હોમપેજગુજરાતભાવનગર બસ સ્ટેન્ડ પર હિંદુ મહિલાની સરાજાહેર હત્યા, 62 દિવસમાં સજા: ફૈઝલ...

ભાવનગર બસ સ્ટેન્ડ પર હિંદુ મહિલાની સરાજાહેર હત્યા, 62 દિવસમાં સજા: ફૈઝલ ખાટકીને આજીવન કેદ ફટકારતી વખતે કોર્ટે શું કહ્યું

સજા સંભળાવતી વખતે કોર્ટે કહ્યું– 'જો તેનું કૃત્ય હળવાશથી લેવામાં આવે તો સમાજમાં જાહેર સ્થળ ઉપર સ્ત્રીઓ અને નિર્દોષ નાગરિકતાઓ નિર્ભયતાથી હરી-ફરી શકે નહીં અને આવા ઝનૂની અને હિંસક માનસિકતા ધરાવનારા લોકોને છૂટો દોર મળી જશે.'

- Advertisement -

ભાવનગર એસટી બસ સ્ટેશન પર ધોળા દહાડે પોતાની હિંદુ લિવ ઇન પાર્ટનરને મારી મારીને મારી નાખનાર ફૈઝલ ખાટકીને સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટના આદેશ મુજબ છેલ્લા શ્વાસ સુધી ફૈઝલ જેલમાં રહેશે. 3 સપ્ટેમ્બરની ઘટનામાં કોર્ટે 5 નવેમ્બરે ચુકાદો આપ્યો. એટલે ઘટનાના માત્ર 62 દિવસમાં કોર્ટે નિર્ણય સંભળાવી દીધો. 31 દિવસ સુધી કેસની ટ્રાયલ ચાલી હતી.

ભાવનગર સેશન્સ કોર્ટનાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ આર. વી બુખારીએ ફૈઝલને ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) હેઠળ આજીવન કેદની સજા ફટકારી છે. આ સિવાય કલમ 115(2) હેઠળ 1 વર્ષની સાજા અને કલમ 352 હેઠળ પણ એક વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ સાથે ₹7,000 દંડ ફટકારાયો છે.

આ કૃત્ય હળવાશથી ન લઈ શકાય: કોર્ટ

સજા સંભળાવતી વખતે કોર્ટે કહ્યું, “એકબાજુ આરોપી મહિલા સાથે પતિ-પત્ની તરીકેના સંબંધો રાખતો હતો અને બીજી બાજુ તેણે ખૂબ નિર્દયતાથી અને ઘાતકી રીતે મહિલાને મોતને ઘાટ ઉતારી હતી. જો તેનું કૃત્ય હળવાશથી લેવામાં આવે તો સમાજમાં જાહેર સ્થળ ઉપર સ્ત્રીઓ અને નિર્દોષ નાગરિકતાઓ નિર્ભયતાથી હરી-ફરી શકે નહીં અને આવા ઝનૂની અને હિંસક માનસિકતા ધરાવનારા લોકોને છૂટો દોર મળી જશે. જેથી સમાજમાં અરાજકતાનું વાતાવરણ ફેલાય શકે.”

- Advertisement -

ઘટના શું હતી?

ઘટના એવી છે કે મૃતક કાજલ બારૈયાના (40) 13 વર્ષ અગાઉ છૂટાછેડા થયા હતા અને ત્યારથી તે ભાવનગર બસ સ્ટેન્ડની આસપાસ ફૂટપાથ પર એકલી રહેતી હતી. લગભગ આઠેક વર્ષ પહેલાં તે ફૈઝલ ખાટકી સાથે સંપર્કમાં આવી હતી અને બંને પતિ-પત્નીની જેમ રહેતાં હતાં.

ફૈઝલ અગાઉ એક ગુનામાં જેલમાં ગયો હતો અને તેને છોડાવવા માટે કાજલ જ બંનેના કોમન મિત્ર રવિ સાથે મળીને દોડધામ કરી રહી હતી. ફૈઝલને એ ગુનામાંથી જામીન પણ મળી ગયા અને ઘટનાના થોડા દિવસ પહેલાં જ જેલની બહાર આવ્યો હતો. જેલની બહાર આવ્યા બાદ તે કાજલ અને રવિ વચ્ચે પ્રેમસંબંધ હોવાની શંકા કરવા માંડ્યો હતો.

દરમ્યાન 3 સપ્ટેમ્બરે કાજલ અને રવિ ભાવનગર બસ સ્ટેન્ડ પાસે ઊભાં હતાં ત્યારે ફૈઝલે અચાનક ત્યાં આવી જઈને રવિને ગાળો આપવાની ચાલુ કરી અને ત્યારબાદ બંનેને માર મારવાનો શરૂ કરી દીધો હતો.  

દરમ્યાન રવિ વચ્ચે પડ્યો તો તેને ફૈઝલે માર મારીને ફંગોળી દીધો અને કાજલને વાળ પકડીને માર માર્યો અને માથું દીવાલ સાથે અથડાવ્યું હતું. ત્યારબાદ વારંવાર જમીન પર પટકીને ગળા, માથા, મોં, પીઠ અને હાથ-પગના ભાગે ઢોર માર માર્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા બાદ મહિલા બેભાન થઈ ગઈ હતી, ત્યારબાદ રવિએ એમ્બ્યુલન્સને જાણ કરીને હોસ્પિટલ ખસેડી હતી, જ્યાં હાજર ડોકટરોએ તેને મૃત ઘોષિત કરી હતી.

ઘટના મામલે પછીથી કાજલની માતાની ફરિયાદ પર નિલમબાગ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે ફૈઝલ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1), 115(2) અને 352 હેઠળ ગુનો દાખલ કરીને તાત્કાલિક ધરપકડ કરી લીધી હતી.

ધરપકડ બાદ પોલીસ ફૈઝલને એ જ સ્થળે ઘટનાના રિકન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ હતી અને જાહેરમાં તેને ઢોર માર માર્યો હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકોએ ભાવનગર પોલીસને શાબાશી પણ ખૂબ આપી હતી.

‘આ મારી બાયડી છે, હું મારું કે મારી નાખું, તમે વચ્ચે ન પડશો’

કોર્ટની સુનાવણી દરમ્યાન સામે આવ્યું કે ફૈઝલ કાજલ અને રવિને માર મારી રહ્યો હતો ત્યારે હાજર લોકોએ વચ્ચે પડીને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ફૈઝલે ‘આ મારી બાયડી છે, હું મારું કે મારી નાખું, તમે વચ્ચે પડશો નહીં, નહીંતર તમારા પણ આવા જ હાલ થશે’ એમ કહીને લોકોને ધમકી આપી હતી. કોર્ટ સમક્ષ ઘટનાને નજરે જોનાર એક સાક્ષીએ આ જુબાની આપી હતી.

કેસના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે મહિલાના શરીર પર કુલ 17 ઈજા હતી અને ચહેરા, ગળા, હાથ, કોણી અને પગ સહિતના ભાગોમાં ગંભીર ઈજા પહોંચી હતી. ઉપરાંત મગજ, હૃદય, ફેફસાં વગેરે આંતરિક અંગોમાં પણ ગંભીર ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું.

ડૉક્ટરોએ કોર્ટને જણાવ્યું હતું કે કાજલ બારૈયાને થયેલી ઈજા એટલી જીવલેણ હતી કે તેને તાત્કાલિક સારવાર પણ કદાચ મળી હોત તોપણ જીવ બચી શકે તેમ ન હતો.

કેસમાં પ્રત્યક્ષદર્શીઓની જુબાની સાથે સીસીટીવી ફૂટેજ પણ મહત્ત્વનો પુરાવો બન્યો, જે પછીથી આખા ગુજરાતે અને દેશે જોયા હતા. ભાવનગર એસટી બસ સ્ટેન્ડના જાહેર પ્રવેશદ્વાર પાસે લગાવવામાં આવેલા કેમેરામાં 3 સપ્ટેમ્બરની આ સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી. ફૂટેજનું FSL પરીક્ષણ પણ કરાવવામાં આવ્યું અને તેમાં પણ તેની વિશ્વસનીયતા પુરવાર થઈ હતી.

ઉપરાંત DNA રિપોર્ટ પણ મહત્ત્વનો પુરાવો સાબિત થયો. તપાસ દરમ્યાન ફૈઝલે બનાવ સમયે પહેરેલાં કપડાં કબજે કરવામાં આવ્યાં હતાં. જેમાંથી જીન્સ પેન્ટ પર લોહીના ડાઘ મળી આવ્યા હતા. જેનું DNA પરીક્ષણ થતાં તે મૃતક કાજલ બારૈયાના DNA પ્રોફાઇલ સાથે મેચ થઈ ગયું હતું.

આરોપીના બચાવમાં વકીલે કહ્યું– મારી નાખવાનો તેનો ઇરાદો ન હતો

સુનાવણી દરમ્યાન આરોપી પક્ષે વકીલે દલીલ કરી હતી કે ફૈઝલનો ઇરાદો કાજલની હત્યા કરવાનો ન હતો અને તે માત્ર રવિ અને કાજલ બંનેને સાથે બેઠેલાં જોઈને આવેશમાં આવી ગયો હતો એટલે મારામારી કરી હતી.

બચાવમાં એવી દલીલો પણ રજૂ કરવામાં આવી કે ફૈઝલ કોઈ હથિયાર લઈને બનાવસ્થળે ગયો ન હતો અને સીસીટીવી ફૂટેજમાં પણ તેના હાથમાં કોઈ હથિયાર દેખાતું નથી. ઉપરાંત એવો પ્રશ્ન પણ કરવામાં આવ્યો કે બનાવ બાદ ફૈઝલ પોતે કાજલને હોસ્પિટલ લઈ ગયો હતો. જો તેનો ઇરાદો હત્યાનો હોત તો તેણે આ ન કર્યું હોત.

કોર્ટે આ દલીલો ગ્રાહ્ય રાખી ન હતી અને નોંધ્યું હતું કે ફૈઝલે જે રીતે કાજલને વારંવાર માર માર્યો હતો અને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી તેને જોતાં આ માત્ર આકસ્મિક ઉશ્કેરાટના કારણે બન્યું હશે એમ માની લેવાય નહીં કે હથિયાર ન હોવાથી ગુનાની ગંભીરતા ઘટી જતી નથી.

ઉપરાંત કોર્ટે એ પણ ધ્યાનમાં લીધું કે ફૈઝલ સામે ભૂતકાળમાં 6 જેટલા પોલીસ કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાં છરી સાથે જાહેરમાં મળી આવવું, ધાકધમકી આપવી, કોવિડના જાહેરનામાનો ભંગ, સગીર વયની છોકરીનું અપહરણ સહિતના આરોપો સામેલ છે.

કોર્ટે આ રેકોર્ડ ધ્યાનમાં લઈને આરોપીની વર્તણૂક પહેલેથી હિંસક અને મનોવૃત્તિ હિંસક હોવાનું ચુકાદામાં નોંધ્યું હતું.

મુખ્ય સાક્ષીનું અપહરણ કરવાનો ફૈઝલનાં ભાઈ અને માતાનો પ્રયાસ

સજાની સુનાવણી દરમ્યાન સરકારી વકીલે કોર્ટ સમક્ષ વધુ એક ગંભીર બાબત રજૂ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે આરોપીએ કેસના પ્રત્યક્ષદર્શી રવિને કોર્ટમાં જુબાની આપતો રોકવા માટે તેના સંબંધીઓ મારફતે તેનું અપહરણ પણ કરાવ્યું હતું અને ફોન પર જુબાની ન આપવાની ધમકી આપી હતી. વકીલે કહ્યું કે ફૈઝલ કાચા કામના કેદી તરીકે જેલમાં બંધ હોવા છતાં ત્યાંથી પણ ગુનાહિત પ્રવૃત્તિ ચાલુ રાખતો હતો.   

વાસ્તવમાં રવિએ 28 ઑક્ટોબર, 2026ના રોજ આ કેસમાં જુબાની આપવાની હતી. તે પહેલાં ફૈઝલની માતા શહેનાઝ અને ભાઈ ડીડુએ તેને ઘરમાં ગોંધી રાખ્યો હતો. ડીડુ રવિને મારી નાખવાની ધમકી આપીને રિક્ષામાં બેસાડી લાવ્યો હતો. ત્યારબાદ બંનેએ તેને કહ્યું હતું કે તારે બુધવાર સુધી અહીં જ રહેવાનું છે અને કોર્ટમાં ફૈઝલ વિરુદ્ધ કોઈ જુબાની આપવાની નથી.

બંનેને જ્યારે જાણ થઈ કે રવિને કોર્ટનું સમન્સ મળ્યું છે અને પોલીસ તેને શોધી રહી છે અને બંનેએ કબજામાં રાખ્યો હોવાની જાણ થશે તો કેસ થશે ત્યારબાદ તેને જવા દીધો હતો, પરંતુ સાથે ધમકી આપી હતી કે તેને બંને લઈ આવ્યાં હતાં એ વાત કોઈને કહેવી નહીં. રવિ ત્યારબાદ તેના ઘરે પરત ફર્યો હતો.

આ ઘટના વિશે રવિએ કોર્ટ સમક્ષ પોતાની જુબાનીમાં પણ જણાવ્યું હતું અને પછીથી શહેનાઝ અને ડીડુ વિરુદ્ધ 26 ઑક્ટોબરના રોજ એક અલગ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે ગુનો દાખલ કર્યો હતો. આ મામલે અલગ કેસ ચાલી રહ્યો છે.

સરકારી વકીલે આ બધી જ દલીલો કરીને ‘રેરેસ્ટ ઑફ ધ રેર’ કેસના સિદ્ધાંત હેઠળ ફૈઝલ માટે મૃત્યુદંડની માંગ કરી હતી. જોકે કોર્ટે અંતે છેલ્લા શ્વાસ સુધીની આજીવન કેદની સજા ફટકારી હતી.   

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં