કોણે કર્યું?
હમણાં કોઈએ મદદ કરી પણ હોય, વ્યવસ્થા કરી પણ આપી હોય તો તેનો અર્થ એ નથી કે ઇતિહાસ ભૂંસાઈ ગયો. એનો અર્થ એ પણ નથી કે એ ઇતિહાસનું સ્મરણ કરવામાં ન આવે. એ પણ નથી કે ઇતિહાસની એ વાતો દબાવી દેવામાં આવે કારણ કે હવે કોઈકે મંદિર માટે પાણી આપી દીધું છે કે એટ લિસ્ટ મંદિર બની રહ્યું હતું ત્યારે પથ્થર ફેંક્યા નથી.
મીડિયા ભાઈચારા અને સૌહાર્દની વાતો આપણા માથે મારતું રહેશે. માત્ર વર્તમાનની અમુક વાતો કહીને ઇતિહાસ ઢાંકતું રહેશે. પણ આપણે એ પ્રશ્નો પૂછતા રહીએ કે મંદિર ખુલ્યું એ તો ખરું, પણ બંધ શા માટે થયું હતું?


