હોમપેજગુજરાતદુષ્કાળ કેવી રીતે જાહેર થાય છે: કેન્દ્ર સરકારની 2016ની માર્ગદર્શિકા શું કહે...

દુષ્કાળ કેવી રીતે જાહેર થાય છે: કેન્દ્ર સરકારની 2016ની માર્ગદર્શિકા શું કહે છે અને કેવી રીતે થાય છે મૂલ્યાંકન

રાજ્યમાં ભલે કુલ 89% વરસાદ થયો હોય, પણ કેન્દ્ર સરકારની 2016ની માર્ગદર્શિકા મુજબ વરસાદની વહેંચણી, લાંબો સૂકો ગાળો, પાકની હાલત, જમીનમાં ભેજ, પાણીની ઉપલબ્ધતા અને ગ્રાઉન્ડ ટ્રુથિંગ જેવા તમામ વૈજ્ઞાનિક તબક્કાઓના મૂલ્યાંકન બાદ જ આ નિર્ણય લેવાય છે.

- Advertisement -

ગુજરાતનો સરેરાશ વરસાદ 89% હોવા છતાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. આ જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા પાછળનું મુખ્ય કારણ વરસાદનું અસમાન વિતરણ છે. કેન્દ્ર સરકારની ‘દુષ્કાળ વ્યવસ્થાપન માર્ગદર્શિકા 2016’ અનુસાર, દુષ્કાળ જાહેર કરવા રાજ્યના સરેરાશ વરસાદ સિવાય સ્થાનિક સ્તરે વરસાદની ભારે અછત, વરસાદના દિવસો વચ્ચેનો સમયગાળો અને વિવિધ વૈજ્ઞાનિક માપદંડો પણ ચકાસવામાં આવે છે.

આ ઉપરાંત, આ માર્ગદર્શિકા મુજબ વરસાદની અછત, જમીનમાં ભેજ, પાકની સ્થિતિ, જળાશયોમાં પાણી અને અન્ય પરિબળોનું પણ મૂલ્યાંકન કરવામાં આવે છે. જ્યારે આ તમામ વૈજ્ઞાનિક માપદંડો દર્શાવે કે ચોક્કસ વિસ્તારમાં ખેતી અને પશુપાલન પર ગંભીર અસર પડી છે, ત્યારે જ સરકાર તે વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે છે.

દુષ્કાળ જાહેર કરવા માટે માત્ર વરસાદનો આંકડો પૂરતો નથી

દુષ્કાળનો સાદો અર્થ એ છે કે વરસાદ ઓછો પડવાને કારણે ખેતી, પીવાના પાણી અને લોકોના રોજિંદા જીવન પર મોટી મુશ્કેલી ઊભી થવી. જોકે, દુકાળ બધે એકસરખો હોતો નથી. ઘણીવાર એવું બનતું હોય છે કે એક જ રાજ્યના એક વિસ્તારમાં ખૂબ સારો વરસાદ પડ્યો હોય, જ્યારે બીજા જ વિસ્તારમાં જરૂરી પ્રમાણ કરતાં ઘણો ઓછો વરસાદ પડ્યો હોય. તેથી સમગ્ર રાજ્યનો સરેરાશ વરસાદ સારો દેખાતો હોય તોપણ દરેક વિસ્તારમાં પાણીની સ્થિતિ એકસરખી હોતી નથી.

- Advertisement -

કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ દુષ્કાળ નક્કી કરવા માટે માત્ર ઓછો વરસાદ જ નહીં, પરંતુ ખેતી, જમીનનો ભેજ અને પાણીના સ્રોતોની સ્થિતિનું ભેગું મૂલ્યાંકન કરવું જરૂરી છે. ખાસ કરીને જ્યાં ખેતી માત્ર વરસાદ પર આધારિત હોય, ત્યાં લાંબા સમય સુધી વરસાદ ન પડે તો પાકને ભારે નુકસાન થાય છે.

2016ની માર્ગદર્શિકા પ્રમાણે દુષ્કાળ નક્કી કરવાની પ્રક્રિયા

કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ દુષ્કાળ જાહેર કરવા માટે ત્રણ તબક્કામાં વૈજ્ઞાનિક મૂલ્યાંકન કરવામાં આવે છે. આખી પ્રક્રિયા ખૂબ જ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હોય છે, જેથી સાચી પરિસ્થિતિનો અંદાજ મેળવી શકાય.

પ્રથમ તબક્કો: વરસાદની અછત અને સૂકા ગાળાની તપાસ

પ્રથમ તબક્કામાં એ તપાસવામાં આવે છે કે સામાન્ય કરતાં કેટલો વરસાદ ઓછો પડ્યો છે અને વરસાદ વચ્ચે લાંબો સૂકો ગાળો રહ્યો છે કે નહીં. આ માહિતીના આધારે દુષ્કાળની પહેલી ચેતવણી એટલે કે ‘ટ્રિગર-1’ નક્કી થાય છે.

બીજો તબક્કો: ખેતી અને પાણી પર થયેલી અસરનું મૂલ્યાંકન

બીજા તબક્કામાં જો દુષ્કાળની શક્યતા જણાય તો સેટેલાઈટથી વનસ્પતિની સ્થિતિ, ખેતીની હાલત, જમીનમાં રહેલો ભેજ અને પાણીના સ્રોતોનું મૂલ્યાંકન થાય છે. આ તબક્કાને ‘ટ્રિગર-2’ કહેવામાં આવે છે.

ત્રીજો તબક્કો: સ્થળ પર તપાસ અને અંતિમ નિર્ણય

છેલ્લા અને ત્રીજા તબક્કામાં જો મધ્યમ કે ગંભીર દુષ્કાળના સંકેતો મળે તો અધિકારીઓ પ્રભાવિત વિસ્તારોમાં રૂબરૂ જઈને તપાસ કરે છે. આ તમામ તબક્કાઓ અને વાસ્તવિક તપાસના આધારે જ અંતિમ નિર્ણય લેવામાં આવે છે કે દુકાળ જાહેર કરવો કે નહીં.

પ્રથમ માપદંડ: વરસાદ કેટલો ઓછો પડ્યો અને સૂકો ગાળો કેટલો રહ્યો?

માર્ગદર્શિકા મુજબ, છેલ્લા ઓછામાં ઓછા 30 વર્ષના લાંબાગાળાના સરેરાશ વરસાદ અને હાલમાં પડેલા વરસાદની સરખામણી કરવામાં આવે છે. આટલા લાંબા વર્ષોના આંકડાઓ તપાસવાથી એ અંદાજ આવી શકે છે કે સામાન્ય રીતે આ વિસ્તારમાં કેટલો વરસાદ પડવો જોઈએ અને આ વર્ષે તેની સરખામણીએ અછત કેટલી છે.

ભારતીય હવામાન વિભાગના વર્ગીકરણ પ્રમાણે વરસાદની અછતના મુખ્ય પ્રકાર આ પ્રમાણે છે:

સામાન્ય વરસાદની સરખામણીમાં ફેરફારવર્ગીકરણ
+19%થી −19%સામાન્ય
−20%થી −59%ઓછો વરસાદ
−60%થી −99%ખૂબ ઓછો વરસાદ
−100%નહીંવત વરસાદ

ધારો કે ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ થવાથી વાવણી થઈ ગઈ હોય, પણ પછી સળંગ ત્રણ-ચાર અઠવાડિયા સુધી વરસાદ ન આવે તો પાકને પૂરતો ભેજ મળતો નથી અને તે સુકાવા લાગે છે.

માર્ગદર્શિકા મુજબ, જો સળંગ ત્રણથી ચાર અઠવાડિયા સુધી (હળવી જમીન હોય તો ત્રણ અઠવાડિયા) દર અઠવાડિયે સામાન્ય કરતાં 50 ટકાથી પણ ઓછો વરસાદ પડે તો તેને લાંબો સૂકો ગાળો ગણવામાં આવે છે. આથી, આખી ઋતુ દરમિયાન સારો વરસાદ પડ્યો હોવા છતાં વચ્ચે પડેલો આ સૂકો ગાળો પાકને ભારે નુકસાન પહોંચાડી શકે છે.

બીજો માપદંડ: પાકની સ્થિતિ, જમીનમાં ભેજ અને પાણીના સ્રોતો

વરસાદની અછતની ચકાસણી બાદ દુષ્કાળની વાસ્તવિક અસર જાણવા માટે ચાર પ્રકારના માપદંડોનું મૂલ્યાંકન કરવામાં આવે છે.

ખેતી અને વાવેતર

દુકાળ નક્કી કરવા માટે સરેરાશ વરસાદ સિવાય ખેતી અને વાવેતરની સ્થિતિની પણ ઝીણવટભરી તપાસ થાય છે. સામાન્ય વર્ષોની સરખામણીમાં વાવેતર કેટલું ઘટ્યું છે, ઊભા પાકની હાલત કેવી છે અને પાણીના અભાવે પાક સુકાઈ ગયો છે કે વાવણી નિષ્ફળ ગઈ છે તે બાબતો ખાસ જોવામાં આવે છે.

ઉપગ્રહથી વનસ્પતિની સ્થિતિ

આ ઉપરાંત, સેટેલાઈટથી મળતા NDVI અને VCI જેવા વૈજ્ઞાનિક સૂચકાંકોની મદદથી વનસ્પતિની હરિયાળી અને તેની સ્થિતિનું મૂલ્યાંકન થાય છે. જો વનસ્પતિની સ્થિતિ સામાન્ય કરતાં નબળી દેખાય તો સ્પષ્ટ થાય છે કે છોડને પૂરતું પાણી મળી રહ્યું નથી.

જમીનમાં ભેજ

સાથે-સાથે, જમીનમાં પાકને ઉપયોગી ભેજ કેટલો ઉપલબ્ધ છે તેની પણ તપાસ થાય છે. જો વરસાદ ઓછો પડ્યો હોય અને જમીન પણ તદ્દન સૂકી થઈ ગઈ હોય તો તેનાથી પાકના વિકાસ પર અસર પડે છે.

જળાશયો અને ભૂગર્ભજળ

આ બાબતો ઉપરાંત, મોટા જળાશયોમાં પાણીનો સંગ્રહ કેટલો છે, નદી-નાળાંમાં પ્રવાહ કેવો છે અને ભૂગર્ભજળનું સ્તર કેટલું નીચું ગયું છે તેની પણ માહિતી મેળવવામાં આવે છે, જેથી કેટલું પાણી ઉપલબ્ધ છે તેનો સચોટ અંદાજ આવી શકે.

કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ, ખેતી, જમીન અને પાણીને લગતા આ ચારમાંથી કોઈપણ ત્રણ મહત્વના માપદંડો પસંદ કરીને રાજ્ય તેનું મૂલ્યાંકન કરે છે. જો ત્રણેય માપદંડો ગંભીર દુષ્કાળ બતાવે તો સ્થિતિ ગંભીર ગણાય છે અને જો બે માપદંડ મધ્યમ કે ગંભીર હોય તો મધ્યમ દુષ્કાળ જાહેર થાય છે.

આમ, દુષ્કાળ જાહેર કરવા માટે માત્ર કાગળ પરના સરેરાશ વરસાદના આંકડા ઉપરાંત પાક, જમીન અને પાણીની વાસ્તવિક સ્થિતિનો સંયુક્ત અભ્યાસ થાય છે. આ જ કારણ છે કે સમગ્ર રાજ્યના આંકડા કરતાં તાલુકા અને જિલ્લાવાર સ્થાનિક આંકડાઓ અગત્યના છે.

ત્રીજો તબક્કો

વૈજ્ઞાનિક આંકડાઓના આધારે દુકાળની સ્થિતિ જણાય ત્યારે 2016ની માર્ગદર્શિકા મુજબ જમીની વાસ્તવિકતા જાણવા માટે સ્થળ તપાસ એટલે કે ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ કરવામાં આવે છે. આ તબક્કો એટલા માટે મહત્વનો છે કારણ કે કાગળ પરના આંકડા અને ખેતરની વાસ્તવિક પરિસ્થિતિ ઘણી અલગ હોય શકે છે.

આ તપાસ માટે શંકાસ્પદ ગામોમાંથી રેન્ડમ પદ્ધતિથી 10 ટકા ગામો પસંદ થાય છે. દરેક ગામમાં મુખ્ય પાકનાં ખેતરોની મુલાકાત લેવાય છે અને દરેક મુખ્ય પાક માટે આશરે પાંચ જુદી-જુદી જગ્યાએ તપાસ કરીને પાકની હાલત અને નુકસાનની વિગતો નોંધવામાં આવે છે. આ પ્રક્રિયામાં જીપીએસ લોકેશન અને પાકના ફોટા જેવી માહિતી મોબાઈલ એપથી રેકોર્ડ કરવામાં આવે છે.

જો આ સ્થળ તપાસમાં પાકને થયેલું નુકસાન 33 ટકા કે તેથી વધુ જણાય તો તે મધ્યમ દુકાળ કહેવાય છે અને જો નુકસાન 50 ટકાથી વધુ હોય તો તેને ગંભીર દુકાળ ગણવામાં આવે છે. જોકે, આ નિર્ણય અન્ય તમામ વૈજ્ઞાનિક સૂચકાંકોને ધ્યાનમાં રાખીને જ લેવાય છે.

દુષ્કાળ જાહેર કરવાની સત્તા કોની પાસે છે?

કેન્દ્ર સરકારની 2016ની માર્ગદર્શિકા મુજબ, દુષ્કાળ જાહેર કરવાની મુખ્ય જવાબદારી રાજ્ય સરકારની હોય છે. રાજ્ય સરકાર વિવિધ વિભાગો અને જિલ્લા વહીવટીતંત્ર તરફથી મળેલા આંકડાઓ તથા વૈજ્ઞાનિક મૂલ્યાંકનના આધારે આ અંતિમ નિર્ણય લે છે.

દુષ્કાળની આ જાહેરાત એક સત્તાવાર સરકારી નોટિફિકેશન જારી કરીને કરવામાં આવે છે, જેમાં અસરગ્રસ્ત વિસ્તારની ભૌગોલિક સીમાઓ અને વહીવટી એકમો, જેવા કે જિલ્લો, તાલુકો, બ્લોક કે ગ્રામ પંચાયતનો સ્પષ્ટ ઉલ્લેખ થયેલો હોવો જોઈએ. આ નોટિફિકેશનમાં દુકાળ મધ્યમ સ્વરૂપનો છે કે ગંભીર, તેની પણ સ્પષ્ટતા હોય છે.

માર્ગદર્શિકા અનુસાર, દુષ્કાળની આ જાહેરાત સામાન્ય રીતે છ મહિના સુધી જ અમલમાં રહે છે. આ ઉપરાંત, ખરીફ પાક માટે 30 ઑક્ટોબર સુધીમાં અને રવિ પાક માટે 31 માર્ચ સુધીમાં દુષ્કાળ જાહેર કરવો પડે છે.

ગુજરાતમાં ચાર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાનું કારણ શું?

હવે ગુજરાતની તાજેતરની વાસ્તવિક સ્થિતિ પર એક નજર મારીએ. હમણાં 26 ઑક્ટોબરે રાજ્ય સરકારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છ,આ ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની 2016ની ગાઈડલાઇન્સ મુજબ જરૂરી તમામ પ્રક્રિયા અને ચકાસણી પૂર્ણ કર્યા બાદ જ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ વરસાદની ભારે અછત છે. 15 ઑક્ટોબર સુધીના આંકડા મુજબ, છેલ્લા 30 વર્ષની સરેરાશની સરખામણીએ દેવભૂમિ દ્વારકામાં 83.5%, પોરબંદરમાં 67.1%, જામનગરમાં 56.7% અને કચ્છમાં 42.2% જેટલી વરસાદની અછત નોંધાઈ હતી.  તેથી આ જિલ્લાઓમાં દુકાળ જાહેર કરવામાં આવ્યો છે.

દુષ્કાળ જાહેર થયા બાદ ખેડૂતોને મળે રાહત

દુષ્કાળ જાહેર કરવાનો મુખ્ય હેતુ અસરગ્રસ્ત ખેડૂતો, પશુપાલકો અને સ્થાનિક નાગરિકોને સમયસર જરૂરી સહાય અને રાહત પહોંચાડવાનો છે. સરકારની જાહેરાત મુજબ, આ સંકટના સમયે અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોનું જીવન ધોરણ જળવાઈ રહે તે માટે ખાસ પગલાં લેવામાં આવ્યાં છે.

દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં ખેડૂતો અને પશુપાલકોને આર્થિક રીતે ટકી રહેવા માટે સરકારએ સહાય જાહેર કરી છે. પાક નિષ્ફળ ગયો હોય તેવા ખેડૂતોને SDRFના નિયમો મુજબ પ્રતિ હેક્ટર ₹8,500 લેખે વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદા સુધી સહાય આપવામાં આવશે.

પશુપાલકો અને તેમના પશુઓની સુરક્ષા માટે ઘાસચારાની વિશેષ વ્યવસ્થા કરાઈ છે. રાજ્યમાં અગાઉથી જ પ્રતિ કિલો માત્ર ₹2ના રાહતદરે ઘાસચારો અપાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 1.21 કરોડ કિલોથી વધુ ઘાસચારો અપાઈ ચૂક્યો છે. આ ઉપરાંત, પશુ શિબિરોમાં રખાતાં પશુઓની સંભાળ માટે પ્રથમ બે મહિના સુધી પ્રતિ પશુ રોજના ₹80ની સહાય અને ત્યારબાદનો તમામ ખર્ચ સરકાર ઉપાડશે.

સ્થાનિક લોકોને રોજગારીની મુશ્કેલી ન પડે તે માટે ‘VB-G RAM-G’ યોજના હેઠળ 150 દિવસની રોજગારી અપાશે. તેમજ, આગામી રવિ પાક સિઝનમાં 70 ડેમોમાંથી સિંચાઈ માટે પાણી આપવાનું અને 30 જૂન, 2027 સુધી પીવાના પાણીની વ્યવસ્થા જાળવવાનું આયોજન કરાયું છે.

દુષ્કાળની જાહેરાત અને કેન્દ્ર સરકાર પાસેથી સહાય

કેન્દ્ર સરકારની 2016ની માર્ગદર્શિકા મુજબ, રાજ્ય સરકાર દુષ્કાળ જાહેર કરીને પોતાના સ્તરે રાહતકાર્યો શરૂ કરી શકે છે, પરંતુ તેનાથી કેન્દ્ર સરકાર તરફથી વધારાની આર્થિક સહાય આપમેળે મળતી નથી. ગંભીર દુષ્કાળના કિસ્સામાં રાજ્ય સરકારે NDRFમાંથી વધારાની મદદ મેળવવા માટે દુષ્કાળ જાહેર કર્યાના એક અઠવાડિયામાં કેન્દ્ર સરકારને અલગથી દરખાસ્ત મોકલવી પડે છે. ત્યારબાદ કેન્દ્રીય ટીમ પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈને સ્થિતિની ચકાસણી કરે છે અને તેના રિપોર્ટના આધારે જ કેન્દ્ર તરફથી વધારાની સહાય મંજૂર થાય છે.

ગુજરાતના ચાર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાના નિર્ણય પરથી એ સ્પષ્ટ થાય છે કે માત્ર સમગ્ર રાજ્યના સરેરાશ વરસાદના આંકડા જોઈને સ્થિતિ નક્કી નથી થતી. રાજ્યમાં ભલે કુલ 89% વરસાદ થયો હોય, પણ કેન્દ્ર સરકારની 2016ની માર્ગદર્શિકા મુજબ વરસાદની વહેંચણી, લાંબો સૂકો ગાળો, પાકની હાલત, જમીનમાં ભેજ, પાણીની ઉપલબ્ધતા અને ગ્રાઉન્ડ ટ્રુથિંગ જેવા તમામ વૈજ્ઞાનિક તબક્કાઓના મૂલ્યાંકન બાદ જ આ નિર્ણય લેવાય છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં