દિલ્હીનાં હિંદુવિરોધી રમખાણોના UAPA કેસની એક આરોપી નતાશા નરવાલને પીએચડી માટેના રિસર્ચ વર્ક અને એકેડમિક કૉન્ફરન્સ માટે યુનાઇટેડ કિંગડમ જવા માટે દિલ્હી હાઇકોર્ટે પરવાનગી આપી છે. અગાઉ નીચલી કોર્ટે પરવાનગી રદ કરી દીધા બાદ નરવાલ હાઇકોર્ટ ગઈ હતી, જ્યાંથી તેને મંજૂરી મળી ગઈ છે.
નતાશા 2 નવેમ્બરથી 1 ડિસેમ્બર દરમ્યાન યુકે જશે. કોર્ટે તેને અમુક શરતો સાથે જવાની પરવાનગી આપી છે. જેમાં તેણે ₹1 લાખનો બોન્ડ ભરવો પડશે. સાથે તેના હરિયાણાના નિવાસી ભાઈને જામીન બનાવવામાં આવ્યો છે. કોર્ટે નતાશા પાસેથી લેખિતમાં માગ્યું છે કે તે સમયમર્યાદા પૂર્ણ થઈ ગયા બાદ ભારત પરત ફરશે અને યુકેમાં શરણ નહીં લે. પ્રાંત ફર્યાના 48 કલાકમાં તેણે પાસપોર્ટ ટ્રાયલ કોર્ટને પરત જમા કરાવવો પડશે.
દિલ્હી પોલીસે જોકે નતાશા નરવાલને વિદેશ જવાની પરવાનગી આપવાનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે જો તે પરત નહીં આવી તો યુકેના કાયદાઓ અને નિયમો જોતાં પ્રત્યાર્પણ બહુ કઠિન બની જશે. સાથે કહ્યું કે વિદેશ જવાની કોઈ જરૂરિયાત જણાતી નથી અને નતાશા ત્રણ વર્ષથી વર્ચ્યુઅલી કોર્સ કરી જ રહી છે.
કોર્ટે જોકે આ દલીલો ગ્રાહ્ય ન રાખી અને કહ્યું કે આર્ટિકલ 21 હેઠળ ‘રાઈટ ટૂ ટ્રાવેલ’ બાધિત કરી ન શકાય. ઉપરાંત સરકારના હાથ બંધાયેલા નથી. નિયમભંગની સ્થિતિમાં તેઓ કાર્યવાહી કરી શકે છે. ઉપરાંત ટ્રાયલ વર્ષો સુધી ચાલી શકે, એ કિસ્સામાં કોઈ વ્યક્તિને રોકી ન શકાય.
અગાઉ જોકે નીચલી કોર્ટે કહ્યું હતું કે વિદેશ જવું એ મૂળભૂત અધિકાર નથી અને નતાશા વિરુદ્ધ UAPAનો કેસ ચાલી રહ્યો છે એ પણ ધ્યાને લેવું જોઈએ. ત્યારબાદ તે હાઇકોર્ટ પહોંચી હતી.
નતાશા નરવાલ જે સ્કૂલ ઑફ ઓરિએન્ટલ એન્ડ આફ્રિકન સ્ટડીઝની મુલાકાત લેવા માગે છે તેનો હિંદુવિરોધી, ભારતવિરોધી પ્રવૃત્તિઓમાં લિપ્ત રહેવાનો રેકોર્ડ રહ્યો છે. આ સંસ્થા અમેરિકન રિજિમ ચેન્જ સ્પેશિયાલિસ્ટ અને ભારતવિરોધી પ્રવૃત્તિઓને તગડું ફન્ડિંગ કરવા માટે કુખ્યાત જ્યોર્જ સોરોસના ફન્ડિંગ પર ચાલે છે.
કોણ છે નતાશા નરવાલ?
નતાશાની પ્રવૃત્તિઓની વાત કરીએ તો તે ‘પિંજરા તોડ’ નામના એક ડાબેરી અંતિમવાદી જૂથની સહ-સ્થાપક છે. દિલ્હીનાં હિંદુવિરોધી રમખાણોના કેસમાં તેની સામે UAPA હેઠળ કેસ ચાલી રહ્યો છે. પિંજરા તોડની સ્થાપના 2015માં દિલ્હીની યુનિવર્સિટીઓ અને કોલેજોના હોસ્ટેલ કર્ફ્યૂના વિરોધ માટે કરવામાં આવી હતી, પરંતુ તેનો ફાર-લેફ્ટ એજન્ડા ક્યાંય છૂપો રહ્યો નથી.
નતાશા સામે દિલ્હીના સીલમપુરમાં પ્રદર્શનો યોજવાનો આરોપ છે. તેને પછીથી દિલ્હી પ્રોટેસ્ટ સપોર્ટ ગ્રુપ નામના એક વિવાદિત વોટ્સએપ ગ્રુપમાં પણ સામેલ કરવામાં આવી હતી. તે મુખ્ય ષડ્યંત્રકારીઓ અને જામિયા કૉ-ઓર્ડિનેશન કમિટી સાથે પણ સંપર્કમાં હતી તેવું પ્રોસિક્યુશને કોર્ટમાં જણાવ્યું હતું. મે 2020માં તેની ધરપકડ કરવામાં આવી હતી.
પછીથી ટ્રાયલ કોર્ટે નતાશાના જામીન પણ રદ કર્યા હતા અને નોંધ્યું હતું કે તેની સામેના આરોપો પ્રથમ દૃષ્ટિએ સાચા જણાય છે. 2021માં DPSG વોટ્સએપ ગ્રુપની તપાસને આધારે કોર્ટે કહ્યું હતું કે નતાશાએ મહિલાઓને રેડ ચિલી પાવડર સાથે રાખવા માટે અગાઉથી કહી રાખ્યું હતું જેથી ઘર્ષણની સ્થિતિમાં પોલીસ અને પેરામિલિટરી પર તેનો ઉપયોગ કરી શકાય. કોર્ટે ત્યારે એમ પણ કહ્યું હતું કે પ્રદર્શન કરવાનો અધિકાર છે પણ એ સંપૂર્ણ નથી અને અમુક નિયંત્રણો હોવાં જોઈએ.
જોકે જૂન 2021માં પછીથી કોર્ટે નતાશા અને ‘પિંજરા તોડ’ના અન્ય એક એક્ટિવિસ્ટને જામીન આપી દીધા હતા.

નતાશા નરવાલ અનેક ડાબેરી પ્રોપગેન્ડા ચલાવતાં પોર્ટલો માટે લખી ચૂકી છે. જેમાં એક ‘ધ વાયર’ પણ છે. ‘ન્યૂઝલોન્ડ્રી’ બીજું. આ બધા લેખોમાં હિંદુફોબિયા, હિંદુ પરંપરાઓ પ્રત્યેનો દ્વેષ ઉડીને આંખે વળગે છે.
અહીં ઉલ્લેખનીય છે કે 2019માં કેન્દ્ર સરકારે પસાર કરેલા નાગરિકતા સંશોધન કાયદા (CAA) વિરુદ્ધ દિલ્હીના શાહીનબાગમાં અડ્ડો જમાવીને પ્રદર્શનો કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ પ્રદર્શનોની આડમાં દિલ્હીમાં ફેબ્રુઆરી 2020માં હિંસા આચરવામાં આવી, જેમાં અનેક નિર્દોષ હિંદુઓનાં મોત થયાં હતાં.
પછીથી થયેલી તપાસમાં સામે આવ્યું હતું કે સીએએના વિરોધની આડમાં સુનિયોજિત ષડ્યંત્ર સાથે આ રમખાણો કરાવવામાં આવ્યાં હતાં. આ મામલે પછીથી દિલ્હી પોલીસે ઉમર ખાલિદ, શરજીલ ઇમામ સહિતના ષડયંત્રકારીઓની ધરપકડ કરી હતી અને UAPA હેઠળ કેસ દાખલ કર્યો હતો.
ઉમર અને શરજીલ હજુ જેલમાં બંધ છે અને સુપ્રીમ કોર્ટ પણ તેમના જામીન ફગાવી ચૂકી છે. બાકીના આરોપીને જાન્યુઆરી 2026માં કોર્ટે શરતી જામીન આપ્યા હતા.


