આફ્રિકાના કેન્યાની એક ઘટનાએ પંથ, અંધશ્રદ્ધા અને અંધવિશ્વાસની ભયાનક બાજુ દુનિયાની સમક્ષ છતી કરી છે. કેન્યામાં મેકેન્ઝી નામક એક પાદરીએ લોકોને એવો વિશ્વાસ અપાવ્યો કે દુનિયાનો અંત નજીક છે અને ઈસુને મળવા માટે જે લોકો ભૂખ્યા રહીને મૃત્યુ પામશે તેમને ‘હેવન’ની પ્રાપ્તિ થશે. આ વાત પર વિશ્વાસ કરીને અનેક લોકો પોતાનાં ઘર છોડીને શાકાહોલા જંગલમાં રહેવા ગયા, તેમાં બાળકો પણ હતાં. ધીમે-ધીમે આ વિશ્વાસ મોતના એવા જાળમાં ફેરવાયો કે સેંકડો લોકોના જીવ ગયા.
આ ઘટનાનું કેન્દ્ર છે કેન્યાના દરિયાકાંઠાના વિસ્તારમાં આવેલું શાકાહોલા જંગલ. અહીં પૉલ ન્થેંગે મેકેન્ઝી નામના પાદરીએ પ્રભાવ જમાવ્યો હતો. 19 ઑક્ટોબર 2026ના રોજ કેન્યાની અદાલતે મેકેન્ઝી અને અન્ય 28 આરોપીઓને 190 બાળકો તથા એક પુખ્ત વ્યક્તિના મૃત્યુ સંબંધિત 191 હત્યાના કેસમાં દોષિત ઠેરવ્યા છે. આ ચુકાદો આ ઘટનામાં પોતાનાં સંતાનો અને સ્વજનો ગુમાવનાર લોકો માટે ખૂબ મહત્વપૂર્ણ છે. જોકે, કોર્ટે હજી આરોપીઓને દોષી જાહેર કર્યા છે હજી સજા સંભળાવી નથી, એટલે કે અંતિમ ચુકાદો આવવાનો બાકી છે.
કોણ છે પૉલ મેકેન્ઝી અને તેણે કેવી રીતે પાથરી ઈસુના નામે જાળ?
પૉલ મેકેન્ઝી કેન્યાનો એક પાદરી છે. તેણે 2003માં ગુડ ન્યૂઝ ઇન્ટરનેશનલ મિનિસ્ટ્રીઝ નામની ઈસાઈ સંસ્થા શરૂ કરી હતી. શરૂઆતમાં તે સામાન્ય સાંપ્રદાયિક ઉપદેશો આપતો હતો, પરંતુ સમય જતાં તેના વિચારો વધુ કટ્ટર બનતા ગયા. તે પોતાના અનુયાયીઓને કહેતો કે દુનિયામાં જે વ્યવસ્થાઓ છે, તેનાથી દૂર રહેવું જોઈએ અને ઈસુના માર્ગે ચાલવા માટે સમાજથી અલગ થવું જરૂરી છે.
મેકેન્ઝીનો પ્રભાવ માત્ર એક ચર્ચ પૂરતો સીમિત નહોતો. તેના સાંપ્રદાયિક નેટવર્કની કેન્યામાં અનેક શાખાઓ હતી. તે ટેલિવિઝન, યુટ્યુબ, સાંપ્રદાયિક સભાઓ અને અન્ય માધ્યમો દ્વારા પોતાના વિચારો લોકો સુધી પહોંચાડતો હતો. તેના ઉપદેશોમાં શિક્ષણ અને આધુનિક તબીબી સારવાર-વિરોધી વાતો પણ કરવામાં આવતી હતી. તેના અનુયાયીઓને એવું સમજાવવામાં આવતું કે શાળા અને હોસ્પિટલ જેવી સંસ્થાઓ ગોડના માર્ગમાં અવરોધ છે.
આ જ વાત આગળ જતાં અત્યંત જોખમી બની. જ્યારે કોઈ વ્યક્તિ પોતાના અનુયાયીઓને પરિવાર, શિક્ષણ, તબીબી સારવાર અને બહારની દુનિયાથી દૂર રહેવા કહે ત્યારે તેઓ બીજા લોકોની મદદથી પણ વંચિત થઈ શકે છે. મેકેન્ઝીના કિસ્સામાં પોલીસે આવી જ ઘટનાઓના પુરાવા રજૂ કર્યા હતા.
શાળા અને હોસ્પિટલને ગણાવી શેતાનની વ્યવસ્થા, અનુયાયીઓને જંગલમાં રહેવા બોલાવ્યા
મેકેન્ઝીના ઉપદેશોમાં એક મોટો દાવો એવો હતો કે દુનિયાનો અંત નજીક છે. તેના અનુયાયીઓને કહેવામાં આવતું કે ઈસુને મળવા અને હેવનમાં જવા માટે ઉપવાસ કરવો જરૂરી છે. આ ઉપદેશ ધીમે ધીમે સામાન્ય ઉપવાસથી આગળ વધીને જીવલેણ ભૂખમરા સુધી પહોંચી ગયો.
કેન્યાના માનવ અધિકાર પંચના અહેવાલ મુજબ, 2019માં મેકેન્ઝીની સંસ્થા શાકાહોલા વિસ્તારમાં ખસેડાઈ હતી. કેટલાક લોકોને ત્યાં સસ્તી અને ખેતીલાયક જમીન મળવાની આશા દેખાડવામાં આવી હતી. ત્યારબાદ અનુયાયીઓને બહારની દુનિયાથી અંતર બનાવી લીધું પરિણામે તેમના પર સાંપ્રદાયિક વિચારોનો પ્રભાવ વધવા લાગ્યો.
અહીંયા મેકેન્ઝીના અનુયાયીઓ ઝૂંપડાં જેવાં નાનાં મકાનો બાંધીને રહેવા લાગ્યા. વસાહતના અલગ-અલગ ભાગોને બાઇબલ સાથે જોડાયેલાં નામ આપવામાં આવ્યાં. અહીં પહોંચેલા લોકોને સામાન્ય જીવનથી દૂર રહેવાનું કહેવામાં આવ્યું અને પરિણામે બાળકો માટે મોટું જોખમ ઊભું થયું.
સૌથી પહેલાં બાળકોને ભૂખ્યા રાખવાની યોજના હોવાનો આરોપ
આ કેસનો સૌથી હૃદયદ્રાવક ભાગ બાળકો સાથે થયેલી ક્રૂરતા છે. તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, અંધવિશ્વાસમાં પાગલ બનેલા લોકોને ભૂખ્યા રાખવાની પ્રક્રિયા તબક્કાવાર ચલાવવામાં આવી હતી. પહેલાં બાળકો, ત્યારબાદ મહિલાઓ અને યુવાનો તથા અંતે અન્ય પુરુષોને ભૂખ્યા રાખવામાં આવતા હતા.
કેન્યાની અદાલતમાં રજૂ થયેલા પુરાવાઓ મુજબ, ઘણા બાળકોને ખાવાનું આપવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું. અમુક ઘટનાઓમાં તો બાળકોને સાવ અલગ રાખવામાં આવતાં હતાં. જે લોકો ઉપવાસના આદેશનું પાલન કરવા તૈયાર ન હોય, તેમની સાથે મારપીટ કરવી, બાંધી રાખવા જેવી ઘટનાઓના પુરાવા મળ્યા છે. આ સિવાય જે લોકો આ બધુ છોડીને બહાર જવા માંગે તેમને રોકવામાં આવતા અને તેમના પર ક્રૂરતા આચરવામાં આવતી હતી.
મેકેન્ઝીએ અદાલતમાં લોકોનાં મૃત્યુને લઈને એવી દલીલ કરી હતી કે તેના અનુયાયીઓ પોતાની ઇચ્છાથી ઉપવાસ કરતા હતા અને તેથી તેમના મૃત્યુ માટે કોઈને જવાબદાર ઠેરવી શકાય નહીં. જોકે કોર્ટે આવી કોઈ જ દલીલ સ્વીકારી નહોતી. વધુમાં ન્યાયાધીશે સ્પષ્ટ કર્યું કે બાળકો પાસે પોતાની જાતે આવો નિર્ણય લેવાની બુદ્ધિ હોતી નથી અને માતા-પિતાની ફરજ બાળકોના જીવનનું રક્ષણ કરવાની છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે કોઈ પંથની માન્યતાઓના નામે બાળકોના જીવનને જોખમમાં મૂકવું એ બિલકુલ અયોગ્ય છે.
2017માં જ પોલીસની નજરમાં આવ્યો હતો મેકેન્ઝી
નોંધનીય છે કે આ કિસ્સો એકદમ બની ગયો એવું નથી. આ પહેલાં પણ ઘણીવાર મેકેન્ઝીની આવી કરતૂતો પોલીસની નજરમાં આવી ચૂકી હતી. જોકે દર વખતે તે કોઈને કોઈ રીતે છૂટી જતો હતો. કેન્યાની નેશનલ કમિશન ઑન હ્યુમન રાઇટ્સના અહેવાલ પ્રમાણે માર્ચ 2017માં પોલીસ મેકેન્ઝીના માલિન્દી સ્થિત ઠેકાણે પહોંચી હતી. ત્યાં 43 બાળકો મળી આવ્યાં હતાં, જેઓ શાળામાં ભણતાં નહોતાં. ત્યારબાદ મેકેન્ઝી સામે બાળકોના શિક્ષણ અને કટ્ટર વિચારોને લગતા આરોપો હેઠળ કાર્યવાહી થઈ હતી. જોકે, આ કેસમાં તેને 2021માં નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો.
2019માં તેની ઈસાઈ સંસ્થા સામે ફરી કાર્યવાહી થઈ અને ચર્ચ બંધ કરાવવામાં આવ્યું. પરંતુ ત્યારબાદ મેકેન્ઝી શાકાહોલા જંગલમાં જતો રહ્યો. માનવ અધિકાર પંચના અહેવાલે પોલીસ અને વહીવટીતંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. અહેવાલ મુજબ, અગાઉથી મળેલી માહિતી અને ફરિયાદો પર સમયસર પગલાં લેવાયાં હોત તો અનેક લોકોના જીવ બચાવી શકાયા હોત.
આ રીતે શાકાહોલાની ઘટના માત્ર એક વ્યક્તિના ઉપદેશો અને અંધવિશ્વાસનો મામલો નથી. તેણે એ પણ ઉજાગર કર્યું કે જ્યારે કોઈ જૂથના લોકો સમાજથી અલગ રહેવા લાગે, બાળકો શિક્ષણથી વંચિત રહે અને બીમાર વ્યક્તિઓને સારવાર ન લેવા માટે સમજાવવામાં આવે ત્યારે સરકારી તંત્રની સમયસરની કાર્યવાહી કેટલી જરૂરી બની જાય છે.
માર્ચ 2023માં ખુલ્યો મોતનો ભયાનક ભેદ
શાકાહોલા જંગલમાં શું ચાલી રહ્યું હતું તેની જાણ બહારની દુનિયાને ધીમે ધીમે થઈ. માર્ચ 2023માં સ્થાનિક લોકોને ત્યાં બાળકો અને અન્ય લોકોનાં મૃત્યુ થયાં હોવાની જાણ થઈ. ત્યારબાદ પોલીસ સુધી માહિતી પહોંચી અને તપાસ શરૂ થઈ. એપ્રિલ 2023માં પોલીસને જંગલમાં અનેક લોકોના મૃતદેહો મળવા લાગ્યા. ત્યારબાદ સામૂહિક કબરો ખોદવાનું શરૂ થયું. તપાસકર્તાઓને સમજાયું કે આ કોઈ એકાદ વ્યક્તિના મૃત્યુનો મામલો નહોતો, પરંતુ સામૂહિક મૃત્યુ અને વ્યાપક અંધવિશ્વાસનો મામલો છે.
કેન્યાના માનવ અધિકાર પંચના અહેવાલ મુજબ, એપ્રિલથી ઑક્ટોબર 2023 દરમિયાન શાકાહોલા વિસ્તારમાંથી કુલ 429 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. તે જ અભિયાન દરમિયાન 67 પુખ્ત વ્યક્તિઓ અને 25 બાળકોને જીવતા બચાવવામાં આવ્યાં હતાં. મૃતદેહોની તપાસમાં ભૂખમરો, પાણીની અછત, ગળું દબાવવું અને માથામાં ઈજા જેવાં કારણો સામે આવ્યાં હતાં.
આ આંકડા સમગ્ર ઘટનાની ભયાનકતા દર્શાવે છે. જોકે, જંગલમાંથી મળેલા તમામ મૃતદેહો આ ચોક્કસ 191 હત્યાના કેસનો ભાગ નહોતા. 191 લોકોનાં મૃત્યુ સંબંધિત કેસમાં જ અદાલતે તાજેતરમાં ચુકાદો આપ્યો છે. અન્ય મૃત્યુ અંગે તપાસ અને અલગ કાર્યવાહી પણ ચાલી રહી છે.
મોમ્બાસા કોર્ટનો ચુકાદો
આ કેસમાં 19 ઑક્ટોબર 2026ના રોજ કેન્યાની મોમ્બાસા હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો. પૉલ મેકેન્ઝી સહિત કુલ 29 આરોપીઓને 191 હત્યાના ગુનાઓમાં દોષિત ઠેરવ્યા છે. આ મૃત્યુમાં 190 બાળકો અને એક પુખ્ત વ્યક્તિનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે જસ્ટિસ ડાયના કાવેડ્ઝા મોચાચેએ આઠ કલાકથી વધુ સમય સુધી ચુકાદો વાંચ્યો હતો.
અંતે કોર્ટે માન્યું કે આરોપીઓએ સાથે મળીને એવી વ્યૂહરચનાથી કામ કર્યું જેના પરિણામે બાળકો અને અન્ય લોકોનાં મૃત્યુ થયાં. ચુકાદા અનુસાર આ ઘટનાઓ સાંપ્રદાયિક અંધવિશ્વાસનું પરિણામ તો હતી જ, સાથે સાથે ગેરકાયદે કૃત્યો અને જવાબદારીઓનું પાલન ન કરવાને કારણે થયેલાં મૃત્યુ હતાં.
અદાલતે એ પણ ધ્યાનમાં લીધું કે મેકેન્ઝીના ઉપદેશો માત્ર જંગલમાં રહેતા લોકો સુધી મર્યાદિત નહોતા. તેની સંસ્થા સાંપ્રદાયિક સભાઓ, ટેલિવિઝન અને ઇન્ટરનેટ મારફતે લોકો સુધી પહોંચતી હતી. આ માધ્યમો દ્વારા તેના વિચારો દૂર દૂર સુધી ફેલાતા હતા.
મેકેન્ઝીએ ચુકાદા વિરુદ્ધ અપીલ કરવાની કરી વાત
જોકે મેકેન્ઝીએ એવી દલીલ કરી હતી કે તેણે કોઈને ભૂખ્યા રાખવા માટે મજબૂર નહોતા કર્યા કે બળજબરી પણ નહોતી કરી. પરંતુ અદાલતે રજૂ થયેલા પુરાવાઓના આધારે તેની દલીલ સ્વીકારી નહોતી. છતાં મેકેન્ઝીએ ચુકાદા સામે અપીલ કરવાની વાત કરી છે.
નોંધનીય છે કે આ ચુકાદા બાદ એવા ઘણા પરિવારોને ન્યાય મળ્યો છે જેમણે આ અંધવિશ્વાસનો ભોગ બનીને પોતાનાં બાળકો ગુમાવ્યાં હતાં. અહેવાલ અનુસાર સ્ટીફન મ્વિતી નામક વ્યક્તિએ આ કાવતરામાં ફસાઈને પોતાનાં છ બાળકો ગુમાવ્યાં હતાં. તેમની પૂર્વ પત્ની પણ આ કેસમાં દોષિત ઠરેલા લોકોમાં સામેલ છે. મ્વિતીએ ચુકાદા બાદ સંતોષ વ્યક્ત કર્યો હતો.
આ સિવાય બીજા એક પીડિત ફ્રાન્સિસ વાન્જેએ પોતાના પરિવારના આઠ સભ્યો ગુમાવ્યા હતા, જેમાં બે પૌત્રોનો સમાવેશ થતો હતો. જોકે ઘણા લોકોને હજુ પણ તેમના પરિવારના લોકોના મૃતદેહ મળ્યા નથી. કારણ કે ઘણા મૃતદેહો એટલા ખરાબ થઈ ગયા હતા કે તેમની ઓળખ કરવી મુશ્કેલ બની હતી. બાળકોના કુલ મૃતદેહોમાંથી માત્ર 26ની જ ઓળખ શક્ય બની છે.
નોંધનીય છે કે મેકેન્ઝી સામે હત્યાના કેસ સિવાય આતંકવાદ સંબંધિત, કટ્ટર વિચારો ફેલાવવા અને બાળકોના અધિકારોના ઉલ્લંઘન જેવા અન્ય કેસો પણ છે. આ 190 મૃત્યુ સિવાય પોલીસ કેન્યાના ક્વા બિનઝારો વિસ્તારમાં થયેલાં અન્ય 52 મૃત્યુ સાથે પણ તેનું કનેક્શન હોવાનું કહેવાઈ રહ્યું છે. સરકારનો આરોપ છે કે જેલમાં હોવા છતાં તેણે ઉપદેશોના માધ્યમથી લોકોને મૃત્યુ તરફ દોર્યા હતા.
શાકાહોલાની આ ઘટના એટલું ચોક્કસ સ્પષ્ટ કરે છે કોઈ પંથની આસ્થા એ વ્યક્તિગત બાબત છે. માત્ર પંથના નામે દાવા કરીને કે ‘હેવન’ની પ્રાપ્તિ માટે કોઈનો પણ જીવ જોખમમાં મૂકવાનો અધિકાર કોઇની પાસે નથી. ખાસ કરીને બાળકોના કિસ્સામાં માતા-પિતા, આગેવાનો અને સરકારની જવાબદારી વધુ વધી જાય છે.
જ્યારે કોઈ વ્યક્તિ લોકોને શિક્ષણ, સારવાર અને પરિવારથી દૂર રહેવાનું કહે, પોતાની વાતને જ અંતિમ સત્ય ગણાવે અને પ્રશ્ન પૂછનારાઓને ખોટા ઠેરવે ત્યારે સાવચેત થવું જરૂરી છે. કોઈ પણ સાંપ્રદાયિક કે સામાજિક જૂથમાં જોડાવા પહેલાં તેની વાતો, પ્રવૃત્તિઓ અને લોકો પર પડતી અસર વિશે સમજવું ખૂબ આવશ્યક છે.
કેન્યાની આ દુર્ઘટનામાં 400થી વધુ મૃતદેહો મળ્યા અને 191 હત્યાના કેસમાં 29 લોકો દોષિત ઠર્યા. આ આંકડાઓ પાછળ ઘણાના જીવન બરબાદ થઈ ચૂક્યા છે. તેથી આ માત્ર એક દેશની કોર્ટમાં ચાલેલા કેસની ઘટના નથી. આ ઘટના માનવીય જીવન, બાળકોના અધિકારો અને આવા ચર્ચ કે ઈસુ કે કોઈ પણ પંથમાં પ્રસરેલ અંધવિશ્વાસને ઉજાગર કરે છે.


