
ભાવનગર જિલ્લાના પાલિતાણામાં 18 વર્ષીય ભરવાડ યુવાન નૈતિક મેરની ઘાતકી હત્યા કરવામાં આવી છે. પાલિતાણાના હાથિયાધાર વિસ્તારમાં મોડી રાત્રે બનેલી આ ઘટનામાં નૈતિક પોતાના મોપેડ પર ઘરે જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં અમન આરબ નામના શખ્સ સાથે તેમનો હાથ અડી જતાં સામાન્ય બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી બાદ અમન આરબ, સમીર લાખાણી અને અન્ય શખ્સોએ નૈતિકભાઈને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
પોલીસ ફરિયાદ મુજબ, નૈતિક મેર મોડી રાત્રે પોતાનું મોપેડ સ્કૂટર લઈને ઘરે જઈ રહ્યો હતો. HDFC બેન્ક નજીક અમન ઇમરાનભાઈ આરબ રસ્તામાં ઊભો હતો. નૈતિકનો હાથ અમન આરબને અડી જતાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન અમન આરબ, ચેતન અશોકભાઈ રાઠોડ અને સમીર રફીકભાઈ લાખાણી સહિતના શખ્સોએ નૈતિકભાઈ સાથે ગાળાગાળી કરી હતી. આરોપીઓએ તેમને ‘કેમ કાતર ખા છો, આજે તો તને જાનથી મારી નાખવાનો છે’ તેવી ધમકી પણ આપી હતી.
બોલાચાલી બાદ નૈતિક પોતાનું સ્કૂટર લઈને ઘરે જવા નીકળી ગયો હતો. જોકે, આરોપીઓએ તેમનો પીછો કર્યો હતો. ચેતન રાઠોડ, સમીર લાખાણી, અમન આરબ અને વિજય મનુભાઈ પરમાર સહિત ચારેય શખ્સોએ નૈતિકને તેના ઘર નજીક આંતર્યો હતો. ત્યારબાદ તેના સ્કૂટરમાં તોડફોડ કરી હતી અને નૈતિકના જમણા પડખામાં છરીના ઘા ઝીંકી દીધા હતા. છરીના હુમલામાં ગંભીર રીતે ઘવાયેલો નૈતિક લોહીલુહાણ હાલતમાં રસ્તા પર ઢળી પડ્યો હતો.
હુમલો કર્યા બાદ ચારેય આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા નૈતિકને સારવાર માટે પાલિતાણાની સદવિચાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તેની સ્થિતિ ગંભીર હોવાથી વધુ સારવાર માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે, ત્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ સાથે જ સમગ્ર મામલો હત્યામાં પલટાયો હતો.
ઘટનાની જાણ થતાં પાલિતાણા ટાઉન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે કાર્યવાહી કરીને ચારેય આરોપીઓની પાલિતાણાના જામવાળી વિસ્તારમાંથી ધરપકડ કરી લીધી છે. આરોપીઓમાં અમન ઇમરાનભાઈ આરબ, સમીર રફીકભાઈ લાખાણી, ચેતન અશોકભાઈ રાઠોડ અને વિજય મનુભાઈ પરમારનો સમાવેશ થાય છે. પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

