
13 ઑક્ટોબરે પ્રતિબંધિત જંતર-મંતરમાં ઘૂસી ગયેલા CJPના કોકરોચોને હવે ક્રાઇમ બ્રાન્ચનું તેડું આવ્યું છે. અહેવાલ અનુસાર 7 દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં રહ્યા બાદ સૌરવ દાસ અને આશુતોષ રાંકા 21 ઑક્ટોબરે જ તિહાડ જેલમાંથી બહાર આવ્યા હતા અને હવે ક્રાઇમ બ્રાન્ચે સમન્સ મોકલ્યા છે.
નોંધનીય છે કે 13 ઑક્ટોબરે ગેરકાયદે જંતર-મંતરમાં ઘૂસવા બદલ પોલીસે બંને કોકરોચો સહિત 14 જણા વિરુદ્ધ બે અલગ-અલગ FIR નોંધી હતી. બાદમાં આ બંને કેસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવ્યા હતા. હવે ક્રાઇમ બ્રાન્ચે 22 ઑક્ટોબરના રોજ સૌરવ દાસ અને આશુતોષ રાંકાને પૂછપરછ માટે બોલાવ્યા છે. આ સિવાય CJPના અજિંક્ય શિંદેને પણ ક્રાઇમ બ્રાન્ચની રાજૌરી ગાર્ડન કચેરીમાં હાજર રહેવા કહેવાયું છે.
શું હતો સમગ્ર મામલો?
ઉલ્લેખનીય છે કે 10 ઑક્ટોબરે જંતર-મંતર પર પ્રદર્શન કરવા પહોંચે એ પહેલાં જ પોલીસે અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ સહિતના કોકરોચોની અટકાયત કરી લીધી હતી. ત્યારબાદ 11 ઑક્ટોબરે આ લોકો 50,000ના પીસ બોન્ડ ભરીને જામીન પર બહાર આવ્યા હતા અને બહાર આવીને શાંતિ ભંગ થાય એવા કોઈ કારસ્તાન નહીં કરે એવી બાહેંધરી આપી હતી.
છતાં 13 ઑક્ટોબરે સૌરવ અને અશુતોષે બીજા 11 નમૂનાઓ સાથે પ્રતિબંધિત વિસ્તાર જંતર-મંતરમાં ગેરકાયદે પ્રવેશ કરી લીધો. ત્યારબાદ પોલીસે તેમની ધરપકડ કરી હતી અને 2 અલગ અલગ FIR નોંધી હતી. જેની તપાસ પછીથી ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. ધરપકડ બાદ કોર્ટે બંનેની 5 દિવસની કસ્ટડી મંજૂર કરી હતી. જોકે મુદત પૂરી થતાં SEMએ બીજા 2 દિવસની કસ્ટડી મંજૂર રાખી હતી. જેની વિરુદ્ધમાં કોકરોચોએ દિલ્હી હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.
પરંતુ દિલ્હી હાઇકોર્ટે બંનેને ગેરકાયદે જંતર-મંતરમાં ઘૂસવા બદલ ફટકાર લગાવી હતી. વધુમાં શાંતિ બોન્ડ ભરવાથી લઈને જામીનદારો અંગે ઊભા થયેલ પ્રશ્નો અંગે પણ ટકોર કરી હતી. આ સિવાય કોર્ટે ત્યાં સુધી કહી દીધું હતું કે તમે જેન-ઝીમાં નથી આવતા. કોર્ટ વધુ ઝાટકણી કાઢી અને કોઈ નવો આદેશ આપે તે પહેલાં જ બંને કોકરોચોએ અરજી પાછી ખેંચી લીધી હતી. હવે બંનેને ક્રાઇમ બ્રાન્ચનું તેડું આવ્યું છે. આ મામલે તપાસ આગળ વધતાં વધુ ખુલાસા થશે.

