
વડોદરા શહેરના છાણી જકાતનાકા નજીક આવેલા TP-13 વિસ્તારમાં સ્થાનિક હિંદુ રહીશો રસ્તા પર ઉતર્યા છે. વિસ્તારમાં વધતી અશાંતિ અને ડેમોગ્રાફિક ચેન્જના આરોપો સાથે ‘ટીપી 13 સનાતની સંઘર્ષ સમિતિ’ના નેતૃત્વ હેઠળ 60થી વધુ સોસાયટીઓના 3,000થી વધુ રહીશોએ અકોટા સ્ટેડિયમથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી હતી. રહીશોએ વહીવટી તંત્રને આવેદનપત્ર પાઠવીને સમગ્ર TP-13 વિસ્તારને તાત્કાલિક અસરથી અશાંતધારા હેઠળ લાવવાની માંગ કરી છે.
સ્થાનિક સનાતની રહીશોનો આરોપ કે છેલ્લા કેટલાક સમયથી મુસ્લિમ સમુદાયના લોકો વિસ્તારની મોંઘી મિલકતો ઊંચા ભાવે ખરીદીને જાણીજોઈને ડેમોગ્રાફી બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે. હિંદુ વસ્તી ધરાવતી સોસાયટીઓ અને કોમર્શિયલ સ્કેપમાં ધીમે-ધીમે ડેમોગ્રાફી બદલીને સ્થાનિક શાંતિ ડહોળવાની કોશિશ થઈ રહી છે.
છેલ્લાં 25 વર્ષથી શાંતિપૂર્ણ વાતાવરણમાં રહેતા સ્થાનિકોએ ચીમકી આપી છે કે જો તંત્ર તેમના ધાર્મિક અને સામાજિક હિતોનું રક્ષણ કરવા પગલાં નહીં લે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આવેદનપત્રમાં સ્થાનિકોએ ઉલ્લેખ કર્યો છે કે હોમાઈ વ્યારાવાલા ઉદ્યાન ખાતે હિંદુ મહિલાઓ અને દીકરીઓ સાથે અસભ્ય વર્તન તથા છેડતીના બનાવો વધી રહ્યા છે.
આ ઉપરાંત દક્ષિણામૂર્તિ સોસાયટીના કોમન પ્લોટમાં ગેરકાયદેસર દુકાનો ઊભી કરવાના પ્રયાસો, ડિંગ ડોંગ ચોકડી પાસે ગણેશ મહોત્સવ જેવા હિંદુ તહેવાર દરમિયાન કરાયેલો પથ્થરમારો અને વેદા સ્કીમ પાસે બહારથી પોતાના સાગરીતોને લાવીને કરાયેલી મારામારી જેવી અસામાજિક પ્રવૃત્તિઓએ રહીશોમાં ભારે ભય અને આક્રોશ વ્યાપ્યો છે.
રહીશોના સ્થાનિક સરવે મુજબ મારુતીધામ, આકાશ, સારથી કોમ્પ્લેક્સ, પામ એવન્યુ, કાન્હા પ્લેટિનમ અને જય માતાજી ટાઉનશીપ જેવી કોમર્શિયલ મિલકતો તેમજ વેદા સ્કીમ, સંસારા સ્કીમ અને સારથી ફ્લેટ જેવા રહેણાંક વિસ્તારોમાં ખરીદ-વેચાણ અને ભાડાપટ્ટાના માધ્યમથી લઘુમતી ઘૂસણખોરી અને ડેમોગ્રાફી બદલાઈ રહી છે. આરોપ છે કે 80થી વધુ સોસાયટીઓ અને ફ્લેટ ધરાવતા આ વિસ્તારમાં 10,000થી વધુ હિંદુઓ વસવાટ કરે છે, જેમના અસ્તિત્વ અને મિલકતોના મૂલ્ય સામે હવે સીધું જોખમ ઊભું થયું છે.
ગુજરાત સરકારના અશાંતધારા કાયદા મુજબ કોઈ પણ નિર્દિષ્ટ વિસ્તારમાં મિલકતનું ખરીદ-વેચાણ કે ટ્રાન્સફર કલેક્ટરની પૂર્વ મંજૂરી વગર થઈ શકતું નથી. તેથી જ TP-13ના સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે કાયદાકીય પગલાં લઈને તેમના વિસ્તારની ડેમોગ્રાફી અને સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે.

