BBC સામેના 10 અબજ ડૉલરના માનહાનિ કેસમાં ડોનાલ્ડ ટ્રમ્પને હાજર રહેવા કોર્ટનો આદેશ, 11 ડિસેમ્બર સુધીમાં આપવું પડશે નિવેદન

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને બ્રિટિશ મીડિયા સંસ્થા BBC વચ્ચે ચાલી રહેલા 10 અબજ ડૉલરના (આશરે ₹88,000 કરોડથી વધુ) માનહાનિના કેસમાં નવો વળાંક આવ્યો છે. અમેરિકાની એક ફેડરલ કોર્ટે ટ્રમ્પને 11 ડિસેમ્બર, 2026 સુધીમાં કોર્ટમાં હાજર થઈને નિવેદન નોંધાવવા આદેશ આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે BBCના વકીલોએ આરોપ લગાવ્યો હતો કે ડોનાલ્ડ ટ્રમ્પ નિવેદનની પ્રક્રિયાને સતત પાછળ ધકેલી રહ્યા છે. બીજી તરફ, ટ્રમ્પના વકીલોનું કહેવું છે કે રાષ્ટ્રપતિ તરીકેની જવાબદારીઓ અને રાષ્ટ્રીય સુરક્ષાને લગતા મુદ્દાઓને કારણે તેઓ અગાઉની તારીખે હાજર રહી શક્યા નહોતા.

ટ્રમ્પે 11 ડિસેમ્બર સુધીમાં નિવેદન આપવું પડશે

હવે આ મામલે 22 ઑક્ટોબર, 2026ના રોજ અમેરિકાન મેજિસ્ટ્રેટ જજ એન્જોલિક લેટ્ટે આ આદેશ આપ્યો હતો.  BBCના વકીલ ચાર્લ્સ ટોબિને કોર્ટમાં જણાવ્યું હતું કે કેસની તપાસ અને પુરાવા એકત્ર કરવાની પ્રક્રિયા પૂરી થવામાં હવે ઝાઝો સમય નથી બાકી, છતાં ટ્રમ્પનું નિવેદન નોંધવાનું બાકી છે. વકીલે જણાવ્યા અનુસાર ટ્રમ્પે જ આ કેસ કર્યો હોવાથી તેમનું નિવેદન નોંધવું જરૂરી છે.

નોંધનીય છે કે પુરાવા એકત્ર કરવાની ડેડલાઇન 18 ડિસેમ્બર છે એટલે કોર્ટે ટ્રમ્પને 11 ડિસેમ્બર સુધીમાં નિવેદન આપવા કહ્યું છે. જો તેઓ આ આદેશનું પાલન નહીં કરે તો તેમનો કેસ રદ થવા સહિતની કાનૂની કાર્યવાહી થઈ શકે છે.

16 ઓક્ટોબરે નિવેદન આપવાનું હતું, પરંતુ ટ્રમ્પ હાજર રહ્યા નહોતા

અહેવાલ અનુસાર આ પહેલાં ટ્રમ્પે નિવેદન નોંધાવવા માટે 16 ઑક્ટોબરે સમય આપ્યો હતો. જોકે, ટ્રમ્પના વકીલોએ બાદમાં જણાવ્યું હતું કે દેશના મહત્વના મુદ્દાઓને કારણે તેઓ આ તારીખે હાજર રહી શકશે નહીં. આ બાબતને લઈને BBCના વકીલોએ કોર્ટમાં દલીલ કરી હતી કે ટ્રમ્પે નિવેદન આપવાનું ટાળ્યું હતું અને નવી તારીખ પણ આપી નહોતી.

બીજી તરફ ટ્રમ્પના વકીલોએ આ દાવા નકારીને જાન્યુઆરી 2027માં નિવેદન નોંધાવવાની શક્યતા રજૂ કરી હતી. જોકે, જજે આ રાહ જોવાની માગણી સ્વીકારવાને બદલે 11 ડિસેમ્બર સુધીની સમયમર્યાદા નક્કી કરી છે. આ સિવાય ટ્રમ્પના વકીલોએ વિનંતી કરી હતી કે તેમનું નિવેદન માત્ર કોર્ટ રિપોર્ટ દ્વારા નોંધવામાં આવે અને તેનું વિડીયો રેકોર્ડીંગ ન થાય.

જોકે કોર્ટે આ વિનંતી ફગાવી દીધી છે. કોર્ટે એવી શરત રાખી છે નિવેદનનો વિડીયો માત્ર બંને પક્ષના વકીલો જ જોઈ શકશે, સામાન્ય જનતા માટે આ વિડીયો તાત્કાલિક જાહેર કરવામાં નહીં આવે.

શું છે સમગ્ર કેસ?

આ સમગ્ર વિવાદ 6 જાન્યુઆરી, 2021ના રોજ ટ્રમ્પે આપેલા ભાષણ અને BBCના ‘પેનોરમા’ કાર્યક્રમમાં તેના સંપાદન સાથે જોડાયેલો છે. એ દિવસે ટ્રમ્પના સમર્થકો અમેરિકાની સંસદ ભવન કેપિટલ તરફ ગયા હતા અને ત્યાં હિંસક તોફાનો થયાં હતાં. એ સમયે અમેરિકી સંસદમાં 2020ની રાષ્ટ્રપતિ ચૂંટણીનાં પરિણામોને પ્રમાણિત કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી. આ ચૂંટણીમાં જો બાઇડન વિજેતા બન્યા હતા.

BBCએ 2024ની અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલાં ‘ટ્રમ્પ: અ સેકન્ડ ચાન્સ’ નામનો પ્રોગ્રામ બનાવ્યો હતો. તેમાં ટ્રમ્પના 6 જાન્યુઆરીના ભાષણના અલગ-અલગ ભાગોને જોડીને રજૂ કરવામાં આવ્યા હતા. આ વિડીયો એ રીતે રજૂ કરવામાં આવ્યો હતો કે જોનારાને એવું લાગે કે ટ્રમ્પે જ તેમના સમર્થકોને હિંસા કરવા ઉશ્કેર્યા હોય.

ટ્રમ્પની દલીલ છે કે BBCએ તેમના ભાષણના બે અલગ ભાગોને જોડ્યા હતા, જે મૂળ ભાષણમાં લગભગ 55 મિનિટના અંતરે બોલવામાં આવ્યા હતા. તેમના વકીલોનો આરોપ છે કે વિડીયો એડિટ કરતી વખતે ભાષણમાં શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાની અપીલ કરતા ભાગને પણ યોગ્ય રીતે રજૂ કરવામાં આવ્યો નહોતો.

વિવાદ વધ્યા પછી BBCએ સ્વીકાર્યું હતું કે આ એડિટેડ વિડીયોથી જોનારાને એવું લાગે કે ટ્રમ્પે જ હિંસા કરવા માટે સીધી અપીલ કરી હતી. વિવાદ વધતાં સંસ્થાએ આ પ્રોગ્રામ અંગે માફીનામું જાહેર કરવું પડ્યું હતું. આ સિવાય આ વિવાદ વચ્ચે BBCના ડિરેક્ટર જનરલ ટિમ ડેવી અને ન્યૂઝ વિભાગનાં વડાં ડેબોરા ટર્નેસના રાજીનામાં પડ્યાં હતાં.

જોકે, BBCએ માફી માગી હોવા છતાં ટ્રમ્પના માનહાનિના આરોપોને સ્વીકાર્યા નથી. સંસ્થાનું કહેવું છે કે એડિટિંગમાં થયેલી ભૂલના આધારે માનહાનિનો દાવો સાબિત થતો નથી. બીજી તરફ, ટ્રમ્પની ટીમનો દાવો છે કે આ વિડીયોના લીધે તેમની પ્રતિષ્ઠાને નુકસાન થયું અને 2024ની ચૂંટણીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

વિવાદ આગળ વધતાં ટ્રમ્પે ડિસેમ્બર 2025માં BBC સામે કેસ દાખલ કર્યો હતો. તેમાં તેમણે માનહાનિ માટે 5 અબજ ડૉલર અને ફ્લોરિડાના કાયદાના ઉલ્લંઘન માટે બીજા 5 અબજ ડૉલર, એટલે કે કુલ 10 અબજ ડૉલરના વળતરની માંગ કરી છે.

હવે આ કેસમાં આગળની કાર્યવાહી માટે ટ્રમ્પનું નિવેદન મહત્વનું છે. 11 ડિસેમ્બરની સમયમર્યાદા પહેલાં તેઓ જવાબ આપે છે કે નહીં અને BBC પોતાના બચાવમાં કયા પુરાવા રજૂ કરે છે તે અને કોર્ટ શું નિણર્ય આપે છે તે જોવું રહ્યું.