હોમપેજમંતવ્યસંસદ, સુપ્રીમ અને સેપરેશન ઑફ પાવર: કાયદાઓની ન્યાયિક સમીક્ષા માટે ક્યાં સુધી...

સંસદ, સુપ્રીમ અને સેપરેશન ઑફ પાવર: કાયદાઓની ન્યાયિક સમીક્ષા માટે ક્યાં સુધી જઈ શકે કોર્ટ?

ન્યાયિક સમીક્ષા હેઠળ કોર્ટનું કામ માત્ર એ જોવાનું છે કે કાયદો બંધારણને અનુરૂપ છે કે કેમ. કાયદો સારો છે કે હજુ સારો થઈ શકે કે કેમ એ જોવાનું કામ કોર્ટનું નથી કે ન કોર્ટના અધિકારક્ષેત્રમાં એ આવે છે.

- Advertisement -

બંધારણીય લોકશાહીના પાયાના સિદ્ધાંતોમાં ‘સેપરેશન ઑફ પાવર’ એટલે કે સત્તાના વિભાજનનો સિદ્ધાંત છે. સંસદ કાયદાઓ ઘડે છે, કારોબારી અમલીકરણ કરાવે છે અને ન્યાયતંત્ર બંધારણનું અર્થઘટન કરીને ન્યાય તોળે છે. ત્રણેય સંસ્થાઓ સદંતર સ્વતંત્ર રહીને પોતપોતાનું કામ કરતી રહે એ પણ સિદ્ધાંતનો મૂળભાવ નથી. આખરે દરેકની ભૂમિકાઓ એક તબક્કે એકબીજાને સ્પર્શતી હોય છે, પણ મૂળ સિદ્ધાંત બહુ સ્પષ્ટ છે– દરેકની પોતાની ભૂમિકા છે. એક સંસ્થાની સત્તા ધીમે-ધીમે બીજીના કામમાં બદલાઈ જવી ન જોઈએ.

એ જ કારણ છે કે ન્યાયિક સમીક્ષા પણ બંધારણીય માળખાનો એક અગત્યનો હિસ્સો છે. બંધારણ સર્વોચ્ચ છે અને તેનાથી ઉપર કોઈ નથી એ વારંવાર કહેવાતું રહે છે. આ ‘કોઈ નથી’માંથી સંસદ પણ બાકાત નથી. એટલે કોઈ કાયદો મૂળભૂત અધિકારોથી વિપરીત દિશામાં જતો હોય કે બંધારણની મર્યાદા પાર કરતો હોય તો તેની સમીક્ષા કરવાનો અધિકાર, તપાસ કરવાનો અધિકાર કોર્ટ પાસે હોય એ આવશ્યક છે.

પરંતુ અહીં પ્રશ્ન એ છે કે સંસદના કાયદાની ન્યાયિક તપાસ થાય તો એ ક્યાં સુધી અને કઈ મર્યાદા સુધી થઈ શકે.

- Advertisement -

ભૂતકાળમાં અનેક વખત બન્યું છે અને વર્તમાન શાસનવ્યવસ્થા હેઠળ આ પ્રથાના અમલમાં ધરખમ વધારો થયો છે. સંસદ કાયદો પસાર કરે છે. વિપક્ષ ત્યાં અડચણ ન નાખી શકે અને જો કાયદો બની જાય તો આગલું હથિયાર તૈયાર જ હોય છે. ઇકોસિસ્ટમમાંથી કોઈ એક અંગ આગળ આવીને કોર્ટમાં અરજી નાખી દે છે. વકીલો કેસ લડવા તૈયાર હોય છે. કાયદો કોર્ટના દ્વારે પહોંચી જાય છે અને ફરીથી એક આખું ચક્ર ચાલે છે. કાયદાની સમીક્ષા થાય છે, સરકારને સવાલો થાય છે, સરકારે ફરીથી એ જ બાબતો સમજાવવી પડે છે અને તેમાં અનેક સંસ્થાઓનાં સમય-શક્તિ વપરાય છે.

હમણાં સુપ્રીમ કોર્ટે આવી જ એક અરજી પર ખંડિત ચુકાદો આપ્યો. ચૂંટણી પંચના મુખ્ય કમિશનર અને બાકીના બે કમિશનરોની નિમણૂક માટે કેન્દ્ર સરકારે 2023માં બનાવેલા એક કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.

પૃષ્ઠભૂમિ એ છે કે 2023માં સુપ્રીમ કોર્ટે ઇલેક્શન કમિશનમાં નિમણૂકો માટે કોઈ કાયદો ન હોવાનું અવલોકન કરીને કામચલાઉ વ્યવસ્થા માટે કમિશનરોની નિમણૂક માટે એક સમિતિ બનાવી હતી. સમિતિમાં વડા પ્રધાન, વિપક્ષ નેતા અને ભારતના મુખ્ય ન્યાયાધીશ એમ ત્રણ સભ્યોને રાખવામાં આવ્યા. આ સમિતિનું કામ ચીફ ઈલેક્શન કમિશનર અને બાકીના બે કમિશનરોની પસંદગી કરવાનું અને નિમણૂક કરવાનું હતું.

જે-તે સમયે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે સરકાર સંસદમાંથી કાયદો પસાર ન કરે ત્યાં સુધી આ વ્યવસ્થા ચાલુ રહેશે. ત્યારબાદ તે જ વર્ષે સરકારે સંસદમાં એક બિલ લાવીને તેને પસાર કરાવીને કાયદો બનાવ્યો. આ કાયદો એટલે ચીફ ઈલેક્શન કમિશનર એન્ડ અધર કમિશનર્સ એક્ટ, 2023.

આ કાયદા હેઠળ પણ એક સમિતિ બનાવવામાં આવી પરંતુ તેમાં ત્રીજા સભ્ય તરીકે મુખ્ય ન્યાયાધીશને સ્થાને કેન્દ્ર સરકારના એક મંત્રી, જેની પસંદગી વડા પ્રધાન કરે, તેમને સ્થાન આપવામાં આવ્યું. વિપક્ષ નેતાનું સ્થાન યથાવત હતું.

આ કાયદા સામે 2024માં ફરી સુપ્રીમ કોર્ટ સમક્ષ અરજી થઈ પણ કોર્ટે રોક લગાવવાની ના પાડી અને કોઈ પણ જોગવાઈને ગેરબંધારણીય પણ ન ગણી. કોર્ટે કહ્યું કે CJIને ફરીથી સિલેક્શન કમિટીમાં સામેલ કરવાનો આદેશ ન આપી શકાય કારણ કે તેનાથી સંસદે બનાવેલો કાયદો કોર્ટ બદલી નાખે એવું થશે.

તેમ છતાં ફરીથી કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી અને આ વખતે કહેવામાં આવ્યું કે સમિતિમાં ત્રણ સભ્યો હોય છે અને તેમાંથી વડા પ્રધાન અને તેમના એક મંત્રી હોવાના કારણે સરકારનું વધુ વજન પડે છે અને તેઓ બહુમતીએ નિર્ણય લઈ શકે છે.

આ મામલે પછીથી સરકારે કોર્ટને કહ્યું કે કેસને પાંચ જજોની બેન્ચ સમક્ષ મોકલવો જોઈએ. આ મુદ્દે આખરે સુપ્રીમ કોર્ટની બે જજની બેન્ચના બંને જજો વચ્ચે અલગ મત હતા. આખરે તેમણે પાંચ જજો સમક્ષ મામલો મોકલી આપ્યો. હવે પાંચ જજો આ મુદ્દે ફરી એક વખત તમામ સુનાવણી કરશે.

સુપ્રીમ કોર્ટે ભલે મહોર લગાવી, પ્રશ્ન એ છે કે નીતિગત નિર્ણય ફરીથી કસોટીએ કેમ ચડ્યો?

ભૂતકાળમાં પણ સંસદે બનાવેલા અનેક કાયદાઓ આ રીતે સુપ્રીમ કોર્ટમાં કસોટીની એરણ પર ચડી ચૂક્યા છે અને વર્ષો સુધી સુનાવણીઓ ચાલી છે. કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને પણ કોર્ટમાં પડકાર અપાયો હતો અને ઘણો સમય તેની ઉપર સુનાવણી ચાલી.

આખરે ભલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના નિર્ણય પર મહોર લગાવી દીધી, પણ પ્રશ્ન એ થવો જોઈએ કે આખરે આ નીતિગત નિર્ણય, જે રાષ્ટ્રસુરક્ષા માટે લેવામાં આવ્યો હતો, નિર્ણય લેવા પાછળનાં તમામ કારણો સરકાર સંસદમાં સમજાવી ચૂકી હતી, તેનાં વર્ષો સુધી કોઈ દુષ્પરિણામો ન આવ્યાં, તેને ફરીથી કોર્ટમાં લઈ જઈને સમીક્ષા કરવાની જરૂર શું પડે. તેની ઉપર આટલી ઊંડાણપૂર્વક ન્યાયિક સમીક્ષા કરવાની વાત ક્યાંથી આવે. પ્રશ્ન જો બંધારણ સાથે જોડાયેલો અને ગંભીર હોય તો જુદી વાત છે. પણ અહીં એવું ન હતું.

આ જ રીતે સરકારે રાજકીય પક્ષોને મળતા દાન મુદ્દે પારદર્શિતા આવે એ માટે ઇલેક્ટોરલ બોન્ડની વ્યવસ્થા કરી હતી. આ નિર્ણયને પણ સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો. આખરે કોર્ટે બરાબર ચૂંટણી પહેલાં આ વ્યવસ્થાને ગેરબંધારણીય જાહેર કરી દીધી અને ઈલેક્ટોરલ બોન્ડ ખરીદનારાઓનાં નામો જાહેર કરવા માટે કહ્યું.

પાયાનો પ્રશ્ન એ છે કે સંસદે પસાર કરેલા દરેક અગત્યના કાયદાએ ફરીથી કેમ કસોટીમાંથી પસાર થવું પડે છે. સરકારે કેમ વારંવાર સ્પષ્ટતા આપવાની જરૂર પડે છે? માત્ર એટલા માટે કારણ કે ઇકોસિસ્ટમની કોઈ સંસ્થા કે કોઈ એનજીઓ માત્ર એક અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી દે અને ત્યાં તત્પર બેઠેલા ન્યાયાધીશો તેની ઉપર લાંબી સુનાવણી કરવા તૈયાર થઈ જાય.

સંસદ બંધારણથી ઉપર નથી, પણ કોર્ટ સંસદનો વિકલ્પ પણ નથી

એ વાત સાચી કે સંસદે બનાવેલો કાયદો ન્યાયિક સમીક્ષામાંથી મુક્ત ન હોવો જોઈએ, પણ તેનો અર્થ એ પણ નથી કે સંસદ જાણે માત્ર ડ્રાફ્ટ બનાવતી સંસ્થા તરીકે કામ કરે અને તેને સમાનાંતર પ્રક્રિયા કોર્ટમાં પણ ચાલુ થાય અને કોર્ટની મહોર લાગે ત્યારબાદ જ કાયદાને અંતિમ માનવામાં આવે.

કહેવાની વાત એટલી છે કે ન્યાયિક સમીક્ષા હેઠળ કોર્ટનું કામ માત્ર એ જોવાનું છે કે કાયદો બંધારણને અનુરૂપ છે કે કેમ. કાયદો સારો છે કે હજુ સારો થઈ શકે કે કેમ એ જોવાનું કામ કોર્ટનું નથી કે ન કોર્ટના અધિકારક્ષેત્રમાં એ આવે છે. કોઈ બાબત સર્વશ્રેષ્ઠ હોતી નથી, તેમાં સુધારાને અવકાશ હોય જ છે. પણ તેનો અર્થ એ નથી કે કોર્ટ એ કામ હાથ પર લઈ લે.

એવું પણ સ્વાભાવિકપણે ન થઈ શકે કે સંસદ સર્વોચ્ચ બને અને તેના નિર્ણયોની સમીક્ષા ન થઈ શકે. પરંતુ તેનો જવાબ જ્યુડિશિયલ સુપ્રીમસીમાં પણ નથી કે કોર્ટ સુપર સંસદ બની જાય એ પણ શક્ય નથી. ન્યાયતંત્ર એવી લેજિસ્લેટિવ ચેમ્બર ન બની શકે જ્યાં સંસદે પસાર કરેલો દરેક કાયદો અંતિમ માન્યતા મેળવવા ફરીથી અમુક પ્રક્રિયાઓમાંથી પસાર થાય.  

સેપરેશન ઑફ પાવરની વાત કરતી વખતે એ પણ જોવાનું રહે કે કોઈ એક સંસ્થા સત્તાનું અતિશય કેન્દ્રીકરણ ન કરે. સંસદ અને ન્યાયતંત્ર બંને માટે આ બાબત સમાન રીતે લાગુ પડે છે. સંસદ બંધારણથી ઉપર ન જઈ શકે, પણ ન્યાયતંત્ર સંસદનો વિકલ્પ પણ બની શકે તેમ નથી.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં