શ્રીલંકન નાગરિક સામેની તમામ કાર્યવાહી સાઉદીએ રદ કરી, સ્વદેશ લાવવા માટે તૈયારી શરૂ: પયગંબર પર ટિપ્પણી બદલ અપાઈ હતી મોતની સજા

સાઉદી અરેબિયામાં મોતની સજા પામી ચૂકેલા શ્રીલંકન નાગરિક અનોજન સિવરાસાને અંતે મોટી રાહત મળી છે. આખરે ઈશનિંદા (બ્લાસફેમી) કેસમાં સાઉદી અરબની કોર્ટે સિવરાસા વિરુદ્ધના તમામ આરોપો પડતા મુકીને તમામ કાર્યવાહી અને સજા રદ કરી દેવામાં આવ્યાં છે. શ્રીલંકાની સરકારે આ ઘટનાક્રમની પુષ્ટિ કરીને સિવારાસાને પરત લાવવા માટેની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. શ્રીલંકાના વિદેશ મંત્રી વિજેતા હેરાથે 11 નવેમ્બરના રોજ એક પ્રેસ કૉન્ફરન્સ યોજીને આ જાણકારી આપી હતી. તેઓ સિવરાસાના પરિવારને પણ મળ્યા હતા.

આ સમગ્ર વિવાદની શરૂઆત જૂન 2026માં થઈ હતી. શ્રીલંકામાં હિંદુઓની એક યાત્રા દરમિયાન તેમની સાથે જતા એક સુબ્રમણ્યમ નામના શ્વાનને અમુક મુસ્લિમ શખ્સોએ પરેશાન કરવાના અને તેને લાત મારવાના વિડીયોને લઈને સોશિયલ મીડિયા પર ગરમાગરમી સર્જાઈ હતી. આ દરમિયાન એક યુઝરે હિંદુ દેવી-દેવતાઓ સામે વાંધાજનક ટિપ્પણી કરતાં તેના જવાબમાં અનોજને સોશિયલ મીડિયા પર ઇસ્લામ અને પયગંબર સાહેબ વિશે ટિપ્પણીઓ કરી હતી. તે સમયે અનોજન સિવરાસા સાઉદી અરબમાં રહીને નોકરી કરતો હતો. જેથી ત્યાં સ્થાનિક સ્તરે તેની ફરિયાદ કરી દેવામાં આવી.

મામલો બગડતાં અનોજને તરત જ પોતાની પોસ્ટ ડિલીટ કરી દીધી હતી અને વિડીયો બનાવીને માફી પણ માગી લીધી હતી. પરંતુ તેની આ કોમેન્ટ્સના સ્ક્રીનશોટ સાઉદી અરેબિયામાં તેના માલિક અને સ્થાનિક અધિકારીઓ સુધી પહોંચી ગયા હતા. જેના માટે જુલાઈ 2026માં કેસ નોંધીને તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.

ધરપકડ બાદ સાઉદી અરેબિયાની અલ-અહસા ક્રિમિનલ કોર્ટે સિવરાસાને પાંચ વર્ષની જેલ અને લાખોનો દંડ ફટકાર્યો હતો. જેની સામે તેના વકીલોએ અપીલ કરતાં કોર્ટે સજા ઘટાડવાના સ્થાને વધારી દીધી. 17 સપ્ટેમ્બર 2026ના રોજ અપીલ કોર્ટે સજામાં વધારો કરીને મજહબી લાગણીઓ દુભાવવાના ગંભીર ગુના હેઠળ અનોજન સિવરાસાને મોતની સજા સંભળાવી દીધી હતી.

મોતની સજાના આ ચુકાદા બાદ અનોજનના પરિવારજનોએ શ્રીલંકા સરકાર પાસે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની અપીલ કરી હતી. બીજી તરફ મામલો દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. દરમ્યાન શ્રીલંકા સરકારે સાઉદી સરકાર સાથે ઉચ્ચ સ્તરીય રાજદ્વારી અને કાયદાકીય પ્રયાસો શરૂ કર્યા હતા.

શ્રીલંકાએ એક વિશેષ ચાર સભ્યોની કાયદાકીય ટીમ પણ સાઉદી અરેબિયા મોકલી હતી. આ ટીમે સ્થાનિક વકીલો સાથે મળીને અપીલ દાખલ કરી હતી. આ કૂટનીતિક પ્રયાસોના પરિણામે 13 ઑક્ટોબર 2026ના રોજ સાઉદી સુપ્રીમ કોર્ટે અનોજનની મોતની સજા રદ કરી દીધી હતી અને કેસ પુનઃ તપાસ માટે મોકલ્યો હતો.

9 નવેમ્બર 2026ના રોજ સાઉદી અરેબિયાના પબ્લિક પ્રોસિક્યુશને આ કેસમાં આગળ કોઈ પણ કાર્યવાહી ન કરવાનો અને અગાઉની તમામ સજાઓ રદ કરવાનો નિર્ણય લીધો હતો અને તેની જાણકારી કોર્ટને આપતાં કોર્ટે કાર્યવાહી બંધ કરી દીધી હતી.

હાલ શ્રીલંકા સરકાર રિયાધ સ્થિત પોતાની એમ્બેસીના માધ્યમથી સાઉદી પ્રશાસન સાથે સંકલન સાધીને જરૂરી કાગળની કાર્યવાહી પૂરી કરી રહી છે. અહેવાલ મુજબ ટૂંક સમયમાં જ અનોજન સિવરાસાને સહીસલામત સ્વદેશ પરત લાવવામાં આવશે.