
ઉત્તર પ્રદેશના રામપુરમાં આવેલી મૌલાના મોહમ્મદ અલી જૌહર યુનિવર્સિટીની જમીન અને ઇમારતો વિરુદ્ધ EDએ કાર્યવાહી કરી છે. સમાજવાદી પાર્ટીના નેતા અને અખિલેશ યાદવ સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂકેલા આઝમ ખાનની માલિકી તથા નિયંત્રણ હેઠળના આ સંકુલનું મની લોન્ડરિંગના કેસમાં કનેક્શન સામે આવ્યું છે. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, આ સંપત્તિની હાલની બજારકિંમત આશરે ₹1,170 કરોડ થાય છે, જેમાં ₹426.46 કરોડની રકમ ગેરકાયદે છે.
આ યુનિવર્સિટીનું સંચાલન મૌલાના મોહમ્મદ અલી જૌહર ટ્રસ્ટ કરે છે, જેના પ્રમુખ આઝમ ખાન છે. આ યુનિવર્સિટીના બાંધકામ અને જમીન સંપાદનની પ્રક્રિયા લાંબા સમયથી વિવાદોમાં છે. ઉત્તર પ્રદેશ પોલીસની અલગ-અલગ 26 FIRના આધારે EDએ મની લોન્ડરિંગ મામલે તપાસ શરૂ કરી હતી.
₹1,170 કરોડની બજારકિંમત અને ₹426.46 કરોડના ગુનાહિત ભંડોળ વચ્ચેનો તફાવત
આ કેસમાં બે અલગ-અલગ આંકડાઓને સમજવા અનિવાર્ય છે. યુનિવર્સિટીની જમીન અને 59 ઇમારતોની સરકારી કિંમત આશરે ₹499 કરોડ થાય છે. EDની તપાસમાં જાણવા મળ્યું કે આમાંથી માત્ર ₹72.63 કરોડ જ સાચા અને કાયદેસરના સ્ત્રોતોમાંથી આવ્યા હતા. બાકીના આશરે ₹426.46 કરોડ ક્યાંથી આવ્યા તેનો કોઈ હિસાબ નથી મળ્યો.
આ જ ગેરકાયદે નાણાંથી ઊભી કરાયેલી સંપત્તિની આજની બજારકિંમત અંદાજે ₹1,170 કરોડ આંકવામાં આવી છે. નાણાકીય ગેરરીતિ ઉપરાંત યુનિવર્સિટીનો વિસ્તાર વધારવા માટે આસપાસના ખેડૂતોની ખેતીની જમીન તેમની મરજી વિરુદ્ધ અને બળજબરીથી પડાવી લેવાનો પણ આરોપ છે.
આશરે 34 એકર પર ગેરકાયદે કબજો
આ કેસમાં બે મુખ્ય ગેરરીતિઓ સામે આવી છે. પહેલી ભારતથી પાકિસ્તાન ગયેલા લોકોની કેન્દ્ર સરકાર હસ્તકની 34 એકર ‘શત્રુ સંપત્તિ’નો (Enemy Property) ભાડાપટ્ટો રદ થયો હોવા છતાં તેના પર ગેરકાયદે કબજો કરી રાખવામાં આવ્યો હતો. હાલમાં સરકારે આ સંપત્તિ પાછી મેળવી લીધી છે.
આ ઉપરાંત રસ્તા બનાવવા જેવાં સરકારી કામો માટે ફાળવાયેલા ₹186 કરોડના જાહેર ભંડોળમાંથી 30થી 40 ટકા રકમ યુનિવર્સિટીના બાંધકામ અને સામગ્રી ખરીદવા પાછળ વાપરી નાખવામાં આવી હતી તેવું પણ તપાસમાં ખૂલ્યું છે.
સરકારી કોન્ટ્રાક્ટ મેળવતી કંપનીઓ અને સંસ્થાઓએ જૌહર ટ્રસ્ટને લાખો-કરોડો રૂપિયાનું દાન આપ્યું હતું, જે કમિશન કે લાંચ હોવાની આશંકા છે. આ ઉપરાંત આઝમ ખાન મંત્રી હતા ત્યારે ₹23.41 કરોડના સરકારી ખર્ચે બનેલી હોસ્ટેલ, પંડાલ અને હોસ્પિટલની માલિકી પાછળથી ખાનગી યુનિવર્સિટીને ટ્રાન્સફર કરી દેવાઈ હતી.
નોંધનીય છે કે EDએ કરેલી અટેચમેન્ટ કામચલાઉ છે, જેથી તપાસ દરમિયાન મિલકત વેચી કે તબદીલ ન કરી શકાય. હવે આ કેસમાં સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ છે કે યુનિવર્સિટીના બાંધકામ માટે વપરાયેલા નાણાં ક્યાંથી આવ્યા, સરકારી ભંડોળનો ઉપયોગ કયા હેતુ માટે થયો અને જમીન તથા અન્ય સંપત્તિ મેળવવાની પ્રક્રિયા કાયદેસર હતી કે નહીં. તપાસ બાદ આ તમામ પ્રશ્નોના જવાબ સ્પષ્ટ થશે.

