
ઓસ્ટ્રેલિયન પબ્લિક બ્રોડકાસ્ટર ABCનો એક ફ્રીલાન્સ પત્રકાર વાસ્તવમાં હમાસનો આતંકવાદી હોવાનું ખૂલ્યું છે. 2023માં માર્યો ગયેલો રોશ્દી અલ સરાજ પેલેસ્ટેનિયન મીડિયાકર્મી હતો એવું ABCએ જણાવ્યું હતું પણ હવે બહાર આવેલા હમાસના દસ્તાવેજોમાં જાણવા મળ્યું છે કે સરાજ 12 વર્ષથી આતંકવાદી સંગઠનમાં કામ કરતો હતો અને ડેપ્યુટી સ્ક્વોડ કમાન્ડરની પોસ્ટ સુધી પહોંચી ગયો હતો.
The Australianના અહેવાલ અનુસાર, 2023માં ઇઝરાયેલ-હમાસ યુદ્ધના પ્રારંભિક તબક્કામાં ABCએ અલ સરાજને પોતાના કાર્યક્રમ 7.30 માટે વીડિયો ફૂટેજ ઉપલબ્ધ કરાવવાનું કામ સોંપ્યું હતું. હવે ગાઝામાં ઇઝરાયેલના સૈનિકોને મળેલા હમાસના દસ્તાવેજમાં અલ સરાજનું નામ આતંકી તરીકે નોંધાયેલું હોવાનું સામે આવ્યું છે.
દસ્તાવેજમાં અલ સરાજને હમાસની મિલિટરી વિંગનો ‘ડેપ્યુટી સ્ક્વોડ કમાન્ડર’ ગણાવવામાં આવ્યો છે. તેમાં તેનો ઓળખ નંબર 852492 પણ નોંધાયેલો છે. દસ્તાવેજ અનુસાર અલ સરાજ 2011માં 19 વર્ષની ઉંમરે હમાસમાં જોડાયો હતો. 2018માં તેને ‘પ્રમોશન’ મળ્યું હતું.
IDFના પ્રવક્તાએ મીડિયાને જણાવ્યું હતું કે ગાઝામાંથી મળેલા દસ્તાવેજમાં હમાસની મિલિટરી વિંગના માણસોની વિગતો નોંધાયેલી છે, જેમાં અલ સરાજનું નામ પણ સામેલ છે. સાથે તેમણે જણાવ્યું હતું કે અલ સરાજનો ઓળખ નંબર 852492 હતો અને હમાસની મિલિટરી વિંગમાં તે ડેપ્યુટી સ્ક્વોડ કમાન્ડર તરીકે કામ કરતો હતો.
IDFના જણાવ્યા અનુસાર, આ દસ્તાવેજ પરથી માત્ર હમાસ સાથે અલ સરાજના સંબંધો હતા એ જ સાબિત નથી કરતા પણ એ પણ જણાવે છે કે તે સક્રિય આતંકવાદી હતો અને સંગઠનમાં ડેપ્યુટી સ્ક્વોડ કમાન્ડર બનવા સુધી પહોંચી ગયો હતો.
અલ સરાજના હમાસ સાથેના સંબંધો સામે આવ્યા બાદ ABCની ભૂમિકા અંગે પણ સવાલો ઊભા થયા છે. ઉપરાંત હમાસ અને અન્ય ઇસ્લામી આતંકવાદી સંગઠનના માણસો જ દુનિયાનાં મોટાં મીડિયા હાઉસોમાં મીડિયાકર્મીઓ તરીકે કામ કરી રહ્યા હોય તેવા કિસ્સાઓ ભૂતકાળમાં પણ બહાર આવ્યા હતા.
BBCએ પણ 53 પેલેસ્ટિનિયન આતંકીઓને પત્રકાર તરીકે રજૂ કર્યા હતા
26 સપ્ટેમ્બરે The Telegraphમાં પ્રકાશિત થયેલા એક રિપોર્ટમાં બહાર આવ્યું હતું કે બીબીસીએ 53 એવા માણસોને પત્રકાર ગણાવ્યા હતા જેઓ વાસ્તવમાં આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા હતા. મોટાભાગનાના રિપોર્ટ બીબીસી અરેબિક પર પ્રકાશિત થયા હતા. આમાંથી 10નાં નામો બીબીસીની અંગ્રેજી વેબસાઈટ પર પણ હતાં.
તપાસમાં સામેલ પુરાવાઓમાં કેટલાક લશ્કરી યુનિફોર્મમાં ફોટોગ્રાફ્સ, હથિયારો સાથેની તસવીરો અને આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા હેડબેન્ડ પહેરેલા ફોટોગ્રાફ્સનો સમાવેશ થતો હતો. કેટલાકને હમાસ અને અન્ય આતંકવાદી સંગઠનો દ્વારા ‘શહીદ’ તરીકે ઓળખાવવામાં આવ્યા હતા, જ્યારે કેટલાક 7 ઑક્ટોબર, 2023ના ઇઝરાયેલ પરના આતંકવાદી હુમલામાં પણ સામેલ હોવાનું સામે આવ્યું હતું.
વિવાદ બાદ BBCએ પોતાના અહેવાલોમાં પત્રકાર તરીકે ઓળખાવવામાં આવેલી વ્યક્તિઓ અંગેની માહિતીની સમીક્ષા કરવાની જાહેરાત કરી હતી. બીજી તરફ, Committee to Protect Journalists (CPJ)એ પણ 53માંથી 12 નામો પોતાની માર્યા ગયેલા પત્રકારોની યાદીમાંથી દૂર કર્યા હતા. સંસ્થાના જણાવ્યા અનુસાર, આ વ્યક્તિઓ કાં તો પત્રકાર કે મીડિયાકર્મી તરીકેની યોગ્યતા ધરાવતા નહોતા અથવા તેમણે પ્રત્યક્ષ રીતે યુદ્ધમાં ભાગ લીધો હતો.

